અમદાવાદ- આગામી વિધાનસભા ચૂંટણીને લઇ પક્ષપ્રચાર માટે રાહુલ ગાંધીના બીજા તબક્કાના ત્રિદિવસીય પ્રવાસના બીજા દિવસે અકોટામાં રાહુલ ગાંધીએ આરએસએસ શાખામાં મહિલાઓ અંગે કરેલા નિવેદને હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ મહિલા સશક્તિકરણ મુદદ્દે ભેદભાવ કરે છે તેવો આરોપ મૂક્યો હતો. અકોટામાં એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે “ભાજપનું મુખ્ય સંગઠન આરએસએસ છે. કેટલી મહિલાઓ હશે આરએસએસમાં ? ક્યારેય શાખામાં મહિલાઓને જોઇ છે શોર્ટ્સમાં ? તેઓની વિચારધારા છે કે મહિલા જ્યાં સુધી ચૂપ રહે અને બોલે નહીં ત્યાં સુધી જ સારી છે. જેવું મહિલાએ મોં ખોલ્યું તેને ચૂપ કરો.અમારો પક્ષ સત્તામાં આવ્યો તો મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.”
રાહુલ ગાંધીના આરએસએસ શાખાઓમાં મહિલાઓ શોર્ટ્સમાં દેખાતી નથી તેવી રીમાર્ક સામે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન રીહ ચૂકેલાં આનંદીબહેન પટેલે રોષપૂર્વક વિરોધ કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની રીમાર્ક સંદર્ભે જણાવ્યું કે શું આ તેમની વિચારધારા છે કે મહિલાએ શોર્ટ્સ પહેર્યું છે કે નહીં તે જ જોતી ફરે..રાહુલની રીમાર્ક સંદર્ભે તેમણે માતા અને બહેન સોનિયા તેમ જ પ્રિયંકાને પણ ઝપેટે લીધાં હતાં. આનંદીબહેને જણાવ્યું કે સોનિયા ગાંધી અને રાહુલની બહેનને પૂછો કે આવા શબ્દ મહિલાઓ માટે બોલ્યાં એ ઠીક છે ? શું તમને પસંદ આવ્યાં? તેમણે રાહુલ ગાંધી આ રીમાર્ક માટે માફી માગે. આ શબ્દો પાછાં ખેંચે અને કોંગ્રેસ માફી માગે . આ મુદ્દે તેમણે વિરોધ કાર્યક્રમ યોજવાનો હૂંકાર પણ ભર્યો હતો.