ગુજરાતઃ 14 જિલ્લામાં નવી 16 GIDC સ્થપાશેઃ CM રૂપાણી

ગાંધીનગર- ગુજરાત રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્યના ૧૪ જિલ્લાઓમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી.ની વસાહતો સ્થાપવામાં આવશે, એવી જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બુધવારે સવારે તેમના નિવાસસ્થાનેથી કરી છે.

મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યના ઔદ્યોગિક વિકાસ તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે રાજ્યમાં દેશ-વિદેશના ઉદ્યોગો આવી રહ્યા છે તેમજ રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાં વધારો થાય અને રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ૧૪ જિલ્લાઓના ૧૫ તાલુકાઓમાં અંદાજીત ર૪૬૦ હેકટર જમીન ઉપર નાના મોટા મળી કુલ ૧૪,પ૪૦ પ્લોટોમાં આ જી.આઇ.ડી.સી. કાર્યરત થશે. જેમાં ૫૦, ૧૦૦, ર૦૦ અને પ૦૦ મીટરના પ્લોટોની ફાળવણી કરાશે. જેમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડીંગ, માર્ગો, પાણી, વીજળી સહિત અન્ય માળખાગત સુવિધાઓ પુરી પડવામાં આવશે. આ માટે રૂા. ૧૫ હજાર કરોડનું મૂડીરોકાણ થાય તેવી સંભાવના છે.

વિજય રૂપાણી કહ્યું કે રાજ્યના રાજકોટ, મોરબી, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, આણંદ, અમરેલી, ભાવનગર, સુરત અને તાપી જિલ્લામાં આ નવી જી.આઇ.ડી.સી.સ્થપાશે. જેમાં છેવાડાના માનવીને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક કક્ષાના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રાધાન્ય અપાશે. આના પરિણામે ૪૦ હજારથી વધુ સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

બહુમાળી શેડના નિર્માણ માટે ૫૦ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે

ગુજરાતના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ઉદ્યોગ વિભાગ દ્વારા અનેકવિધ પ્રોત્સાહનો પુરા પાડવામાં આવી રહ્યા છે. ઉદ્યોગ વિભાગ દ્વારા બહુમાળી શેડ યોજના હેઠળ શેડના નિર્માણ માટે ૫૦ ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા અપાશે, તેમ ઉદ્યોગ વિભાગ દ્વારા જણાવાયું છે. રાજ્યમાં આ યોજના હેઠળ ૧૦૮૬ શેડ વિવિધ ૩૩ જી.આઇ.ડી.સી.માં કાર્યરત કરવાનું આયોજન છે. જેમાં ૫૦ અને ૧૦૦ ચો.મી.ના બાંધેલ બહુમાળી શેડ પણ જી.આઇ.ડી.સી. દ્વારા તૈયાર કરી ફાળવવામાં આવશે. રાજ્યમાં આવા કુલ ૧૧ર શેડ તૈયાર કરાયા છે અને ૫૫ર શેડના કામો પ્રગતિ હેઠળ છે. ઉપરાંત આવા નવા ૧૦૮૬ શેડ ઉભા કરવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ૦ ટકા સબસીડી અપાશે. ઉપરાંત જી.આઇ.ડી.સી. પણ ૩૦ ટકા ડાઉન પેમેન્ટ કરી બાકીના ૭૦ ટકા રકમ સરળ હપ્તેથી ભરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે.

ગુજરાતના ૧૪ જિલ્લામાં સ્થપાનાર ૧૬ નવી GIDC

ક્રમ સ્થળ તાલુકો જીલ્લો અંદાજીત વિસ્તાર હેકટરમાં કુલ આયોજીત પ્લોટોની સંખ્યા
દેવગામ-ખીરસરા લોધીકા રાજકોટ ૧૫૦ ૭૧૫
છત્તર-મીત્તાણા ટંકારા મોરબી ર૭ ૩૩ર
ધ્રોલ (મીની જી.આઇ.ડી.સી.) જામનગર જામનગર ૦ર ૧૦૦
મોટી ચિરાઇ ભચાઉ કચ્છ ૧૩૧ ૪૯૩
વણોદ પાટડી સુરેન્દ્રનગર ૯૦૦ ૩ર૭૫
છાપી-મગરવાડા વડગામ બનાસકાંઠા ર૦૦ ૧૩૧૦
ભગાપુરા વિરમગામ અમદાવાદ ૩૦૦ ૧૩૪૫
શીણાવાડ મોડાસા અરવલ્લી ૩૫ ૩૩૦
દાહોદ વિસ્તરણ (ખરેડી) દાહોદ દાહોદ ૬૦ ૫૮૦
૧૦ ઇન્દ્રણજ તારાપુર આણંદ ૫૧ ૪ર૭
૧૧ સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી ૬૦ ૮૩૦
૧ર લાઠી લાઠી અમરેલી ૪૫ ૮૮૦
૧૩ નારીગામ ભાવનગર ભાવનગર ૬૦ ૬ર૫
૧૪ માઢીયા ભાવનગર ભાવનગર ૩૦૦ ૨૫૭૦
૧૫ મીયાવાડી બારડોલી સુરત ૧૧૯ ૪૯૩
૧૬ બોરખડી વ્યારા તાપી ર૦ ર૩૫
કુલ…… ર,૪૬૦ ૧૪,૫૪૦
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]