ગુજરાતઃ ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-ર૦૧૭

ગાંધીનગર– ગુજરાતમાં ગાર્મેન્ટ ક્ષેત્રને વધુ સુદ્ઢ કરવા અને એપરલ ઉદ્યોગના માધ્યમથી મહિલાઓ માટે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ કરવાના હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બુધવારે ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-૨૦૧૭ની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આ જાહેરાત કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ફરીથી માન્ચેસ્ટર બનાવવું છે. કપાસનું વધુ ઉત્પાદન કરતું ગુજરાત કાપડ અને કપડાંના ઉત્પાદનમાં પણ નંબર વન બને એવી નેમ સાથે આ પૉલીસી તૈયાર કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસીની વિસ્તૃત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેશન અને ફેશન ટુ ફેબ્રીક, ફ્રેબ્રીક ટુ ફોરેન એક્સપોર્ટ સુધીની ચેન વધુ સુદ્ઢ બને એ દિશાના રાજ્ય સરકારના પ્રયત્નો છે. ગાર્મેન્ટ અને ટેક્ષટાઇલ્સ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા સ:વિશેષ હોય છે. આ પોલીસીથી મહિલા રોજગારીને વધુ પ્રોત્સાહિત કરવા ગાર્મેન્ટ એન્ડ એપરલ પોલીસી અંતર્ગત ફેક્ટરીઓમાં કામ કરતી મહિલા કારીગરોને પ્રતિ માસ રૂા.૪,૦૦૦/-ની મર્યાદામાં પે રોલ સહાય રાજ્ય સરકાર ચુકવશે. જ્યારે પુરૂષ કારીગરોને પ્રતિ માસ રૂા.૩,૨૦૦/- ની મર્યાદામાં રાજ્ય સરકાર વેતન ચુકવશે. સહાયનું આ પ્રોત્સાહન પાંચ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્પીનીંગ અને વીવીંગ ઉદ્યોગ વિકસ્યો છે. છેલ્લા પાંચેક વર્ષમાં રાજ્યમાં ૨૫ લાખથી વધુ સ્પિન્ડલ સ્થાપિત થયા છે. વધુ પાંચથી સાત લાખ સ્પિન્ડલ સ્થાપિત થઇ રહ્યા છે. આ ક્ષેત્રમાં રૂા.૨૦,૦૦૦ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-૨૦૧૭ થી વધુ મૂડીરોકાણો આવશે. તેમણે આ ક્ષેત્રે વિશેષ પ્રોત્સાહનોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ ક્ષેત્રે નાના ઉદ્યોગકારો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. આ તમામને રાજ્ય સરકાર વધુમાં વધુ રૂા.૭.૫ કરોડ સુધી વાર્ષિક પાંચ ટકાના ધોરણે પાંચ વર્ષ સુધી વ્યાજ સહાય આપશે. એટલું જ નહીં ઓદ્યોગિક એકમના વીજ બીલની રકમમાં પાંચ વર્ષ સુધી યુનિટ દીઠ રૂા.૧ ની સહાય પણ રાજ્ય સરકાર કરશે.

નાના ઉદ્યોગોને મોટા લાભો આપવાની રાજ્ય સરકારની નીતિ વિષે બોલતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યની ઓદ્યોગિક વસાહતોમાં ગાર્મેન્ટ-એપરલ મેન્યુફેક્ચરીંગ એકમો માટે ‘પ્લગ એન્ડ પ્લે’ શેડના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રોજેક્ટ કોસ્ટના ૫૦ ટકા આર્થિક સહાય કરશે. ઓદ્યોગિક વસાહતોમાં પુરતી આંતર માળખાકીય સુવિદ્યાઓ ધરાવતા ‘પ્લગ એન્ડ પ્લે’ શેડ બનાવવામાં આવશે. ઉદ્યોગો માટે ડોરમેટરી સહાય યોજના અંતર્ગત નક્કી કરવામાં આવેલા ભાડાની રકમના ૫૦ ટકાના ધોરણે એકમને સહાય અપાશે. આ માટે ઓદ્યોગિક એકમોની માંગણી અનુસાર ડોરમેટરીની સુવિદ્યા લાંબાગાળાની લીઝ અથવા ભાડેથી અપાશે. કામદારો માટે ડોરમેટરી બનાવવા માટે પ્રાઇવેટ ડેવલોપરને રૂા.૫ કરોડ સુધીની પ્રોજેક્ટ ખર્ચની મર્યાદામાં કુલ ખર્ચના ૫૦ ટકા સહાય રાજ્ય સરકાર કરશે.

સ્કીલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત કારીગરો માટે ટ્રેઇનીંગ ઇન્સ્ટીટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકાર પ્રોજેક્ટ ખર્ચના ૮૫ ટકા લેખે વધુમાં વધુ રૂા.૩ કરોડની સહાય કરશે. એમ કહીને મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ટ્રેઇનીંગ સેન્ટર માટે પ્લાન્ટ એન્ડ મશીનરી, સાધનો, વીજળીકરણ, જેવી પાયાની સુવિદ્યા માટે કુલ ખર્ચના ૫૦ ટકા લેખે રાજ્ય સરકાર રૂા.૨૦ લાખની સહાય કરશે. મધ્યમ ક્ક્ષાના મેનેજમેન્ટ કોર્સ માટે ટ્રેઇનીંગ આપતી સંસ્થાઓ દ્વારા લેવાતી ફી ના ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૂા.૭,પ૦૦ની મર્યાદામાં પ્રતિ ટ્રેઇની ફી રિએમ્બર્સમેન્ટ સહાય પણ રાજ્ય સરકાર કરશે. એટલું જ નહીં, મેગા એપરલ પાર્ક બનાવવા આંતરમાળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવા રાજ્ય સરકાર કુલ ખર્ચના ૫૦ ટકાના ધોરણે વધુમાં વધુ રૂા.૧૦ કરોડની મર્યાદામાં સહાય કરશે. મેગા એપરલ પાર્ક માટે ડેવલોપરને જમીનની ખરીદી માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી પણ મુક્તિ અપાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]