Home Blog Page 5622

અયોધ્યામાં સરયૂ તટ પર રામની 100 મીટર ઊંચી પ્રતિમા

લખનઉ- “નવું અયોધ્યા” પ્લાન અંતર્ગત ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં સરયૂ નદી પાસે ભગવાન રામની એક વિશાળ મૂર્તી બનાવવાની તૈયારી કરી રહી છે. ધાર્મિક પર્યટનને વેગ આપવાના આશયથી રાજ્ય સરકારના પર્યટન વિભાગને આનું એક પ્રેઝન્ટેશન રાજ્યપાલ રામ નાઈક સમક્ષ રજૂ કર્યું હતું. કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે સરકારના સ્લાઈડ શોમાં ભગવાન રામની મૂર્તી 100 મીટર સુધી રાખવાની વાત કહેવામાં આવી છે, પરંતુ હજી આ વાત ફાઈનલ નથી. રાજભવન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર પર્યટન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અવનીશ કુમાર અવસ્થીએ આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. 18 ઓક્ટોબરના રોજ અયોધ્યામાં થનારા દીપાવલી મહોત્સવ માટે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમોની જાણકારી હશે. રાજ્યપાલ રામ નાઈક, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પર્યટનપ્રધાન કે જે અલફોન્સ અને સાંસ્કૃતિકપ્રધાન મહેશ શર્મા પણ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે એનજીટી પાસેથી મંજૂરી મળ્યા બાદ મૂર્તીને સરયુ ઘાટ પર બનાવવામાં આવશે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ એક કોન્સેપ્ટ પ્રોજેક્ટ છે અને એનજીટી પાસેથી હજી આની મંજૂરી લેવા માટે પત્ર મોકલવાનો બાકી છે. આ સિવાય નદીના તટ પર રામ કથા ગેલરી, દિગંબર અખાડા પરિસરમાં ઓડિટોરિયમ અને અન્ય સાર્વજનિક સુવિધાઓ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યું છે. અયોધ્યાના એકીકૃત વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રીય પર્યટન મંત્રાલયને 195.89 કરોડનું ડીપીઆર મોકલ્યું છે અને મંત્રાલય સરકારને અત્યાર સુધી 133.70 કરોડ રૂપીયા આપી પણ ચૂક્યું છે.

દીવાળી પર થનારા કાર્યક્રમો

18 ઓક્ટોબરના રોજ શહેરમાં દીપોત્સવ કાર્યક્રમ થશે, જેમાં 1.71 લાખ દીવાઓ રામની પૈડી પર પ્રજ્વલીત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સ્થળ રામજન્મભૂમીથી 2 કિલોમીટર દુર આવેલું છે. તો આ સિવાય શહેરમાં એક શોભાયાત્રા પણ કાઢવામાં આવશે જે ભગવાન રામના અયોધ્યા આગમન પર મનાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અર્થાત ભગવાન રામનો રાજ્યાભિષેક થશે. ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક અયોધ્યામાં કેટલીક વિકાસ પરિયોજનાઓનુ બીજારોપણ કરશે. સરયૂ નદીના નવા ઘાટ પર આરતી પણ કરવામાં આવશે, અને ત્યારબાદ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આવેલા કલાકારો રામલીલા રજૂ કરશે.

રાહુલ ગાંધીનો વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, મોદી સરકારની કરી ટીકા

વડોદરાઃ ગુજરાત પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીએ જણાવ્યું કે પીએમ મોદીનુ ધ્યાન નોકરીઓ આપવા પર નથી. રાહુલે જણાવ્યું કે અત્યારે જે લોકો સેલ્ફી લઈ રહ્યા છે તે મેડ ઈન ચાઈના સેલ્ફી છે, હું ઈચ્છું છું કે ચીનમાં લોકો મેડ ઈન ઈન્ડિયા વાળી સેલ્ફી લે.

રાહુલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જો અમે લોકો સત્તા પર આવીશું તો શીક્ષણ અને નોકરીઓ વધારવા પર સૌથી વધારે ધ્યાન આપીશું. રાહુલે જણાવ્યું કે લોકો સાથે સંવાદ કરવો જરૂરી છે. પીએમ મોદી મેડ ઈન ચાઈના સેલ્ફી લઈ રહ્યા છે. તો આ સીવાય વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ સંઘ પર નિશાન સાધતા જણાવ્યું હતુ કે સંઘંમાં એક પણ મહિલા સભ્ય નથી. રાહુલે સંક્પ ભૂમિ પર જઈને બી.આર.આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલે વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે શું તમે સ્ટાર્ટ અપ ઈન્ડિયાનું નામ સાંભળ્યું છે? જય શાહ તેના આઈકન છે. રાહુલે જણાવ્યું કે જય શાહ કેસ મામલે પ્રધાન ચોકીદાર ચૂપ છે. પહેલા મોદી સરકારે બેટી બચાઓ અભિયાન શરૂ કર્યું હતું અને અત્યારે બેટા બચાઓ અભિયાન તેઓ ચલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ખેડામાં યોજેલી એક સભા દરમિયાન જણાવ્યું હતુ કે કોંગ્રેસ સરકાર લોકોની વાત સાંભળશે કારણકે લોકોની વાત સાંભળ્યા વગર વિકાસ થઈ શકતો નથી. રાહુલે વધુમાં જણાવ્યું કે ખેડુતો આત્મહત્યા કરી રહ્યા છે જ્યારે આ લોકો ખેડુતોની જમીન હડપ કરવા માંગે છે. ચીનમાં એક દિવસમાં 5 હજાર નોકરીઓ તૈયાર કરવામાં આવે છે જ્યારે આપણા દેશમાં 450 જ નોકરીઓ તૈયાર થાય છે.

રાહુલ ગાંધીએ જીએસટી મુદ્દે વાત કરતા જણાવ્યું કે જીએસટી અમારી શરૂઆત હતી, અમે લોકો એક દેશ અને એક ટેક્સ ઈચ્છતા હતા. મોદી સરકારે લોકોને કશું જ પૂછ્યા વગર નોટબંધીનો નિર્ણય લઈ લીધો, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે લોકોની વાત સાંભળીશું, અમારા મનની વાત નહી સંભળાવીએ.

ટ્રમ્પના નવા નિર્ણયથી ભારતીય પ્રોફેશનલ્સને થશે ફાયદો

વોશિંગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેઘા આધારિત નવી ઈમિગ્રેશન પૉલિસીનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ હાઈસ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. જો કે આ કઠોર યોજના અંતર્ગત ભારતીય પ્રોફેશનલ્સ પોતાના પરિવારને સ્પોન્સર નહી કરી શકે. ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસમાં રજૂ થયેલા આ પ્રસ્તાવમાં એચ-1બી વીઝાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી, જે ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આપવામાં આવે છે.

મેઘા આધારિત આવ્રજન પ્રણાલીની સ્થાપનાનું પગલું હાઈસ્કિલ્ડ ઈન્ડિયન પ્રોફેશનલ્સ માટે ખુબજ ફાયદારૂપ સાબિત થઈ શકૈ છે. ખાસકરીને આઈટી ક્ષેત્રના લોકોને વધારે ફાયદો થઈ શકે છે. અત્યારે હાલ તો નવી નીતિઓ ભારતીય મૂળના હજારો અમેરિકી લોકોને અસર કરશે, જેઓ પોતાના પરિવારના સભ્યોને અમેરિકામાં પોતાની સાથે રાખવા માંગે છે.

ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ ટ્રમ્પની આ દરખાસ્તની કડક નિંદા કરી છે. ટ્રમ્પે બાળપણમાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરનારા નાબાલિકોને સુરક્ષા આપવા માટે ચલાવવામાં આવી રહેલા કાર્યક્રમ ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ્સને ગત મહિને સમાપ્તા કરવાની જાહેરાત કરી હતી. અમેરિકામાં આ પ્રકરના બાળકોને ડ્રિમર્સ કહેવામાં આવે છે અને તેમને બે વર્ષ સુધી વર્ક પરમીટ આપવામાં આવતી હોય છે. પરંતુ ટ્રમ્પ હવે આને અસંવૈધાનિકક જાહેર કરવા માંગે છે.

ધિસ વૉટ્સઍપ ઍપ મીન્સ બિઝનેસ!

વૉટ્સઍપ હવે આપણા માટે વ્યસન બની ગયું છે. તેના વગર ચાલે જ નહીં!  અનેક મેસેન્જર ઍપ વૉટ્સઍપ જેવી આવી ગઈ, પરંતુ વૉટ્સઍપનું સ્થાન ડગમગ્યું નથી. સવાર પડે ને વૉટ્સઍપ, બપોર પડે ને વૉટ્સઍપ, રાત પડે ને વૉટ્સઍપ! આપણે ત્રિકાળ સંધ્યા નથી કરતા, પરંતુ વૉટ્સઍપ જરૂર કરીએ છીએ!

પરંતુ કોઈ પણ ગણતરીબાજ અને એટલે ગુજરાતીને પ્રશ્ન થાય કે વૉટ્સઍપ ઍપ મફતમાં આપણને આટલો સંદેશાવ્યવહાર કરવાની છૂટ કેમ આપે છે? તેમાંથી તેને શું મળે છે? પરંતુ હવે વૉટ્સઍપની જે નવી યોજના બહાર આવી છે તે બતાવે છે કે ધીમે ધીમે વૉટ્સઍપ બિઝનેસ તરફ વળી રહી છે.

વૉટ્સઍપ હવે તો ફેસબૂક કંપનીની માલિકીની ઍપ બની ગઈ છે. ફેસબૂક પર માર્કેટિંગ બહુ જ થાય છે. વૉટ્સઍપ દ્વારા વેપાર કરવા અને વેપાર કરાવવા માટે ફેસબૂક કંપનીએ એક નવી ઍૅપ તરતી મૂકી છે. આ ઍપનું નામ છે વૉટ્સઍપ બિઝનેસ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ ઍપ સામાન્ય ચિટચેટ કે મેસેજ પાસ કરવા નથી, પરંતુ સિરિયસ બિઝનેસ કરવા માટે છે. જે લોકો વેપારીઓ છે તેમના માટે આ ઍપ છે જેના વડે તેઓ તેમના વપરાશકારો સાથે સંદેશાવ્યવહાર કરી શકશે.

આ ઍપ વડે ફેસબૂક કંપની આવક શરૂ કરવા વિચારે છે. વૉટ્સઍપ બિઝનેસ ઍપ ત્રાહિત (થર્ડ પાર્ટી) વેબસાઇટ પરથી પણ ડાઉનલૉડ થઈ શકે છે અને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી તો ખરી જ.

વૉટ્સઍપ બિઝનેસથી વેપારીઓને શું ફાયદો થશે તેની જો વાત કરીએ તો, વેપારીઓને વિશ્લેષણના આંકડા મળશે. તેમના વપરાશકારો તેમની સાથે કેટલી વાર સંદેશાવ્યવહાર કરે છે, તેમના (વેપારીઓના) સંદેશા કેટલા લોકપ્રિય છે, વગેરે. આ ઍપ આવશે એટલે એવું નથી કે અત્યાર સુધી વૉટ્સએપમાં તમે જે તમારું ખાતું ધરાવતા હતા તે બંધ થઈ જશે. વેપારીઓ આનંદપ્રમોદ, ટાઇમ પાસ અને કેટલીક ગંભીર વાતો માટે પોતાનું અંગત ખાતું એટલે કે વૉટ્સએપ તો ચાલુ રાખી જ શકશે. વૉટ્સએપ બિઝનેસ પર તેમને વધારાનું ખાતું મળશે.

જોકે અત્યારે તમારે ગૂગલ પ્લે સ્ટૉરમાંથી આ ઍપ ડાઉનલૉડ કરવી હશે તો એક તકલીફ એ છે કે તેઓ તેને તો જ જોઈ શકશે જો તેઓ ખાનગી બૅટા પ્રૉગ્રામનો ભાગ હોય. જો વપરાશકારો એક સર્વેક્ષણનો જવાબ આપે અને તે સ્વીકારાય તો જ આ પ્રૉગ્રામમાં તેમને દાખલો મળે છે. ઍપની APK ફાઇલ ડાઉનલૉડ કરી શકાય પરંતુ તેના માટે પણ વપરાશકારોએ ખાનગી બૅટા પ્રૉગ્રામનો ભાગ હોવો જરૂરી છે.

ફેસબૂકની કંપનીની આ ઍપ માટે વેપારીઓ-ઉદ્યોગોને તેમના બિઝનેસ નંબરને વૉટ્સએપ બિઝનેસમાં માઇગ્રેટ થવાનો વિકલ્પ પણ આપે છે. વપરાશકારોને માટે ત્રણ વિકલ્પો રહેલા છેઃ તેઓ જે ફોન પર વૉટ્સઍપ હોય તેમાં જ વૉટ્સઍપ બિઝનેસ પણ ઇન્સ્ટૉલ કરી શકે છે, પરંતુ બિઝનેસ ખાતા સાથે બીજો નંબર જોડાશે.

આ સિવાય વપરાશકારો વૉટ્સઍપ બિઝનેસ માટે તેમનો લેન્ડલાઇન નંબર પણ નોંધાવી શકે છે. આ કિસ્સામાં પણ વેપારીઓ-ઉદ્યોગપતિઓ એ જ ફૉન પર વૉટ્સઍપ બિઝનેસ ઇન્સ્ટૉલ કરી શકે છે જેમાંથી તેઓ અંગત વૉટ્સઍપ વાપરતા હતા. ત્રીજો વિકલ્પ એ છે કે વપરાશકારો બે અલગ ફૉન રાખે અને તેમનાં અંગત અને બિઝનેસ ખાતાં અલગઅલગ રાખે.

તમે જ્યારે વૉટ્સૅઍપ બિઝનેસમાં સાઇન અપ કરશો, ત્યારે તમને તમારો વેપાર પસંદ કરવાની શ્રેણી મળશે જેમ કે વસ્ત્રો, મનોરંજન, નાણાં ધીરધાર અને બૅન્કિંગ, જાહેર અને સરકારી સેવાઓ વગેરે. આ તો ઠીક, પણ વ્યસ્ત વેપારીઓ-ઉદ્યોગપતિઓને ગમે તેવી એક સુવિધા એ છે કે જો તમે વેપારધંધાથી પરવારી ઘરે કુટુંબ સાથે સમય ગુજારતા હો અને ગ્રાહક વૉટ્સએપ બિઝનેસ મારફતે તમારો સંપર્ક કરે તો તેમાં સ્વયંભૂ પ્રતિભાવ આપી શકાશે જેને ‘અવે મેસેજિસ’ કહે છે. આનાથી તમારા ગ્રાહકોને તરત જ જાણ થશે કે તમે અત્યારે વેપારધંધા પર નથી. આ ‘અવે મેસેજિસ’નો સમય પણ તમે ગોઠવી શકો છો. એટલે કે, કોઈ દિવસે તમારે નિર્ધારિત સમય કરતાં વહેલું નીકળવું પડે તેમ હોય તો તમે આ મેસેજોનો સમય વહેલો ગોઠવી દો, જેથી જો નિર્ધારિત સમયમાં પણ ગ્રાહક તમારો સંપર્ક કરે તો તેને ખ્યાલ આવે કે તમે તે સમયે ઉપલબ્ધ નથી.

ગુજરાતઃ સરકારે પેટ્રોલમાં રૂ.2.93 અને ડીઝલમાં રૂ.2.72નો ઘટાડો કર્યો

ગાંધીનગર– ગુજરાતની જનતા માટે રાહત અને આનંદના સમાચાર છે. ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર 4 ટકા ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. આથી પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.93 અને ડીઝલના ભાવમાં રૂપિયા 2.72નો ઘટાડો થશે. આ ભાવઘટાડો આજે મધરાતથી અમીલ બનશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે આજે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી આ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે વેટમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે, જેને પગલે ગુજરાતમાં પેટ્રોલનો નવો ભાવ 67.53 રૂપિયા અને ડીઝલનો નવો ભાવ 60.77 રૂપિયાનો અમલી થશે. વેટમાં 4 ટકાના ઘટાડાથી રાજ્ય સરકારની તિજોરી પર રૂપિયા 2,316 કરોડની ઓછી આવક થશે. પેટ્રોલ પર વેટ 24 ટકા હતો, તે ઘટાડીને 20 ટકા કર્યો છે.

આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હોવા છતાં ભારતમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હતા. જેને પગલે સમગ્ર દેશમાં તેનો ભારે વિરોધ સાથે ઉહાપોહ થયો હતો. મોંઘવારી વધી અને જીડીપી ગ્રોથ પણ ઘટીને આવ્યો હતો. જેથી કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરવી પડી હતી. ત્યાર પછી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું હતું કે તે પણ વેટમાં ઘટાડો કરે. જેથી પ્રજાને સસ્તા દરે પેટ્રોલ-ડીઝલ મળી રહે.

ભાજપ સાશિત રાજ્યોમાં ગુજરાત સરકારે આજે વેટમાં 4 ટકાના ઘટાડાની જાહેરાત કરીને પહેલ કરી છે. ગુજરાતમાં આજ મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજ્યને આ વર્ષે વેટની 12,840 કરોડની આવક થઈ હતી.

 

ટ્રકમાલિકોની હડતાળથી રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને રૂ. ૨૦૦૦ કરોડનું નુકસાન

મુંબઈ – જીએસટી કરમાળખામાંથી ડિઝલને બાકાત રાખવા સામેના વિરોધમાં તેમજ ડિઝલના ઊંચા ભાવ, રસ્તાઓ પર સત્તાવાળાઓ દ્વારા કરાતી સતામણી તથા સરકારની ટોલ નીતિઓ જેવી બાબતો સામેના વિરોધમાં દેશભરમાં લાખો ટ્રકમાલિકો સોમ-મંગળ, એમ બે દિવસ માટે હડતાળ પર ઉતર્યા છે. આજે એમની હડતાળનો બીજો દિવસ છે. તેઓ સોમવારે સવારે ૮ વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે અને આજે રાતે ૮ વાગ્યા સુધી હડતાળ પર રહેશે.

ટ્રકમાલિકોની હડતાળના પહેલા જ દિવસે રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને રૂ. ૨૦૦૦ કરોડનું આર્થિક નુકસાન ગયું છે એવો દાવો હડતાળનું એલાન કરનાર ટ્રાન્સપોર્ટરોની સંસ્થા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)એ કર્યું છે.

ટ્રકમાલિકોએ એમની હડતાળમાંથી આવશ્યક ચીજવસ્તુઓને બાકાત રાખી છે.

સરકાર જો માગણીઓ નહીં સ્વીકારે તો દિવાળી બાદ ટ્રકમાલિકો એમની નવી વ્યૂહરચના ઘડશે અને એમનું આંદોલન ઉગ્ર બનાવશે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે ૧૨ કરોડ જેટલા લોકો સંકળાયેલા છે.

હડતાળને કારણે મુંબઈ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના ઘણા ખરા ભાગોમાં રસ્તાઓ પરથી ટ્રકો ગાયબ છે.

મુંબઈમાં, ટ્રક ઓપરેટરોએ માનખુર્દ ચેક-પોસ્ટ ખાતે ધરણા ઉપર પણ બેસવાના છે.

AIMTCના નેજા હેઠળ અનેક નાની-મોટી ટ્રાન્સપોર્ટ સંસ્થાઓના ૯૩ લાખ ટ્રક ઓપરેટરો સામેલ છે.

હડતાળ પહેલા દિવસે સફળ રહી હોવાનો AIMTC દ્વારા દાવો કરાયો છે. દેશભરમાં ૭૦-૮૦ ટકા બિઝનેસ બંધ રહ્યો હતો. આજે બીજા દિવસે હડતાળની અસર વધારે જણાશે એવો હડતાળીયા ટ્રકમાલિકોનો દાવો છે.

બીજી બાજુ, ઈન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ સંસ્થાએ ટ્રાન્સપોર્ટરોની હડતાળ ફ્લોપ ગયાનો અને દિલ્હી તથા દેશના અન્ય શહેરોમાં માલની હેરફેર રાબેતા મુજબની રહ્યાનો દાવો કર્યો છે.

ચાઇનિઝ વસ્તુઓના બજારમાં 45 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં દીવાળીના માર્કેટ પર ચીની ઉત્પાદનો પોતાનુ શાસન જમાવીને બેઠાં છે, પરંતુ આ વર્ષે દીવાળી પ્રોડક્ટ્સના વેચાણમાં મોટી માત્રામાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. દર વર્ષે લાઈટથી લઈને ગિફ્ટ સુધી અને ઘર સજાવવાના સામાનથી લઈને ફટાકડા સુધીની તમામ વસ્તુઓ ચીનથી આયાત થાય છે. ચીની ઉત્પાદનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 40 થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. એએસડીએફ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે.


એસોચેમના સેક્રેટરી જનરલ ડીએસ રાવતે જણાવ્યું કે દીવાળી દરમિયાન સૌથી વધારે કમાણી કરનારા પ્રોડક્ટ્સના વેચાણમાં આ વર્ષે 40 થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. તો આ સિવાય ચીનમાં બનાવવામાં ઈલેક્ટ્રોનિક સાધનો જેવા કે મોબાઈલ ફોન, એલસીડી, એલઈડી વગેરે જેવી વસ્તુઓનુ ઉત્પાદન 15 થી 20 ટકા જેટલું ઘટી શકે છે. ઉદ્યોગ મંડળે જણાવ્યું કે તેણે દેશના કેટલાય શહેરો જેવાકે અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ, જયપુર, લખનઉ અને મુંબઈમાં ચીની ઉત્પાદનોનું અનુમાનિત વેચાણ જાણવા માટે હોલસેલર્સ અને રીટેલર્સ ટ્રેડર્સ સાથે વાત કરીને આંકડાઓ પ્રાપ્ત કર્યા છે.

એક અનુમાન અનુસાર વર્ષ 2016માં ભારતમાં ચીની ઉત્પાદનોનું વેચાણ 4 હજાર કરોડ રૂપિયા જેટલું હતું. કુલ વેચાણમાં 4 હજાર કરોડ રૂપિયાનુ વેચાણ દીવાળી સાથે જોડાયેલા સામાનનું થતું હતું. સર્વે અનુસાર આ વર્ષે દીવાળીમાં લોકો ભારતીય બજારમાં બનેલી વસ્તુઓ ખરીદવાને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. સર્વે દરમિયાન દુકાનદારો પાસેથી મળેલી વિગતો અનુસાર જોવા જઈએ તો મોટાભાગના ગ્રાહકો ભારતીય લાઈટ્સની માગણી કરી રહ્યા છે. ચીની ઉત્પાદનોનું વેચાણ ઘટવાનું એક કારણ ચીની ઉત્પાદનો વિરૂદ્ધ ભારત દેશમાં બનેલો માહોલ પણ કારણભૂત છે. તો આ સિવાય દુકાનદારો ચીની સામાન પર કોઈ ગેરંટી નથી આપતા અને એટલા માટે પણ લોકો ચીની સામાનને વધારે નાપસંદ કરી રહ્યાં છે.

શરદની સીઝનમાં રહો સેફ

ત્યારે શરદ ઋતુ ચાલી રહી છે. શરદ ઋતુમાં આકાશ સ્વચ્છ હોય છે. રાત હવે વહેલી પડવાની શરૂ થઈ છે. થોડા દિવસો પહેલાં સુધી સાત વાગ્યા સુધી અજવાળું રહેતું હતું તેના બદલે હવે વહેલું અંધારું થવા લાગ્યું છે. જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરીરમાં ફેરફાર આવતા હોય છે. ઠંડી શરૂ નથી થઈ પરંતુ ઠંડો પવન રાત્રે અને સવારે વહેતો હોય છે. પરંતુ ગરમી હજુ ઉનાળા જેવી જ પડે છે.આવી બેવડી ઋતુ બીમારીનું કારણ બને છે. આવી ઋતુમાં ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું પડે. તેમાંય શરદ ઋતુ તો બીમારીની ઋતુ જ કહેવાય છે અને એટલે જ તો આપણાં હિન્દુ શાસ્ત્રોમાં શતમ્ જીવ શરદઃના આશીર્વાદ આપવાનું કહેવાયું છે.

ગયા ગુરુવારે જ શરદપૂર્ણિમા ગઈ. શરદ પૂર્ણિમાની રાત્રે ગરબા ગાવા અને લેવા ઉપરાંત ચંદ્રના કિરણોથી સંસ્કૃત (પ્રૉસેસ્ડ) દૂધપૌંઆ ખાવાનો પણ મહિમા છે. તેનું કારણ છે કે આ રાત્રે ચંદ્ર ધરતીની વધુ નજીક હોય છે. આથી ચંદ્રમામાંથી નીકળતાં કિરણો જ્યારે દૂધપૌંઆ કે ખીર પર પડે છે ત્યારે તેમાં વિટામીન જેવાં પોષકતત્ત્વો સમાહિત થાય છે. આ પ્રસાદને બીજા દિવસે ખાલી પેટ ખાવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે અને અસ્થમામાં રાહત મળે છે. ચંદ્ર મન સાથે જોડાયેલો છે તે તો જ્યોતિષ અને વિજ્ઞાન બંને સ્વીકારે છે. આથી માનસિક હેરાનગતિઓ પણ દૂર થાય છે.

ઠીક છે. હવે શરદપૂર્ણિમા તો ગઈ. આવતા વખતે ધ્યાન રાખીશું, પરંતુ હજુ શરદ ઋતુ ચાલુ છે તેટલા દિવસો તો આપણે આપણી તબિયત સારી રહે તેનું ધ્યાન રાખી શકીએ ને?

શરદની સમસ્યા

શરદ ઋતુમાં પિત્ત (એસિડ) વધી જાય છે. આપણું લોહી પણ પહેલાંની સરખામણીમાં ગંદુ થઈ જાય છે. આથી આ ઋતુમાં તાવ, ઉલટી, ખંજવાળ, ચર્મ રોગ થવા અથવા વકરવાની સંભાવના વધુ હોય છે. આથી ખાણીપીણીમાં ફેરફાર જરૂરી છે.

શરદ ઋતુમાં પિત્ત થતું હોવાથી જે ખાદ્ય પદાર્થોથી પિત્ત થતું હોય તે ખાવાનું ટાળવું જોઈએ. લસણ, રીંગણાં, કારેલા, મરી, સરસવનું તેલ, અડદની દાળ, કઢી વગેરે ન ખાવાં. છાશ પણ તાજી અને મોળી પીવી અને તેમાંય મીઠું, ધાણાજીરું વગેરે નાખીને પીવો તો વધુ સારું. ગરમ પડે તેવા, કડવા અને ચટપટા ખાદ્ય પદાર્થો ન લો તો વધુ સારું.

તો પછી શરદ ઋતુમાં ખાવું શું?

ભગવાને આપણને ખાણીપીણીની એટલી ચીજો આપી છે અને તે પણ ઋતુ-ઋતુ મુજબની, કે વાત ન પૂછો. ઘઉં, જવ, જુવાર, મસૂર, મગની દાળ, ગાયનું દૂધ, માખણ, ઘી, મલાઈ, શ્રીખંડ વગેરે લઈ શકો છો. શાકમાં ચોળી, દૂધી, પાલક, પરવળ, ફ્લાવર વગેરે ખાઈ શકાય. ફળોમાં આમળાં, સફરજન, સિંગોડા, કેળાં, દાડમ વગેરે લઈ શકાય.

આ ઉપરાંત સવારે ખીર ખાવી સારી. ઘી પણ ખાવું જોઈએ કારણ કે ઘી પિત્તને શાંત કરે છે. આ ઋતુમાં પેટ સાફ કરવા હરડે લઈ શકાય. હરડેને મધ અથવા ગોળ અથવા સાકર સાથે લઈ શકાય. અગાઉ કહ્યું તેમ રાત્રે ચાંદનીમાં રાખેલું દૂધ કે પાણી અમૃત સમાન બની જાય છે. આવા પાણીને હંસોદક અથવા અંશદૂક કહે છે. આવું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. રાત્રે બને તો હળવું ભોજન લો.

ચોમાસાની ઋતુ કરતાં આ ઋતુમાં તમને ઊર્જાનો સંચાર વધુ લાગશે, પરંતુ તેમ છતાં ચાદર પ્રમાણે સોડ તાણવી અને મહેનત ક્ષમતા પ્રમાણે કરવી. દિવસે સૂવાનું અને રાત્રે જાગવાનું ટાળવું. જોકે અત્યારે વિવિધ કારણોસર દિનચર્યા જ એવી બની ગઈ છે કે રાત્રે સૂતાં સૂતાં બાર તો વાગી જ જાય છે, પરંતુ પ્રયત્ન કરવા જોઈએ કે રાત્રે ૧૦ આસપાસ સૂવાનું થઈ જાય. અને જો જાગવું જ પડે તેમ હોય તો ચંદ્રપ્રકાશમાં નહાતા નહાતા, અર્થાત્ ચંદ્રકિરણોમાં બેસો.