મહારાષ્ટ્રના નાગરિકોને પણ દિવાળીની ગિફ્ટઃ પેટ્રોલ, ડિઝલ સસ્તું થયું

મુંબઈ – ગુજરાતની સરકારને પગલે મહારાષ્ટ્ર સરકારે પણ બે પેટ્રોલિયમ ઉત્પાદનના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયા ઘટાડ્યા છે તો ડિઝલમાં ૧ રૂપિયો ઘટાડ્યો છે. નવો ભાવ આજે મધરાતથી અમલમાં આવશે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ગયા ઓગસ્ટ મહિનાથી સતત ભાવવધારો કરાતો હતો એટલે નાગરિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સરકારે દિવાળીના તહેવાર ટાણે ભાવઘટાડો કરીને જનતાનો રોષ ઠંડો કરવાનો પ્રયત્ન કર્યો છે.

દેશભરમાં પેટ્રોલના ભાવ ભડક્યા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર લગભગ ૮૦ રૂપિયા છે.

 

હાલમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની કેન્દ્રીય આબકારી જકાતમાં ઘટાડો કરીને રાજ્ય સરકારોને પણ એનું અનુસરણ કરી વેલ્યૂ એડેડ ટેક્સ તથા અન્ય રાજ્યસ્તરના વેરાઓમાં ઘટાડો કરવા કહ્યું હતું.

મહારાષ્ટ્રના નાણાંપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડિઝલ પરનો ‘VAT’ ઘટાડ્યો છે અને નાગરિકોને દિવાળીની ગિફ્ટ આપી છે. આ નિર્ણયને લીધે રાજ્યની તિજોરી પર રૂ. ૨૦૦૦ કરોડનો બોજો આવશે. રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી તે છતાં આ અધિક આર્થિક બોજો તે ભોગવવા તૈયાર છે.