‘ઈન આંખો કી મસ્તી મેં…’ એવરગ્રીન રેખાને જન્મદિનની શુભેચ્છા

હિન્દી રૂપેરી પડદાનાં જાજરમાન અભિનેત્રી, એવરગ્રીન બ્યૂટી રેખા આજે એમનો ૬૩મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. દંતકથાસમા અભિનેત્રી એમનાં અસરદાર અભિનય કૌશલ્ય માટે જાણીતાં, લોકપ્રિય બન્યાં છે.

૧૯૫૪ની ૧૦ ઓક્ટોબરે ચેન્નાઈમાં (અગાઉના મદ્રાસ)માં જન્મેલાં રેખા તામિલ કલાકાર દંપતીનાં સંતાન છે. એમનાં પિતા જેમિની ગણેશન ટોચના તામિલ અભિનેતા હતા તો માતા પુષ્પાવલ્લી તેલુગુ ફિલ્મોનાં અભિનેત્રી હતાં.

રેખાએ એમની ફિલ્મ કારકિર્દી ૧૯૬૬માં એક તેલુગુ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કરી હતી. એમની તે એક્ટિંગની પણ પ્રશંસા થઈ હતી. ત્યારબાદ એમણે સાવ નવી જ છબી ધારણ કરી હતી અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ક્લાસિક અભિનેત્રીઓમાંનાં એક બની ગયાં.

સમગ્ર કારકિર્દીમાં એમણે ૧૮૦થી વધુ અભિનય કર્યો છે અને મોટા ભાગની ફિલ્મોમાં એમણે પોતાને સ્ટ્રોંગ નારીનાં પાત્રમાં પ્રસ્તુત કર્યાં છે. એમણે અમુક બોલ્ડ ભૂમિકાઓ કરી છે એટલું જ નહીં, પણ અનેક સંવેદનશીલ ભૂમિકાઓમાં પણ તેઓ મેદાન મારી ગયાં હતાં. કારકિર્દી દરમિયાન એમણે અનેક એવોર્ડ્સ જીત્યાં છે.

૨૦૧૦માં ભારત સરકારે એમની ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજેશ કરી હતી. અદ્દભુત એક્ટિંગ દ્વારા એમણે દર્શકોને ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

રેખા રાજ્યસભાનાં સદસ્ય પણ છે.

રેખાને લગતી અમુક રોચક માહિતીઃ

  • રેખા ૧૬ વર્ષની ઉંમરનાં હતાં ત્યારે એમનાં અભિનેત્રી માતા પુષ્પાવલ્લી જ દિગ્દર્શક મોહન સેહગલ પાસે લઈ ગયા હતા અને એને ફિલ્મમાં ચમકાવવા કહ્યું હતું. સેહગલે ૧૯૭૦માં ‘સાવન ભાદોં’ ફિલ્મમાં રેખાને અભિનેત્રી તરીકે ચમકાવ્યાં હતાં. રેખાનો ઉછેર ચેન્નાઈ (મદ્રાસ)માં થયો હતો. એમને હિન્દી ફિલ્મોમાં કામ કરવાની બહુ ઈચ્છા નહોતી, કારણ કે એમને હિન્દી ભાષા બોલતાં આવડતી નહોતી.

  • એ વખતે રેખા શરીરે ભરાવદાર હતાં અને ‘સાવન ભાદોં’ ફિલ્મના હીરો નવીન નિશ્ચલે એને જોઈને મોઢું બગાડ્યું હતું. પરંતુ ‘સાવન ભાદોં’ ફિલ્મ સ્મેશ હિટ નિવડી હતી અને રેખા ઈન્સ્ટન્ટ સ્ટાર બની ગયાં હતાં.

  • કારકિર્દીના શરૂઆતના તબક્કામાં સગીર વયનાં રેખાએ સ્ટુડિયોને એક કોલેજ તરીકે ગણ્યાં હતાં.

  • રેખા ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં મીના કુમારીનાં પડોશી તરીકે રહ્યાં હતાં. બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી.

  • ૭૦ના દાયકામાં જુહુ વિસ્તારમાં રેખા, પરવીન બાબી, ડેની, કબીર બેદી, અમિતાભ અને જયા બચ્ચનનું એક ગ્રુપ હતું.

  • રેખાનો ફિલ્મ મેક-અપ કરનાર હતા મીના કુમારીના મેકઅપ મેન રામ દાદા. રેખા બાદમાં પોતે જ મેકઅપમાં પાવરધાં બની ગયા હતા. ઘર (૧૯૭૮), મુકદ્દર કા સિકંદર (૧૯૭૮), સિલસિલા (૧૯૮૧), ઉમરાવ જાન (૧૯૮૧) ફિલ્મોમાં તેઓ એમનાં પરફોર્મન્સ ઉપરાંત મેકઅપને કારણે પણ ખૂબ વખણાયાં હતાં.

  • ‘ખૂબસૂરત’ ફિલ્મ દ્વારા રેખાએ સાબિત કરી આપ્યું હતું કે પોતે એક સારાં મિમિક પણ છે.

  • ૧૯૭૨માં ‘એક બેચારા’થી લઈ ૧૯૯૯માં ‘મધર’ ફિલ્મ સુધી રેખાએ જિતેન્દ્ર સાથે ૨૫ ફિલ્મોમાં કામ કર્યું હતું.

  • રેખા એમની તીવ્ર યાદશક્તિ માટે પણ ઈન્ડસ્ટ્રીમાં બહુ જાણીતાં છે.
  • રેખા રીયલ લાઈફમાં પણ જિતેન્દ્ર પાછળ લટ્ટુ હતાં, પણ જિતેન્દ્ર એમનાં એર હોસ્ટેસ ગર્લફ્રેન્ડ શોભાને પ્રતિબદ્ધ હતાં. તેથી જિતેન્દ્ર-રેખાની લવસ્ટોરી લાંબી ચાલી નહોતી. ત્યારબાદ રેખાનાં રીયલ લાઈફ પ્રેમી બન્યા હતા વિનોદ મેહરા. સૂત્રોના જણાવ્યા મુજબ રેખાએ વિનોદ મેહરા સાથે લગ્ન પણ કર્યા હતા – કોલકાતામાં. પણ મેહરાના માતાએ રેખાને પુત્રવધુ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.

  • વિનોદ મેહરાથી અલગ થયાં બાદ રેખાનાં જીવનમાં આવ્યા હતા ચરિત્ર અભિનેતા કિરણ કુમાર, પરંતુ એ બંનેનો સંબંધ કિરણ કુમારના ચરિત્ર અભિનેતા જીવનને પસંદ નહોતો. તેથી કિરણે રેખાને છોડી દીધાં હતાં.

  • રેખા ત્યારબાદ અમિતાભ બચ્ચનની નિકટ આવ્યાં હતાં. અમિતાભે ૧૯૭૩માં જયા બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, અમિતાભ-રેખાનો પ્રેમસંબંધ મિડિયામાં ચમક્યો હતો. એ બંને જણ ૧૯૭૬માં ‘દો અન્જાને’ ફિલ્મથી એકબીજાની નિકટ આવ્યા હતા. ૧૯૮૧માં તો યશ ચોપરાએ અમિતાભ-રેખાનાં સંબંધ ઉપરથી ‘સિલસિલા’ ફિલ્મ પણ બનાવી હતી જે સુપરહિટ નિવડી હતી. અમિતાભ અને રેખાએ સાથે અભિનય કરેલી એ છેલ્લી ફિલ્મ હતી.

  • ૧૯૯૦માં રેખાએ દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્નના એક વર્ષમાં મુકેશે આત્મહત્યા કરી હતી.