ન્યૂ યોર્કમાં ભારતીય કલા પ્રદર્શનમાં ઈશા અંબાણી

ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નિતા અંબાણીના પુત્રી ઈશા અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય કલાના પ્રદર્શનને સપોર્ટ આપ્યો હતો.મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (મેટ) દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે નીતા અને મૂકેશ અંબાણી દ્વારા સ્થાપિત ભારતીય પરોપકારી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય કળાઓને રજૂ કરતી અને ઉજવતી પ્રદર્શનીઓને ટેકો કરવા માટે ઉદાર ભેટ આપવાનું વચન આપ્યું છે.

મેટના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડેનિયલ એચ.વીઝે કહ્યું કે આ એક એવું ઉત્કૃષ્ટ વચન છે, જેની સીધી અસર મેટ અને તેનાં પ્રદર્શનો ઉપર થશે કે જ્યાં વર્ષે લાખો મુલાકાતીઓ આવે છે. નીતા અને મૂકેશ અંબાણી ખરેખર આર્ષદ્રષ્ટા સખાવત કરનારી વ્યક્તિઓ છે અને આ સાર્થક ભેટ બદલ અમે તેમના અત્યંત આભારી છીએ, તેમ પણ તેમણે કહ્યું હતું. આ ભેટનો પ્રથમ લાભ આ પાનખર દરમ્યાન 11 ઑક્ટોબર 2017ના રોજ શરૂ થયેલા રઘુવીર સિંહના પ્રદર્શનને મળ્યો છે. ‘ગંગા ઉપર આધુનિકતા’ શીર્ષક હેઠળ 1960થી 1990ના દાયકા સુધીનાં તેમના પ્રકાશિત નહિ થયેલા ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં મૂકાયેલા છે. રિલાયન્સ ફાઉન્ડેશનની સ્પોન્સરશિપથી બાકીનાં પ્રદર્શનો ઇસા પૂર્વ પહેલી સદીના બુદ્ધ કાળથી ચોથી સદી સુધી અને ત્યાર બાદ 17મી સદીની મોગલ કળા તથા સમકાલીન શિલ્પ કળા ઉપરનાં રહેશે.