Home Blog Page 5615

સુષ્મા સ્વરાજનો ટાઉન હોલઃ મહિલાઓએ કેવા પ્રશ્નો કર્યા ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે શાસક ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવી લોકો સુધી પહોંચવાના વિભિન્ન પ્રયાસો તેજ ગતિએ ચાલી રહ્યાં છે. શહેરના જીએમડીસી કન્વેન્શન હોલમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો મહિલા ટાઉન હોલ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આ કાર્યક્રમની સફળતાનો દાવો કરતાં જણાવાયું હતું કે ગુજરાતની એક લાખથી વધુ મહિલાઓએ સોશિઅલ મીડિયા સહિત આ કાર્યક્રમમાં જોડાઇને સફળ બનાવ્યો છે.સુષ્મા સ્વરાજના આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ ઝોનમાંથી વિડીયો કોન્ફરન્સિંગ, મિસ્ડકોલ, ફેસબૂક, ટ્વીટર જેવા માધ્યમો ઉપરાંત હોલમાં ઉપસ્થિત બહેનો દ્વારા સુષ્માજીને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. તેમની સાથે મંચ પર મુખ્યપ્રધાન વિજય રુપાણી તેમ જ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજો અડગ ગુજરાતની અડગ બહેનોને મારા નમસ્કાર… એમ કરીને મહિલાઓ સાથેના સંવાદની શરૂઆત કરી હતી. ગુજરાતભરની મહિલાઓ લાઈવ આ ટાઉનહોલ કાર્યક્રમમાં જોડાઈ હતી.

વિદેશપ્રધાને ભાજપ માટે મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સશક્તિકરણ એમ ત્રણ મુખ્ય મુદ્દાઓ હોવાનું જણાવવા સાથે બેટી બચાવો અને ઘરેલુ હિંસાના મુદ્દા સાથે ટાઉન હોલનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દેશમાં વર્ષમાં 2 વાર નવરાત્રિ ઉજવાય અને છેલ્લા દિવસે કન્યાઓની પૂજા કરે તે દેશમાં દીકરીઓનો ગર્ભપાત થાય તે ગંભીર સમસ્યા છે. આ માટે ભાજપ સરકારે વિવિધ પ્રકારે સુરક્ષા નિશ્ચિત બનાવી છે. મહિલાઓ માટે ગુજરાતમાં 142 યોજનાઓ હોવાનું જણાવ્યું હતું.રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલા ગુજરાત પ્રવાસ દરમિયાન આરએસએસમાં મહિલાઓ શોર્ટ્સમાં કેમ દેખાતી નથી તેવી રીમાર્ક કરી હતી તેના પર પ્રશ્ન પૂછાતાં તેમણે પીઢ નેતાને છાજે તેમ જવાબ આપતાં જણાવ્યું કે તેમની આવી અભદ્ર ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપવી મહત્ત્વનું નથી.

ભાજપ કોઇ ધર્મજ્ઞાતિજાતિના ભેદભાવ વગર ભારતીય નાગરિકો માટે કામ કરતી સરકાર છે તેમ જણાવતાં એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે માહિતી આપી હતી કે પાછલાં ત્રણ વર્ષમાં વિદેશમાં ફસાયેલાં કુલ 88,302 નાગરિકોને બચાવીને પાછાં લાવવામાં આવ્યાં છે.

એક મુસ્લિમ પ્રશ્નકર્તા બહેને ત્રિપલ તલાક નાબૂદ થતાં આટલાં વર્ષો કેમ લાગ્યાં તેમ પૂછતાં ખૂબ માર્મિક અંદાજમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આઝાદ થતાં 1300 વર્ષ લાગ્યાં છે. વોટબેંકની રાજનીતિએ આ સમસ્યા ટકાવી રાખી હતી.આ ઉપરાંત પણ સૌનો સાથ સૌનો વિકાસ, રોજગાર, ગરીબોને ઘર જેવા વિવિધ મુદ્દા પર બહેનોએ પ્રશ્ન પૂછ્યાં હતાં જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક જવાબ આપ્યાં હતાં. બહેનોને બહાર કામકાજ કરવા માટે ફેમિલી સપોર્ટ મળતો નથી તે કેવી રીતે મેળવવો એવા પ્રશ્નના ઉત્તરમાં સુષ્મા સ્વરાજે ઘરના સભ્યોને સમજાવટથી કામ લેવા, યોગ્ય સમય આયોજન સાથે કામ પાર પાડવાના ઉદાહરણમાં પોતાને ટાંકીને જવાબ આપ્યાં હતાં. એક તબક્કે હસતાંહસતાં એમપણ કહ્યું હતું કે અરે હમને ડોકલામમેં ચીન કો સમજા લિયા, ઘર કે લોગોં કો તો સમજા હી લેંગે… જેવી રમૂજ પણ કરી લીધી હતી. મુદ્રા યોજના અંગે પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે મુદ્રા યોજનામાં 4 લાખ કરોડ રૂપિયાની લોન 76 ટકા મહિલાઓને આપવામાં આવી છે.

યુપીએના શાસનમાં ફકત 2 મહિલા જ કેબિનેટમાં હતી, ભાજપના શાસનમાં હાલ 6 મહિલાઓ કેબિનેટમાં છે. મહિલાઓના રાજનૈતિક સશક્તિકરણમાં ભાજપ ખૂબ જ આગળ છે.

ચૂંટણીના  આંગણે ઊભેલા ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ હર સંભવિત મતદાર સુધી પહોંચવા આયોજનપૂર્વક આગળ વધી રહ્યો છે. ભૂતકાળમાં પણ ભાજપની જીતમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે ત્યારે આ કાર્યક્રમ દ્વારા સુષ્મા સ્વરાજે ગુજરાતની મહિલા મતદાતાઓને પક્ષ તરફ આકર્ષવામાં સફળતા મળવાનો આશાવાદ સેવ્યો છે.

(અહેવાલ- પારુલ રાવલ, તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતઃ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ કરશે ઉગ્ર વિરોધ.. કેમ?

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોના લાંબા સમયથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને લડતનું બ્યૂંગલ ફૂંકવામાં આવ્યું છે. તાજેતરમાં જ ધોરણ 10 અને 12ની પરીક્ષાના રજિસ્ટ્રેશન ફોર્મની કામગીરી હાથ ધરાઈ છે. આજથી જ વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરીનો ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ બહિષ્કાર કર્યો છે. 62 હજાર જેટલા શિક્ષકો આ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.

16 ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ સહિત શિક્ષણ બોર્ડની 18 ઓક્ટોબરના રોજ થનારી સામાન્ય સભાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ ગઈકાલે શુક્રવારે સંઘની સંકલન સમિતિની મળેલી તાકીદની બેઠકમાં અમે આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને કર્મચારીઓ અને સાથે જ સંચાલકોના વણઉકેલાયેલા પ્રશ્નો બાબતની કામગીરીનો બહિષ્કાર ઉપરાંત આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 16 ઓક્ટોબરને સોમવારના રોજ ધરણા કરવામાં આવશે અને ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાનો બહિષ્કાર અને કલેક્ટર તેમજ પ્રધાનોને આવેદનપત્ર તેમજ 18 ઓક્ટોબરની સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવશે.

શાળાના શિક્ષકો અને કર્મચારીઓની ઘણા લાંબા સમયથી માંગ છે કે 18 જાન્યુઆરી, 2017થી ફિક્સ પગારમાં વધારો કરવો, 1999થી શિક્ષણ સહાયકની નોકરી સળંગ ગણવી, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવું, નવી ભરતી કરવી, ગ્રાન્ટ નિતીનો અમલ કરવો, જેવી માંગ રજૂ કરાઈ છે.

PM મોદીએ નમામી ગંગે યોજના લોન્ચ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે બિહારમાં અનેક યોજનાઓનો લોન્ચ કરી હતી. અંદાજે રૂપિયા 4000 કરોડના વિકાસના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા, જેમાં રાષ્ટ્રીય હાઈવે સાથે જોડાયેલા 3031 કરોડ રૂપિયાના 4 પ્રોજેક્ટ અને 738 કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યો હતો. તેની સાથે પીએમ મોદીએ નમામી ગંગે લોન્ચ કરી હતી, અને મોદીએ કહ્યું હતું કે બિહાર સરકાર સાથે ખભે ખભો મેળવીને કામ કરીશું. નમામી ગંગે યોજના અંગે કહ્યું હતું કે જ્યારે ગંગા નિર્મળ હોય ત્યારે છઠ્ઠ પૂજાનો આનંદ કંઈક અલગ જ હોય છે. ગંગાને બચાવવી એ આગામી ભાવી પેઢીને બચવવા બરાબર છે.

ઉપરાષ્ટ્રપતિનું ગુજરાતમાં સ્વાગત

અમદાવાદઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. વેંકૈયા નાયડુનું અમદાવાદ એરપોર્ટ પર શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં હતી.

દેશની 20 યુનિવર્સિટી વર્લ્ડ કલાસ બનશેઃ PM મોદી

પટના– વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે બિહારની પટના યુનિવર્સિટીના 100 વર્ષ પુરા થવાના પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે પીએમ મોદીએ વિશ્વવિદ્યાલયના વખાણ કર્યા હતા, અને વિશ્વવિદ્યાલયની ધરતીને નમન કર્યા હતા. પીએમ મોદી પટના આવ્યા છે, ત્યારે પટના યુનિવર્સિટી અને બિહારના સીએમ નિતીશકુમાર એ માંગ કરી હતી કે તેને કેન્દ્રીય યુનિવર્સીટીનો દરજ્જો આપવામાં આવે, પણ પીએમ નરેન્દ્ર મોદીએ આ માંગ પર કહ્યું હતું કે કેન્દ્રીય યુનિવર્સિટીની માંગે વીતેલા દિવસોની છે. આપણે એક પગલું આગળ વધીને આ યુનિવર્સિટીને આગળ લઈ જવી છે, તેના માટે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું.વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વની 500 વિશ્વવિદ્યાલયોમાં હિન્દુસ્તાનની એક પણ વિશ્વવિદ્યાલયનું નામ નથી. દેશમાં 10 સરકારી અને 10 ખાનગી યુનિવર્સિટીને આપણે વર્લ્ડ કલાસ બનાવવા માંગીએ છીએ. તેના વિકાસ માટે સરકાર 10 હજાર કરોડ રૂપિયા આપશે. આ તમામ વિશ્વવિદ્યાલય સરકારી નિયંત્રણમાંથી બહાર હશે. આ પ્રતિયોગિતામાં સામેલ થવા માટે હું પટના યુનિવર્સિટીને આમંત્રણ આપું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુનિયામાં એ જ દેશ પ્રગતિ કરે શકે છે, જે ઈનોવેશનને પ્રાથમિકતા આપશે. ગંગાની ધારાની જેમ બિહારમાં જ્ઞાનની ધારા વહે છે. શિક્ષણનો હેતું માઈન્ડને ખુલ્લુ રાખવાનો છે. હું પટના યુનિવર્સિટીના યુવાનોને આહ્વાન કરું છું કે આપની આસપાસની સમસ્યા જુઓ છો કે તે સમસ્યાને દૂર કરવા માટે આપ ઈનોવેશન કરો.

પીએમ નરેન્દ્ર મોદીએ દેશના સિવિલ સર્વિસીઝનું નેતૃત્વ બિહારની પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરે છે. હું દરરોજ દેશના સેંકડો અધિકારીઓને મળું છું, જેમાંથી વધુ લોકો બિહારમાંથી આવે છે. બિહાર પર સરસ્વતીની કૃપા છે. હવે લક્ષ્મી અને સરસ્વતી મળીને બિહારને નવી ઊંચાઈ પર લઈ જવાશે. બિહારની ગણતરી 2022માં સમૃદ્ધ રાજ્યોની શ્રેણીમાં આવશે.

ગૌરી લંકેશ મર્ડર કેસ: 3 શકમંદોના સ્કેચ જાહેર કરતી SIT

બેંગાલુરુ– વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે કર્ણાટક પોલીસની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ અને મળેલી માહિતીના આધારે પોલીસે ત્રણ હત્યારાઓના સ્કેચ જારી કર્યા છે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે જણાવ્યું કે, હત્યારાને પકડવા માટે પોલીસને લોકોના સહયોગની જરુર છે. જેથી અમે તેના સ્કેચ રજૂ કરી રહ્યા છીએ. તપાસ ટીમે શકમંદોનો એક વીડિયો પણ જારી કર્યો છે. જે તેમને ઈન્વેસ્ટિગેશન દરમિયાન મળ્યો હતો.

આપને જણાવી દઈએ કે, ગૌરી લંકેશના હત્યારાઓના સ્કેચ સીસીટીવી ફૂટેજના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. તપાસ ટીમના અધિકારીના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો હત્યાના ઓછામાં ઓછા 7 દિવસ પહેલાથી શહેરમાં ફરતા હતા અને તેમણે ગૌરી લંકેશના ઘરની અને સોસાયટીની રેકી હોવાનું પણ પોલીસનું અનુમાન છે.

સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા બી.કે સિંહે જણાવ્યું કે, આ હત્યામાં બે લોકો પોલીસની શંકાના દાયરામાં છે. બંનેના સ્કેચ એકસરખા છે કારણકે તેમને જુદાજુદા લોકોએ આપેલા વર્ણનના આધારે બે  આર્ટિસ્ટ્સ દ્વારા સ્કેચ બનાવવામાં આવ્યા છે.

વધુમાં બી.કે. સિંહે જણાવ્યું કે, પોલીસે આ કેસના સંદર્ભમાં 250થી વધુ લોકોની તપાસ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગૌરી લંકેશ અને એમ.એમ. કલબુર્ગી બંનેની હત્યાના કેસમાં એક જ હથિયારનો ઉપયોગ થયો હતો તેવું કોઈ કનેક્શન જણાતું નથી. આ ઈન્ફર્મેશન ફક્ત મીડિયામાં જ છે. પોલીસ તરફથી અત્યાર સુધીમાં આ પ્રકારની કોઈ જ ઈન્ફર્મેશન રજૂ કરવામાં આવી નથી.

કાર્ડ વગર ATMમાંથી રૂપિયા ઉપાડી શકાશે…

રરોજ બદલાતી ટેકનોલોજીના જમાનામાં સ્માર્ટફોનમાં નીતનવા ફીચર ઉમેરાય અને નવા મોડલ. નવી ડિઝાઈન સાથે માર્કેટમાં આવે. એપલે આઠમી સીરીઝનો ફોન બહાર પાડ્યો, તે અગાઉ અનેક કંપનીઓએ નવા મોબાઈલ વધુ ફીચર્સ સાથે અને સસ્તાં સ્માર્ટફોન બજારમાં મૂક્યાં છે. સ્માર્ટફોન હવે આપણાં ખિસ્સાં જેવું કામ પણ કરવાનું છે. ખિસ્સામાં સ્માર્ટફોન રાખીને સરળતાથી એટીએમમાં જઈને પૈસા ઉપાડી શકશે.એપલ પેના યુઝર કોઈપણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદ વગર એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે. અમેરિકામાં અંદાજે 5000 વેલ્સ ફાર્ગો એટીએમમાં ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવી છે. જો પોતાનું ખિસ્સાપાકીટ ઘેર ભૂલી ગયાં તો આ નવા ફીચરની મદદથી કોઈપણ સમસ્યા વગર સરળતાથી એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકશો. તેના માટે જોકે તમારા પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે.ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વગર રૂપિયા ઉપાડવા માટે યુઝરે સૌથી પહેલા એપલ પે એપનો ઉપયોગ કરતા હોય તેવા ફોનમાં વૉલેટ ફીચર એક્ટિવેટ કરવું પડે છે. જે પછી નિયર-ફીલ્ડ કમ્યુનિકેશન(એનએફસી) ટેકનોલોજીની મદદથી ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. એનએફસી ટ્રાન્ઝક્શન માટે એટીએમમાં પહેલેથી એક ચિપ ઈન્સ્ટોલ કરેલી હશે, જેના દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાશે.મોબાઈલ પેમેન્ટના આ યુગમાં કાર્ડલેસ એટીએમની શરૂઆત હાલ તો અમેરિકામાં થઈ છે. આશા રાખીએ કે ભારત સહિત અન્ય દેશોમાં પણ આ સુવિધા ઉપલબ્ધ થશે. આજે વધારે લોકો પેમેન્ટ એપ દ્વારા જ મોટાભાગે પોતાના બિલના પેમેન્ટ કરે છે.

ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાએ હાથ અદ્ધર કર્યાં

વોશિંગ્ટન- અમેરિકાએ ઈરાન સાથે કરેલા પરમાણુ કરારમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. જેને લઈને વૈશ્વિક સમુદાયમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાને અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે, જો અમેરિકન કોંગ્રેસ ઈરાન પર લાવવામાં આવેલા નવા પ્રતિબંધોનો અમલ નહીં કરે તો અમેરિકા ઈરાન સાથેના પરમાણુ કરારનો પૂર્ણરુપે અંત લાવશે.

ઈરાન વિરુદ્ધ નવી રણનીતિ તૈયાર કરી અને તેના ભાગ્યનો નિર્ણય અમેરિકન કોંગ્રેસ પર છોડાયા બાદ બન્ને દેશ ફરી એકવાર આમનેસામને આવી ગયા છે. આ ઘટનાને લઈને ઈરાને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કડક શબ્દોમાં નિંદા કરી છે. ઈરાનના પ્રેસિડેન્ટ હસન રુહાનીએ કહ્યું કે, ઈરાન સામેની ટ્રમ્પની વધુ પડતી આક્રમક નીતિ એ દર્શાવે છે કે, અમેરિકા પોતાના નિર્ણય બાદ વૈશ્વિક સમુદાયમાં એકલું પડી ગયું છે.

મહત્વની વાત તો એ છે કે, પરમાણુ કરાર રદ્દ કરવાની વાતને લઈને અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાને પણ ટ્રમ્પના નિર્ણય સાથે પોતે અસહેમત હોવાનું જણાવ્યું છે. જોન કેરીએ કહ્યું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા વર્ષ 2015માં ઈરાન સાથે કરવામાં આવેલા પરમાણુ કરારને રદ્દ કરવાથી આંતરરાષ્ટ્રીય સંકટ ઉદભવી શકે છે.

વધુમાં કેરીએ જણાવ્યું કે, આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિત અને તેના નજીકના સહયોગીઓ ઉપર પણ વિપરીત અસર ઉભી કરશે. આપને જણાવી દઈએ કે, જોન કેરીના કાર્યકાળ દરમિયાન જ આ કરાર અંગે ઈરાન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

મુંબઈઃ ફટાકડા વેપારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ

મુંબઈઃ શહેરમાં દીવાળી પહેલાં ફટાકડાની દુકાનો ગોઠવાઈ જતી હોય છે પરંતુ આ વર્ષે થાણેના ફટાકડાના વેપારીઓ માટે દીવાળી ફીકી સાબિત થઈ રહી છે. તો બીજીબાજુ નવી મુંબઈના વ્યાપારીઓને ફટાકડા વેચવાની મંજૂરી મનપા પાસેથી મળી ગઈ છે.

વેપારીઓને સ્ટોલ માટે ન મળી મંજૂરી

દીવાળીને લઈને ઠાણે મનપા ફાયર વિભાગ તરફથી ફટાકડાના વ્યાપારીઓને મંજૂરી ન મળતા વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. દીવાળીના અવસર પર દર વર્ષે ફટાકડાનું વેચાણ કરીને થોડા સમયમાં વધારે કમાણી કરનારા વેપારીઓને આ વખતે હતાશાનો સામનો કરવો પડ્યો છે.

મનપા તરફથી હજી સુધી સ્ટોલ માટેની મંજૂરી ન મળતા ફટાકડાના વેપારીઓના વ્યવસાય પર સંકટના વાદળો તોળાઈ રહ્યાં છે. આપને જણાવી દઈએ કે અહીં ત્રણસો જેટલા વેપારીઓ દર વર્ષે ફટાકડાના સ્ટોલ લગાવતા હોય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વર્ષે મનપા તરફથી વ્યાપારીઓને મંજૂરી આપવામાં આવી નથી. થાણે મનપા તરફથી આ પહેલા ફુટપાથ પર ફટાકડા વેચવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે ખુલ્લા મેદાનમાં ફટાકડાના સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવે છે. ગત વર્ષે 250 જેટલા સ્ટોલ લગાવવાની મંજૂરી મનપા દ્વારા આપવામાં આવી હતી.

ખાદ્યપદાર્થોના સામાનના પેકેજિંગ માટે નિયમો બદલશે FSSAI

નવી દિલ્હી- ભારતની ખાદ્ય નિયામક સંસ્થા ફૂડ સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી નવા નિયમ જાહેર કરવામાં આવશે. એફએસએસએઆઈ તરફથી ખાવા પીવાની સામગ્રીના પેકેજિંગ માટે ઉપયોગ થતા પાઉચ, પોલિથિન્સ, બોટલ્સ, અને બોક્સને લઈને જલ્દીથી નિયમો જાહેર કરવામાં આવશે. એફએસએસએઆઈએ આ પેકેટોમાં સામગ્રી ખરાબ થવાનો અથવા તો પ્રદુષિત થવાની ફરિયાદોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એફએસએસએઆઈના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસરે જણાવ્યું પેકેજિંગ માટે અલગથી નિયમો નક્કી કરવામાં આવશે. આના માટે એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. ફૂડ કંપનીઓને વધારે જવાબદાર બનાવવા માટે આ નિયમ જાહેર કરવામાં આવશે.

વર્તમાન નિયમો અનુસાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરફથી પેકેજિંગની તુલનામાં લેબલિંગ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. હવે એફએસએસએઆઈએ ફૂડ અને ડ્રિન્ક્સના પેકેજિંગ માટે પોતાના જ બેન્ચમાર્ક નક્કી કરવાનો નિર્ણય લીધો છે જેથી ઉત્પાદનોની સુરક્ષાની સંભાળ રાખી શકાય.

એક અનુમાન અનુસાર 2020 સુધીમાં ભારતનું ફૂડ માર્કેટ 18 બિલિયન ડૉલર સુધી પહોંચી જશે. 2016માં આ માર્કેટ 12 અરબ ડોલર હતું. એફએસએસએઆઈનું માનવું છે કે આના કારણે ખાદ્યપદાર્થોના બગાડને પણ રોકી શકાશે. વર્તમાન નિયમો અનુસાર પેકેજિંગ માટે એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, પ્લાસ્ટિક અને ટિનનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય આ પેકેજિંગને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની મંજૂરી મળવી પણ જરૂરી હશે.