એલફિન્સટન બ્રિજ દુર્ઘટના માટે ભારે વરસાદ જવાબદાર હતોઃ તપાસ અહેવાલ

મુંબઈ – ગઈ 29 સપ્ટેંબરે શહેરના પશ્ચિમ રેલવે વિભાગના લોકલ ટ્રેન નેટવર્ક પરના એલફિન્સટન રોડ સ્ટેશન પરના ફૂટઓવર બ્રિજ પર સવારે ધસારાના સમયે થયેલી ધક્કામુક્કીની દુર્ઘટના માટે રેલવેનો કોઈ અધિકારી કે કર્મચારી જવાબદાર નહોતો અને એ દુર્ઘટના થવાનું કારણ ભારે વરસાદ છે, એવું પશ્ચિમ રેલવેએ નીમેલી એક સમિતિએ કરેલી તપાસના અહેવાલમાં જણાવાયું છે.

એલફિન્સટન રોડ અને બાજુના મધ્ય રેલવેના પરેલ સ્ટેશનને જોડતા ફૂટઓવર પર બ્રિજ થયેલી નાસભાગની એ દુર્ઘટનામાં તપાસ કરવા માટે રેલવે વહીવટીતંત્રે પાંચ-સભ્યોની સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ રેલવે સ્ટેશનના સ્ટાફને ક્લીન ચિટ આપી છે.

એ દુર્ઘટનામાં એકબીજા પર પડવાને કારણે ચગદાઈ જવાથી ૨૩ જણનાં કરૂણ મરણ નિપજ્યા હતા.

સમિતિએ અહેવાલમાં જણાવ્યું છે કે દુર્ઘટનાનું કારણ ભારે વરસાદ હતો, જેને કારણે સ્ટેશનની બહાર ઉભેલા લોકોને સીડી તરફ દોટ મૂકવાની ફરજ પડી હતી.

આ અહેવાલ રેલવેના પાંચ સિનિયર અધિકારીઓની ટીમે તૈયાર કર્યો છે. આ અહેવાલ એમણે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને સુપરત કર્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી ન બને એ માટે તપાસ સમિતિએ અહેવાલમાં કેટલીક ભલામણો પણ કરી છે – જેમ કે, ટિકિટ બુકિંગ કાઉન્ટરને અલગ જગ્યાએ ખસેડવું, ધસારાના કલાકો દરમિયાન સ્ટેશનમાં પ્રવેશ સ્થાનોએ ફેરિયાઓના બેસવાની વ્યવસ્થામાં નિયમન કરવું, અતિરિક્ત સીસીટીવી કેમેરા મૂકવા અને સ્ટેશનો ખાતે હોટલાઈન સુવિધા મૂકવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]