Home Blog Page 5614

ગુરદાસપુર લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડ વિજયી

ગુરદાસપુર – પંજાબમાં પ્રતિષ્ઠિત ગણાતી ગુરદાસપુર લોકસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીના આજે જાહેર કરાયેલા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડ ૧,૯૩,૨૧૯ મતોથી વિજયી થયા છે. એમણે તેમના નિકટતમ હરીફ, ભાજપના સ્વરણ સલારીયાને પરાજય આપ્યો છે.

જાખડને ૪,૯૯,૭૫૨ મત મળ્યા છે જ્યારે સલારીયાને ૩,૦૬,૫૩૩ મત મળ્યા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેચર જનરલ (નિવૃત્ત) સુરેશ ખજુરિયા ૨૩,૫૭૯ મતો મેળવીને ત્રીજા ક્રમે આવ્યા છે.

ભાજપના સંસદસભ્ય અને બોલીવૂડ અભિનેતા વિનોદ ખન્નાનું ગયા એપ્રિલમાં નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

વિનોદ ખન્નાએ ૨૦૧૪માં આ બેઠક જીતી હતી તે પૂર્વે ૨૦૦૯ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર પરતાપ સિંહ બાજવા સામે હારી ગયા હતા. જોકે એ પહેલાં ૨૦૦૪ તથા ૧૯૯૯, ૧૯૯૮ની ચૂંટણીમાં વિનોદ ખન્ના વિજયી થયા હતા.

સુનીલ જાખડે પોતાને વિજયી બનાવવા બદલ ગુરદાસપુરના મતદારોનો આભાર માન્યો છે.

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુએ જાખડની જીતને બિરદાવતા કહ્યું છે કે કોંગ્રેસની આ જીત રાહુલ ગાંધી માટે દિવાળીની ગિફ્ટ સમાન છે.

કોહલી પર આરોપ મૂકનાર કમાલ ખાનને માથે માછલાં ધોવાયા

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ મહિને ભારતના પ્રવાસે આવી રહેલી ન્યૂ ઝીલેન્ડની ટીમ સામેની વન-ડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે અને એમાંથી પસંદગીકારોએ ફરીવાર યુવરાજ સિંહ તથા સુરેશ રૈનાને બાકાત રાખ્યા છે.

ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ આવતી ૨૨ ઓક્ટોબરથી શરૂ થવાની છે.

પસંદગીકારોએ ટીમમાંથી બેટ્સમેન લોકેસ રાહુલને પણ બાકાત રાખ્યો છે જ્યારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને સામેલ કર્યો છે.

મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના છેલ્લે આ વર્ષના આરંભમાં ઈંગ્લેન્ડ સામે T20I સિરીઝમાં રમ્યો હતો જ્યારે અનુભવી યુવરાજ સિંહ છેલ્લે ભારતીય ટીમ કેરેબિયન ટાપુઓના પ્રવાસે ગઈ હતી ત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.

આ બંને ખેલાડીને ફિટનેસને લગતી કોઈક સમસ્યા હોવાથી એમને ટીમમાં સામેલ કરાતા નથી એવી અગાઉ ચર્ચા હતી.

આ બંનેની બાકાતીથી બોલીવૂડ અભિનેતા, નિર્માતા અને સમીક્ષક કમાલ આર. ખાનને એમના ટ્વિટર પેજ પર રોષ વ્યક્ત કર્યો છે અને કેપ્ટન વિરાટ કોહલી પર આરોપ મૂક્યો છે કે તે યુવરાજ અને રૈનાની કારકિર્દીને ખતમ કરી રહ્યો છે.

KRK તરીકે જાણીતો કમાલ ખાન ટ્વિટર પર ઘણાયની ટીકા કરવા માટે જાણીતો છે. એણે યુવરાજ અને રૈનાને સલાહ આપી છે કે એ બંનેએ હવે કોમેન્ટરી આપવાનું શરૂ કરવું જોઈએ.

કમાલ ખાને પોતાના ટ્વિટર પર મૂકેલી ટ્વીટ નીચે મુજબ છે:

Bechare @YUVSTRONG12 n @ImRaina Ko, Finally @imVkohli Ne Hamesha Ke Liye Ghar Par Baitha Hi Diya hai! Koi Nahi Bhai commentary Karlo!

— KRK (@kamaalrkhan) October 14, 2017

કમાલ ખાનની ટ્વીટથી ભડકેલા લોકોએ કરેલી આ ટ્વીટ્સ:

Ab aap cricket mein bhi ghusoge
Hadd hai yaar berozgaari kee

— VIRAT  (@IAmVirat183) October 14, 2017

But Why you jealous I don’t know.
What I think virat achieved that thing what you can Never imagine in ur life.
Lol

— Prince Krishna Veer (@Kamalkdaiya66) October 14, 2017

Yes this guy is showing his stupidity in all walks of life now !!!

— tambrahm (@adityaghatty) October 14, 2017

Kar lenge bhai wo apna… tere jese negative tweets nahi karenge wo

— Moh!t Thakkar (@mitpopat) October 14, 2017

Abey tu khud toh koi kaam karle ghar baithe baithe tweet karta rehta hai bas

— Ayush arora (@Ayush0405) October 15, 2017

But Why you jealous I don’t know.
What I think virat achieved that thing what you can Never imagine in ur life.
Lol

— Prince Krishna Veer (@Kamalkdaiya66) October 14, 2017

ટ્વિટર પર સ્ત્રીઓને ટ્વિટર છોડવાનો અનુરોધ કેમ?

સ્ત્રીઓ એક દિવસ માટે ટ્વિટર છોડવાની વાત કેમ કરી રહી છે? #WomenBoycottTwitter નો ટ્રેન્ડ હૉટ છે. આવું કેમ બન્યું? શું આ ટ્રેન્ડ ભારતનો છે? કારણકે ભારતમાં આજકાલ ફેમિનિઝમની ચળવળ ચાલી રહી છે પરંતુ આ ટ્રેન્ડ પાછળની કહાણી કંઈક જુદી જ છે. આ ટ્રેન્ડ ભારતની મહિલાએ નહીં, પણ અમેરિકાની એક મહિલાએ શરૂ કર્યો છે.

આ મહિલા પાછી બીજી કોઈ નહીં પણ અભિનેત્રી છે. રોઝ મેકગૉવન નામ છે એનું. એનું ટ્વિટર ખાતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એના પર ટ્વિટરની નીતિનિયમોનો ભંગ કરવાનો આક્ષેપ છે.પ્રશ્ન એ થાય કે એક અભિનેત્રીએ એવું શું કર્યું કે જે ટ્વિટરની નીતિનિયમોનું ઉલ્લંઘન થઈ ગયું? મેકગોવનનું કહેવું છે કે તે ટ્વિટરનો સીમિત ઉપયોગ જ કરી શકે છે. તે ટ્વીટ વાંચી શકે છે અને ડાયરેક્ટ મેસેજ કરી પણ શકે છે પરંતુ કોઈ ટ્વીટ કરી શકતી નથી, ટ્વીટના જવાબ આપી શકતી નથી કે રિટ્વીટ કરી શકતી નથી. આવું કેમ થયું?
હકીકતે વાત એવી છે કે ‘સેક્સ લાઇઝ એન્ડ વિડિયોટેપ્સ ફેમ હૉલિવૂડના નિર્માતા હાર્વે વેઇનસ્ટેઇન સામે કેટલીક મહિલાઓએ જાતીય શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે. અને રોઝ મેકગૉવન ટ્વિટર પર તેમનું સમર્થન કરી રહી હતી. રોઝે માત્ર હાર્વે જ નહીં પણ આવા બીજા પુરુષ શોષણકર્તાઓ સામે અવાજ બુલંદ કર્યો છે. પ્રશ્ન એ થાય કે રોઝ તો સારું કામ કરી રહી હતી તો પછી ટ્વિટરે તેનું ખાતું સસ્પેન્ડ કેમ કરી નાખ્યું? ટ્વિટરની દલીલ અથવા તો બચાવ છે કે રોઝે એક પર્સનલ નંબર ટ્વિટર પર જાહેર કરી દીધો છે જેનાથી ટ્વિટરના નીતિનિયમોનો ભંગ થાય છે.

જોકે ટ્વિટરવાસીઓને લાગી રહ્યું છે કે સિસ્ટમિક હેરેસમેન્ટ સામે અવાજ ઉઠાવનાર રોઝનો અવાજ દબાવવા માટે રોઝની સામે ટ્વિટરે આ પગલું ભર્યું છે. ટ્વિટરનો બહિષ્કાર કરવાની સૌ પ્રથમ અપીલ સૉફ્ટવેર એન્જિનિયર કેલી એલીસે કરી હતી. તેને લાગ્યું કે રોઝની પડખે ઊભો રહેવાનો આ એક ઉપાય છે. ટ્વિટરવાસીઓને લાગે છે કે ટ્વિટર પારદર્શક નથી અને સતામણી વિરોધી પ્રયાસો પૂરતા નથી. ડેઇલી ડૉટના લેખક એના વલેન્સ મુજબ, “ટ્રૉલ અને જમણેરી લોકોના કારણે સ્ત્રીઓ ટ્વિટરથી ભાગી રહી છે.” જોકે આ વાત અહીં લાગુ પડતી નથી લાગતી.

ટ્વિટર પર પૂર્વગ્રહયુક્ત વલણ અપનાવવાનો આક્ષેપ લાગતો રહ્યો છે. મિડિયા પૂર્વગ્રહયુક્ત હતું તેવા આક્ષેપો થતાં રહ્યાં છે ત્યારે સોશિયલ મિડિયા એક સ્વતંત્ર મિડિયા તરીકે ઉભરી રહ્યું હતું પણ હવે ટ્વિટર પણ પક્ષપાતી બની રહ્યું હોવાના આક્ષેપ થવા લાગ્યા છે. ભારતમાં રાષ્ટ્રવાદી વિચારો વ્યક્ત કરનાર પર ટ્વિટર આકરું થઈ રહ્યું છે.

રાષ્ટ્રવિરોધી બેફામ વિચારો વ્યક્ત કરનારા સામે કોઈ પગલાં લેવાતાં નથી. ગાયક અભિજીત ભટ્ટાચાર્ય, સોનુ નિગમ અને સાંસદ-અભિનેતા પરેશ રાવલનાં ખાતાં બંધ કરાવવા કાશ્મીર સહિતના મુદ્દે રાષ્ટ્રવિરોધી વિચારો વ્યક્ત કરનાર અરુંધતી રોય અને જેએનયુની ડાબેરી ગેંગ સક્રિય છે. જેએનયુની ડાબેરી અને ઘોર ભાજપ વિરોધી શેહલા રશીદ સામે અભિજીતે તેની જ ભાષામાં જવાબ આપતાં ટ્વિટરે તેમનું ખાતું સસ્પેન્ડ કરી નાખ્યું હતું. અભિજિતના સમર્થનમાં ગાયક સોનુ નિગમે ટ્વિટર છોડી દીધું હતું.

અરુંધતી રોયે કહ્યું હતું કે ભારત તેની સેના સાત લાખથી વધારી સિત્તેર લાખ કરે તો પણ કાશ્મીર ભારતના હાથમાં આવવાનું નથી. તેના જવાબમાં સાંસદ પરેશ રાવલે કંઈક એવું લખ્યું હતું કે અરુંધતી રોયને જીપ સાથે બાંધીને પથ્થરબાજો સામે સેનાએ લડવું જોઈએ. આના જવાબમાં ટ્વિટરે પરેશ રાવલને આ ટ્વીટ પાછું ખેંચવા ફરજ પાડી હતી. પરેશ રાવલે ટ્વીટ તો પાછું ખેંચી લીધું પણ લખ્યું કે તેમને આમ કરવા ફરજ પડાઈ રહી છે.

ચર્ની રોડ સ્ટેશનનો સ્કાયવોક: પશ્ચિમ રેલવે કહે છે, ‘એ અમારો નથી’

મુંબઈ – એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ પર ૨૩ જણનો ભોગ લેનાર નાસભાગની ગયા મહિનાની દુર્ઘટના બાદ ગઈ કાલે શનિવારે રાતે પશ્ચિમ રેલવેના જ ચર્ની રોડ રેલવે સ્ટેશનને લાગીને આવેલા સ્કાયવોકના ફૂટઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડતાં એક વ્યક્તિને ઈજા થઈ છે.

આ સમાચારે મુંબઈગરાંઓમાં ફરી ગભરાટ ફેલાવી દીધો છે ત્યારે પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે આ સ્કાયવોક તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી, પણ મુંબઈ મહાનગરપાલિકાની માલિકીનો છે.

આ સ્કાયવોકનો હિસ્સો તૂટી પડવાની ઘટના શનિવારે રાતે લગભગ ૮.૩૦ વાગ્યે થઈ હતી. આ સ્કાયવોક ચર્ની રોડ રેલવે સ્ટેશનને સમાંતર બાંધવામાં આવેલો છે.

આ બ્રિજ મુંબઈના સૌથી જૂના બ્રિજમાંનો એક છે. મહર્ષિ કર્વે રોડ અને બાબા સાહેબ જયકર માર્ગના જંક્શન નજીકનો આ પૂલ છેલ્લા અમુક વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ પૂલ પરથી રોજ હજારો લોકો આવ-જા કરતા હોય છે. આ પૂલ પરથી મરીન ડ્રાઈવ વિસ્તારમાં જઈ શકાય છે. એ હાલ સમારકામ હેઠળ છે.

શનિવારે રાતે તેની સીડીનો એક હિસ્સો તૂટી પડતાં ૬૭ વર્ષના ડી. રાવ નામના એક પુરુષને ડાબા હાથમાં ઈજા થઈ હતી. એમને તરત જ સ્ટેશનની સામે આવેલી સૈફી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમને ત્વરિત સારવાર આપવામાં આવી હતી. એમની હાલત સ્થિર છે.

પૂલનો હિસ્સો તૂટી પડવાની જાણ થતાં મ્યુનિસિપલ સ્ટાફ તેમજ રેલવે કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. તાબડતોબ એ ફૂટઓવર બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

આ પૂલ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની માલિકીનો છે અને તેનો બ્રિજ વિભાગ એને તોડીને નવેસરથી બાંધવાનું કામ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા અમુક મહિનાઓથી એનું સમારકામ-પુનઃબાંધકામ કેટલાક કારણોસર અટકી ગયું છે.

httpss://twitter.com/WesternRly/status/919247136050569216

પલાળેલા અને અંકુરિત ચણા ખાવ અને તાકાત વધારો

પણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે કે તેમણે તેમના સંઘર્ષના દિવસોમાં સીંગ ચણા ખાઈને દિવસો પસાર કર્યા છે. આપણને એમ થાય કે સીંગ ચણા ખાઈને કેવી રીતે શક્તિ ટકાવી શકાય, પરંતુ જો તમે ચણાના ફાયદા જાણશો તો તમને પણ થશે કે રોજ ચણા ખાવા જોઈએ.પરંતુ અગત્યનું એ છે કે કોઈ પણ ચીજના ફાયદા જાણીને તેના પર તૂટી ન પડવું, ડૉક્ટરની સલાહ લેવી અને ખાસ તો, તે કઈ રીતે ખાવા તે જાણીને તેનો ઉપયોગ કરવો.

આયુર્વેદ મુજબ, ચણા ખાવાથી તમારું શરીર માત્ર સ્વસ્થ જ નથી રહેતું પરંતુ બળવાન અને શક્તિશાળી પણ બનશે. ચણા યુવાનો અને શ્રમ કરનારા માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે કારણકે તેને પચાવવા માટે સારી પાચનશક્તિ હોવી જરૂરી છે. બીજું આ બે પ્રકારની વ્યક્તિઓને બળની વધુ જરૂર પડે છે. નિમ્નલિખિત બે રીતે ચણા ખાશો તો વધુ ફાયદા થશે.

25 ગ્રામ દેશી (કાળા) ચણા લઈને તેને સારી રીતે સાફ કરી નાખો. મોટા પુષ્ટ ચણાને પસંદ કરીને, સાફ કરીને, કીડાવાળા કે ટૂટેલા ચણા કાઢી લો. સંધ્યાના સમયે 125 ગ્રામ પાણીમાં તેને પલાળવા મૂકો. સવારે શૌચાદિથી નિવૃત્ત થઈને અને વ્યાયામ પછી ચણાને સારી રીતે ચાવીને ખાવ અને ઉપરથી ચણાના પાણીને એ જ રીતે અથવા તેમાં એક-બે ચમચી મધ ભેળવીને પી જાવ. આમ તો આ બહુ સરળ વાત લાગશે પરંતુ શરીરને બળ અને શક્તિ પ્રદાન કરવામાં તે બહુ જ પ્રભાવશાળી છે.ચણાનું માપ ધીરેધીરે 25 ગ્રામથી 50 ગ્રામ સુધી વધારી શકાય છે. પલાળેલા ચણા ખાધા પછી જો દૂધ પીવામાં આવે તો વીર્યમાં પુષ્ટિ થાય છે. વ્યાયામ પછી રાતના પલાળેલા ચણા, ચણાનું પાણી નિયમિત રીતે સેવન કરવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહેશે. જોકે એક સાવધાની રાખવી જરૂરી છે કે જેની પાચનશક્તિ ખૂબ જ નબળી હોય કે ચણા ખાવાથી પેટમાં આફરો ચડતો હોય તેમણે ચણાનું સેવન ન કરવું જોઈએ.

આ ઉપરાંત અંકુરિત ચણા ખાવા સૌથી વધુ ફાયદાકારક છે. અંકુરિત ચણા ધાતુ પુષ્ટ કરનારા, માંસપેશીઓને સુદૃઢ બનાવનારા અને શરીરને વજ્ર સમાન બનાવનારા તથા લગભગ બધા જ ચર્મ રોગનો નાશ કરનારા છે. વિટામીન સીની પ્રચુરતાના કારણે આ નાસ્તો વજન વધારે છે. તેનાથી લોહી પણ વધે છે. તે ઉપરાંત અંકુરિત ચણાનું સેવન ફેફસાંને મજબૂત કરે છે, લોહીમાં કૉલેસ્ટેરૉલ ઓછું કરે છે અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં સહાયક નિવડે છે.

ચણાના આટલા બધા ફાયદા જોઈને તમને થશે કે લાવો, અત્યારે જ ફણગાવેલા ચણા ખાઈ લઈએ. પરંતુ ના. ઉતાવળે આંબા ન પાકે તેમ ફણગાવેલા ચણા પણ તાત્કાલિક ન ખાઈ શકાય.  હવે પ્રશ્ન એ છે કે ચણાને ફણગાવવા કઈ રીતે?

અંકુરિત ચણા કરવા માટે ચણાને સારી રીતે સાફ કરીને તેને એટલા પાણીમાં પલાળો કે જેથી તેટલું પાણી ચણામાં શોષાઈ જાય. પ્રાતઃકાળ પાણીમાં પલાળી દ્યો અને રાત્રે પાણીમાંથી કાઢીને કોઈ પણ સાફ જાડા કપડાં અથવા તેની થેલીમાં બાંધીને તેને લટકાવી દ્યો. ગરમીમાં 12 કલાક અને ઠંડા હવામાનમાં 18થી 24 કલાક સુધી પલાળ્યા પછી ભીના કપડામાં બાંધવાથી બીજા-ત્રીજા દિવસે તેમાં અંકુર ફૂટી નીકળે છે. ગરમીમાં થેલી પર આવશ્યકતા અનુસાર પાણી છાંટતા રહેવું જોઈએ. આ રીતે ચણા ફણગાઈ જશે. ફણગાવેલા ચણાનો નાશ્તો એક ઉત્તમ ટૉનિક છે. અંકુરિત ચણામાં કેટલાક લોકો સ્વાદ માટે મરીનો ભૂકો, સિંધવ, મીઠું, ખમણેલું આદુ, લીંબુનાં રસનાં કેટલાંક ટીપાં પણ નાખે છે, પરંતુ જો તમે કંઈ પણ નાખ્યા વગર માત્ર ફણગાવેલા ચણા ખાઈ શકતા હો તો તે વધુ ઉત્તમ રહેશે.

ન્યૂ ઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટેની ટીમમાં ધવનની વાપસી, જાડેજા-અશ્વિનને સ્થાન નહીં

નવી દિલ્હી – ભારતના પ્રવાસે આવનાર ન્યૂ ઝીલેન્ડ ટીમ સામે રમાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ટીમમાં સ્થાન મેળવવામાં રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિનને ફરી એકવાર નિરાશા હાથ લાગી છે. જ્યારે શિખર ધવનની ટીમમાં વાપસી થઈ છે. તો વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ પંદર ખેલાડીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી 22 ઓક્ટોબરથી શરુ થઈ રહેલી વનડે સિરીઝ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જેમાં રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિનનો આરામ યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડી લોકેશ રાહુલને ન્યૂ ઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

આ ઉપરાંત જાડેજા અને અશ્વિનની સ્પીન જોડીને સતત ત્રીજી શ્રેણીમાં પણ આરામ આપવાનો BCCIએ નિર્ણય કર્યો છે. તેની જગ્યાએ સિલેક્શન કમિટિએ અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવનો ટીમમાં સમાવેશ કર્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 શ્રેણીમાં ટીમમાંથી બહાર રહેલા અંજિક્ય રહાણેનો ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે ટીમના મધ્યક્રમમાં અનુભવી બેટ્સમેનની ખોટ પુરી કરશે.

ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, અંજિક્ય રહાણે, મનિષ પાંડે, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરા, ભુવનેશ્વર કુમાર અને શાર્દુલ ઠાકુર.

ઔડા દ્વારા 300 કરોડના કામોનુું ભૂમિપૂજન કરાશે

અમદાવાદ- શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગામી 16 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે વિભિન્ન વિકાસલક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા કરોડો રૂપિયાના કામોનું ભૂમિપૂજન એકસાથે કરવાની દિશામાં સત્તાધીશોએ કવાયત શરૂ કરી છે. શેલા ખાતે 26.41 કરોડના ખર્ચે અને કઠવાડા ખાતે 26.44 કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તો આ સિવાય રણાસણ ખાતે રૂપિયા 55.20 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ, સાથે જ સનાથલ સર્કલને આવરી લેતા બ્રિજનું 83.95 કરોડના ખર્ચે નિર્માણ, અસલાલી તળાવથી જેતલપુર તળાવ સુધી 6.37 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન તો ઘુમા અને શેલા વિસ્તારમાં રૂપિયા 14.26 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક અને કઠવાડા વિસ્તારમાં 6.28 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની કામગીરી, એસપી રિંગ રોડ પર રૂપિયા 15.17 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નંખાશે.

તો આ સિવાય અમિયાપુરમાં 25.76 કરોડના ખર્ચે 266 ઈડબલ્યુએસના મકાન, દહેગામમાં રૂપિયા 11.61 કરોડના ખર્ચે ઈડબલ્યુએસના 140 મકાન અને કલોલમાં રૂપિયા 17.50 કરોડના ખર્ચે ઈડબલ્યુએસના 224 મકાનના નિર્માણનું ભૂમિપૂજન કરાશે.