ગુજરાતઃ સરકારે પેટ્રોલમાં રૂ.2.93 અને ડીઝલમાં રૂ.2.72નો ઘટાડો કર્યો

ગાંધીનગર– ગુજરાતની જનતા માટે રાહત અને આનંદના સમાચાર છે. ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર 4 ટકા ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. આથી પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.93 અને ડીઝલના ભાવમાં રૂપિયા 2.72નો ઘટાડો થશે. આ ભાવઘટાડો આજે મધરાતથી અમીલ બનશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે આજે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી આ જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારે વેટમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે, જેને પગલે ગુજરાતમાં પેટ્રોલનો નવો ભાવ 67.53 રૂપિયા અને ડીઝલનો નવો ભાવ 60.77 રૂપિયાનો અમલી થશે. વેટમાં 4 ટકાના ઘટાડાથી રાજ્ય સરકારની તિજોરી પર રૂપિયા 2,316 કરોડની ઓછી આવક થશે. પેટ્રોલ પર વેટ 24 ટકા હતો, તે ઘટાડીને 20 ટકા કર્યો છે.

આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હોવા છતાં ભારતમાં ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હતા. જેને પગલે સમગ્ર દેશમાં તેનો ભારે વિરોધ સાથે ઉહાપોહ થયો હતો. મોંઘવારી વધી અને જીડીપી ગ્રોથ પણ ઘટીને આવ્યો હતો. જેથી કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરવી પડી હતી. ત્યાર પછી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કહ્યું હતું કે તે પણ વેટમાં ઘટાડો કરે. જેથી પ્રજાને સસ્તા દરે પેટ્રોલ-ડીઝલ મળી રહે.

ભાજપ સાશિત રાજ્યોમાં ગુજરાત સરકારે આજે વેટમાં 4 ટકાના ઘટાડાની જાહેરાત કરીને પહેલ કરી છે. ગુજરાતમાં આજ મધરાતથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. રાજ્યને આ વર્ષે વેટની 12,840 કરોડની આવક થઈ હતી.