Home Blog Page 5620

વ્યંગચિત્રો ભેટમાં આપીને રાજ ઠાકરેએ ઉજવ્યો બિગ બીનો જન્મદિવસ

બોલીવૂડના મહાનાયક આજે એમનો ૭૫મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા અને મહારાષ્ટ્રના રાજકારણના વગદાર નેતા રાજ ઠાકરેએ અમિતાભને સોશિયલ મિડિયા પર અનોખી રીતે બર્થડે વિશ કર્યું છે.

રાજ ઠાકરેએ ૧૯૭૦થી લઈને ૨૦૧૭ સુધીના વર્ષો દરમિયાન અમિતાભ બચ્ચનની ફિલ્મી સફરને તાદ્દશ કરતા ૬ વ્યંગચિત્રો દોર્યાં છે અને આ ચિત્રો એમણે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને મેગાસ્ટારને જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ તરીકે પ્રસ્તુત કર્યા છે.

રાજ ઠાકરેનું માનવું છે કે અમિતાભ બચ્ચને એમની આગવી સ્ટાઈલ અને ખૂબી-ખાસિયત દ્વારા હિન્દી સિનેમાને નવી પરિભાષા આપી છે. એમણે અભિનય, કથાવસ્તૂ, સંગીત એમ, બધી જ રીતે હિન્દી ચલચિત્ર જગતમાં આમૂલ પરિવર્તન લાવી દીધું હતું.

રાજે એમની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે વીતી ગયેલા દાયકાઓમાં સિનેમામાં ઘણા અભિનેતાઓ પોતપોતાની રીતે એક આગવી છાપ ઊભી કરી હતી અને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી હતી, પરંતુ સમયનાં વહેણમાં એમની એ છાપ ઝાંખી પડતી ગઈ. તે છતાં, અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા આજે પણ કાયમ રહી છે.

૫૦ વર્ષો સુધી પથરાયેલી સુદીર્ઘ કારકિર્દીમાં અમિતાભ બચ્ચને રૂપેરી પડદા પર અનેક પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે અને એમાંના ઘણાં આજે પણ દર્શકોનાં મન પર અંકિત થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે અચ્છા કાર્ટૂનિસ્ટ પણ છે. આ કળા એમણે એમના સ્વર્ગીય કાકા અને શિવસેના પાર્ટીના સ્થાપક બાલ ઠાકરે પાસેથી પ્રાપ્ત કરી હતી.

સ્પોર્ટ્સમાં ગર્લ્સની ભૂમિકા અંગે ચર્ચા

નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ડે ઓફ ધી ગર્લ ચાઈલ્ડ નિમિત્તે જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકર, મિથાલી રાજ, રાસપ્રીત સિઘુ, રાગીણી શર્મા અને માના માન્ડેકલરે ‘ધી રોલ ઓફ સ્પોર્ટસ ઈન ધી એમ્પાવરમેન્ટ ઓફ ગર્લ્સ’ પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો.

કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીરના રાજ્યપાલ એન.એન.વોરાએ રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી અને કશ્મીરની સ્થિતી અંગે ચર્ચા કરી હતી.

શેરબજારમાં ઊંચા મથાળે ભારે વેચવાલી, સેન્સેક્સ 90 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂની તેજી પછી નરમાઈ રહી હતી. બપોર પછી યુરોપિયન સ્ટોક માર્કેટ નેગેટિવ હતા, અને અમેરિકી સ્ટોક માર્કેટના ફયુચર માઈનસ હતા. સાથે નોર્થ કોરિયા પર અમેરિકાના બોમ્બર્સ ઉડી રહ્યા હોવાના સમાચાર વચ્ચે ભારતીય શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જેથી શેરબજાર ઊંચા મથાળેથી પટકાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 90.42(0.28 ટકા) ઘટી 31,833.99 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 32.15(0.32 ટકા) ઘટી 9984.80 બંધ થયો હતો.

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે તંગદિલી વધી છે, જે સમાચાર પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ પણ શરૂની મજબૂતી પછી નરમ રહ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ હતા. ભારતીય શેરબજાર છેલ્લા ત્રણચાર દિવસ એકતરફી વધી રહ્યું હતું, જેથી પ્રત્યાઘાતી ઘટાડો આવવાની અપેક્ષા હતા. જે મુજબ આજે સેન્સેક્સ 32,000 અને નિફટી 10,050ની ઉપર જતાં તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગની તક ઝડપી હતી, અને શેરોની જાતેજાતમાં વેચવાલી કાઢી હતી. પરિણામે સેન્સેક્સ ઊંચા મથાળેથી 329 પોઈન્ટ અને નિફટી 115 પોઈન્ટ તૂટ્યા હતા. – આજે ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, મેટલ અને પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા.

  • જો કે નરમ બજાર પણ આઈટી, ઓઈલ, ગેસ અને ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી જોવાઈ હતી.
  • રોકડાના શેરોમાં એકતરફી તેજી થયા પછી આજે પ્રોફિટબુકિંગ આવ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 131.09 માઈનસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 181.74 ગબડીને 16,710 બંધ થયો હતો.
  • નાણાપ્રધાન અરૂણ જેટલીએ અમેરિકામાં કહ્યું હતું કે નોટબંધી અને જીએસટીથી જ ઈકોનોમીમાં તેજી આવશે અને જીડીપી ગ્રોથ વધશે. નોટબંધીથી બ્લેકમનીને સમાપ્ત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અમેરિકી રોકાણકારોને વિશ્વાસ આપ્યો હતો કે આવનારા દિવસોમાં જીએસટીની પ્રક્રિયાને સરળ કરાશે.
  • આઈએમએફે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે.
  • લક્ષ્મી વિલાસ બેંકનો નફો 84 ટકા ઘટ્યો હતો.

ચીનને પાછળ છોડીને તેજીથી વધશે ભારતની ઈકોનોમીઃ IMF

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટ અનુસાર 2018માં ભારત વિશ્વમાં સૌથી વધારે તેજીથી વધી રહેલી અર્થવ્યવસ્થાનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરી શકે છે, જ્યારે ચીનનો વિકાસ દર 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આઈએમએફએ જણાવ્યું કે જરૂરી આર્થિક સુધારાઓના કારણે ભારતના આર્થિક વિકાસમાં જોરદાર તેજી આવશે. જો કે આઈએમએફે વર્ષ 2017 માટે ભારતનો અનુમાનિત વિકાસદર ઘટાડીને 6.7 ટકા કરી દીધો હતો.

આર્થિક ગ્રોથ 8 ટકા રહેવાનું અનુમાન

  • ભારતના સ્થાનિક માર્કેટનું એકીકરણ કરનારા જીએસટી જેવા સુધારાઓથી વિકાસદરમાં આવનારા સમયમાં તેજી આવશે અને તે 8 ટકાને પાર કરી શકશે.
  • આઈએમએફને આશા છે કે આવનારા દિવસોમાં મોદી સરકાર રીફોર્મની ગાડીને વધારે તેજ કરશે.
  • તો આ સાથે જ બિઝનેસ માટે અનુકૂળ માહોલ બનાવવા માટે શ્રમસુધાર અને ભૂમિસુધારના કાયદાઓને પણ લાગુ કરવામાં આવશે.

ગુજરાતઃ 14 જિલ્લામાં નવી 16 GIDC સ્થપાશેઃ CM રૂપાણી

ગાંધીનગર- ગુજરાત રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્યના ૧૪ જિલ્લાઓમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી.ની વસાહતો સ્થાપવામાં આવશે, એવી જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બુધવારે સવારે તેમના નિવાસસ્થાનેથી કરી છે.

મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના ઔદ્યોગિક વિકાસ તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યમાં દેશ-વિદેશના ઉદ્યોગો આવી રહ્યા છે તેમજ રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં વધારો થાય અને રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૧૪ જિલ્લાઓના ૧૫ તાલુકાઓમાં અંદાજીત ર૪૬૦ હેકટર જમીન ઉપર નાના મોટા મળી કુલ ૧૪,પ૪૦ પ્લોટોમાં આ જી.આઇ.ડી.સી. કાર્યરત થશે. જેમાં ૫૦, ૧૦૦, ર૦૦ અને પ૦૦ મીટરના પ્લોટોની ફાળવણી કરાશે. જેમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગ, માર્ગો, પાણી, વીજળી સહિત અન્ય માળખાગત સુવિધાઓ પુરી પડવામાં આવશે. આ માટે રૂા. ૧૫ હજાર કરોડનું મૂડીરોકાણ થાય તેવી સંભાવના છે.

વિજય રૂપાણી કહ્યું કે રાજ્યના રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં આ નવી જી.આઇ.ડી.સી.સ્થપાશે. જેમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રાધાન્ય અપાશે. આના પરિણામે ૪૦ હજારથી વધુ સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

બહુમાળી શેડના નિર્માણ માટે ૫૦ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે

ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગ વિભાગ દ્વારા અનેકવિધ પ્રોત્સાહનો પુરા પાડવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ વિભાગ દ્વારા બહુમાળી શેડ યોજના હેઠળ શેડના નિર્માણ માટે ૫૦ ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા અપાશે, તેમ ઉદ્યોગ વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં આ યોજના હેઠળ ૧૦૮૬ શેડ વિવિધ ૩૩ જી.આઇ.ડી.સી.માં કાર્યરત કરવાનું આયોજન છે. જેમાં ૫૦ અને ૧૦૦ ચો.મી.ના બાંધેલ બહુમાળી શેડ પણ જી.આઇ.ડી.સી. દ્વારા તૈયાર કરી ફાળવવામાં આવશે. રાજ્યમાં આવા કુલ ૧૧ર શેડ તૈયાર કરાયા છે અને ૫૫ર શેડના કામો પ્રગતિ હેઠળ છે. ઉપરાંત આવા નવા ૧૦૮૬ શેડ ઉભા કરવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ૦ ટકા સબસીડી અપાશે. ઉપરાંત જી.આઇ.ડી.સી. પણ ૩૦ ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીના ૭૦ ટકા રકમ સરળ હપ્તેથી ભરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે.

ગુજરાતના ૧૪ જિલ્લામાં સ્થપાનાર ૧૬ નવી GIDC

ક્રમ સ્થળ તાલુકો જીલ્લો અંદાજીત વિસ્તાર હેકટરમાં કુલ આયોજીત પ્લોટોની સંખ્યા
દેવગામ-ખીરસરા લોધીકા રાજકોટ ૧૫૦ ૭૧૫
છત્તર-મીત્તાણા ટંકારા મોરબી ર૭ ૩૩ર
ધ્રોલ (મીની જી.આઇ.ડી.સી.) જામનગર જામનગર ૦ર ૧૦૦
મોટી ચિરાઇ ભચાઉ કચ્છ ૧૩૧ ૪૯૩
વણોદ પાટડી સુરેન્દ્રનગર ૯૦૦ ૩ર૭૫
છાપી-મગરવાડા વડગામ બનાસકાંઠા ર૦૦ ૧૩૧૦
ભગાપુરા વિરમગામ અમદાવાદ ૩૦૦ ૧૩૪૫
શીણાવાડ મોડાસા અરવલ્લી ૩૫ ૩૩૦
દાહોદ વિસ્તરણ (ખરેડી) દાહોદ દાહોદ ૬૦ ૫૮૦
૧૦ ઇન્દ્રણજ તારાપુર આણંદ ૫૧ ૪ર૭
૧૧ સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી ૬૦ ૮૩૦
૧ર લાઠી લાઠી અમરેલી ૪૫ ૮૮૦
૧૩ નારીગામ ભાવનગર ભાવનગર ૬૦ ૬ર૫
૧૪ માઢીયા ભાવનગર ભાવનગર ૩૦૦ ૨૫૭૦
૧૫ મીયાવાડી બારડોલી સુરત ૧૧૯ ૪૯૩
૧૬ બોરખડી વ્યારા તાપી ર૦ ર૩૫
કુલ…… ર,૪૬૦ ૧૪,૫૪૦

એલફિન્સટન બ્રિજ દુર્ઘટના માટે ભારે વરસાદ જવાબદાર હતોઃ તપાસ અહેવાલ

મુંબઈ – ગઈ 29 સપ્ટેંબરે શહેરના પશ્ચિમ રેલવે વિભાગના લોકલ ટ્રેન નેટવર્ક પરના એલફિન્સટન રોડ સ્ટેશન પરના ફૂટઓવર બ્રિજ પર સવારે ધસારાના સમયે થયેલી ધક્કામુક્કીની દુર્ઘટના માટે રેલવેનો કોઈ અધિકારી કે કર્મચારી જવાબદાર નહોતો અને એ દુર્ઘટના થવાનું કારણ ભારે વરસાદ છે, એવું પશ્ચિમ રેલવેએ નીમેલી એક સમિતિએ કરેલી તપાસના અહેવાલમાં જણાવાયું છે.

એલફિન્સટન રોડ અને બાજુના મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફૂટઓવર પર બ્રિજ થયેલી નાસભાગની એ દુર્ઘટનામાં તપાસ કરવા માટે રેલવે વહીવટીતંત્રે પાંચ-સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ રેલવે સ્ટેશનના સ્ટાફને ક્લીન ચિટ આપી છે.

એ દુર્ઘટનામાં એકબીજા પર પડવાને કારણે ચગદાઈ જવાથી ૨૩ જણનાં કરૂણ મરણ નિપજ્યા હતા.

સમિતિએ અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનાનું કારણ ભારે વરસાદ હતો, જેને કારણે સ્ટેશનની બહાર ઉભેલા લોકોને સીડી તરફ દોટ મૂકવાની ફરજ પડી હતી.

આ અહેવાલ રેલવેના પાંચ સિનિયર અધિકારીઓની ટીમે તૈયાર કર્યો છે. આ અહેવાલ એમણે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને સુપરત કર્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને એ માટે તપાસ સમિતિએ અહેવાલમાં કેટલીક ભલામણો પણ કરી છે – જેમ કે, ટિકિટ બુકિંગ કાઉન્ટરને અલગ જગ્યાએ ખસેડવું, ધસારાના કલાકો દરમિયાન સ્ટેશનમાં પ્રવેશ સ્થાનોએ ફેરિયાઓના બેસવાની વ્યવસ્થામાં નિયમન કરવું, અતિરિક્ત સીસીટીવી કેમેરા મૂકવા અને સ્ટેશનો ખાતે હોટલાઈન સુવિધા મૂકવી.

મોદીની અપીલઃ દીવાળીમાં દીવા કુંભાર પાસેથી ખરીદો

લખનઉઃ જનસંઘના મોટા નેતા નાનાજી દેશમુખની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતાં. પીએમે દિલ્હીના પૂસામાં ઈન્ડિયન એગ્રિકલ્ચર રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમે ઉપસ્થિતોને સંબોધન કરતા ગરીબી વિરૂદ્ધ લડવાની વાત કહી હતી.

તેમણે જણાવ્યું કે શહેર ગામડાઓ માટે માર્કેટ બનવું જોઈએ અને સાથે લોકોને ગામના કુંભારો પાસેથી દીવાળીમાં દીવા ખરીદવા હાંકલ કરી હતી.  18 હજાર ગામડાઓ એવા હતાં કે જે 18મી શતાબ્દીમાં જીવી રહ્યાં હતાં, ત્યાં લાઈટ નહોતી, અને અમે લોકોએ લાલ કિલ્લા પરથી 1000 દિવસમાં આ ગામોમાં વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું. અત્યારસુધી 15 હજાર ગામડાઓમાં અમે વીજળી પહોંચાડી ચૂક્યાં છીએ અને અમારી સરકાર મફતમાં વીજ કનેક્શન આપી રહી છે.

વડાપ્રધાને જણાવ્યું કે સરકારનું લક્ષ્ય 2022માં ખકેડુતોની આવક બમણી કરવાનું છે. સરકાર ખુલ્લામાં શૌચ વિરૂદ્ધ એક ખાસ કેમ્પેનના માધ્યમથી કામ કરી રહી છે અને હવે ગામડાઓમાં શૌચાલયનું નામ ઈજ્જતઘર બની ગયું છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગ્રામ સંવાદ એપ્લીકેશન પણ લોંચ કરી હતી જેના દ્વારા એ વાતની જાણકારી રાખી શકાશે કે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં. સરકારી યોજનાઓને જિલ્લા સ્તર પર યોગ્ય રીતે લાગુ કરી શકાય તે માટે એક પોર્ટલ પણ લોંચ કરવામાં આવ્યું.

ગુજરાતઃ ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-ર૦૧૭

ગાંધીનગર– ગુજરાતમાં ગાર્મેન્ટ ક્ષેત્રને વધુ સુદ્ઢ કરવા અને એપરલ ઉદ્યોગના માધ્યમથી મહિલાઓ માટે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ કરવાના હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બુધવારે ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-૨૦૧૭ની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આ જાહેરાત કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ફરીથી માન્ચેસ્ટર બનાવવું છે. કપાસનું વધુ ઉત્પાદન કરતું ગુજરાત કાપડ અને કપડાંના ઉત્પાદનમાં પણ નંબર વન બને એવી નેમ સાથે આ પૉલીસી તૈયાર કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસીની વિસ્તૃત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેશન અને ફેશન ટુ ફેબ્રીક, ફ્રેબ્રીક ટુ ફોરેન એક્સપોર્ટ સુધીની ચેન વધુ સુદ્ઢ બને એ દિશાના રાજ્ય સરકારના પ્રયત્નો છે. ગાર્મેન્ટ અને ટેક્ષટાઇલ્સ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા સ:વિશેષ હોય છે. આ પોલીસીથી મહિલા રોજગારીને વધુ પ્રોત્સાહિત કરવા ગાર્મેન્ટ એન્ડ એપરલ પોલીસી અંતર્ગત ફેક્ટરીઓમાં કામ કરતી મહિલા કારીગરોને પ્રતિ માસ રૂા.૪,૦૦૦/-ની મર્યાદામાં પે રોલ સહાય રાજ્ય સરકાર ચુકવશે. જ્યારે પુરૂષ કારીગરોને પ્રતિ માસ રૂા.૩,૨૦૦/- ની મર્યાદામાં રાજ્ય સરકાર વેતન ચુકવશે. સહાયનું આ પ્રોત્સાહન પાંચ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્પીનીંગ અને વીવીંગ ઉદ્યોગ વિકસ્યો છે. છેલ્લા પાંચેક વર્ષમાં રાજ્યમાં ૨૫ લાખથી વધુ સ્પિન્ડલ સ્થાપિત થયા છે. વધુ પાંચથી સાત લાખ સ્પિન્ડલ સ્થાપિત થઇ રહ્યા છે. આ ક્ષેત્રમાં રૂા.૨૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-૨૦૧૭ થી વધુ મૂડીરોકાણો આવશે. તેમણે આ ક્ષેત્રે વિશેષ પ્રોત્સાહનોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે નાના ઉદ્યોગકારો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ તમામને રાજ્ય સરકાર વધુમાં વધુ રૂા.૭.૫ કરોડ સુધી વાર્ષિક પાંચ ટકાના ધોરણે પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય આપશે. એટલું જ નહીં ઓદ્યોગિક એકમના વીજ બીલની રકમમાં પાંચ વર્ષ સુધી યુનિટ દીઠ રૂા.૧ ની સહાય પણ રાજ્ય સરકાર કરશે.

નાના ઉદ્યોગોને મોટા લાભો આપવાની રાજ્ય સરકારની નીતિ વિષે બોલતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની ઓદ્યોગિક વસાહતોમાં ગાર્મેન્ટ-એપરલ મેન્યુફેક્ચરીંગ એકમો માટે ‘પ્લગ એન્ડ પ્લે’ શેડના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા આર્થિક સહાય કરશે. ઓદ્યોગિક વસાહતોમાં પુરતી આંતર માળખાકીય સુવિદ્યાઓ ધરાવતા ‘પ્લગ એન્ડ પ્લે’ શેડ બનાવવામાં આવશે. ઉદ્યોગો માટે ડોરમેટરી સહાય યોજના અંતર્ગત નક્કી કરવામાં આવેલા ભાડાની રકમના ૫૦ ટકાના ધોરણે એકમને સહાય અપાશે. આ માટે ઓદ્યોગિક એકમોની માંગણી અનુસાર ડોરમેટરીની સુવિદ્યા લાંબાગાળાની લીઝ અથવા ભાડેથી અપાશે. કામદારો માટે ડોરમેટરી બનાવવા માટે પ્રાઇવેટ ડેવલોપરને રૂા.૫ કરોડ સુધીની પ્રોજેક્ટ ખર્ચની મર્યાદામાં કુલ ખર્ચના ૫૦ ટકા સહાય રાજ્ય સરકાર કરશે.

સ્કીલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કારીગરો માટે ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રોજેક્ટ ખર્ચના ૮૫ ટકા લેખે વધુમાં વધુ રૂા.૩ કરોડની સહાય કરશે. એમ કહીને મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ટ્રેઇનીંગ સેન્ટર માટે પ્લાન્ટ એન્ડ મશીનરી, સાધનો, વીજળીકરણ, જેવી પાયાની સુવિદ્યા માટે કુલ ખર્ચના ૫૦ ટકા લેખે રાજ્ય સરકાર રૂા.૨૦ લાખની સહાય કરશે. મધ્યમ ક્ક્ષાના મેનેજમેન્ટ કોર્સ માટે ટ્રેઇનીંગ આપતી સંસ્થાઓ દ્વારા લેવાતી ફી ના ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૂા.૭,પ૦૦ની મર્યાદામાં પ્રતિ ટ્રેઇની ફી રિએમ્બર્સમેન્ટ સહાય પણ રાજ્ય સરકાર કરશે. એટલું જ નહીં, મેગા એપરલ પાર્ક બનાવવા આંતરમાળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવા રાજ્ય સરકાર કુલ ખર્ચના ૫૦ ટકાના ધોરણે વધુમાં વધુ રૂા.૧૦ કરોડની મર્યાદામાં સહાય કરશે. મેગા એપરલ પાર્ક માટે ડેવલોપરને જમીનની ખરીદી માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી પણ મુક્તિ અપાશે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે

નવી દિલ્હી- સગીર પત્ની સાથે શારીરિક સંબંધ મામલે સુપ્રીમ કોર્ટે અતિમહત્વનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે સગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધને દુષ્કર્મ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 375(2) મુદ્દે સંશોધન કરવાનો આદેશ આપ્યો છે, જે અનુસાર 15થી 18 વર્ષની પત્ની સાથે તેનો પતિ શારીરિક સંબંધ બાંધે તેને દુષ્કર્મ જ માનવામાં આવશે. જો કે બાળ વિવાહના કાયદા અનુસાર મહિલાની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. કોર્ટના આ નિર્ણય અનુસાર જો સગીર પત્ની એક વર્ષની અંદર કોઈ ફરિયાદ કરે છે તો તેના પતિ પર રેપનો ગુનો દાખલ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આના પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્રએ જણાવ્યું કે આઈપીસીની કલમ 375ના અપવાદને યથાવત રાખવો જોઈએ કે જે પતિને સંરક્ષણ આપે છે. બાળલગ્ન મામલે આ સંરક્ષણ જરૂરી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ પાસે આગ્રહ કર્યો હતો કે તે આ કલમને રદ્દ ન કરે અને સંસદને આના પર વિચાર કરીને નિર્ણય લેવાની સમય મર્યાદા નક્કી કરી આપવામાં આવે.