Home Blog Page 5619

ચૂંટણી ગિફ્ટઃ ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દરરોજ એક નવી રાહતોની લ્હાણી કરી રહી છે, પણ આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે ગુરુવારે બપોર બે વાગ્યે ઢગલાબંધ રાહતોની લ્હાણી કરી નાંખી છે. પાટીદારો સામેના તમામ કેસો પાછા ખેંચવાની પણ જાહેરાત કરી હતી.

ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલે વારાફરતી દીવાળી અગાઉની ભેટ આપતાં હોય તેવી રીતે જાહેરાતો કરી હતી. તેમજ રાહુલ ગાંધી સામે પણ આક્ષેપો કરવાનું પણ તેઓ ચુક્યા ન હતા. રાહુલ ગાંધીને પ્રદેશ નેતાઓ ચિઠ્ઠીમાં લખીને આપી દે છે, અને તે વાંચી જાય છે, તેનો શું અર્થ છે, તેમને ખબર નથી હોતી.

કર્મચારીઓને રૂા.૩૫૦૦ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે

નાયબ મુખ્‍યપ્રધાન અને નાણાપ્રધાન નિતીનભાઇ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્‍યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દીવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને રૂા.૧૧.૮૭ કરોડનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-૪ ના અંદાજે પાંત્રીસ હજાર કર્મચારીઓને લાભ મળશે.

એસ.ટી.નિગમના કર્મચારીઓને ૨૧ માસના HRAની રકમ ખાસ કિસ્‍સામાં ચુકવાશે

નિતીનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના અધિકારી-કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના સેટલમેન્‍ટ મુજબ HRAની ૨૧ માસની રકમ ખાસ કિસ્‍સામાં ચુકવાશે. એસ.ટી. નિગમના અધિકારી-કર્મચારીઓને તા.૦૧.૦૪.૨૦૦૯ થી તા.૩૧.૧૨.૨૦૧૦ સુધીના સમયગાળા માટે સુધારેલ એચ.આર.એ ના તફાવતની રકમ, ખાસ કિસ્‍સામાં ચુકવાશે. તે માટે રાજય સરકારને રૂા.૬૮.૬૯ કરોડની નાણાંકીય સહાયની રકમ એસ.ટી. નિગમને ફાળવી આપેલ છે, જેના કારણે એસ.ટી.ના કર્મચારીઓને તેનું ચુકવણું કરી દેવામાં આવશે. જેનો લાભ નિગમના ૪૧૦૦૦ કર્મચારીઓને મળશે.

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે આનંદના સમાચાર

ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે રાજય સરકારે મહત્‍વનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ કે કાયમી અસમર્થ બને તો તેવા સંજોગોમાં રહેમરાહે નોકરી અપાશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓનું ફરજ દરમિયાન મૃત્‍યુ થાય ત્‍યારે તેના વારસદારોને જીવન નિર્વાહ માટે તકલીફ ન પડે તે માટે મુખ્‍યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકારે નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકાઓમાં જો વારસદાર નોકરીના બદલે જો રોકડ સહાયની માંગણી કરે તો મહાનગરપાલિકા સહાય આપી શકશે. પરંતુ પછી તેના વારસદારને આ હકક મુજબ નોકરી મળશે નહીં.

રાજયની નગરપાલિકાઓમાં જગ્‍યા પર ફરજ બજાવતા કાયમી સફાઇ કર્મચારીઓ અશકતતા કે માંદગીના કારણોસર કે અન્‍ય અસામાન્‍ય કારણોને લીધે ફરજો બજાવી શકે તેમ ન હોય, અશકતતા/માંદગીના કારણે નોકરી કરવા અસમર્થ બને તેવા કિસ્‍સાઓમાં રહેમરાહે નોકરી આપવામાં આવશે, તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે શહેરી વિકાસ વિભાગે આ માટે ૪૮% મહેકમ ખર્ચની જે મર્યાદા હતી તે સફાઇ કામદારોની ભરતી કરવા માટે કેટલીક શરતો સાથે રદ કરી છે, જેથી હવે રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે નગરપાલિકાને વધુ સત્તા મળશે.

 

ઉર્જા નિગમની વિવિધ કંપનીઓમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા ફિકસ પગારદાર કર્મચારીના વેતનમાં વધારો

ડેપ્યુટી સીએમ નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ગુજરાત સરકારે તેના અધિકારી/કર્મચારીઓને ૭ માં પગાર પંચના લાભો પુરો પાડયા છે. સાથે સાથે ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં પણ ઉત્તરોતર વધારો કર્યો છે. ત્‍યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સહયોગી કંપનીઓમાં ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિકસ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે, જેનો લાભ ૭,૦૪૯ કર્મચારીઓને મળશે અને વિદ્યુત કંપનીઓને રૂા.૨૨.૬૯ કરોડનું વધારાનું ભારણ થશે.

આ નિગમોમાં ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પર, જુનીયર આસીસ્‍ટન્‍ટ, પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧), જુનીયર એન્‍જિનીયર કેડરના ૭૦૪૯ જેટલા કર્મચારીઓને આ લાભો મળશે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પરના કિસ્‍સાઓમાં રૂા.૨૫૦૦, જુનીયર આસીસ્‍ટન્‍ટ અને પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧)ના કિસ્‍સામાં રૂા.૩૫૦૦ તથા જુનીયર એન્‍જિનીયર કેડરમાં રૂા.૫૦૦૦ નો વધારો કરાયો છે.

ઔડા વિસ્‍તારમાં આવતા રીંગ રોડ પર થ્રી અને ફોર વ્‍હીલર વાહનો પર લેવાતો ટોલ ટેકસ નાબૂદ

અમદાવાદના ઔડા વિસ્‍તારની હદમાં આવતા સરદાર પટેલ રીંગ રોડ પર નાના વાહનો એટલે કે પેસેન્‍જર રીક્ષા અને ફોર વ્‍હીલર કાર પર લેવામાં આવતો ટોલ ટેક્ષ નાબૂદ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય થી અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના ગ્રામ્‍ય વિસ્‍તારના હજારો નાગરિકોને લાભ મળશે.

ઔડાની આ દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવી છે. રીંગ રોડ ઉપર દિવસ દરમિયાન અંદાજે ૧૧,૦૦૦થી વધુ મોટરકાર અને રીક્ષા પસાર થાય છે, જેનો અંદાજિત રૂા.૮ કરોડ જેટલો ટોલ ટેક્ષ ઔડા દ્વારા ટોલ ટેક્ષ કંપનીને ચુકવાશે. શહેરી વિકાસ વિભાગ અને ઔડા દ્વારા લેવાયેલ આ નિર્ણય થી આ રીંગ રોડ ઉપરથી પસાર થતાં લાખો નાગરિકોને સમય સાથે નાણાની પણ બચત થશે.

 

 8 લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને એક ટકા મોંઘવારી ભથ્થાનો લાભ

રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી અને પેન્શનરોને ૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનાથી રાજ્ય સરકારને ૨૭૩ કરોડ રૂપિયાનો વધારાનો બોજ ઉપાડવો પડશે. રાજ્યના અધિકારી / કર્મચારીઓના હિત માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. રાજય સરકારના અધિકારી / કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને મળી કુલ-૮,૨૦,૭૬૪ અધિકારી / કર્મચારીઓને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરીને પગાર અને પેન્‍શન ચુકવવામાં આવી રહ્યુ છે. તેના ઉપર હવે આ એક ટકા મોંઘવારી ભથ્થું તા.૦૧.૦૭.૨૦૧૭ થી રોકડમાં ચુકવવામાં આવશે.

દાદરના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને ‘GM મોડ્યૂલર’ દ્વારા રોશનીનો શણગાર

મુંબઈ – ઈલેક્ટ્રિક સ્વીચીસ અને હોમ ઓટોમેશન પ્રોડક્ટ્સની જાણીતી ઉત્પાદક કંપની ‘GM મોડ્યૂલર’ શહેરના દાદરસ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરને પર્યાવરણને અનુરૂપ (ઈકો-ફ્રેન્ડલી) LED લાઈટિંગથી ઝળહળીત કરે છે.

મંદિરને લેટેસ્ટ કક્ષાની LED લાઈટ્સ વડે સુશોભિત કરે છે, GMની પેટા કંપની LED લ્યૂમિનરીઝ.

મંદિરની ઈમારતના રસ્તા પર પડતા ભાગને GMની LED ફ્લડલાઈટ્સ દ્વારા રોશનીમય કરવામાં આવે છે.

આંતરિક રોશની વ્યવસ્થા સંભાળે છે COB LED લાઈટિંગ.

શહેરના મધ્ય ભાગમાં આવેલા આ મંદિરમાં દર્શન માટે દરરોજ અસંખ્ય ભાવિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

GM મોડ્યૂલરના સીઈઓ જયંત જૈનનું કહેવું છે કે, ‘ટેક્નોલોજીમાં નવીનતા એ GM મોડ્યૂલરની આગવી વિશેષતા રહી છે. અમારો ઉદ્દેશ્ય અમારાં ગ્રાહકોનાં જીવનમાં ધરખમ પરિવર્તન લાવવાનો છે. ઉત્તમ ટેક્નોલોજીની મદદથી GM કંપનીએ LED ટેક્નોલોજી ઘડી છે જે દ્વારા કરાતી લાઈટિંગ વ્યવસ્થાથી જાળવણીની કડાકૂટ ઘટે છે અને ઊર્જાની ૮૫ ટકા બચત થાય છે.’

શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 348 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, અને આજે ગુરુવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ એકતરફી વધ્યા હતા. હેવીવેઈટ શેરો જેવા કે રીલાયન્સ, ટીસીએસ, સન ફાર્મા અને એચયુએલમાં ભારે ખરીદીથી ભાવ ઉછળ્યા હતા. સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલીને કારણે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 348.23(1.09 ટકા) ઉછળી 32,182.22 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 111.60(1.12 ટકા) ઉછળી 10,096.40 બંધ થયો હતો.

ગત મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા. તેની પાછળ ભારતીય શેરોના ભાવ પણ ઊંચા જ ખુલ્યા હતા. યુએસ એફડીએ દ્વારા સન ફાર્માને દાદરા પ્લાન્ટની તપાસ પુરી કરીને ક્લીનચીટ આપી છે, જે સમાચારને પગલે સન ફાર્મામાં ભારે લેવાલીથી શેરના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા. તેમ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. એકતરફ કંપનીઓના સપ્ટેમ્બર આખરના બીજા ત્રિમાસિક પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. બીજી તરફ કંપનીઓના પરિણામો નિરુત્સાહી આવવાનો આશાવાદ છે. જેથી માર્કેટના ઓપરેટરો સાવચેતીના મૂડમાં આવી ગયા છે. પણ આજે તેજી થતાં માર્કેટનો મૂડ બદલાયેલો જોવા મળતો હતો.

BSE સેન્સેક્સમાં 348.23નો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 31,833.99ની સામે 31,887.47ના ઊંચા મથાળે ખુલીને શરૂમાં સામાન્ય ઘટી 31,813.67 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 32,209.03 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 32,182.22 બંધ થયો હતો. જે 348.23નો ઉછાળો દર્શાવે છે.

NSE નિફટીમાં 111.60નો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ગઈકાલના બંધ 9984.80ની સામે આજે સવારે 10,011.20 ખુલીને શરૂમાં ઘટી 9977.10 થઈ અને ત્યાંથી ઉછળી 10,104.45 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 10,096.40 બંધ રહ્યો હતો, જે 111.60નો ઉછાળો દર્શાવે છે.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં હિન્દાલકો(5.99 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(5.24 ટકા), રીલાયન્સ(3.88 ટકા), સન ફાર્મા(2.57 ટકા) અને ઓરોબિન્દો ફાર્મા(2.04 ટકા) રહ્યા હતા.

સૌથી વધુ ગગડેલા શેર

જ્યારે આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ભારતી એરટેલ(0.82 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(0.79 ટકા), યુપીએલ(0.49 ટકા), ઈન્ફોસીસ(0.37 ટકા) અને પાવરગ્રીડ કોર્પ(0.27 ટકા) રહ્યા હતા.

પુત્રી આરુષિની હત્યાના કેસમાં માતા-પિતા નિર્દોષ જાહેર

લખનઉ – દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સગીર વયની આરુષિ તલવાર અને તેના ઘરનોકર હેમરાજની હત્યાના કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટે આરુષિનાં પિતા રાજેશ તલવાર અને માતા નુપૂર તલવારને નિર્દોષ જાહેર કર્યાં છે.

૧૪ વર્ષની આરુષિ ૨૦૦૮ની ૧૬મી મેએ ઉત્તર પ્રદેશના નોઈડા નગરમાં એમનાં બંગલા ‘જલવાયુ વિહાર’માં એનાં બેડરૂમમાં ગળું ચીરેલી હાલતમાં મળી આવી હતી.

શરૂઆતમાં આરુષિની હત્યા માટે ઘરનોકર હેમરાજ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે હેમરાજ લાપતા જણાયો હતો, પણ બાદમાં બીજા દિવસે હેમરાજનો મૃતદેહ મકાનની અગાસી પરથી મળી આવતાં કેસે નાટ્યાત્મક વળાંક લીધો હતો.

પૂછપરછ દરમિયાન, અનેક નામ ચર્ચાયા હતા. જેમ કે, ડેન્ટિસ્ટ દંપતી રાજેશ અને નુપૂર તલવારનાં ઘરના ભૂતપૂર્વ નોકર વિષ્ણુ, રાજેશના ભૂતપૂર્વ કમ્પાઉન્ડર ક્રિષ્ના અને પડોશીઓ-પરિવારના મિત્રોના ઘરનોકરો – રાજકુમાર અને શંભુ.

પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે દીકરી આરુષિ અને ઘરનોકર હેમરાજને વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ રાજેશ તલવારે જ એ બંનેની હત્યા કરી હતી.

ત્યારબાદ રાજેશની ધરપકડ કરવામાં આવી હતી.

રાજેશને હત્યામાં એમના પત્ની નુપૂરે પણ સાથ આપ્યો હતો એવો આરોપ મૂકી બંનેને આરોપી ગણવામાં આવ્યા હતા અને નુપૂરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૧૩માં સીબીઆઈ વિશેષ અદાલતે દંપતીને બેવડી હત્યા કથિતપણે કરવા બદલ આજીવન કેદની સજા સંભળાવી હતી.

તલવાર દંપતીએ એમની સજાના ચુકાદાને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આજે હાઈકોર્ટે દંપતીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યા છે કે દંપતીએ એમની દીકરી આરુષિ અને નોકર હેમરાજની હત્યા કરી નહોતી.

કોર્ટે આજે પોતાનો નિર્ણય જાહેર કરીને તલવારને અપરાધી જાહેર કરનાર સીબીઆઈ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે. ગાઝિયાબાદ સ્થિત વિશેષ સીબીઆઈ અદાલતે રાજેશ અને નુપુરને આજીવન કેદની સજા સંભળાવી હતી.

તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરાતાં આ કેસનું રહસ્ય હવે વધારે ઘૂંટાયું છે કે આરુષિ અને ઘરનોકર હેમરાજની હત્યા કોણે કરી હતી?

હાઈકોર્ટે આજે જણાવ્યું છે કે માત્ર શંકાના આધારે કોઈને અપરાધી જાહેર કરી શકાય નહીં. અપરાધ સિદ્ધ કરવા માટે મજબૂત પુરાવાની જરૂર હોય છે. કોર્ટે ઠેરવ્યું છે કે સંજોગો તથા રેકોર્ડ પર મૂકવામાં આવેલા પુરાવાના આધારે દંપતીને હત્યા માટે અપરાધી ગણી શકાય નહીં.

9 વર્ષ પહેલા નોઈડાના સેક્ટર-25માં આવેલા ‘જલવાયુ વિહાર’ સ્થિત તલવાર દંપતીના મકાનમાં બેવડી હત્યા થયા બાદ પોલીસે અને ત્યારબાદ સીબીઆઈની બે ટીમે પોતપોતાની રીતે તપાસ કરી હતી.

વિશેષ કોર્ટની સજા વિરૂદ્ધ તલવાર દંપતીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી વખતે જસ્ટિસ બી.કે. નારાયણ અને જસ્ટિસ એ.કે. મિશ્રાની ખંડપીઠે તલવાર દંપતીની અપીલ પર સાત સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણય સંભળાવવા માટે 12 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી.

દીવાળી કાર્ડ સમયસર મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા

અમદાવાદ– દીવાળી દરમિયાન સામાન્ય મેલ્સ ઉપરાંત મોટા પ્રમાણમાં શુભેચ્છા કાર્ડ પોસ્ટ કરવામાં આવે છે. આ ખાસ મેઈલને ઝડપી ડિલિવરી આપવા માટે પોસ્ટ ઓફિસ અને આર.એમ.એસ. કચેરીઓમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પોસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ ગ્રાહકોએ દીવાળીના શુભેચ્છા કાર્ડ વહેલાસર પોસ્ટ કરી દેવા.

પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને નીચેની રીતે સહકાર આવાની વિનંતી કરાઈ છે.

1. બધી પોસ્ટ કચેરીઓના કાઉન્ટર્સ પર ઉપલબ્ધ સ્પીડ પોસ્ટની સેવા દીવાળી શુભેચ્છાઓના બુકિંગ માટે ઉપયોગ કરી શકાય છે. સ્પીડ પોસ્ટ આર્ટીકલને www.indiapost.gov.in પર રસીદમાં આપવામાં આવેલ 13 આંકડાનો બારકોડથી ટ્રેક કરી શકાય છે. ગ્રાહકોને એનએસએચ, અમદાવાદ, શાહિબાગ, અમદાવાદ-380 004 અને અમદાવાદ આરએમએસ. પ્લોટ ફોર્મ નં. 1 રેલવે સ્ટેશન, અમદાવાદ-380 002 પર ઉપલબ્ધ 24 કલાક સ્પીડ પોસ્ટ કાઉન્ટરનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે.

2. કૃપા કરીને છેલ્લી ઘડીની દોડાદોડથી બચવા તમારી શુભેચ્છાઓ પોસ્ટ શક્ય તેટલી વહેલી કરશો.

3. તા.10-10-2017 થી 20-10-2017 સુધી અમદાવાદ જી.પી.ઓ અને નવરંગપુરા એચ.ઓ. ખાતે ખાસ પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે.

4. સાચા પીન કોડ સાથે પુરું સરનામું લખવું.

5. રજિસ્ટર્ડ ન્યૂઝ પેપર્સના પ્રકાશકોને વિનંતી કે દીવાળીના અંકો એક અઠવાડિયા અગાઉ પોસ્ટ કરે.

6. ગ્રીટીંગ્સ/દિવાળી કાર્ડના દરઃ

       અ. પ્રિન્ટેડ પોસ્ટ કાર્ડ : 6.00 રૂ.

        બ. પ્રિન્ટેડ કવર : 5.00 રૂ. (દરેક 20 ગ્રામ અથવા તેના ભાગ માટે)

        ક. બૂક પોસ્ટ : 4.00 રૂ. (પ્રથમ 50 ગ્રામ માટે) 3.00 રૂ. (વધારાના 50 ગ્રામ અથવા તેના ભાગ માટે

   7. વધુ માહિતી માટે www.indiapost.gov.in પર લોગ ઓન કરો.

રિલાયન્સ જિઓની દીવાળી ગિફ્ટ, 399 રૂપિયાના રિચાર્જ પર ફુલ કેશબેક

નવી દિલ્હી- મુકેશ અંબાણીના જિઓ ટેલિકોમે ફરીથી બજારમાં ધમાલ મચાવવા માટે એક નવી ઓફર લોન્ચ કરી દીધી છે. પોતાના ગ્રાહકોને દીવાળીની ભેટ આપવા માટે જિઓ “ જિઓ દીવાળી ધના ધન ” ઓફર અંતર્ગત 399 રૂપિયાના પ્લાન પર ફુલ કેશ બેક આપી રહ્યું છે. આ ઓફરનો ફાયદો મેળવવા માટે પ્રીપેડ કાર્ડ ધારકોને 12 થી 18 ઓક્ટોબર વચ્ચે 399 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો કે આ પ્લાન 19 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

100% કેશબેક

જિઓ 399 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર 100% કેશબેક આપી રહ્યું છે. આ રિચાર્જ પર ગ્રાહકને જિઓ એપ્લીકેશનમાં 50 રૂપીયાના 8 વાઉચર મળશે. એટલે કે 399 રૂપિયાના રિચાર્જ પર 400 રૂપીયાનું કેશબેક મળશે. આ વાઉચર્સનો ઉપયોગ 309 રૂપિયાથી વધારેના રિચાર્જ પર એક-એક કરીને કરી શકાશે. જો કે જે લોકો આનો ઉપયોગ ડેટા એડ ઓન રિચાર્જમાં કરવા માંગે છે તો તેને 99 રૂપિયાથી વધારે ડેટા એડ ઓન ઓપ્શનની પસંદગી કરવી પડશે. આ વાઉચર્સ 15 નવેમ્બર બાદ જ ઉપયોગમાં લઈ શકાશે.

ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધ ઈચ્છે છે પાકિસ્તાનઃ બાજવા

કરાંચી- પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોને લઈને પોતાની સારી ઈચ્છા પ્રગટ કરી છે, પરંતુ આમ કરવા માટે પહેલ કરવી પણ જરૂરી હોય છે.

બાજવાએ કરાંચીમાં ઈન્ટરપ્લે ઓફ ઈકોનોમી એન્ડ સિક્યુરિટી વિષય પર એક પરિચર્ચામાં બોલતા જણાવ્યું કે પાકિસ્તાનને રાષ્ટ્રીય કાર્ય યોજના પર આગળ વધવા માટે એક વ્યાપક પ્રયત્ન તરફ અને એવી નબળાઈઓથી છુટકારો મેળવવાની જરૂર છે કે જે ભવિષ્યમાં સમસ્યાનુ સ્વરૂપ લઈ શકે છે.

વધુમાં બાજવાએ જણાવ્યું કે અમે સતત પરિવર્તન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પૂર્વમાં આક્રમક ભારત અને પશ્ચિમમાં એક અસ્થિર અફઘાનિસ્તાન સાથે ક્ષેત્ર, ઐતિહાસીક ભારણ અને નકારાત્મક પ્રતિસ્પર્ધાના કારણે બંધક બન્યું છે.

ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત થઈ શકે છે

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત આજે સાંજે 4 વાગ્યે થશે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જે સમાચાર આવતાની સાથે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. પણ હજી ગુજરાત અંગે સસ્પેન્સ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં થશે, અને તે પણ બે તબક્કામાં થવાની જાહેરાત થશે, એવી શકયતાઓ જોવાઈ રહી છે. ગુજરાત અને હિમાચલમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષ વચ્ચે સીધો મુકાબલો છે.પીએમ નરેન્દ્ર મોદી વીતેલા દિવસોમાં એક મહિનામાં ત્રણ વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. રાહુલ ગાંધી પણ ત્રણત્રણ દિવસ માટે બે વખત ગુજરાત આવીને ગયા છે. આમ ચૂંટણીપ્રચારના શ્રી ગણેશ તો થઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ ગુજરાત અને હિમાચલનો પ્રવાસ કરીને રાજકીય સોગઠા ગોઠવી ચુક્યા છે. ચૂંટણી પંચના સંકેત અનુસાર હિમાચલમાં એક જ તબક્કામાં નવેમ્બરની મધ્યે ચૂંટણીનું આયોજન થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી માટે મતદાન થઈ શકે છે, તેવી સંભાવના છે.

 

વિશ્વના નવા ધનકુબેરોમાં સૌથી નાનો જોન કોલિસન

નસંપદા… આ શબ્દ નથી, આજના સમયનો જીવનમંત્ર બની જાય તેટલી હદે જતો રહેલો પ્રયત્ન બની ચૂક્યો છે. દુનિયાના પડમાં સતત ચાલતી મથામણોમાં આનો સૌથી મોટો ફાળો જોઇ શકાય છે. અપાર સંપત્તિ, લખલૂટ પૈસો, જાડો પૈસો… આ વિભાવનાઓ જીવનના બીજા દાયકામાં વાસ્તવિકતા બને તો…?  અવશ્ય ફોર્બ્ઝે તેની નોંધ લેવી પડે!જોન કોલિસન નામનો આયરલેન્ડ દેશનો આ યુવાન આજકાલ ખૂબ લાઇમલાઇટમાં આવ્યો છે. માતા લક્ષ્મીની એને ખબર નથી પણ માતા લક્ષ્મીએ ચાર હાથે આ લાડલાને વરદાન આપ્યાં હોય તેમ દુનિયા સામે તેની ફોર્બ્ઝે દીધી ઓળખ એ રીતે સામે આવી રહી છે કે 26 વર્ષની વયમાં જ દુનિયાનો સૌથી યુવા સેલ્ફમેડ અબજપતિ બન્યો છે. કોલેજ યુનિવર્સિટીની ડિગ્રી પામીને ધન્યતાનો ભાવ ભોગવ્યાં પછી જે વયમાં યુવાન કેરિયરમાં સેટ થવા કંઇ કરે એવી વયમાં કોઇ યુવાન પોતાના બાવડાંના બળે અબજોપતિ બને તો આવકાર પામે એ સ્વાભાવિક છે.

જૉન ‘સ્ટ્રીપ’ નામની કંપનીનો સહસ્થાપક અને પ્રેસિડેન્ટ છે. જૉન કોલિસનની આ કંપની ડઝનબંધ કંપનીઓ અને લાખો લોકોને ઇન્ટરનેટ પર સાવ સરળ રીતે ચૂકવણાં સ્વીકાર કરવામાં મદદ કરે છે.

ફૉર્બ્ઝ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં દુનિયાના ધનકુબેરોની કુલ સંખ્યા 2043 પહોંચી ગઇ છે. તેમાં નવાસવા અબજપતિ બનેલાં 195 નવા ધનકુબેરોમાં જૉન કોલિસન આવી ગયો છે. ધનકુબેરોની કુલ નેટવર્થ આ વર્ષે 18 ટકા વધીને 7.67 ટ્રિલિયન ડૉલર થઇ ગઇ છે તેમાં આ જૉનભાઇ ખરાં. ફોર્બ્ઝની યાદીમાં વીસીમાં જ અબજપતિ બનેલાં ચાર યુવા ધનપતિઓમાં તેને સ્થાન મળી ગયું છે.

જોન કોલિસનની કંપનીની વેલ્યૂ 9.2 અરબ ડૉલર આંકવામાં આવી છે. ભાગ્યશાળી જૉન સ્નેપચેટના સીઇઓ ઇવાન સ્પીગલ કરતાં બે મહિના નાનો છે એટલે સૌથી યુવા અબજપતિમાં આવી ગયો હતો. અમેરિકન એક્સપ્રેસ, વિઝા, ક્લીનર પર્કીન્સ કેફિલ્ડ અને બાયર્સ અને સેક્વોઆ કેપિટલ જેવી વૈશ્વિક નાણાકીય કંપનીઓ કંપનીમાં કેટલાક રોકાણકારો છે.નાની ઉંમરમાં આજુબાજુ જોયાં વિના પોતાનું બિઝનેસ એકમ ખડું કરવા મચી પડેલા જૉનને તેની સ્ટ્રીપ કંપની બનાવવાનો આઇડિયા ત્યારે આવ્યો જ્યારે તે તેના ભાઇ પૈટ્રિક કોલિસન સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતો. હાલમાં તેની કંપનીમાં 696 કર્મચારીઓ રોજગાર મેળવી રહ્યાં છે અને દુનિયાના 25 દેશમાં તેમનું કામકાજ ચાલી રહ્યું છે.

19 વર્ષની વયમાં જૉને ભાઇ પૈટ્રિક સાથે મળીને ઓક્ટોમેટિક નામનું સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું. આ સ્ટાર્ટઅપને જૉને 2008માં 5 મિલિયન ડૉલરમાં વેચી કાઢ્યું હતું અને એ રીતે 19 વર્ષની વયમાં જ મિલિયોનર બની ગયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરમાં જૉને 2007 માં ‘શૂપ્પા’ નામની ઓનલાઈન હરાજી-મેનેજમેન્ટ સીસ્ટમની સ્થાપના કરી હતી. તેણે 2008માં 5 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી. એ સમયે જૉન કોલિસન એક વિદ્યાર્થી તરીકે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો. આયરોનિકલી…આ કિસ્સાથી વળી એકવાર સાબિત થયું છે કે હાર્વર્ડમાંથી નીકળી જવાથી અબજોપતિ બનાય છે!

અહેવાલઃ પારુલ રાવલ

મેગી પકોડા

મેગી નૂડલ્સના પકોડા બનાવવા માટે કાંદાના ભજીયાના ખીરામાં અથવા તમને ભાવે એ ભજીયાના મિશ્રણમાં રાંધેલા મેગી નૂડલ્સ મિક્સ કરી દો અને પકોડા ઉતારો. અને હાં, જો મરચાં ભાવતા હોય તો ભાવનગરી અથવા સિમલા મરચાં બારીક સુધારીને ઉમેરી દો. ટેસ્ટી પકોડા તૈયાર છે.