Home Blog Page 5621

કંગનાએ ફરી લીધી તલવારબાજીની તાલીમ…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત ઐતિહાસિક કથાવસ્તુ પર આધારિત આગામી નવી હિન્દી ફિલ્મ ‘મણિકર્ણિકા’માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે. એ માટે તલવારબાજીની તાલીમ લેવા એ ૧૦ ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં આર્ટ્સ ઈન મોશન સ્ટુડિયો ખાતે હાજર થઈ હતી. ત્યાંથી પાછાં ફરતી વખતે એણે પ્રેસ ફોટોગ્રાફરોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કંગના અગાઉ, ગયા જુલાઈમાં હૈદરાબાદના રામોજી રાવ સ્ટુડિયોમાં આ જ ફિલ્મ માટે તલવારબાજીનું એક દ્રશ્ય ભજવી રહી હતી ત્યારે ઘાયલ થઈ હતી. એ સહ-અભિનેતા નિહાર પંડ્યા સાથે તલવારબાજી કરતી હતી. અચાનક પંડ્યાના હાથની તલવાર કંગનાનાં કપાળ પર વાગી હતી અને એનાં કપાળ પરથી લોહી નીકળવા માંડ્યું હતું. કંગનાને તરત જ એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં એનાં ઘા પર ૧૫ ટાંકા લેવા પડ્યા હતા. એને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. કંગનાને એ ઘાનું નિશાન દૂર કરવા પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે એવું ત્યારે કહેવાયું હતું. ‘મણિકર્ણિકા’ ફિલ્મ આવતા વર્ષના એપ્રિલમાં રિલીઝ થવાની ધારણા છે.

કંગનાને જ્યારે કપાળ પર ઈજા થઈ હતી એ વેળાની તસવીર

ફિલ્મના પાત્ર માટે ઘોડેસવારી શીખતી કંગના

ચીનમાં પર્યટન મહોત્સવ, લોકો પ્રવાસના મૂડમાં…

ચીને તાજેતરમાં જ તેનો રાષ્ટ્રીય રજાદિવસ ઉજવ્યો હતો. આ દિવસ નિમિત્તે ચીનના રાષ્ટ્રીય પર્યટન વહીવટીતંત્રે પર્યટન મહોત્સવ શરૂ કર્યો છે. આ મહોત્સવ દરમિયાન લાખો લોકો દેશભરમાં પ્રવાસે નીકળ્યા છે. આને કારણે દેશને ટૂરિઝમથી આશરે ૫૮૩.૬ અબજ યુઆન (આશરે ૮૭.૭ અબજ યૂએસ ડોલર)ની જબ્બર આવક થઈ છે.

હેંગ્ઝુ શહેરના વેસ્ટ લેકનું રમણીય દ્રશ્ય

પર્યટકો ચીનના ફુજિયાન પ્રાંતના પાટનગર ફુઝોમાં એક જોવાલાયક સ્થળે ફરવા આવ્યા છે.

 

મહારાષ્ટ્રના નાગરિકોને પણ દિવાળીની ગિફ્ટઃ પેટ્રોલ, ડિઝલ સસ્તું થયું

મુંબઈ – ગુજરાતની સરકારને પગલે મહારાષ્ટ્ર સરકારે પણ બે પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડ્યા છે તો ડિઝલમાં ૧ રૂપિયો ઘટાડ્યો છે. નવો ભાવ આજે મધરાતથી અમલમાં આવશે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ગયા ઓગસ્ટ મહિનાથી સતત ભાવવધારો કરાતો હતો એટલે નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સરકારે દિવાળીના તહેવાર ટાણે ભાવઘટાડો કરીને જનતાનો રોષ ઠંડો કરવાનો પ્રયત્ન કર્યો છે.

દેશભરમાં પેટ્રોલના ભાવ ભડક્યા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર લગભગ ૮૦ રૂપિયા છે.

 

હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની કેન્દ્રીય આબકારી જકાતમાં ઘટાડો કરીને રાજ્ય સરકારોને પણ એનું અનુસરણ કરી વેલ્યૂ એડેડ ટેક્સ તથા અન્ય રાજ્યસ્તરના વેરાઓમાં ઘટાડો કરવા કહ્યું હતું.

મહારાષ્ટ્રના નાણાંપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલ પરનો ‘VAT’ ઘટાડ્યો છે અને નાગરિકોને દિવાળીની ગિફ્ટ આપી છે. આ નિર્ણયને લીધે રાજ્યની તિજોરી પર રૂ. ૨૦૦૦ કરોડનો બોજો આવશે. રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી તે છતાં આ અધિક આર્થિક બોજો તે ભોગવવા તૈયાર છે.

‘ઈન આંખો કી મસ્તી મેં…’ એવરગ્રીન રેખાને જન્મદિનની શુભેચ્છા

હિન્દી રૂપેરી પડદાનાં જાજરમાન અભિનેત્રી, એવરગ્રીન બ્યૂટી રેખા આજે એમનો ૬૩મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. દંતકથાસમા અભિનેત્રી એમનાં અસરદાર અભિનય કૌશલ્ય માટે જાણીતાં, લોકપ્રિય બન્યાં છે.

૧૯૫૪ની ૧૦ ઓક્ટોબરે ચેન્નાઈમાં (અગાઉના મદ્રાસ)માં જન્મેલાં રેખા તામિલ કલાકાર દંપતીનાં સંતાન છે. એમનાં પિતા જેમિની ગણેશન ટોચના તામિલ અભિનેતા હતા તો માતા પુષ્પાવલ્લી તેલુગુ ફિલ્મોનાં અભિનેત્રી હતાં.

રેખાએ એમની ફિલ્મ કારકિર્દી ૧૯૬૬માં એક તેલુગુ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કરી હતી. એમની તે એક્ટિંગની પણ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ એમણે સાવ નવી જ છબી ધારણ કરી હતી અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ક્લાસિક અભિનેત્રીઓમાંનાં એક બની ગયાં.

સમગ્ર કારકિર્દીમાં એમણે ૧૮૦થી વધુ અભિનય કર્યો છે અને મોટા ભાગની ફિલ્મોમાં એમણે પોતાને સ્ટ્રોંગ નારીનાં પાત્રમાં પ્રસ્તુત કર્યાં છે. એમણે અમુક બોલ્ડ ભૂમિકાઓ કરી છે એટલું જ નહીં, પણ અનેક સંવેદનશીલ ભૂમિકાઓમાં પણ તેઓ મેદાન મારી ગયાં હતાં. કારકિર્દી દરમિયાન એમણે અનેક એવોર્ડ્સ જીત્યાં છે.

૨૦૧૦માં ભારત સરકારે એમની ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજેશ કરી હતી. અદ્દભુત એક્ટિંગ દ્વારા એમણે દર્શકોને ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

રેખા રાજ્યસભાનાં સદસ્ય પણ છે.

રેખાને લગતી અમુક રોચક માહિતીઃ

  • રેખા ૧૬ વર્ષની ઉંમરનાં હતાં ત્યારે એમનાં અભિનેત્રી માતા પુષ્પાવલ્લી જ દિગ્દર્શક મોહન સેહગલ પાસે લઈ ગયા હતા અને એને ફિલ્મમાં ચમકાવવા કહ્યું હતું. સેહગલે ૧૯૭૦માં ‘સાવન ભાદોં’ ફિલ્મમાં રેખાને અભિનેત્રી તરીકે ચમકાવ્યાં હતાં. રેખાનો ઉછેર ચેન્નાઈ (મદ્રાસ)માં થયો હતો. એમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની બહુ ઈચ્છા નહોતી, કારણ કે એમને હિન્દી ભાષા બોલતાં આવડતી નહોતી.

  • એ વખતે રેખા શરીરે ભરાવદાર હતાં અને ‘સાવન ભાદોં’ ફિલ્મના હીરો નવીન નિશ્ચલે એને જોઈને મોઢું બગાડ્યું હતું. પરંતુ ‘સાવન ભાદોં’ ફિલ્મ સ્મેશ હિટ નિવડી હતી અને રેખા ઈન્સ્ટન્ટ સ્ટાર બની ગયાં હતાં.

  • કારકિર્દીના શરૂઆતના તબક્કામાં સગીર વયનાં રેખાએ સ્ટુડિયોને એક કોલેજ તરીકે ગણ્યાં હતાં.

  • રેખા ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં મીના કુમારીનાં પડોશી તરીકે રહ્યાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી.

  • ૭૦ના દાયકામાં જુહુ વિસ્તારમાં રેખા, પરવીન બાબી, ડેની, કબીર બેદી, અમિતાભ અને જયા બચ્ચનનું એક ગ્રુપ હતું.

  • રેખાનો ફિલ્મ મેક-અપ કરનાર હતા મીના કુમારીના મેકઅપ મેન રામ દાદા. રેખા બાદમાં પોતે જ મેકઅપમાં પાવરધાં બની ગયા હતા. ઘર (૧૯૭૮), મુકદ્દર કા સિકંદર (૧૯૭૮), સિલસિલા (૧૯૮૧), ઉમરાવ જાન (૧૯૮૧) ફિલ્મોમાં તેઓ એમનાં પરફોર્મન્સ ઉપરાંત મેકઅપને કારણે પણ ખૂબ વખણાયાં હતાં.

  • ‘ખૂબસૂરત’ ફિલ્મ દ્વારા રેખાએ સાબિત કરી આપ્યું હતું કે પોતે એક સારાં મિમિક પણ છે.

  • ૧૯૭૨માં ‘એક બેચારા’થી લઈ ૧૯૯૯માં ‘મધર’ ફિલ્મ સુધી રેખાએ જિતેન્દ્ર સાથે ૨૫ ફિલ્મોમાં કામ કર્યું હતું.

  • રેખા એમની તીવ્ર યાદશક્તિ માટે પણ ઈન્ડસ્ટ્રીમાં બહુ જાણીતાં છે.
  • રેખા રીયલ લાઈફમાં પણ જિતેન્દ્ર પાછળ લટ્ટુ હતાં, પણ જિતેન્દ્ર એમનાં એર હોસ્ટેસ ગર્લફ્રેન્ડ શોભાને પ્રતિબદ્ધ હતાં. તેથી જિતેન્દ્ર-રેખાની લવસ્ટોરી લાંબી ચાલી નહોતી. ત્યારબાદ રેખાનાં રીયલ લાઈફ પ્રેમી બન્યા હતા વિનોદ મેહરા. સૂત્રોના જણાવ્યા મુજબ રેખાએ વિનોદ મેહરા સાથે લગ્ન પણ કર્યા હતા – કોલકાતામાં. પણ મેહરાના માતાએ રેખાને પુત્રવધુ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

  • વિનોદ મેહરાથી અલગ થયાં બાદ રેખાનાં જીવનમાં આવ્યા હતા ચરિત્ર અભિનેતા કિરણ કુમાર, પરંતુ એ બંનેનો સંબંધ કિરણ કુમારના ચરિત્ર અભિનેતા જીવનને પસંદ નહોતો. તેથી કિરણે રેખાને છોડી દીધાં હતાં.

  • રેખા ત્યારબાદ અમિતાભ બચ્ચનની નિકટ આવ્યાં હતાં. અમિતાભે ૧૯૭૩માં જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, અમિતાભ-રેખાનો પ્રેમસંબંધ મિડિયામાં ચમક્યો હતો. એ બંને જણ ૧૯૭૬માં ‘દો અન્જાને’ ફિલ્મથી એકબીજાની નિકટ આવ્યા હતા. ૧૯૮૧માં તો યશ ચોપરાએ અમિતાભ-રેખાનાં સંબંધ ઉપરથી ‘સિલસિલા’ ફિલ્મ પણ બનાવી હતી જે સુપરહિટ નિવડી હતી. અમિતાભ અને રેખાએ સાથે અભિનય કરેલી એ છેલ્લી ફિલ્મ હતી.

  • ૧૯૯૦માં રેખાએ દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના એક વર્ષમાં મુકેશે આત્મહત્યા કરી હતી.

‘RSSમાં શોર્ટ્સમાં મહિલા’ રાહુલની રીમાર્ક, આનંદીબહેને કર્યો વિરોધ

અમદાવાદ- આગામી વિધાનસભા ચૂંટણીને લઇ પક્ષપ્રચાર માટે રાહુલ ગાંધીના બીજા તબક્કાના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે અકોટામાં રાહુલ ગાંધીએ આરએસએસ શાખામાં મહિલાઓ અંગે કરેલા નિવેદને હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ મહિલા સશક્તિકરણ મુદદ્દે ભેદભાવ કરે છે તેવો આરોપ મૂક્યો હતો. અકોટામાં એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે “ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ હશે આરએસએસમાં ? ક્યારેય શાખામાં મહિલાઓને જોઇ છે શોર્ટ્સમાં ? તેઓની વિચારધારા છે કે મહિલા જ્યાં સુધી ચૂપ રહે અને બોલે નહીં ત્યાં સુધી જ સારી છે. જેવું મહિલાએ મોં ખોલ્યું તેને ચૂપ કરો.અમારો પક્ષ સત્તામાં આવ્યો તો મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.”

રાહુલ ગાંધીના આરએસએસ શાખાઓમાં મહિલાઓ શોર્ટ્સમાં દેખાતી નથી તેવી રીમાર્ક સામે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રીહ ચૂકેલાં આનંદીબહેન પટેલે રોષપૂર્વક વિરોધ કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની રીમાર્ક સંદર્ભે જણાવ્યું કે શું આ તેમની વિચારધારા છે કે મહિલાએ શોર્ટ્સ પહેર્યું છે કે નહીં તે જ જોતી ફરે..રાહુલની રીમાર્ક સંદર્ભે તેમણે માતા અને બહેન સોનિયા તેમ જ પ્રિયંકાને પણ ઝપેટે લીધાં હતાં. આનંદીબહેને જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલની બહેનને પૂછો કે આવા શબ્દ મહિલાઓ માટે બોલ્યાં એ ઠીક છે ? શું તમને પસંદ આવ્યાં?  તેમણે રાહુલ ગાંધી આ રીમાર્ક માટે માફી માગે. આ શબ્દો પાછાં ખેંચે અને કોંગ્રેસ માફી માગે . આ મુદ્દે તેમણે વિરોધ કાર્યક્રમ યોજવાનો હૂંકાર પણ ભર્યો હતો.  

 

નવી લેવાલીથી શેરબજારમાં તેજી, નિફટી 10,000 ઉપર બંધ

અમદાવાદ– ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. એફએમસીજી અને રીયલ્ટી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં નવી ખરીદી આવી હતી. પરિણામે નિફટી 10,000ની અતિમહત્વની સપાટી કૂદાવી ટ્રેડિંગ સેશન દરમિયાન 10,000ની ઉપર ટ્રેડ થયો હતો, અને 10,000ની સપાટી ઉપર જ બંધ થયો હતો. ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલીથી તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 77.52(0.24 ટકા) વધી 31,924.41 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 28.20(0.28 ટકા) વધી 10,016.95 બંધ થયો હતો.

અમેરિકન સ્ટોક માર્કેટ ગત મોડીરાતે સામાન્ય નરમાઈ હતી, પણ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ ટોનમાં ખુલ્યા હતા. તેની પાછળ ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ પણ મજબૂત જ ખુલ્યા હતા. ત્યાર બાદ ટ્રેડિંગ સેશન દરમિયાન લેવાલી-વેચવાલીના બે તરફી કામકાજ હતા. અને શેરોના ભાવ બે તરફી વધઘટમાં અથડાયા હતા.

  • આજે તેજી બજારમાં એફએમસીજી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ હતી.
  • અન્ય તમામ સેકટરમાં છુટીછવાઈ લેવાલી ચાલુ રહી હતી., અને તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ હતા.
  • રોકડાના શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 101.55 પ્લસ બંધ થયો હતો.
  • સતત આઠ દિવસથી સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 159.47 ઉછળી 16,892.50ના રેકોર્ડ લેવલ પર બંધ હતો.
  • યુએસ એફડીએએ બાયોકોનના પાર્ટનર માયલનને બાયોસિમિલર માટે સીઆરએલ એટલે કે કમ્પ્લીટ રિસ્પોન્સ લેટર મળી ગયો છે. બાયોકોનના કહેવા મુજબ સીઆરએલમાં બાયોસિમિલર પર કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી.
  • કેન્દ્ર સરકાર ઈનસોલ્વેન્સી અને બેંકરપ્સી કાયદામાં ફેરફાર કરવા માટે નવું નોટિફિકેશન બહાર પાડશે.
  • કોમોડિટીમાં પહેલા ઓપ્શન્સ દિવાળી સુધીમાં શરૂ થઈ જશે, એમસીએક્સ દ્વારા સોનાનું ઓપ્શન લોન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે.
  • સાઉથ ઈન્ડિયન બેંકનો નફો 96.1 ટકા ઘટી રૂ.4.3 કરોડ આવ્યો છે. 2017ના વર્ષની બીજા કવાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેંકનો નફો રૂ.110.50 કરોડ આવ્યો હતો.
  • જીએનએફસી કંપની કેમિકલ, ફર્ટિલાઈઝર્સ અને આઈટી સેકટરમાં કામ કરે છે. હવે કંપની એફએમસીજી તરફ પ્રયાણ કરી છે.
  • રીલાયન્સ ઈન્ફ્રાએ મુંબઈમાં વીજળી માટે અદાણી ટ્રાન્સમિશન ખરીદી શકે છે. તેના માટે બન્ને કંપનીઓને કરાર કર્યા છે.
  • ફાર્મા દિગ્ગજ લ્યુપિનની નાડોલોલ ટેબલેટને યુએસએફડીએની આખરી મંજૂરી મળી ગઈ છે. નાડોલોલ કોરગાર્ડ ટેબલેટએ જેનેરિક વર્ઝન છે.

ઈન્ડિયા વોટર વીકનું ઉદઘાટન

નવી દિલ્હીઃ રાજધાની નવી દિલ્હી ખાતે યોજાયેલા ઈન્ડિયા વોટર વિકના ઉદઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજરી આપી હતી.

ગેરકાયદે સિંહદર્શન મામલે મોરારિબાપુ સામે હાઇકોર્ટમાં અરજી

જૂનાગઢ– ગીરના જંગલોની આદિમ પ્રકૃતિ વચ્ચે સિંહને વિહરતાં જોવાનો મોકો મળતો હોય તો લોકો ઘણી મહેનત કરતાં હોય છે. જોકે હાલમાં સિંહદર્શન માટે મનાઇ છે. જો ભૂલથી પણ સિંહદર્શન માટે જંગલમાં ગયાં તો ઘણી સખત કાનૂની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે આ રીતે ગીર જંગલમાં સ્ટાર સ્ટેટસનો સિક્કો ચલાવી સિંહદર્શને ગયેલાં જાણીતાં ક્રિકેટર જાડેજાનો કિસ્સો ઘણાંને યાદ હશે. ફરી એવી જ એક ઘટના બની છે ગીરમાં મુક્તમને વિહરતાં સિંહદર્શનનો સ્પેશિયલ શૉ જોવા માટે. જોકે આ વખતે આ ઘટનામાં જેના ફોટો વાયરલ થયાં છે તેઓ બહુ જાણીતાં રામભક્ત, સામાજિક સલાહકાર ખૂબ જ નામનાપ્રાપ્ત એવા કથાકાર મોરારિબાપુ છે. આ તસવીરોમાં સ્પષ્ટપણે જણાય છે કે મોરારિબાપુને આ રીતે ખાસ સિંહદર્શન કરાવવા માટે વનવિભાગના અધિકારીઓ પણ ઘણાં તત્પર છે. સિંહને લોકેટ કરી મોરારિબાપુ હતાં તે વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો અને આરામદાયક સ્થિતિમાં કથાકાર મોરારિબાપુએ મા દુર્ગાની આ શક્તિશાળી સવારીના દર્શન કર્યાં હતાં. વાત અહીં સુધી દબાઇ ગઇ હોત પણ આ સોશિઅલ મીડિયાના જમાનામાં આ ફોટો વાયરલ થતાં પોરબંદરના એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં કરાયેલી અરજીમાં વકીલ ભનુ ઓડેદરાએ ગેરકાયદે સિંહદર્શન કરાવનાર વનવિભાગ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ કરી છે.

ધોળા દહાડે વિકાસ દર્શન….

અમદાવાદ- એકતરફ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક છે. બીજી તરફ વર્ષનો સૌથી મોટો તહેવાર દીવાળી નજીક છે ત્યારે અમદાવાદ શહેરના માર્ગો પર ડિવાઇડરની વચ્ચે આવેલા ફૂલ-ઝાડ-છોડની માવજત કરવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
જાપાનના વડાપ્રધાન આવ્યાં એટલે શહેરના કેટલાક માર્ગો તાબડતોબ નવા નક્કોર કરાવી દેવાયા. અત્યારે ટ્રાફિકથી ધમધમતાં, આવતાંજતાં લોકોને ઉડીને આંખે વળગે એવા રસ્તાઓનું મરમ્મતનું કામ, ડિવાઇડરોને કાળાપીળા પટ્ટા લગાડવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
ચૂંટણી આવે એ પહેલાં કેટલાક વિસ્તારમાં તાબડતોબ નાનામોટા સર્કલ પણ બેસાડી દેવામાં આવ્યાં છે.
પ્રસ્તુત તસવીર વિજય ચાર રસ્તાની છે જ્યાં આખાય માર્ગ પર વિકાસ કરાઇ રહ્યો છે.

તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ

દીવાળીમાં ડુંગળી રડાવશે, જથ્થાબંધ બજારમાં તેજી

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિકમાં લાસલગામ ડુંગળી બજારમાં કીમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જથ્થાબંધ વેપાર કરતા વેપારીઓનું માનીએ તો દીવાળી સુધી ડુંગળીના ભાવોમાં સતત વધારો થતો રહેશે. એપીએમસીના વેપારીઓએ જણાવ્યું કે જરૂરિયાતની આપૂર્તિ વચ્ચે વધી રહેલા અંતરના કારણે ડુંગળીના ભાવો સતત વધી રહ્યા છે. એપીએમસીમાં છેલ્લાં 10 દિવસમાં ડુંગળીના ભાવમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે.

સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ડુંગળીના ભાવોમાં 21.33 ટકા જેટલો વધારો નોંધાયો હતો. ગત શુક્રવારના રોજ ડુંગળીનો ભાવ 2.020 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતો જે સોમવારના રોજ વધીને 2,451 રૂપિયા પ્રતિક્વિંટલ થઈ ગયો.  ડુંગળીના ભાવમાં વધારાની અસર આવનારા દિવસોમાં છૂટક વેચાણ પર પણ પડશે. અત્યારે નાશિકમાં ડુંગળીનું છૂટક વેચાણ 30 રૂપિયા પ્રતિ કીલોના ભાવથી થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં આની કિંમત 35 રૂપિયા પ્રતિ કીલો સુધી પહોંચે તેવી શક્યતાઓ છે અને દેશના અન્ય ભાગની વાત કરીએ તો ત્યાં ડુંગળી 50 રૂપીયા પ્રતિકીલો સુધી પહોંચી શકે છે.

લાસલગામ એપીએમસી અનુસાર અભાવના કારણે દેશના દક્ષિણ ભાગમાં ડુંગળીની માગ વધી ગઈ છે.સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે દીવાળી દરમિયાન લાસલગામ સહિત ડુંગળીનું વેચાણ કરનારા જિલ્લાના અન્ય એપીએમસી માર્કેટ એક સપ્તાહ સુધી બંધ રહેશે એટલા માટે ડુંગળીના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.