હનીપ્રીત હરિયાણા પોલીસની શરણે આવી ગઈ; તે એક મહિનાથી ફરાર હતી

ચંડીગઢ – બળાત્કારના ગુનાસર 20 વર્ષ માટે જેલમાં મોકલી દેવાયેલા નકલી બાબા ગુરમીત રામ રહીમ સિંહની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન આજે હરિયાણાની પોલીસને શરણે આવી ગઈ છે. પોલીસે એને કસ્ટડીમાં પૂરી દીધી છે અને એને આવતીકાલે હરિયાણાના પંચકુલા શહેરની ટ્રાયલ કોર્ટમાં હાજર કરશે.

હનીપ્રીતને ઝીર્કાપુર-પટિયાલા હાઈઆવે પરથી આજે પંજાબ પોલીસે પકડી હતી અને હરિયાણા પોલીસને હવાલે કરી હતી.

36 વર્ષની હનીપ્રીતનું સાચું નામ પ્રિયંકા તનેજા છે. હનીપ્રીત 2009ની સાલથી રામ રહીમની ગાઢ સહયોગી રહી છે.

બળાત્કારના બે કેસમાં રામ રહીમને ગઈ 25 ઓગસ્ટે સ્થાનિક કોર્ટે દોષી પૂરવાર કર્યા બાદ હરિયાણા, પંજાબ તથા દિલ્હીના જુદા જુદા ભાગોમાં મોટા પાયે ફાટી નીકળેલી હિંસા બાદ હનીપ્રીત ભૂગર્ભમાં ચાલી ગઈ હતી. હરિયાણા પોલીસે હિંસા ભડકાવવા બદલ હનીપ્રીત તથા ડેરા સચ્ચા સૌદા સંપ્રદાયના સભ્યો સામે ફરિયાદ નોંધી હતી.

કોર્ટે રામ રહીમને અપરાધી જાહેર કર્યા બાદ હરિયાણાના પંચકુલા અને સિરસા શહેરોમાં ખૂબ હિંસા ફાટી નીકળી હતી. એમાં 38 જણનાં જાન ગયા હતા અને 264 જણ ઘાયલ થયા હતા.

હનીપ્રીતે ભૂગર્ભમાંથી ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી નોંધાવી હતી, પણ દિલ્હીની હાઈકોર્ટે તે નકારી કાઢી હતી.

એવા અહેવાલો હતા કે હનીપ્રીત રામ રહિમને જેલમાં મોકલી દેવાયા બાદ નેપાળ ભાગી ગઈ હતી.

આજે પોલીસને શરણે આવતા પહેલાં એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં હનીપ્રીતે કહ્યું હતું કે હું ભારતમાં જ છું, નેપાળ ગઈ નથી.

બળાત્કારના બે કેસમાં રામ રહીમને કોર્ટે રૂ. 30 લાખનો દંડ પણ ફટકાર્યો છે.