સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા

ન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં કાળક્રમે વધારો અને ઘટાડો અનુભવાય છે. બીજા અર્થમાં કોઈ એક ખરાબ યોગ જીવનભર ચાલતો નથી, તો કુંડળીનો શુભ યોગ પણ જીવનમાં હમેશા પ્રકાશતો નથી. ચડતી પછી પડતી અને કર્મનો સિદ્ધાંત પણ જ્યોતિષમાં લાગુ પડે છે. એક રાજનેતા કે ફિલ્મસ્ટાર જે ગ્રહોના બળે સફળ બને છે, તે જ ગ્રહોના આધારે સમય બદલાતા પડતીનો પણ અનુભવ કરે છે.

ગ્રહોનું ફળ અને તેનો અનુભવ ગ્રહોની દશાઓના ક્રમ પર અવલંબે છે. જન્મકુંડળીમાં બળવાન અને શુભ ગ્રહની દશા શુભ સમયનું સૂચન કરે છે જયારે નિર્બળ અને શત્રુ ક્ષેત્રી ગ્રહની દશા અશુભ સમયનો નિર્દેશ કરે છે. તમે તમારી જન્મકુંડળી મુજબ જે ગ્રહની દશામાંથી પસાર થઇ રહ્યા હશો, તે ગ્રહની દશા મુજબ નીચે લખેલ ફળો પ્રાપ્ત થઇ શકે છે.

વિશોત્તરી મહાદશામાં ચંદ્રની ભૂમિકા અને ફળપ્રાપ્તિનો અનુભવ

વિશોત્તરી મહાદશા ચંદ્રના નક્ષત્ર ભોગ પર આધારિત છે, અર્થાત ચંદ્ર જેમ જેમ નક્ષત્રમાં આગળ વધતો જાય તેમ તેમ ક્રમ મુજબ ગ્રહોની દશાઓ ભોગવાતી જાય છે. મુખ્ય બીજ ચંદ્ર છે, દશાઓને માનવીની મનોદશાઓ પણ કહી શકાય. દશાઓ માનવીના મન અને માનસિક અનુભવને બદલે છે. જયારે ગોચરના ગ્રહો મનુષ્યની આસપાસનું મુખ્યત્વે બાહ્ય વાતાવરણ બદલે છે. મહાદશાઓને માનવ જીવનના અનુભવ અને સુખદુઃખની લાગણીઓ સાથે જોડી છે અને તે આંતરિક જીવનનો અનુભવ છે. શુભ ગ્રહોની મહાદશામાં મન પ્રફુલ્લિત અને સકારાત્મક બને છે. આત્મવિશ્વાસ વધે છે. નિર્બળ અને અસ્તના ગ્રહોની દશામાં મન સંકુચિત બને છે. મનુષ્યનું મન ગૂંચવાય છે, જીવનમાં બધું હોવા છતાં હમેશા નકારાત્મક વલણ રહે છે.

નીચે નવે ગ્રહોની મહાદશાનો ફળાદેશ આપેલ છે:

કેતુ: કેતુની મહાદશામાં જો મોટી ઉમરે આવે તો અચૂક રીતે જાતકને સાંસારિક ગતિવિધિઓમાં રસ પડતો નથી, જાતકને પારલૌકિક અનુભવ અને વૈરાગ્યનું ઘેલું લાગે છે. નાની ઉમરે કેતુની મહાદશામાં અગ્નિ અને શત્રુ ભય રહે છે, અવારનવાર રોગ આવી પડે છે. જીવનની મધ્યાવસ્થાએ આવતી કેતુની મહાદશામાં જાતકને વિદેશગમન થઇ શકે છે.

શુક્ર: શુક્રની મહાદશા નાનપણમાં આવે તો જાતકને ઘરમાં સુખ અને સમૃદ્ધિ બંને વધે છે. જાતકના અભ્યાસમાં સુંદર પ્રગતિ થાય છે. યુવાનીના કાળમાં કે મધ્યાવસ્થાએ આવતી શુક્રની મહાદશા લગ્ન જીવનમાં સુખ આપે છે. લગ્ન જલદી થાય છે. મોટી ઉમરે આવતી શુક્રની મહાદશા સામાન્યથી વધુ આર્થિક સુખની પ્રાપ્તિ, મોટા મકાન અને પ્રસિદ્ધિ આપે છે.

સૂર્ય: વૈદિક જ્યોતિષમાં સૂર્યને ક્રૂરગ્રહ ગણ્યો છે, મોટી ઉમરે આવતી અશુભ સૂર્યની મહાદશા જાતકને આંખ અને હ્રદયની તકલીફ આપી શકે છે. સૂર્યની મહાદશામાં જાતકનો આત્મવિશ્વાસ ઉત્તમ હોય છે, માટે જાતક મોટી સંસ્થાઓ સાથે જોડાવું અને સફળ થવું અથવા જાતક પોતે જાતે સ્વબળે મોટા કાર્યને પાર કરે છે. નાની ઉમરે આવતી સૂર્યની મહાદશા ઉત્તમ સ્વાસ્થ્ય આપે છે.

ચંદ્ર: શુભ ચંદ્રની મહાદશામાં જાતકને માનસિક સ્થિરતા અને સંતોષનો અનુભવ થાય છે. વિદેશ ગમન, ભૂમિથી લાભ અને ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર મન પર શાસન કરે છે, ચંદ્રની મહાદશા જાતકની કલ્પનાને પાંખો આપે છે. જાતક લેખન, કળા અને કલ્પનાના વિષયોમાં પ્રગતિ કરે છે. અશુભ ચંદ્ર આનાથી વિરુદ્ધ ફળ આપી શકે છે.

મંગળ: મંગળની મહાદશા જાતકને શત્રુ સાથે ઘર્ષણ અને જીવનના નક્કર અનુભવો આપે છે. સફળતા સસ્તી નથી હોતી તેનો અનુભવ મંગળની મહાદશા કરાવે છે. શુભ મંગળ (જેમકે કર્ક લગ્નમાં) જાતકને જમીન જેવી સંપતિનું સુખ અને દૈહિક સુખો આપે છે. યૌવન કાળમાં આવતી મંગળની મહાદશા જાતકને સફળતા માટે જરૂરી મહેનત અને લડતની પૂર્તિ કરે છે.

રાહુ: રાહુની મહાદશા મોટેભાગે તકલીફદાયી અને નિષ્ફળ ગણવામાં આવે છે. પરંતુ ઊંડાણથી સમજીએ તો રાહુની મહાદશા માન્યતાઓને બદલનારી હોય છે. જાતક પોતાના જીવનને નિશ્ચિત માનતો હોય અને રાહુની મહાદશા આવે તો જાતકને જીવનની વિશાળતા અને મનુષ્યજીવનની ક્ષણભંગુરતા સમજાઈ જાય છે. રાહુની મહાદશા એ પ્રાયશ્ચિત કરવાનો સમય હોય છે.

ગુરુ: સુખ અને પ્રચૂરતાનો ગ્રહ ગુરુ પોતાની દશામાં જાતકને પ્રતિષ્ઠા, સંતાન અને ધર્મની પ્રાપ્તિ કરાવે છે. ગુરુ જાતકને કરેલી મહેનતથી એક ડગલું વધુ શુભ ફળ આપે છે. ગુરુની મહાદશા દરમિયાન જાતક અભિમાની અને પ્રારબ્ધવાદી પણ બની શકે છે. જાતક વ્યવહારમાં અન્ય લોકોને સમજી શકતો નથી તે પોતાને હમેશા અનન્ય અને ખાસ જ ગણે છે, આ નકારાત્મક પાસું કહી શકાય.

શનિ: શનિની મહાદશા દરમિયાન મન જાણે સમયના પાશમાં જકડાઈ જાય છે, જાતકને નવા કાર્ય કરવામાં ડરનો અનુભવ થાય છે. મોટી ઉમરે આવતી શનિની મહાદશા કપરા અને લાંબા સમયનો અનુભવ આપે છે. યુવાવસ્થાએ આવતી શનિની મહાદશામાં માણસ ઘડાય છે અને આવનાર સમય માટે સજ્જ બને છે. શનિ મહાદશા અચૂક રીતે એક શિક્ષકની ગરજ સારે છે.

બુધ: બુધની મહાદશામાં જાતક પોતાની બુદ્ધિના જોરે સફળ બને છે, જો બુધ શુભ અને બળવાન હોય તો જાતક ધંધા રોજગારમાં અચૂક નામ કમાય છે. બુધની મહાદશાનો અનુભવ મનુષ્યને જીવનની હકીકત સાથે જોડે છે, નબળા વિચારો પર મનુષ્ય તર્ક અને બુદ્ધિના બળથી વિજય મેળવે છે. મધ્યાવસ્થાએ આવતી બુધની દશામાં જાતક ખૂબ પ્રગતિ કરે છે.

 

જન્મકુંડળીનો સૂક્ષ્મ અભ્યાસ જાતકના જીવનની શક્યતાઓનો અંદાજ અચૂક રીતે આપે છે. શુભગ્રહ શુભ ફળ આપે છે, જયારે નિર્બળ ગ્રહ શુભ ફળ આપી શકતો નથી. ફળાદેશનો મુખ્ય આધાર ગ્રહોના બળાબળ અને જન્મકુંડળીમાં ગ્રહો વચ્ચે રચતા સંબંધો પર જ છે, જ્યોતિષીનું કાર્ય આ સૂક્ષ્મકડીઓને ઉકેલવાનું છે.

મેઈલ આઈડી- neiravranjan@gmail.com

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]