અયોધ્યામાં સરયૂ તટ પર રામની 100 મીટર ઊંચી પ્રતિમા

લખનઉ- “નવું અયોધ્યા” પ્લાન અંતર્ગત ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામાં સરયૂ નદી પાસે ભગવાન રામની એક વિશાળ મૂર્તી બનાવવાની તૈયારી કરી રહી છે. ધાર્મિક પર્યટનને વેગ આપવાના આશયથી રાજ્ય સરકારના પર્યટન વિભાગને આનું એક પ્રેઝન્ટેશન રાજ્યપાલ રામ નાઈક સમક્ષ રજૂ કર્યું હતું. કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે સરકારના સ્લાઈડ શોમાં ભગવાન રામની મૂર્તી 100 મીટર સુધી રાખવાની વાત કહેવામાં આવી છે, પરંતુ હજી આ વાત ફાઈનલ નથી. રાજભવન દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવ્યા અનુસાર પર્યટન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અવનીશ કુમાર અવસ્થીએ આ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. 18 ઓક્ટોબરના રોજ અયોધ્યામાં થનારા દીપાવલી મહોત્સવ માટે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમોની જાણકારી હશે. રાજ્યપાલ રામ નાઈક, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પર્યટનપ્રધાન કે જે અલફોન્સ અને સાંસ્કૃતિકપ્રધાન મહેશ શર્મા પણ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે એનજીટી પાસેથી મંજૂરી મળ્યા બાદ મૂર્તીને સરયુ ઘાટ પર બનાવવામાં આવશે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ એક કોન્સેપ્ટ પ્રોજેક્ટ છે અને એનજીટી પાસેથી હજી આની મંજૂરી લેવા માટે પત્ર મોકલવાનો બાકી છે. આ સિવાય નદીના તટ પર રામ કથા ગેલરી, દિગંબર અખાડા પરિસરમાં ઓડિટોરિયમ અને અન્ય સાર્વજનિક સુવિધાઓ માટે પણ પ્લાનીંગ કરવામાં આવ્યું છે. અયોધ્યાના એકીકૃત વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રીય પર્યટન મંત્રાલયને 195.89 કરોડનું ડીપીઆર મોકલ્યું છે અને મંત્રાલય સરકારને અત્યાર સુધી 133.70 કરોડ રૂપીયા આપી પણ ચૂક્યું છે.

દીવાળી પર થનારા કાર્યક્રમો

18 ઓક્ટોબરના રોજ શહેરમાં દીપોત્સવ કાર્યક્રમ થશે, જેમાં 1.71 લાખ દીવાઓ રામની પૈડી પર પ્રજ્વલીત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સ્થળ રામજન્મભૂમીથી 2 કિલોમીટર દુર આવેલું છે. તો આ સિવાય શહેરમાં એક શોભાયાત્રા પણ કાઢવામાં આવશે જે ભગવાન રામના અયોધ્યા આગમન પર મનાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અર્થાત ભગવાન રામનો રાજ્યાભિષેક થશે. ત્યારબાદ સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈક અયોધ્યામાં કેટલીક વિકાસ પરિયોજનાઓનુ બીજારોપણ કરશે. સરયૂ નદીના નવા ઘાટ પર આરતી પણ કરવામાં આવશે, અને ત્યારબાદ ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડથી આવેલા કલાકારો રામલીલા રજૂ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]