અમદાવાદ- શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આગામી 16 ઓક્ટોબરના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આશરે 300 કરોડ રૂપિયાના ખર્ચે વિભિન્ન વિકાસલક્ષી પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા કરોડો રૂપિયાના કામોનું ભૂમિપૂજન એકસાથે કરવાની દિશામાં સત્તાધીશોએ કવાયત શરૂ કરી છે. શેલા ખાતે 26.41 કરોડના ખર્ચે અને કઠવાડા ખાતે 26.44 કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તો આ સિવાય રણાસણ ખાતે રૂપિયા 55.20 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ, સાથે જ સનાથલ સર્કલને આવરી લેતા બ્રિજનું 83.95 કરોડના ખર્ચે નિર્માણ, અસલાલી તળાવથી જેતલપુર તળાવ સુધી 6.37 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન તો ઘુમા અને શેલા વિસ્તારમાં રૂપિયા 14.26 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક અને કઠવાડા વિસ્તારમાં 6.28 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલની કામગીરી, એસપી રિંગ રોડ પર રૂપિયા 15.17 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નંખાશે.
તો આ સિવાય અમિયાપુરમાં 25.76 કરોડના ખર્ચે 266 ઈડબલ્યુએસના મકાન, દહેગામમાં રૂપિયા 11.61 કરોડના ખર્ચે ઈડબલ્યુએસના 140 મકાન અને કલોલમાં રૂપિયા 17.50 કરોડના ખર્ચે ઈડબલ્યુએસના 224 મકાનના નિર્માણનું ભૂમિપૂજન કરાશે.