સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે

નવી દિલ્હી- સગીર પત્ની સાથે શારીરિક સંબંધ મામલે સુપ્રીમ કોર્ટે અતિમહત્વનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે સગીર વયની પત્ની સાથે શારીરિક સંબંધને દુષ્કર્મ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આઈપીસીની કલમ 375(2) મુદ્દે સંશોધન કરવાનો આદેશ આપ્યો છે, જે અનુસાર 15થી 18 વર્ષની પત્ની સાથે તેનો પતિ શારીરિક સંબંધ બાંધે તેને દુષ્કર્મ જ માનવામાં આવશે. જો કે બાળ વિવાહના કાયદા અનુસાર મહિલાની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. કોર્ટના આ નિર્ણય અનુસાર જો સગીર પત્ની એક વર્ષની અંદર કોઈ ફરિયાદ કરે છે તો તેના પતિ પર રેપનો ગુનો દાખલ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આના પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્રએ જણાવ્યું કે આઈપીસીની કલમ 375ના અપવાદને યથાવત રાખવો જોઈએ કે જે પતિને સંરક્ષણ આપે છે. બાળલગ્ન મામલે આ સંરક્ષણ જરૂરી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટ પાસે આગ્રહ કર્યો હતો કે તે આ કલમને રદ્દ ન કરે અને સંસદને આના પર વિચાર કરીને નિર્ણય લેવાની સમય મર્યાદા નક્કી કરી આપવામાં આવે.