ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત આજે સાંજે 4 વાગ્યે થશે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જે સમાચાર આવતાની સાથે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. પણ હજી ગુજરાત અંગે સસ્પેન્સ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં થશે, અને તે પણ બે તબક્કામાં થવાની જાહેરાત થશે, એવી શકયતાઓ જોવાઈ રહી છે. ગુજરાત અને હિમાચલમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષ વચ્ચે સીધો મુકાબલો છે.પીએમ નરેન્દ્ર મોદી વીતેલા દિવસોમાં એક મહિનામાં ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. રાહુલ ગાંધી પણ ત્રણત્રણ દિવસ માટે બે વખત ગુજરાત આવીને ગયા છે. આમ ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ તો થઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ ગુજરાત અને હિમાચલનો પ્રવાસ કરીને રાજકીય સોગઠા ગોઠવી ચુક્યા છે. ચૂંટણી પંચના સંકેત અનુસાર હિમાચલમાં એક જ તબક્કામાં નવેમ્બરની મધ્યે ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી માટે મતદાન થઈ શકે છે, તેવી સંભાવના છે.