Home Blog Page 5617

ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજકીય પાર્ટીઓએ જોરશોરથી પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વલસાડથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના રથમાં જોડાયા હતા. ગૌરવ યાત્રામાં ફરી રહેલા યોગી આદિત્યનાથને વધાવવા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર એકત્રિત થયા હતા. યોગી બે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર કરશે.

ઉમા ભારતીએ મા અંબાના દર્શન કર્યા

કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સાધ્વી ઉમા ભારતી બનાસકાંઠાની મુલાકાત દરમીયાન આજે શુક્રવારે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરે પહોંચતાં તેમનું તથા તેમની સાથે રાખેલાં ભગવાન શ્રી ક્રૂષ્ણ(ઠાકુરજી)ની મંદિર ટ્રસ્ટ દ્વારા વૈદીક મંત્રોચ્ચારથી સ્વાગત કરાયુ હતુ અને ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન ઉમાભારતી એ મંદિરનાં નીજ ભાગમાં મા અંબાની પૂજા-અર્ચના સહિત કપુર આરતી કરી હતી અને ત્યાર બાદ માતાજીની ગાદીએ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. ઉમાભારતીએ ગુજરાતમાં ભા.જ.પ અને કેન્દ્રમાં મોદી સરકાર અખંડ રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. એટલું જ નહીં દેશ માં કોંગ્રેસ ની હાલત ખુબ ખરાબ હોવાનું જણાવી કોંગ્રેસનાં ટોચના નેતાઓ બોલવાની સભ્યતા ગુમાવી હોવાનું જણાવ્યું હતું. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)

ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ODI લીગને આઈસીસી દ્વારા મંજૂરી

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટની રમતનું માળખું ધરખમ રીતે બદલાવાને આરે છે.

ક્રિકેટની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાએ ટેસ્ટ ચેમ્પિયનશિપ તથા વન-ડે ઈન્ટરનેશનલ્સ (ODI) લીગનું આયોજન કરવાને મંજૂરી આપી છે.

૯-ટીમની ટેસ્ટ સિરીઝ લીગ અને ૧૩-ટીમની ODI લીગ અનુક્રમે ૨૦૧૯ અને ૨૦૨૦થી શરૂ થશે. આ બંને લીગ 2019ની ODI વર્લ્ડ કપ બાદ અમલમાં આવશે.

આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું છે કે આ બે સ્પર્ધાને લીધે દુનિયાભરના ક્રિકેટચાહકો આ રમતનો ભરપૂર આનંદ માણી શકશે.

ન્યુ ઝીલેન્ડના ઓકલેન્ડમાં આઈસીસીની ગવર્નિંગ બોડીની મીટિંગ મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ મીટિંગમાં શશાંક મનોહર ઉપરાંત આઈસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ડેવિડ રિચર્ડસન પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

શું હશે ODI લીગ?

 

ODI લીગ ૧૩-ટીમો વચ્ચે રમાશે. એમાં 12 ટીમ આઈસીસીની ફૂલ મેમ્બર ટીમ હશે અને 13મી ટીમ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશિપની વિજેતા હશે. આ ટીમો વર્લ્ડ કપ માટે ડાયરેક્ટ ક્વોલિફિકેશન હાંસલ કરવા માટે જંગ ખેલશે.

લીગની પહેલી આવૃત્તિમાં આઠ ટીમ આઠ સિરીઝ રમશે. આમાં ચાર શ્રેણી ઘરઆંગણે અને ચાર વિદેશની ધરતી પર રમાશે. દરેક શ્રેણીમાં ત્રણ-ત્રણ ODI મેચ હશે. આ સિરીઝ ત્રણ વર્ષના સમયગાળામાં રમાશે.

આઈસીસીના બોર્ડના આ નિર્ણય બાદ હવે આ બંને સ્પર્ધાની પહેલી આવૃત્તિ માટેનું સમયપત્રક તેમજ પોઈન્ટ્સ સિસ્ટમ, મેચોના આયોજનને લગતી વ્યવસ્થા તથા સ્પર્ધાની શરતોનું માળખું તૈયાર કરવામાં આવશે.

આ બે નવી સ્પર્ધાઓ શરૂ થવાથી દુનિયાભરનાં ક્રિકેટપ્રેમીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ખરો આનંદ મેળવી શકશે, કારણ કે પ્રત્યેક મેચના પરિણામને ગણતરીમાં લેવામાં આવશે તેમજ ODI લીગમાં તો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન માટે સીધી અસર પડશે.

શું હશે ટેસ્ટ સિરીઝ લીગ?

ટેસ્ટ સિરીઝ લીગમાં ૯ ટીમ બે વર્ષના સમયગાળા દરમિયાન છ સિરીઝ રમશે. આ સિરીઝમાં ત્રણ સિરીઝ ઘરઆંગણે રમાશે અને ત્રણ સિરીઝ વિદેશની ભૂમિ પર રમાશે.

દરેક મેચ પાંચ-પાંચ દિવસની હશે. દરેક સિરીઝમાં ઓછામાં ઓછી બે ટેસ્ટ મેચ અને વધુમાં વધુ પાંચ મેચ હશે.

આ સિરીઝને અંતે વર્લ્ડ ટેસ્ટ લીગ ચેમ્પિયનશિપ ફાઈનલ રમાશે.

શેરબજારઃ નિફટી 10,191 રેકોર્ડ હાઈ, સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ- શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ ભારતીય બ્લુચિપ અન હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે આજે નિફટીએ ઈન્ટ્રા-ડેમાં 10,191.90 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. એફઆઈઆઈ નેટ સેલર હોવા છતાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોનું નવું બાઈંગ ચાલુ રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 250.47(0.78 ટકા) ઉછળી 32,432.69 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 71.05(0.70 ટકા) ઉછળી 10,167.45 બંધ થયો હતો.

ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર પ્રોત્સાહક આવ્યો અને મોંઘવારીનો દર ઘટીને આવ્યો હતો. ઓગસ્ટમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન(આઈઆઈપી) 4.3 ટકા વધ્યો, જેમાં જૂનમાં નેગેટિવ ગ્રોથ હતો. જુલાઈમાં 0.9 ટકા હતો. તેમજ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં 3.5 ટકાથી ઘટી 3.28 ટકા આવ્યો હતો. આમ સ્થાનિક માઈક્રો ઈકોનોમિક ડેટા પ્રોત્સાહક આવતાં શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

નિફટીએ આજે જૂનો રેકોર્ડ તોડ્યો હતો. નિફટી 19 સપ્ટેમ્બરના રોજ 10,178.95ની હાઈ બનાવી હતી, આજે નિફટી ઈન્ડેક્સે જૂનો રેકોર્ડ તોડીને આજે ઈન્ટ્રા-ડેમાં 10,191.90 થયો હતો. આજે હેવી વેઈટ શેરોમાં ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ અન રીલાયન્સમાં ભારે લેવાલી આવી હતી. જેથી ઈન્ડેક્સમાં ઝડપી તેજી જોવા મળી હતી.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સપ્ટેમ્બર કવાર્ટરના પરિણામો આજે જાહેર થનાર છે. જે પરિણામો પ્રોત્સાહક આવવાના આશાવાદ પાછળ રીલાયન્સમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.

  • આજે તેજી બજારમાં કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, ફાર્મા સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • તેની સામે બેંક, મેટલ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરો નવી લેવાલીથી લાઈમલાઈટમાં રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં છુટીછવાઈ લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 7.16 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 22.01 પ્લસ બંધ થયો હતો.
  • કર્ણાટક બેંકનો નફો 24.7 ટકા ઘટ્યો હતો.

ન્યૂ યોર્કમાં ભારતીય કલા પ્રદર્શનમાં ઈશા અંબાણી

ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નિતા અંબાણીના પુત્રી ઈશા અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલાના પ્રદર્શનને સપોર્ટ આપ્યો હતો.મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (મેટ) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નીતા અને મૂકેશ અંબાણી દ્વારા સ્થાપિત ભારતીય પરોપકારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય કળાઓને રજૂ કરતી અને ઉજવતી પ્રદર્શનીઓને ટેકો કરવા માટે ઉદાર ભેટ આપવાનું વચન આપ્યું છે.

મેટના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડેનિયલ એચ.વીઝે કહ્યું કે આ એક એવું ઉત્કૃષ્ટ વચન છે, જેની સીધી અસર મેટ અને તેનાં પ્રદર્શનો ઉપર થશે કે જ્યાં વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે. નીતા અને મૂકેશ અંબાણી ખરેખર આર્ષદ્રષ્ટા સખાવત કરનારી વ્યક્તિઓ છે અને આ સાર્થક ભેટ બદલ અમે તેમના અત્યંત આભારી છીએ, તેમ પણ તેમણે કહ્યું હતું. આ ભેટનો પ્રથમ લાભ આ પાનખર દરમ્યાન 11 ઑક્ટોબર 2017ના રોજ શરૂ થયેલા રઘુવીર સિંહના પ્રદર્શનને મળ્યો છે. ‘ગંગા ઉપર આધુનિકતા’ શીર્ષક હેઠળ 1960થી 1990ના દાયકા સુધીનાં તેમના પ્રકાશિત નહિ થયેલા ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં મૂકાયેલા છે. રિલાયન્સ ફાઉન્ડેશનની સ્પોન્સરશિપથી બાકીનાં પ્રદર્શનો ઇસા પૂર્વ પહેલી સદીના બુદ્ધ કાળથી ચોથી સદી સુધી અને ત્યાર બાદ 17મી સદીની મોગલ કળા તથા સમકાલીન શિલ્પ કળા ઉપરનાં રહેશે.

સોનાચાંદીમાં શુકનવંતી ખરીદી

દીવાળી પહેલા અને વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર આજે શુક્રવાર છે. જેથી વહેલી સવારથી સોનાચાંદી બજારમાં સોનુંચાંદી ખરીદવા લોકોએ ભારે ભીડ જમાવી હતી. સોનાચાંદીના ભાવ ઊંચા હોવા છતાં અને જીએસટી લાગુ થયો હોવા છતાં લોકોએ શુકનની ખરીદી કરી હતી. અને પુષ્ય નક્ષત્રનું મુહૂર્ત સાચવી લીધું હતું. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)

GSTની અસરઃ જ્વેલરી માર્કેટમાંથી ‘સેલ’ અને ‘લકી ડ્રો’ ગાયબ

નવી દિલ્હી- દીવાળી અને ધનતેરસમાં સોનાચાંદી બજાર નવી ઘરાકીની રાહ જોઈને બેઠુ છે, દર વર્ષે બુલિયન બજારના વેપારીઓ અનેક ડિસ્કાઉન્ટ ઓફરો અને લોભામણી ઓફરો આપીને ગ્રાહકોને પોતાના શોરૂમમાં આકર્ષે છે, પણ આ વર્ષે જીએસટીને કારણે સોનાચાંદી બજારમાં લકી ડ્રો, ગિફ્ટ હેમ્પર અને બમ્પર ડિસ્કાઉન્ટ જેવી ઓફરો બંધ કરી દીધી છે. નોટબંધી બાદ કેશવાળા લોકોના હાથ બંધાયેલા છે તો જીએસટીએ ખરીદ-વેચાણના આખા સ્કેલ જ બદલી નાંખ્યા છે. મોટાભાગના જ્વેલર્સ જીએસટી અંતર્ગત ઈનપુટ ટેક્સ ક્રેડિટની શરતો,કમ્પોઝિટ સપ્લાય, અને રિવર્સ ચાર્જને લઈને દ્વિધામાં મુકાયેલા છે. કેટલાય લોકોને ડર લાગી રહ્યો છે કે જો સોના સાથે કોઈ અન્ય વસ્તુ ખરીદી તો ક્યાંક 3 ટકાની જગ્યાએ રેગ્યુલ સ્લેબ વાળા રેટ લાગુ ન થઈ જાય.

વેપારીઓનું માનીએ તો બજારમાં માંગ ઓછી છે અને આ વર્ષે ધંધો સાવ મંદ ચાલી રહ્યો છે. પરંતુ આ વર્ષે જીએસટીના માળખાના કારણે કેટલીય વસ્તુઓ બદલાયેલી છે. જો દોઢ લાખ રૂપિયાની જવેલરી ખરીદનારા કોઈ લકી ગ્રાહકને અમારે 10 લાખની કાર આપવી પડે તો એક તો અમને ઈનપુટ ક્રેડિટ નહી મળે અને ઉપરથી ગાડી પર સેસ સાથે ટેક્સ 28થી 40 ટકા સુધી હશે. અત્યાર સુધી ગાડી પર ઓછામાં ઓછા વેટની રકમ ગ્રાહકો પાસેથી માંગી શકાતી હતી, પરંતુ ઘણીવાર ગ્રાહકો આ રકમ આપવા પણ તૈયાર નથી હોતા.

ગુજરાતમાં યોગીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો

વલસાડ- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ પર આવેલા ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. વલસાડમાં યોગીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં વિકાસ માટે કશું જ કર્યું નથી. જ્યારે અમે ત્યાંના લોકોના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું તો કોંગ્રેસ હેબતાઈ ગઈ છે.

યોગીએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા દેશને લૂંટ્યો છે. મોદી સરકારે ભ્રષ્ટાચાર, કાળા બજારી અને કાળા નાણા વિરૂદ્ધ કેટલાય કડક પગલા ભર્યા છે. આ વાત કોંગ્રેસને હજમ થઈ રહી નથી. યોગીએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી કોઈપણ પ્રકારના કારણ વગર શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે? માત્ર એટલા માટે કે પીએમે દેશમાં ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું.

અમેઠીમાં વિકાસ કેમ ન થયો ?

યોગીએ જણાવ્યું કે રાહુલ ગાંધી કેટલાય વર્ષોથી અમેઠીમાં સાંસદ રહ્યા છે તો પછી હજી સુધી અમેઠીનો વિકાસ શાં માટે નથી થયો? શાં માટે કોંગ્રેસને ચૂંટણી સમયે જ અમેઠી યાદ આવે છે? આ વર્ષે અમારી તે પ્રદેશમાં સરકાર બની તો અમે અમેઠી જિલ્લા મુખ્યાલય માટે 21 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમે લોકોએ અમેઠીના વિકાસ માટે ઉઠાવેલું આ પગલું એ વાત સ્પષ્ટ કરે છે કે અમે લોકો વિકાસને લઈને કોઈપણ પ્રકારનો ભેદભાવ ક્યારેય નથી રાખતા.

રાહુલ ગાંધીના નિવેદનથી ગુજરાત કોંગ્રેસને ચૂંટણીમાં પડી શકે છે ફટકો

નવી દિલ્હી- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘમાં મહિલાઓની ભાગીદારી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે જણાવ્યું હતુ કે શું આરએસએસમાં તમે મહિલાઓને ક્યારેય શોર્ટ્સમાં જોયા છે ? કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ નિવેદનને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં મહિલાઓના સન્માન સાથે જોડીને મુદ્દો બનાવી શકે છે. ભાજપની આક્રમક રણનીતિથી કોંગ્રેસ પક્ષને નુકસાન થઈ શકે છે.

અત્યાર સુધી આ કોંમેન્ટ પર ભાજપ શું રણનીતિ તૈયાર કરશે, તે વાત હજી સ્પષ્ટ થઈ શકી નથી. સુત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર કોંગ્રેસ પક્ષના નેતાઓ રાહુલ ગાંધીના મહિલાના કપડાઓ વાળા નિવેદનને લઈને થોડી ચિંતા કરી રહ્યા છે. આરએસએસ દ્વારા પણ રાહુલના આ સવાલ પર કોંગ્રેસની ટીકા કરવામાં આવી છે. સંઘે રાહુલ ગાંધીના આ નિવેદનને પાયાવિહોણું ગણાવીને પોતાનો મજબૂત પક્ષ મુક્યો હતો. સંઘનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં મહિલાઓ માટે અલગ શાખા બનાવવાની કોઈ યોજના સંઘ પરિવારની નથી.

બાળકો માટે આટલી કાળજી લેવી…

જો તમે બાળકો સાથે પ્રવાસ કરી રહ્યાં હો તો એમનો લેટેસ્ટ ફોટો સાથે રાખવાનું ભૂલશો નહીં. સામાનમાં બાળકો માટે કોમિક્સ, ચિત્રની તથા વાર્તાની બુક્સ, ગેમ્સ, વોટર બોટલ, બિસ્કીટ જેવી વસ્તુઓ સાથે જરૂર રાખશો.