મોદીની અપીલઃ દીવાળીમાં દીવા કુંભાર પાસેથી ખરીદો

લખનઉઃ જનસંઘના મોટા નેતા નાનાજી દેશમુખની જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતાં. પીએમે દિલ્હીના પૂસામાં ઈન્ડિયન એગ્રિકલ્ચર રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમે ઉપસ્થિતોને સંબોધન કરતા ગરીબી વિરૂદ્ધ લડવાની વાત કહી હતી.

તેમણે જણાવ્યું કે શહેર ગામડાઓ માટે માર્કેટ બનવું જોઈએ અને સાથે લોકોને ગામના કુંભારો પાસેથી દીવાળીમાં દીવા ખરીદવા હાંકલ કરી હતી.  18 હજાર ગામડાઓ એવા હતાં કે જે 18મી શતાબ્દીમાં જીવી રહ્યાં હતાં, ત્યાં લાઈટ નહોતી, અને અમે લોકોએ લાલ કિલ્લા પરથી 1000 દિવસમાં આ ગામોમાં વીજળી પહોંચાડવાનું બીડું ઝડપ્યું. અત્યારસુધી 15 હજાર ગામડાઓમાં અમે વીજળી પહોંચાડી ચૂક્યાં છીએ અને અમારી સરકાર મફતમાં વીજ કનેક્શન આપી રહી છે.

વડાપ્રધાને જણાવ્યું કે સરકારનું લક્ષ્ય 2022માં ખકેડુતોની આવક બમણી કરવાનું છે. સરકાર ખુલ્લામાં શૌચ વિરૂદ્ધ એક ખાસ કેમ્પેનના માધ્યમથી કામ કરી રહી છે અને હવે ગામડાઓમાં શૌચાલયનું નામ ઈજ્જતઘર બની ગયું છે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગ્રામ સંવાદ એપ્લીકેશન પણ લોંચ કરી હતી જેના દ્વારા એ વાતની જાણકારી રાખી શકાશે કે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં. સરકારી યોજનાઓને જિલ્લા સ્તર પર યોગ્ય રીતે લાગુ કરી શકાય તે માટે એક પોર્ટલ પણ લોંચ કરવામાં આવ્યું.