GSTની અસરઃ જ્વેલરી માર્કેટમાંથી ‘સેલ’ અને ‘લકી ડ્રો’ ગાયબ

નવી દિલ્હી- દીવાળી અને ધનતેરસમાં સોનાચાંદી બજાર નવી ઘરાકીની રાહ જોઈને બેઠુ છે, દર વર્ષે બુલિયન બજારના વેપારીઓ અનેક ડિસ્કાઉન્ટ ઓફરો અને લોભામણી ઓફરો આપીને ગ્રાહકોને પોતાના શોરૂમમાં આકર્ષે છે, પણ આ વર્ષે જીએસટીને કારણે સોનાચાંદી બજારમાં લકી ડ્રો, ગિફ્ટ હેમ્પર અને બમ્પર ડિસ્કાઉન્ટ જેવી ઓફરો બંધ કરી દીધી છે. નોટબંધી બાદ કેશવાળા લોકોના હાથ બંધાયેલા છે તો જીએસટીએ ખરીદ-વેચાણના આખા સ્કેલ જ બદલી નાંખ્યા છે. મોટાભાગના જ્વેલર્સ જીએસટી અંતર્ગત ઈનપુટ ટેક્સ ક્રેડિટની શરતો,કમ્પોઝિટ સપ્લાય, અને રિવર્સ ચાર્જને લઈને દ્વિધામાં મુકાયેલા છે. કેટલાય લોકોને ડર લાગી રહ્યો છે કે જો સોના સાથે કોઈ અન્ય વસ્તુ ખરીદી તો ક્યાંક 3 ટકાની જગ્યાએ રેગ્યુલ સ્લેબ વાળા રેટ લાગુ ન થઈ જાય.

વેપારીઓનું માનીએ તો બજારમાં માંગ ઓછી છે અને આ વર્ષે ધંધો સાવ મંદ ચાલી રહ્યો છે. પરંતુ આ વર્ષે જીએસટીના માળખાના કારણે કેટલીય વસ્તુઓ બદલાયેલી છે. જો દોઢ લાખ રૂપિયાની જવેલરી ખરીદનારા કોઈ લકી ગ્રાહકને અમારે 10 લાખની કાર આપવી પડે તો એક તો અમને ઈનપુટ ક્રેડિટ નહી મળે અને ઉપરથી ગાડી પર સેસ સાથે ટેક્સ 28થી 40 ટકા સુધી હશે. અત્યાર સુધી ગાડી પર ઓછામાં ઓછા વેટની રકમ ગ્રાહકો પાસેથી માંગી શકાતી હતી, પરંતુ ઘણીવાર ગ્રાહકો આ રકમ આપવા પણ તૈયાર નથી હોતા.