ટ્રકમાલિકોની હડતાળથી રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને રૂ. ૨૦૦૦ કરોડનું નુકસાન

મુંબઈ – જીએસટી કરમાળખામાંથી ડિઝલને બાકાત રાખવા સામેના વિરોધમાં તેમજ ડિઝલના ઊંચા ભાવ, રસ્તાઓ પર સત્તાવાળાઓ દ્વારા કરાતી સતામણી તથા સરકારની ટોલ નીતિઓ જેવી બાબતો સામેના વિરોધમાં દેશભરમાં લાખો ટ્રકમાલિકો સોમ-મંગળ, એમ બે દિવસ માટે હડતાળ પર ઉતર્યા છે. આજે એમની હડતાળનો બીજો દિવસ છે. તેઓ સોમવારે સવારે ૮ વાગ્યાથી હડતાળ પર ઉતર્યા છે અને આજે રાતે ૮ વાગ્યા સુધી હડતાળ પર રહેશે.

ટ્રકમાલિકોની હડતાળના પહેલા જ દિવસે રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને રૂ. ૨૦૦૦ કરોડનું આર્થિક નુકસાન ગયું છે એવો દાવો હડતાળનું એલાન કરનાર ટ્રાન્સપોર્ટરોની સંસ્થા ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC)એ કર્યું છે.

ટ્રકમાલિકોએ એમની હડતાળમાંથી આવશ્યક ચીજવસ્તુઓને બાકાત રાખી છે.

સરકાર જો માગણીઓ નહીં સ્વીકારે તો દિવાળી બાદ ટ્રકમાલિકો એમની નવી વ્યૂહરચના ઘડશે અને એમનું આંદોલન ઉગ્ર બનાવશે.

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે ૧૨ કરોડ જેટલા લોકો સંકળાયેલા છે.

હડતાળને કારણે મુંબઈ અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના ઘણા ખરા ભાગોમાં રસ્તાઓ પરથી ટ્રકો ગાયબ છે.

મુંબઈમાં, ટ્રક ઓપરેટરોએ માનખુર્દ ચેક-પોસ્ટ ખાતે ધરણા ઉપર પણ બેસવાના છે.

AIMTCના નેજા હેઠળ અનેક નાની-મોટી ટ્રાન્સપોર્ટ સંસ્થાઓના ૯૩ લાખ ટ્રક ઓપરેટરો સામેલ છે.

હડતાળ પહેલા દિવસે સફળ રહી હોવાનો AIMTC દ્વારા દાવો કરાયો છે. દેશભરમાં ૭૦-૮૦ ટકા બિઝનેસ બંધ રહ્યો હતો. આજે બીજા દિવસે હડતાળની અસર વધારે જણાશે એવો હડતાળીયા ટ્રકમાલિકોનો દાવો છે.

બીજી બાજુ, ઈન્ડિયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ સંસ્થાએ ટ્રાન્સપોર્ટરોની હડતાળ ફ્લોપ ગયાનો અને દિલ્હી તથા દેશના અન્ય શહેરોમાં માલની હેરફેર રાબેતા મુજબની રહ્યાનો દાવો કર્યો છે.