વલસાડ- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ પર આવેલા ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. વલસાડમાં યોગીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં વિકાસ માટે કશું જ કર્યું નથી. જ્યારે અમે ત્યાંના લોકોના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું તો કોંગ્રેસ હેબતાઈ ગઈ છે.
યોગીએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશા દેશને લૂંટ્યો છે. મોદી સરકારે ભ્રષ્ટાચાર, કાળા બજારી અને કાળા નાણા વિરૂદ્ધ કેટલાય કડક પગલા ભર્યા છે. આ વાત કોંગ્રેસને હજમ થઈ રહી નથી. યોગીએ સવાલ કર્યો કે રાહુલ ગાંધી કોઈપણ પ્રકારના કારણ વગર શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરી રહ્યા છે? માત્ર એટલા માટે કે પીએમે દેશમાં ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું.
અમેઠીમાં વિકાસ કેમ ન થયો ?
યોગીએ જણાવ્યું કે રાહુલ ગાંધી કેટલાય વર્ષોથી અમેઠીમાં સાંસદ રહ્યા છે તો પછી હજી સુધી અમેઠીનો વિકાસ શાં માટે નથી થયો? શાં માટે કોંગ્રેસને ચૂંટણી સમયે જ અમેઠી યાદ આવે છે? આ વર્ષે અમારી તે પ્રદેશમાં સરકાર બની તો અમે અમેઠી જિલ્લા મુખ્યાલય માટે 21 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમે લોકોએ અમેઠીના વિકાસ માટે ઉઠાવેલું આ પગલું એ વાત સ્પષ્ટ કરે છે કે અમે લોકો વિકાસને લઈને કોઈપણ પ્રકારનો ભેદભાવ ક્યારેય નથી રાખતા.