ખાદ્યપદાર્થોના સામાનના પેકેજિંગ માટે નિયમો બદલશે FSSAI

નવી દિલ્હી- ભારતની ખાદ્ય નિયામક સંસ્થા ફૂડ સેફ્ટી એંડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી નવા નિયમ જાહેર કરવામાં આવશે. એફએસએસએઆઈ તરફથી ખાવા પીવાની સામગ્રીના પેકેજિંગ માટે ઉપયોગ થતા પાઉચ, પોલિથિન્સ, બોટલ્સ, અને બોક્સને લઈને જલ્દીથી નિયમો જાહેર કરવામાં આવશે. એફએસએસએઆઈએ આ પેકેટોમાં સામગ્રી ખરાબ થવાનો અથવા તો પ્રદુષિત થવાની ફરિયાદોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એફએસએસએઆઈના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસરે જણાવ્યું પેકેજિંગ માટે અલગથી નિયમો નક્કી કરવામાં આવશે. આના માટે એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. ફૂડ કંપનીઓને વધારે જવાબદાર બનાવવા માટે આ નિયમ જાહેર કરવામાં આવશે.

વર્તમાન નિયમો અનુસાર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરફથી પેકેજિંગની તુલનામાં લેબલિંગ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. હવે એફએસએસએઆઈએ ફૂડ અને ડ્રિન્ક્સના પેકેજિંગ માટે પોતાના જ બેન્ચમાર્ક નક્કી કરવાનો નિર્ણય લીધો છે જેથી ઉત્પાદનોની સુરક્ષાની સંભાળ રાખી શકાય.

એક અનુમાન અનુસાર 2020 સુધીમાં ભારતનું ફૂડ માર્કેટ 18 બિલિયન ડૉલર સુધી પહોંચી જશે. 2016માં આ માર્કેટ 12 અરબ ડોલર હતું. એફએસએસએઆઈનું માનવું છે કે આના કારણે ખાદ્યપદાર્થોના બગાડને પણ રોકી શકાશે. વર્તમાન નિયમો અનુસાર પેકેજિંગ માટે એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, પ્લાસ્ટિક અને ટિનનો ઉપયોગ કરી શકાશે. આ સિવાય આ પેકેજિંગને બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની મંજૂરી મળવી પણ જરૂરી હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]