યાત્રાધામ શિર્ડીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ઉદઘાટન, પહેલી ફ્લાઈટ મુંબઈ રવાના થઈ

શિર્ડી (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્ર રાજ્યના અને દેશનાં પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી ખાતે એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. એહમદનગર જિલ્લામાં આવેલા શિર્ડીમાં નવા બંધાયેલા એરપોર્ટની આજે લોકાર્પણ વિધિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંપન્ન કરી હતી. આ સાથે જ દુઃખીઓનાં બેલી એવા સાઈબાબાના સમાધી સ્થળ મંદિર માટે જગપ્રસિદ્ધ આ યાત્રાધામ ખાતેથી વિમાન સેવાનો આરંભ થયો છે.

સવારે 10.30 વાગ્યે શિર્ડી એરપોર્ટ પર ઉતરાણ કરનાર સૌપ્રથમ વિમાન રાષ્ટ્રપતિ કોવિંદનું હતું, જેઓ નવી દિલ્હીથી આવી પહોંચ્યા હતા.

શિર્ડીમાં એરપોર્ટ શરૂ થવાથી રાજ્યના આર્થિક પાટનગર મુંબઈથી શિર્ડી માત્ર 40 મિનિટમાં પહોંચી શકાશે. શિર્ડી યાત્રાધામ મુંબઈથી આશરે 238 કિ.મી. દૂર આવેલું છે.

શિર્ડીથી મુંબઈ ઉપરાંત દિલ્હી, ભોપાળ તથા અન્ય અમુક શહેરો માટે વિમાન સેવા શરૂ કરવાનું નક્કી કરાયું છે, પણ હાલપૂરતું શિર્ડીથી મુંબઈ વિમાન સેવા ઉપલબ્ધ થશે. ધીમે ધીમે અન્ય શહેરો સુધી એ સેવા લંબાવવામાં આવશે.

આજે અહીંથી રવાના કરાયેલી પહેલી ફ્લાઈટ મુંબઈ માટેની હતી – એલાયન્સ એરની. રાષ્ટ્રપતિ કોવિંદે લીલી ઝંડી બતાવીને ફ્લાઈટને રવાના કરાવી હતી. એ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, કેન્દ્રીય સિવિલ એવિએશન પ્રધાન અશોક ગજપતિ રાજુ, મહારાષ્ટ્રના મુુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, રાષ્ટ્રપતિ કોવિંદનો આજે 71મો જન્મદિવસ છે.

એક સાથે આવેલી રજાઓ અને વિજયાદશમીના મુહૂર્તને લીધે હજારો ભાવિકો સાઈબાબાના દર્શન માટે શિર્ડી આવ્યા છે.

દેશભરમાંથી આવેલા લાખો ભાવિકોને દર્શનનો લાભ મળી રહે એ માટે સાઈ મંદિર ગઈ કાલે આખી રાત ચાલુ રાખવામાં આવ્યું હતું.

શિર્ડી સ્થિત સાઈબાબા મંદિર સાઈબાબાના મહાનિર્વાણનું 100મું વર્ષ મનાવી રહ્યું છે એ અવસરે તેમજ વિજયાદશમીના તહેવારને ધ્યાનમાં લઈને શિર્ડીના એરપોર્ટનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

શિર્ડી એરપોર્ટે ગયા મહિને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) સંસ્થા પાસેથી કમર્શિયલ વિમાનસેવા શરૂ કરવા માટેનું એરોડ્રોમ લાઈસન્સ હાંસલ કર્યું હતું.

યાત્રાધામ શિર્ડીમાં દરરોજ આશરે 60 હજાર લોકો સાઈબાબા મંદિરે દર્શન કરવા આવતા હોય છે. આમાંના 10-12 ટકા લોકો વિમાન સેવાનો લાભ લે એવો એરપોર્ટ સત્તાવાળાઓનો અંદાજ છે.

એરોડ્રોમનું માલિકીપણું અને વિકાસની જવાબદારી મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (MADC)એ પોતાને હસ્તક લીધી છે.