Home Blog Page 5618

વિચરતી જાતિઓ કહે છે હા… અમે પણ છીએ…!

… આને કાળોતરો કહેવાય…આ કઇડે તો માણહ પાણીએ ના માંગે… એ… આને ધામણ કહેવાય… આવી બૂમો પાડી થોડા વર્ષો પહેલા ગામ શહેરમાં ફરતાં ટોળુ ભેગુ કરી ડમરું ને બીન વગાડી નાગ-સાપ-ઘૂવડ વીંછી જેવી સૃષ્ટિ જીવંત બતાવતા મદારીઓ અચાનક જ જાણે ઓછા થઇ ગયા છે. હા, આપણે જેને મદારી તરીકે ઓળખીએ છીએ,  જોઇને જ ગભરાઇ જવાય એવા જીવોની સમજ આપતા મદારીઓ પેટીયું કેવી રીતે રળતા હશે… એ લાલ વાદી અને ફૂલવાદીઓ હાલ સાંપ્રત સમયમાં કરે છે શુ..? આવા ઘણાં પ્રશ્નો લોકોને થાય.

મોબાઇલ-ટીવીના આ અત્યંત આધુનિક યુગ પૂર્વે  નટ-બજાણીયા, બહુરુપી, તુરી, વાદી, મદારી, ભરથરી, ભવાઇયા જેવી અનેક જાતિઓ ગામ-શહેરના મહોલ્લા-શેરીઓમાં જઇ જ્ઞાન સાથે ગમ્મત પૂરુ પાડી મનોરંજન કરાવતી હતી. સમય-સમાજ-સરકારોમાં આવેલા અનેક પરિવર્તનોના કારણે વિચરતી વિમુક્ત જાતિઓ અનેક રીતે ફંગોળાઇ રહી છે. પરિવર્તન સાથે હજુય મુખ્ય ધારામાં ભળી નથી. ડફેર જેવી કેટલીક જાતિઓના લોકો અત્યાચાર અને બદનામીનો સામનો કરી રહ્યા છે.

ભારત દેશને આઝાદી મળ્યાના દાયકાઓ વિત્યા પછી પણ ઘણી બધી વિચરતી જાતિઓ વિષે સામાન્ય પ્રજાને તો સમજ નથી જ, જ્યારે સત્તા પર બેઠેલા અને સતત પોતાનો જ  વિકાસ કરતાં કેટલાક લોકોને એ પણ દરકાર નથી કે વિચરતી વિમુક્ત જાતીઓ પણ સમાજમાં વિકાસ ઝંખે છે.

વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રશ્નોને વાચા આપતા અને સતત એમના માટે લડતા-વિચારતા મિત્તલ પટેલ chitralekha.comને કહે છે અત્યારના સમયમાં આ જાતિઓના વિકાસ માટે, એમના હક્કો માટે કંઇક કરવાનો સમય આવી ગયો છે. કારણ, આ પણ ભારત દેશના નાગરીક છે. મુખ્ય પ્રવાહ થી છુટા પડેલા અને શિક્ષિત ન હોવાના કારણે ઘણી બધી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે.

ખેલ કરતાં નટ-બજાણીયા, વાંસનું કામ કરતાં વાંસફોડા, ચાદર વેચતા સલાટ, રાવણ હથ્થા વગાડી ગુજરાન ચલાવતા ભરથરી, છરી-ચપ્પા વેચતાં સરણિયા, ઉંટલારા સાથે નીકળતા રાવળદેવ જેવી અનેક જાતિઓ આજે શાસકો ને કહે છે… હા અમે પણ છીએ…

14મી ઓકટોબર 2017ને શનિવારે પાલનપુરમાં… હા…અમે પણ છીએ…એમ કહેવા માટે વિચરતી વિમુક્ત જાતિના સૌ લોકો એકઠા થશે. અનેક જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મ ને જોડતો આ દેશ વિવિધતાથી ભરેલો છે, સાથે કેટલીક જાતિના લોકો હાલ પણ સામાન્ય સુવિધાઓ પણ વંચિત છે… જે વિકાસની ઝંખના કરી રહ્યા છે.

અહેવાલ અને તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ

 

સિમ્સ હોસ્પિટલની સફળતાઃ છ માસમાં 15 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યાં

અમદાવાદ સિમ્સ કેર ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સિમ્સ હોસ્પિટલે છેલ્લા છ માસમાં સફળતાપૂર્વક થેલેસેમિયાથી પીડાતા બાળકોના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાના 15 ઓપરેશન કરવાની સીદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પહેલ હેઠળ બેંગાલુરુ સ્થિત સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ક્યોર ટુ ચીલ્ડ્રનની સાથે સાથે દાતાઓની સહાયથી ઓછામાં ઓછા ખર્ચે પરિવારોને બોન મેરો પ્રાપ્ત થયાં હતાં. ગુરુવારે યોજાયેલા સમારંભમાં બીએમટી સ્પેશ્યાલીસ્ટસ અને સિમ્સ હોસ્પિટલના ટોચના વહિવટી અધિકારીઓ, સંકલ્પ ઈન્ડીયા ફાઉન્ડેશનના સભ્યો હાજર રહ્યા હતા.

સિમ્સના ચેરમેન કેયુર પરીખે આ પ્રસંગે જણાવ્યું હતું કે ડોકટરોના સહયોગથી સમાજના આર્થિક રીતે નિમ્ન વર્ગના દર્દીઓ તથા તેમના પરિવારોને ઉપચારમાં સહાયરૂપ થવા સિમ્સ ફાઉન્ડેશનની રચના કરી છે. અમે આવા જરૂરીયાતમંદ અને વંચિત લોકોને સહાય કરવા પ્રથમ કદમ ઉઠાવ્યું છે. હું સૌને આ ઉમદા કાર્યમાં સહાયરૂપ થવા અનુરોધ કરૂ છું, જેનાથી તે જીવંત તો બનશે જ પણ સાથે સાથે ચહેરા પર સ્મિત સાથે જીવી શકશે.

થેલેસેમિયા એવી બીમારી છે કે જેમાં બાળકને જીવનભર દર મહિને નવું લોહી ચઢાવવું પડે છે. દર મહિને નવું લોહી ચડાવવાની પ્રક્રિયા દરમીયાન આયર્નના ઓવરલોડનું ઘાતક જોખમ રહે છે અને ઘણીબધી મુશ્કેલીઓ પણ પડે છે. લોહી બોન મેરોમાં બનતું હોવાથી બોનમેરો, ભાઈ અથવા તો બહેનનું મેચ થતું મેરો જૂજ કેસમાં સ્વીકારતું હોય છે અને એના કારણે લોહી વધુ વખત ચડાવવાની જરૂર રહેતી નથી અને દર્દી ઝડપથી સાજો થાય છે.

પુષ્ય નક્ષત્રઃ સોનુંચાંદી ખરીદવા માટે ઉત્તમ

અહેવાલ- હાર્દિક વ્યાસ

દીવાળી અગાઉ પુષ્ય નક્ષત્ર આવે છે, જેને શુભ ખરીદી માટે શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુવારને પુષ્ય નક્ષત્ર આવે તો તે વણજોયું મુહૂર્ત કહેવાય છે, પણ આ વખતે શુક્રવારે દીવાળી અગાઉ પુષ્ય નક્ષત્ર આવે છે. તેને પણ શુભ માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રની જો સામાન્ય અને બધાને સમજાય તેવી વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે પુષ્ય નક્ષત્ર એટલે લક્ષ્મીજીને જીવનના આંગણે આવકારવાનો અને વધાવવાનો અદભૂત અને શ્રેષ્ઠ અવસર. પુષ્ય નક્ષત્ર એ નક્ષત્રોનો રાજા છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા તમામ કાર્યો સર્વદા સ્થિર રહે છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ અને અધિષ્ઠાતા બૃહસ્પતિ અર્થાત ગુરૂ છે. ગુરૂ શુભત્વનો કારક છે અને શનિ સ્થિરતાનો કારક છે. પુષ્ય નક્ષત્રની સાક્ષીમાં કરવામાં આવેલા તમામ કાર્યો સદૈવ સફળ થાય છે. ઋગ્વેદમાં પુષ્ય નક્ષત્રને મંગલકર્તા વૃદ્ધિકર્તા અને સુખ તેમજ સમૃદ્ધિદાયક માનવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું ખૂબ મહત્વ છે. દીવાળી બાદ લગ્નની મોસમ જામે છે. એટલા માટે જ પિતા પોતાની દિકરીને કન્યાદાનમાં જે સોનું આપવાનું હોય તે સોનું પુષ્ય નક્ષત્રમાં ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે, કારણ કે પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલી સોના સહિતની કોઈપણ વસ્તુ હંમેશા સ્થિર રહે છે. પુષ્ય નક્ષત્રમાં વાહન, મકાન, સોનુ, ચાંદી વગેરે સહિતની કોઈપણ નવી વસ્તુ ખરીદવી શ્રેષ્ઠ રહે છે.

પુષ્ય નક્ષત્રમાં જન્મ લેનાર જાતક સ્વભાવે સજ્જન, ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર, અતિકામી અને ઠરેલ સ્વભાવવાળો હોય છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક જે ક્ષેત્રમાં પણ જાય ત્યાં ખુબ જ સફળ થાય છે, આવી વ્યક્તિ કરકસર ખુબ કરે છે અને હંમેશા ઉંડાણપૂર્વકનું ચિંતન કરનાર હોય છે. પુષ્ય નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિની આંખો ભૂરી હોય છે, પીઠ રૂપાળી અને પહોળી હોય છે, શરીર જાડુ અર્થાત સ્વસ્થ હોય છે અને હાથ અથવા પગમાં લાખુ હોય છે, તો સાથે જ તેનુ આયુષ્ય પણ મધ્યમ હોય છે.

વૈદિક જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રનું મહત્વ

જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલે chitralekha.comને જણાવ્યા અનુસાર, ભારતીય વૈદિક જ્યોતિષ મુજબ સત્તાવીસ નક્ષત્રોમાંથી પુષ્યને આઠમુ નક્ષત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને કામધેનુ સમાન માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના શુભકાળમાં ખરીદ-વેચાણ ખુબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર કર્ક રાશિના 3-20 અંશથી 16-40 સુધી માન્ય હોય છે. પુષ્ય નક્ષત્રનું અન્ય એક નામ અમરેજ્ય પણ છે. જેનો અર્થ છે દેવતાઓ દ્વારા પૂજવામાં આવતું નક્ષત્ર. વૈદિક જ્યોતિષ અનુસાર પુષ્ય નક્ષત્ર દેવો માટે પણ દુર્લભ છે.

પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ અને અધિષ્ઠાતા બૃહસ્પતિ છે. શનિના પ્રભાવથી ખરીદવામાં આવેલ વસ્તુ સ્થાયીરૂપથી લાંબા સમય સુધી કાયમ રહે છે અને ગુરૂના પ્રભાવથી તે સમૃદ્ધિદાયી બને છે. જો રવિવારે પુષ્ય નક્ષત્ર આવે તો તેને પુષ્યામૃત યોગ કહે છે. આ યોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં કરવામાં આવેલ શુભ કાર્ય જલ્દી ઉત્તમ ફળ પ્રદાન કરે છે.  શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. માન્યતા મુજબ પુષ્યામૃત યોગમાં ખરીદવામાં આવેલ સામાન અને કરવામાં આવેલ રોકાણ અત્યાધિક શુભફળ પ્રદાન કરે છે.

માતા લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની પણ કરો પૂજા

પુષ્ય નક્ષત્રમાં કરેલું કોઈપણ કાર્ય સિદ્ધ થાય છે અને ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી જીવનમાં વિદ્યમાન રહે છે. આજના દિવસે ધન સંબંધી કાર્યો કરવાથી તેનુ ફળ જલ્દી મળે છે. આજના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા આરાધના અને સાધના કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીજીની પૂજા સમયે માં લક્ષ્મીને લાલ રંગનુ પુષ્પ ચઠાવવું. સાંજના સમયે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈને માતાજીને સુગંધિત ધૂપ, અગરબત્તિ, અને મીઠાઈનો પ્રસાદ ધરાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સુખ તેમજ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

માતા લક્ષ્મીજીની પૂજા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ શ્રેષ્ઠ છે. આમ તો ભગવાન વિષ્ણુલક્ષ્મીની પૂજા હંમેશા સાથે કરવાનું જ મહત્વ છે. પરંતુ કેટલાક લોકો માત્ર માતા લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. વિષ્ણુ લક્ષ્મીની પૂજા સાથે કરવાનું મહત્વ અને તેની પાછળનો પૌરાણીક સમયનો ભાવ એ છે કે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પતિ છે અને ખાલી પત્નીને આમંત્રીત કરો અને પતિને આમંત્રણ આપો તો પત્નીને ખોટુ લાગે. એટલે કે જો તમે માં લક્ષ્મીની પૂજા કરો અને ભગવાન વિષ્ણુની પૂજા ન કરો તો તમે કરેલી પૂજા ક્યારેય શ્રેષ્ઠ ફળ આપતી નથી. પરંતુ જો વિષ્ણુ લક્ષ્મીની પૂજા સાથે કરવામાં આવે તો તે પૂજાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફળ મળે છે.

પુષ્ય નક્ષત્ર તારીખ 13-10-2017

શુભ ચોઘડીયાઃ (1) લાભ 08-04 થી 09-32 કલાક (2) શુભ  12-26 થી 13-53 કલાક (3) અમૃત 09-32 થી 10-59 કલાક (4) ચલ 16-48 થી 18-15કલાક

રાહુ કાળ- 10-30 થી 12-00 કલાક છે અને શ્રેષ્ઠ મુહૂર્ત- 12-14 થી 12-38 કલાક

સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા

ન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં કાળક્રમે વધારો અને ઘટાડો અનુભવાય છે. બીજા અર્થમાં કોઈ એક ખરાબ યોગ જીવનભર ચાલતો નથી, તો કુંડળીનો શુભ યોગ પણ જીવનમાં હમેશા પ્રકાશતો નથી. ચડતી પછી પડતી અને કર્મનો સિદ્ધાંત પણ જ્યોતિષમાં લાગુ પડે છે. એક રાજનેતા કે ફિલ્મસ્ટાર જે ગ્રહોના બળે સફળ બને છે, તે જ ગ્રહોના આધારે સમય બદલાતા પડતીનો પણ અનુભવ કરે છે.

ગ્રહોનું ફળ અને તેનો અનુભવ ગ્રહોની દશાઓના ક્રમ પર અવલંબે છે. જન્મકુંડળીમાં બળવાન અને શુભ ગ્રહની દશા શુભ સમયનું સૂચન કરે છે જયારે નિર્બળ અને શત્રુ ક્ષેત્રી ગ્રહની દશા અશુભ સમયનો નિર્દેશ કરે છે. તમે તમારી જન્મકુંડળી મુજબ જે ગ્રહની દશામાંથી પસાર થઇ રહ્યા હશો, તે ગ્રહની દશા મુજબ નીચે લખેલ ફળો પ્રાપ્ત થઇ શકે છે.

વિશોત્તરી મહાદશામાં ચંદ્રની ભૂમિકા અને ફળપ્રાપ્તિનો અનુભવ

વિશોત્તરી મહાદશા ચંદ્રના નક્ષત્ર ભોગ પર આધારિત છે, અર્થાત ચંદ્ર જેમ જેમ નક્ષત્રમાં આગળ વધતો જાય તેમ તેમ ક્રમ મુજબ ગ્રહોની દશાઓ ભોગવાતી જાય છે. મુખ્ય બીજ ચંદ્ર છે, દશાઓને માનવીની મનોદશાઓ પણ કહી શકાય. દશાઓ માનવીના મન અને માનસિક અનુભવને બદલે છે. જયારે ગોચરના ગ્રહો મનુષ્યની આસપાસનું મુખ્યત્વે બાહ્ય વાતાવરણ બદલે છે. મહાદશાઓને માનવ જીવનના અનુભવ અને સુખદુઃખની લાગણીઓ સાથે જોડી છે અને તે આંતરિક જીવનનો અનુભવ છે. શુભ ગ્રહોની મહાદશામાં મન પ્રફુલ્લિત અને સકારાત્મક બને છે. આત્મવિશ્વાસ વધે છે. નિર્બળ અને અસ્તના ગ્રહોની દશામાં મન સંકુચિત બને છે. મનુષ્યનું મન ગૂંચવાય છે, જીવનમાં બધું હોવા છતાં હમેશા નકારાત્મક વલણ રહે છે.

નીચે નવે ગ્રહોની મહાદશાનો ફળાદેશ આપેલ છે:

કેતુ: કેતુની મહાદશામાં જો મોટી ઉમરે આવે તો અચૂક રીતે જાતકને સાંસારિક ગતિવિધિઓમાં રસ પડતો નથી, જાતકને પારલૌકિક અનુભવ અને વૈરાગ્યનું ઘેલું લાગે છે. નાની ઉમરે કેતુની મહાદશામાં અગ્નિ અને શત્રુ ભય રહે છે, અવારનવાર રોગ આવી પડે છે. જીવનની મધ્યાવસ્થાએ આવતી કેતુની મહાદશામાં જાતકને વિદેશગમન થઇ શકે છે.

શુક્ર: શુક્રની મહાદશા નાનપણમાં આવે તો જાતકને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બંને વધે છે. જાતકના અભ્યાસમાં સુંદર પ્રગતિ થાય છે. યુવાનીના કાળમાં કે મધ્યાવસ્થાએ આવતી શુક્રની મહાદશા લગ્ન જીવનમાં સુખ આપે છે. લગ્ન જલદી થાય છે. મોટી ઉમરે આવતી શુક્રની મહાદશા સામાન્યથી વધુ આર્થિક સુખની પ્રાપ્તિ, મોટા મકાન અને પ્રસિદ્ધિ આપે છે.

સૂર્ય: વૈદિક જ્યોતિષમાં સૂર્યને ક્રૂરગ્રહ ગણ્યો છે, મોટી ઉમરે આવતી અશુભ સૂર્યની મહાદશા જાતકને આંખ અને હ્રદયની તકલીફ આપી શકે છે. સૂર્યની મહાદશામાં જાતકનો આત્મવિશ્વાસ ઉત્તમ હોય છે, માટે જાતક મોટી સંસ્થાઓ સાથે જોડાવું અને સફળ થવું અથવા જાતક પોતે જાતે સ્વબળે મોટા કાર્યને પાર કરે છે. નાની ઉમરે આવતી સૂર્યની મહાદશા ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે.

ચંદ્ર: શુભ ચંદ્રની મહાદશામાં જાતકને માનસિક સ્થિરતા અને સંતોષનો અનુભવ થાય છે. વિદેશ ગમન, ભૂમિથી લાભ અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર મન પર શાસન કરે છે, ચંદ્રની મહાદશા જાતકની કલ્પનાને પાંખો આપે છે. જાતક લેખન, કળા અને કલ્પનાના વિષયોમાં પ્રગતિ કરે છે. અશુભ ચંદ્ર આનાથી વિરુદ્ધ ફળ આપી શકે છે.

મંગળ: મંગળની મહાદશા જાતકને શત્રુ સાથે ઘર્ષણ અને જીવનના નક્કર અનુભવો આપે છે. સફળતા સસ્તી નથી હોતી તેનો અનુભવ મંગળની મહાદશા કરાવે છે. શુભ મંગળ (જેમકે કર્ક લગ્નમાં) જાતકને જમીન જેવી સંપતિનું સુખ અને દૈહિક સુખો આપે છે. યૌવન કાળમાં આવતી મંગળની મહાદશા જાતકને સફળતા માટે જરૂરી મહેનત અને લડતની પૂર્તિ કરે છે.

રાહુ: રાહુની મહાદશા મોટેભાગે તકલીફદાયી અને નિષ્ફળ ગણવામાં આવે છે. પરંતુ ઊંડાણથી સમજીએ તો રાહુની મહાદશા માન્યતાઓને બદલનારી હોય છે. જાતક પોતાના જીવનને નિશ્ચિત માનતો હોય અને રાહુની મહાદશા આવે તો જાતકને જીવનની વિશાળતા અને મનુષ્યજીવનની ક્ષણભંગુરતા સમજાઈ જાય છે. રાહુની મહાદશા એ પ્રાયશ્ચિત કરવાનો સમય હોય છે.

ગુરુ: સુખ અને પ્રચૂરતાનો ગ્રહ ગુરુ પોતાની દશામાં જાતકને પ્રતિષ્ઠા, સંતાન અને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. ગુરુ જાતકને કરેલી મહેનતથી એક ડગલું વધુ શુભ ફળ આપે છે. ગુરુની મહાદશા દરમિયાન જાતક અભિમાની અને પ્રારબ્ધવાદી પણ બની શકે છે. જાતક વ્યવહારમાં અન્ય લોકોને સમજી શકતો નથી તે પોતાને હમેશા અનન્ય અને ખાસ જ ગણે છે, આ નકારાત્મક પાસું કહી શકાય.

શનિ: શનિની મહાદશા દરમિયાન મન જાણે સમયના પાશમાં જકડાઈ જાય છે, જાતકને નવા કાર્ય કરવામાં ડરનો અનુભવ થાય છે. મોટી ઉમરે આવતી શનિની મહાદશા કપરા અને લાંબા સમયનો અનુભવ આપે છે. યુવાવસ્થાએ આવતી શનિની મહાદશામાં માણસ ઘડાય છે અને આવનાર સમય માટે સજ્જ બને છે. શનિ મહાદશા અચૂક રીતે એક શિક્ષકની ગરજ સારે છે.

બુધ: બુધની મહાદશામાં જાતક પોતાની બુદ્ધિના જોરે સફળ બને છે, જો બુધ શુભ અને બળવાન હોય તો જાતક ધંધા રોજગારમાં અચૂક નામ કમાય છે. બુધની મહાદશાનો અનુભવ મનુષ્યને જીવનની હકીકત સાથે જોડે છે, નબળા વિચારો પર મનુષ્ય તર્ક અને બુદ્ધિના બળથી વિજય મેળવે છે. મધ્યાવસ્થાએ આવતી બુધની દશામાં જાતક ખૂબ પ્રગતિ કરે છે.

 

જન્મકુંડળીનો સૂક્ષ્મ અભ્યાસ જાતકના જીવનની શક્યતાઓનો અંદાજ અચૂક રીતે આપે છે. શુભગ્રહ શુભ ફળ આપે છે, જયારે નિર્બળ ગ્રહ શુભ ફળ આપી શકતો નથી. ફળાદેશનો મુખ્ય આધાર ગ્રહોના બળાબળ અને જન્મકુંડળીમાં ગ્રહો વચ્ચે રચતા સંબંધો પર જ છે, જ્યોતિષીનું કાર્ય આ સૂક્ષ્મકડીઓને ઉકેલવાનું છે.

મેઈલ આઈડી- neiravranjan@gmail.com

આલિયાએ ગૌરી ખાનનાં સ્ટોરની મુલાકાત લીધી; ત્વરિત એની ગ્રાહક બની ગઈ

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનનાં ઈન્ટિરીયર ડિઝાઈનને લગતા નવા સ્ટોર GKD (ગૌરી ખાન ડિઝાઈન્સ)ની આજે અહીં મુલાકાત લીધી હતી અને એને ગૌરીએ ડિઝાઈન કરેલી ચીજવસ્તુઓ એટલી બધી ગઈ કે તે આજે જ એમની ગ્રાહક બની ગઈ છે.

આલિયા આજે ડિઝાઈનર સ્ટોરની મુલાકાતે ગઈ હતી અને પોતાનાં નવા ઘર માટે જરૂરી સજાવટી ચીજવસ્તુઓ એણે ખરીદી હતું.

આલિયાએ મુંબઈમાં પોતાનું નવું ઘર ખરીદ્યું છે અને એ નિવાસસ્થાનને સજાવવા માટે ઈન્ટિરીયર તૈયાર કરવાનું કામ પણ એણે ગૌરી ખાનને સોંપ્યું છે.

આલિયાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ ગૌરી ખાનની ઈન્ટિરીયર ડિઝાઈન ટેલેન્ટનાં વખાણ કર્યાં છે અને લેટેસ્ટ ડિઝાઈન જોવા માટે ગૌરીનાં સ્ટોરની મુલાકાત લેવાની લોકોને ભલામણ કરી છે.

આલિયાએ ગૌરી ખાનની ડિઝાઈનિંગ ટેલેન્ટની સરાહના કરતી એક વિડિયો ક્લિપ પણ બનાવી છે.

રવીનાએ જ્વેલરી સ્ટોરનું ઉદઘાટન કર્યું…

બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને ૧૨ ઓક્ટોબર, શુક્રવારે કોલકાતામાં એક જ્વેલરી સ્ટોરના ઉદઘાટન પ્રસંગે હાજરી આપી હતી અને વિવિધ નેકલેસ પહેરીને તસવીરકારોને પોઝ આપ્યા હતા.

બજાર છે દિવાળીમય…

દિવાળી તહેવાર નિમિત્તે નાગપુરની બજારની એક દુકાનમાં વિવિધ આકાર, રંગ અને રૂપવાળા કંડિલ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

હૈદરાબાદ મેદાનમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ…

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ જ મેદાન પર ૧૩ ઓક્ટોબરે ત્રીજી અને વર્તમાન સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાશે. બંને ટીમ ૧-૧ મેચ જીતી ચૂકી છે અને શુક્રવારની મેચ નિર્ણાયક છે.

મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાતચીત કરતો ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરા

પ્રેક્ટિસ સત્ર દરમિયાન કસરત કરતો આશિષ નેહરા

અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાને માર્ગદર્શન આપતા હેડ કોચ રવિ શાસ્ત્રી

ફૂટબોલ રમતા દિનેશ કાર્તિક, શિખર ધવન

પ્રેક્ટિસ દરમિયાન વ્યસ્ત છે વિરાટ કોહલી

પ્રેક્ટિસ દરમિયાન વ્યસ્ત કોહલી

પ્રેક્ટિસ દરમિયાન વ્યસ્ત ધોની, રાહુલ, ચહલ