Home Blog Page 5616

પુલવામાં એન્કાઉન્ટર: લશ્કરનો કમાંડર વસીમ શાહ ઠાર મરાયો

શ્રીનગર- જમ્મુ કશ્મીરના પુલવામામાં સિક્યુરિટી ફોર્સને આતંકીઓ સામેના ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકી કમાન્ડર વસીમ શાહ અને હફીઝ નાસિરને ઠાર કર્યા છે.

 

આર્મીના જવાનોએ 3 આતંકીઓને ઘેરી લીધા બાદ એન્કાઉન્ટર શરુ થયું હતું. હજી પણ એક આતંકી હોવાની શક્યતાને જોતાં બંને પક્ષો તરફથી ગોળીબાર ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કશ્મીર ઘાટીમાં અત્યાર સુધીમાં 170થી વધુ આતંકીઓનો સફાયો કરવામાં ભારતીય સેનાને સફળતા મળી છે.

સેનાના જવાનોને 2થી3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરુ થયું હતું. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી 1 AK-47, 1 AK-56  અને 6 AK મેગઝિન મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સપ્તાહે શોપિયામાં આર્મીએ એક એન્કાઉન્ટરમાં હિઝબુલના કમાન્ડર જાહિદ મીર સહિત 3 આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાએ કશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે ઓપરેશન ક્લીન શરુ કર્યું છે.

વસીમ શાહ દક્ષિણ કશ્મીરમાં સક્રિય હતો. તે ખૂબ જ ખતરનાક આતંકી હતો. જેથી તેને સિક્યુરિટી ફોર્સે A++ કેટેગરીમાં રાખ્યો હતો. દક્ષિણ કશ્મીરમાં વસીમ શાહને ઓસામા અને વસીમ લેફ્ટીના નામથી પણ ઓળખવામાં આવતો હતો.

ગુજરાતી ફિલ્મ “હું તારા ઈશ્કમાં”નું સંગીત- ટ્રેઈલર રજૂ

અમદાવાદ-આગામી ગુજરાતી ફિલ્મ “હું તારા ઈશ્કમાં” ના કલાકારો અને કસબીઓ દ્વારા અમદાવાદમાં યોજાયેલા એક ઝમકદાર સમારંભમાં સંગીત અને ટ્રેઈલર રજૂ કરવામાં આવ્યું છે. રાજ બોરીચા અને ચંદા પટેલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ તા. 3 નવેમ્બરથી થિયેટરોમાં રજૂ થનાર છે અને તે બ્લુ ડાયમન્ડ પ્રોડકશન હાઉસનું નિર્માણ છે. તેનાં મ્યુઝિક લેબલ વી કંપની પાસે છે. સંગીત દિગ્દર્શક મનોજ વિમલ અને ગાયકો જાવેદ અલી, પામેલા જૈન, જયદેવ ગોંસાઈ અને સાજીદ ખયાર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

 

દીવાળીઃ રામ કથાની થીમ પર ડેકોરેશન

 

અમદાવાદઃ દિવાળીને અનોખી રીતે ઉજવવા માટે અમદાવાદ વન મોલ દ્વારા સ્પેશિયલ રામની પૌરાણીક કથાના પ્રસંગને અનુરૂપ ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. મહોરાં પહેરેલા નૃત્ય સ્વરૂપને આધારે થાઈલેન્ડ સુંદર દ્રશ્યો બતાવશે અને કલાત્મક સુશોભન દ્વારા ઈન્ડોનેશિયા રામના અયોધ્યામાં આગમનને દર્શાવશે. અનોખી ડિઝાઈન ધરાવતાં શિલ્પો રજૂ કરવામાં આવશે અને ઈન્ડોનેશિયાની શો પપેટ્રી મોલની દિવાલો ઉપર મોટાં ચિત્રો અને અનોખી શિલ્પ ડિઝાઈનો પ્રદર્શિત કરવામાં આવશે. રામના માટેનો અહોભાવ વ્યક્ત થશે અને આ પ્રસંગે  મ્યાનમાર, કંબોડીયા, મલેશિયા અને ઈન્ડોનેસિયામાં રામની કથાના આધારે  ઉભરેલા કલા સ્વરૂપોનું  આલેખન કરાશે.

પ્લાસ્ટિક સર્જરી કરાવી તો પાસપોર્ટ ના ચાલ્યો

પ્લાસ્ટિક સર્જરી કરાવીને રૂપાળા થવાનો ટ્રેન્ડ નવો નથી, પણ આવી બ્યૂટી ટ્રીટમેન્ટ બેડ જાય ત્યારે બડી બદસૂરત હાલત થાય છે તે આપણે જાણીએ છીએ. હિરોઈનો પોતાનું નાક સીધું કરાવે છે, જેથી વધુ મારકણી લાગે. પણ શરીર સાથે આવી છેડછાડ ક્યારેક શરીર રિજેક્ટ કરે છે અને ઉલટાની વિકૃત્તિ આવી જાય છે.

શરીર રૂપાળું બનવાને બદલે બેડોળ બને ત્યારે ઘણી સમસ્યા સર્જાતી હોય છે, પણ ચીનની ત્રણ યુવતીઓ માટે એક એવી સમસ્યા ઊભી થઈ કે પહેલાં તો સમાચાર માન્યામાં ના આવે. શું થયું તે સીલસીલાબંધ જોઈએ એટલે આખી વાત સમજાઈ જશે.

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર ત્રણ યુવતીઓ આવી. તેમની હાલત કંઈ બહુ સારી નહોતી. ચહેરા પર અને માથે બેન્ડેજ બાંધેલા હતા. કોઈ એક્સિડેન્ટમાં ઘાયલ થઈ હોય તેવી લાગતી હતી. વાત એમ હતી કે આ યુવતીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવવા આવી હતી, પણ તેમાં ગરબડ થઈ અને ત્રણેયના ચહેરા વિકૃત્ત ગયા હતા. એકનું નાક સૂઝી ગયું હતું, એકના હોઠ મોટા થઈ ગયા હતા. હાલત બૂરી હતી, પણ મામલો એરપોર્ટ ચેકિંગનો હતો એટલે દયા ખાઇ શકાય તેમ નહોતી. અધિકારીઓએ પાસપોર્ટ જોયા, પાસપોર્ટમાં તેમની તસવીરો જોઈ અને તે પછી ત્રણેય યુવતીઓના ચહેરા જોયા અને પોતાનું માથું ઘૂણાવ્યું. ના, આ તમારા પાસપોર્ટ નથી.

આ ઘટના દક્ષિણ કોરિયાના એક એરપોર્ટ પર બની હતી. દેશમાં સાત એરપોર્ટ છે તેમાંથી ક્યાં ઘટના બની તે સ્પષ્ટ નથી, પણ મોટા ભાગે સોલમાં બની હશે એમ મનાય છે. બીજી વિગતો પણ બહાર આવી નથી, પણ આ વાત ચગી એટલા માટે છે કે ત્રણેય યુવતીઓની કફોડી હાલતની તસવીર સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે.આ તસવીરને 55000 કરતાંય વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. 25,000થી વધુ લોકોએ તેને શેર પણ કરી છે. તેના કારણે સૌનું ધ્યાન ખેંચાયું છે. આ યુવતીઓનું પછી શું થયું અને આખરે તેઓ પોતાના વતન ચીન પહોંચી ગઈ કે કેમ તે માહિતી પણ નથી. કદાચ ચીનમાં પહોંચી ગઈ હશે, કેમ કે વધુ કોઈ વિગતો બહાર આવી રહી નથી. ચીનમાં હજીય લોખંડી પરદો છે અને ત્યાંથી સોશ્યલ મીડિયામાં પણ માહિતી લીક કરવી અઘરી છે.

બીજી બાજુ દક્ષિણ કોરિયા પ્રમાણમાં મુક્ત દેશ છે. ઉત્તર કોરિયામાં તાનાશાહી છે, તેની સામે દક્ષિણ કોરિયા મુક્ત છે, પણ ત્યાંથી માહિતી બહાર નથી આવી. તેનું કારણ એ હોય શકે કે કોરિયામાં બ્યૂટી ટ્રીટમેન્ટનો ઉદ્યોગ બહુ જ ખીલ્યો છે. તેની સામે ચીનની નારાજી છે, કેમ કે ચીની યુવતીઓ સસ્તામાં નાક અને હોઠ સરખા કરાવવા દક્ષિણ કોરિયા પહોંચી જાય છે.

દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરીનો ઉદ્યોગ મોટા પાયે ખીલ્યો છે. મેડિકલ ટુરિઝમનો સૌથી મોટો ફાયદો દક્ષિણ કોરિયા ઉઠાવી રહ્યું છે. ચીનમાં નવી નવી સમૃદ્ધિ આવી છે એટલે વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ પ્રમાણે ત્યાંની યુવતીઓ રૂપાળી બનવા માગે છે. તેમને વ્હાઇટ હિરોઈન જેવું બનવું છે અને તે માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવા તૈયાર થઈ જાય છે. ચીનમાં તે માટે એટલી સગવડ નથી. સરકાર આવી બાબતને બહુ પ્રોત્સાહન આપવા માગતી નથી. તેથી ચીની યુવતીઓ ફરવાના બહાને દક્ષિણ કોરિયા પહોંચી જાય છે. દક્ષિણ કોરિયા નજીક હોવાથી ઓછા ખર્ચે પ્રવાસ થાય છે. અને ઓછા ખર્ચે પ્લાસ્ટિક સર્જરી પણ થઈ જાય છે.

ચીની યુવતીઓનો આ ક્રેઝ જોઈને આખો ઉદ્યોગ દક્ષિણ કોરિયામાં ખીલ્યો છે. સારી આવક થતી હોવાથી સરકાર પણ આંખ આડા કાન કરે છે. આવી ક્લિનિકો સામે કોઈ કાર્યવાહી ત્યાંની સરકારે કરી નથી. આવી ક્લિનિકોએ જાતજાતની સ્કીમ પણ બહાર પાડી છે. કેટલાક અહેવાલો અનુસાર દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવો તો કોરિયાથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પેકેજમાં મળે છે. તેનો ફાયદો એ કે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પછી તરત ચીન પાછા ફરવાના બદલે દક્ષિણ આફ્રિકા જવાનું. ત્યાં આરામ કરવાનો અને થોડું ફરવાનું. તે પછી વતન પાછા ફરવાનું નવા નક્કોર રૂપ સાથે.

પરંતુ આ ત્રણ ચીની યુવતીઓની હાલત ખરાબ થઈ ગઈ. તેઓ દક્ષિણ આફ્રિકા પણ ફરવા જઈ શકે તેવી હાલતમાં નહોતી. તેમના ચહેરાની કફોડી હાલત થયા પછી તે ઝડપથી વતન ચીન પાછા ફરવા માગતી હતી. તેથી એરપોર્ટ પર પહોંચી પણ અધિકારીઓએ તેમને અટકાવી. પાસપોર્ટની તસવીરો સાથે તેમના નવા બદલી ગયેલા અથવા તો કહો કે બદસૂરત થઈ ગયેલા ચહેરા મેળ ખાતા નહોતા. પછી શું થયું? ખબર પડી નથી કેમ કે આજકાલ આવા સમાચાર માત્ર સોશ્યલ મીડિયામાં જ નહિ, પણ ઘણી વેબસાઇટ્સમાં પણ અધુરી માહિતી સાથે ચાલતા હોય છે. આ ખબરનો આધાર અત્યારે એટલો કે પ્લાસ્ટિક સર્જરી સંભાળપૂર્વક અને જોઈ વિચારીને જ કરવી જોઈએ. કુદરતે આપેલું રૂપ એ જ સાચું રૂપ છે. વધારે મહત્ત્વનું છે કે ગુણ કેવા છે. રૂપ આપણે કેળવી શકતા નથી, પણ ગુણો કેળવી શકીએ છીએ. આ યુવતીઓ જેવા હાલ ના થાય તે માટે પ્લાસ્ટિક સર્જરી નહિ, પણ મનની માનસિક સર્જરી આપણે કરતાં રહેવું જોઈએ…

હેમા માલિનીનાં જીવનચરિત્ર પુસ્તક માટે વડાપ્રધાન મોદીએ પ્રસ્તાવના લખી

નવી દિલ્હી – પીઢ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીનાં સત્તાવાર જીવનચરિત્ર પુસ્તક ‘બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંક્ષિપ્તમાં, મુદ્દાસર અને મીઠાશભર્યા શબ્દોમાં પ્રસ્તાવના લખી છે.

આ પુસ્તક સ્ટારડસ્ટ ફિલ્મ મેગેઝિનના ભૂતપૂર્વ તંત્રી અને ફિલ્મ નિર્માતા રામકમલ મુખરજીએ લખી છે. આ પુસ્તકનું વિમોચન ૧૬ ઓક્ટોબરે કરવામાં આવશે. એ દિવસે હેમા માલિનીનો ૬૯મો જન્મદિવસ છે. સાથોસાથ હેમા માલિની હિન્દી ચલચિત્ર જગતમાં એમનાં ૫૦ વર્ષ પૂરાં કરવાની સિદ્ધિ પણ હાંસલ કરશે.

હેમા માલિનીએ ૧૯૬૮માં રાજ કપૂર અભિનીત ‘સપનો કા સૌદાગર’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એમની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ એમણે સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. બેહદ સુંદરતાને માટે હેમા માલિની ‘ડ્રીમ ગર્લ’ ઉપનામથી પ્રચલિત થયાં છે.

હેમા માલિની ભારતનાટ્યમ નૃત્યમાં પણ પારંગત છે. હાલ તેઓ મથુરાનાં સંસદસભ્ય છે.

‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં વાચકો હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, રોમાન્સ, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા આધ્યાત્મિક જીવન પ્રતિ આકર્ષણ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બે પ્રકરણ હેમાની પુત્રીઓ – એશા અને આહનાને સમર્પિત છે.

અર્થપૂર્ણ ફિલ્મો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા આવશ્યકઃ શર્મિલા ટાગોર

પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરનું માનવું છે કે આપણા દેશમાં અર્થસભર ફિલ્મો પ્રદર્શિત કરી શકાય એ માટે મુક્ત વાતાવરણ તેમજ ફિલ્મ નિર્માતાઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે જરૂરી છે.

શર્મિલા ટાગોરે અહીં ૧૯મા જિઓ MAMI (Mumbai Academy of the Moving Image ) મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ-2017ના ઉદઘાટન પ્રસંગે એમનું ‘એક્સલન્સ ઈન સિનેમા’ એવોર્ડ દ્વારા સમ્માન કરાયા બાદ પોતાનાં વિચાર રજૂ કરતી વખતે ઉપર મુજબ જણાવ્યું હતું.

એમણે વધુમાં કહ્યું કે મુંબઈ શહેરમાં રહીને હું આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતા જાણી શકી છું. કલાકાર તરીકે અમારું જીવન ‘સ્ટાર્ટ સાઉન્ડ્સથી લઈને કટ’ શબ્દો વચ્ચે વ્યતિત થતું હોય છે. હું અર્થપૂર્ણ સિનેમાની તરફેણ કરું છું. એ માટે આપણે આવશ્યક્તા છે મુક્ત વાતાવરણ તથા વિચાર વ્યક્ત કરવાની સંપૂર્ણ આઝાદીની.

શર્મિલા ટાગોરને ‘એક્સલન્સ ઈન સિનેમા’ એવોર્ડ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને નીતા અંબાણીનાં હસ્તે પ્રદાન કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન અભિનેતા કુણાલ કપૂર અને અદિતી રાવ હૈદરીએ કર્યું હતું.

કાર્યક્રમમાં સેન્સર બોર્ડના નવા ચેરમેન બનેલા અભિનેતા અનુપમ ખેર, MAMI ફિલ્મોત્સવનાં ચેરપર્સન અને આમિર ખાનના નિર્માત્રી પત્ની કિરણ રાવ, કંગના રણૌત, શ્રીદેવી, દિગ્દર્શકો કબીર ખાન, હંસલ મહેતા અને અનુરાગ કશ્યપ, અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રીઓ કોંકણા સેન-શર્મા અને નંદિતા દાસ સહિત બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓ તેમજ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફણડવીસના પત્ની અમૃતા ફડણવીસ ઉપસ્થિત રહ્યાં હતાં.

નીતા અંબાણી

MAMI ફિલ્મોત્સવના ઉદઘાટન દિવસે અનુરાગ કશ્યપની ‘મુક્કાબાઝ’ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ફિલ્મનો આ એશિયન પ્રીમિયર શો હતો.

આ ફિલ્મોત્સવ ૧૮ ઓક્ટોબર સુધી ચાલશે.

ઈટાલીયન અભિનેત્રી મોનિકા બેલુચી ૧૫ ઓક્ટોબરે ફિલ્મોત્સવમાં હાજરી આપશે.

શ્રીદેવી

રાજકુમાર રાવ

કિરણ રાવ

કંગના રણૌત

અનુરાગ કશ્યપ

આમિર ખાન

અનુપમ ખેર

કબીર ખાન અને નંદિતા દાસ

કવિ દલપત પઢિયારને નરસિંહ મહેતા એવૉર્ડ

જૂનાગઢઃ દલપતભાઇ પઢિયારને રામ કથાકાર મોરારિબાપુના વરદહસ્તે નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાયો છે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી કવિતાના શ્રેષ્ઠ સર્જકને અપાતો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મહેતા એવોર્ડ મોરારિબાપુએ શરદપૂર્ણિમાની શીતળતાની સાક્ષીએ ગિરનારની ગોદમાં રૂપાયતનના પરિસરમાં દલપતભાઇ પઢિયારને એનાયત કર્યો છે.દલપતભાઇ પઢિયારને નરસિંહ મહેતા એવોર્ડમાં આદ્યકવિ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અને પુરસ્કાર રાશી સ્વરૂપે રૂા.૧,૫૧,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો Q2માં નફો 11 ટકા ઘટ્યો

મુંબઈ– રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સપ્ટેમ્બર આખરના બીજા કવાર્ટરના પરિણામ જાહેર થયા છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 11 ટકા ઘટી રૂપિયા 8097 કરોડ આવ્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિકગાળામાં નફો રૂ.9108 કરોડ આવ્યો હતો.

નાણાકીય વર્ષ 2018ના બીજા ત્રિમાસિકગાળામાં રીલાયન્સની આવક 5 ટકા વધી રૂ.95,085 કરોડ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં કુલ આવક રૂ. 90,537 કરોડ રહી હતી. ત્રિમાસિક આધાર પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા રૂ.12,554 કરોડથી વધીને રૂ.15,565 કરોડ થયો છે. તેમજ એબિટડા માર્જિન 13.9 ટકાથી વધી 16.4 ટકા રહ્યું છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બીજા કવાર્ટરમાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન 12 ડૉલર પ્રતિ બેરલ રહ્યું હતું. તેમજ રિફાઈનીંગ સેલ્સ 4.2 ટકા વધી રૂ.69,766 કરોડ રહ્યું હતું, આગલા પ્રથમ ત્રિમાસિકગાળામાં રિફાઈનીંગ સેલ્સ રૂ.66,945 કરોડ રહ્યું હતું.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામની હાઈલાઈટ્સ

  • ટર્ન ઓવર ગત વર્ષની સરખામણીએ 23.9 ટકા વધીને રૂ. 1,01,169 કરોડ (15.5 અબજ અમેરિકી ડોલર) થયું.
  • ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 32.2 ટકા વધીને રૂ. 17,896 કરોડ (2.7 અબજ અમેરિકી ડોલર) નોંધાયો.
  • કરવેરા પહેલાનો નફો 14.7 ટકા વધીને રૂ. 11,337 કરોડ (1.7 અબજ અમેરિકી ડોલર) થયો.
  • રોકડ નફો 27.8 ટકા વધીને રૂ. 17,171 કરોડ (2 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ચોખ્ખો નફો 12.5 ટકા વધીને રૂ. 8,109 કરોડ (1.2 અબજ અમેરિકી ડોલર) થયો.

આર.આઇ.એલ. ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ

  • ટર્ન ઓવર 16.8 ટકા વધીને રૂ. 75,165 કરોડ (11.5 અબજ અમેરિકી ડોલર) થયું.
  • નિકાસ 10.2 ટકા વધીને રૂ. 41,560 કરોડ (6.4 અબજ અમેરિકી ડોલર) થઈ.
  • ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 17.2 ટકા વધીને રૂ. 15,040 કરોડ (2.3 અબજ અમેરિકી ડોલર) થયો.
  • કરવેરા પહેલાનો નફો 12.6 ટકા વધીને 11,458 કરોડ (1.8 અબજ અમેરિકી ડોલર) થયો.
  • રોડક નફો 14.5 ટકા વધીને રૂ. 11,432 કરોડ (1.8 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ચોખ્ખો નફો 7.3 ટકા વધીને રૂ. 8,265 કરોડ (1.3 અબજ અમેરિકી ડોલર) થયો.
  • ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી.એમ.આર.) 12 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું.

જિઓની બીજા ત્રિમાસિક ગાળાની કામગીરીના મહત્વના અંશોઃ

  • સેવાઓનું સંકલિત મૂલ્ય રૂ. 7,213 કરોડ અને સંકલિત કરવેરા પહેલાંની આવક રૂ. 261 કરોડ
  • સ્વતંત્ર ધોરણે કામગીરીની આવક રૂ.6,147 કરોડ
  • સ્વતંત્ર ધોરણે કરવેરા, ઘસારા, વ્યાજ અને ઋણમુક્તિ પહેલાંની આવક રૂ. 1,443 કરોડ, માર્જિન 23.5 ટકા
  • સ્વતંત્ર ધોરણે કરવેરા પહેલાંની આવક રૂ. 260 કરોડ અને માર્જિન 4.2 ટકા
  • સપ્ટેમ્બર 30, 2017ની સ્થિતિએ ગ્રાહકો 13.86 કરોડ
  • ત્રિમાસિક ગાળામાં નવા ગ્રાહકોમાં ઉમેરો 1.53 કરોડ
  • ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ સરેરાશ આવક માસિક ગ્રાહક દીઠ રૂ. 156.4
  • ત્રિમાસિક ગાળામાં વાયરલેસ ડેટા ટ્રાફિક 378 કરોડ જી.બી.
  • ત્રિમાસિક ગાળામાં સરેરાશ વોઇસ ટ્રાફિક દૈનિક 267 કરોડ મિનિટ

કંપનીની બીજા ત્રિમાસિક ગાળાની મુખ્ય વિગતો

  • રિલાયન્સે જામનગરમાં આર.ઓ.જી.સી. ક્રેકર, એમ.ઇ.જી અને એલ.એલ.ડી.પી.ઇનું પરિચાલન શરૂ કર્યું છે અને હાલમાં આ એકમો સ્થિર પરિચાલન કરી રહ્યાં છે.
  • રિલાયન્સ રિટેલે જેનેસીસ લક્ઝરી ફેશન પ્રા.લિ.માં 40 ટકા હિસ્સો ખરીદ્યો છે, જે અરમાની, બર્બેરી, કોચ, માઇકલ કોર્સ અને અન્ય ઘણી બ્રાન્ડનો સમૃધ્ધ પોર્ટફોલિયો ધરાવે છે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ કંપની બાલાજી ટેલિફિલ્મ્સમાં ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે. વિષયવસ્તુના સર્જન ક્ષેત્રનું આ રોકાણ રિલાયન્સની ડિજીટલ અને મિડિયા વ્યવસાયોમાં રોકાણ અને વિકાસ માટેના રોકાણની પ્રતિબધ્ધતા અનુસાર છે.
  • અલ્લાહાબાદ બેન્ક (બેન્કોના સમૂહના આગેવાન) દ્વારા વડોદરમાં આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિમિટેડની માલિકીના અસ્કયામતોના વેચાણ માટે યોજવામાં આવેલી ઓન-લાઇન ઇ-હરાજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભાગ લીધો હતો અને તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ અસ્કયામતો રિલાયન્સને નવા મટિરીયલ વ્યવસાય (કોમ્પોઝીટ્સ એન્ડ કાર્બન ફાઇબર)માં પ્રવેશ કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે અને પેટ્રોરસાયણ વ્યવસાયના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ધ ડ્યુપોન્ટ ઓપરેશનલ એક્સેલન્સ એવોર્ડ – 2017 માટે વૈશ્વિક સ્તરે વિજેતા જાહેર કરવામાં આવી.
  • કંપનીએ 13 સપ્ટેમ્બર 2017ના રોજ રીઝર્વનો ઉપયોગ કરીને કંપનીના યોગ્યતાપ્રાપ્ત શેરહોલ્ડર્સને 3,08,03,238 ઇક્વિટી શેર બોનસ તરીકે આપ્યા હતા, જે માટેની બૂક ક્લોઝર તારીખ સપ્ટેમ્બર 9, 2017 હતી. 
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કેઃ “અમારી કંપનીએ વધુ એક ત્રિમાસિક ગાળામાં જોરદાર કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. મને એ જણાવતાં આનંદ થાય છે કે તેમાં કામગીરી શરૂ કર્યાના પ્રથમ જ ત્રિમાસિક ગાળામાં જિઓના કરવેરા પહેલાંના સકારાત્મક પ્રદાનનો સમાવેશ થાય છે. પરિણામો અમારાં રિફાઇનિંગ અને પેટ્રોરસાયણ વ્યવસાયોના મજબૂત ફંડામેન્ટલ્સને પણ પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક સ્તરે માગમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિની સાથે-સાથે પૂરવઠો ત્રુટક-ત્રુટક થવાથી આ ત્રિમાસિકગાળામાં માગ-પૂરવઠાનું સમતોલન બગડ્યું હતું. નવા પ્રોજેક્ટના માધ્યમથી અમારા વ્યવસાયોના ઇષ્ટતમ ઉપયોગના લાભો દેખાવા લાગ્યા. ઊર્જા અને મટીરીયલ વ્યવસાયોમાં માળખાકીય તાકાતથી ચાલુ વર્ષમાં પ્રારંભ થનારી અમારી નવી ક્ષમતાને લાભ મળ્યો.

    અમારા રિટેલ વ્યવસાયે સુધારાત્મક કામગીરીની શ્રેષ્ઠતાના માધ્યમથી વિસ્તૃત આધાર, સાતત્ય અને નફાકારક વૃધ્ધિ પૂરી પાડી છે. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, ડિજીટલ બની રહ્યું છે અને ભારત પણ પાછળ નથી. ભારત ડિજીટલ બનવા, વોઇસથી ડેટા તરફ ગતિ કરવા સજ્જ છે અને જિઓ નવી પેઢીના વ્યવસાયો માટે ડેટાનો પાયો તૈયાર કરી રહ્યું છે. જિઓ સેવાઓમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તે સમાજની પ્રતિભાની જરૂરીયાતને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે જિઓ ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય ગ્રાહકોને માટે મહત્વપૂર્ણ લાભો લાવશે અને ભારતને ઘણાં જ ઊંચા મંચ પર પહોંચાડશે. અમે અમારા વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓના ઇષ્ટતમ ઉપયોગથી પાયાની કનેક્ટિવિટીથી આગળ વધીને બહુ-સ્તરીય ડિજીટલ સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.