Home Blog Page 5613

આજે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ સમાપન મહાસંમેલનમાં મોદીનું સંબોધન

અમદાવાદ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એમના વતન રાજ્ય ગુજરાતમાં આવી રહ્યા છે.

અમદાવાદની હદમાં આવેલા ભાટ ગામ ખાતે આજે તેઓ ગુજરાત ગૌરવ યાત્રા સમાપન મહાસંમેલનમાં હાજરી આપશે, જેમાં ભાજપના ગુજરાતભરના આશરે ૭ લાખ જેટલા કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત ભાજપના પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે, પક્ષના રાજ્ય એકમે શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાની રવિવારે પૂર્ણાહુતિ થઈ છે એ પ્રસંગની ઉજવણી કરવા માટે આજે પાટનગર ગાંધીનગર નજીકના ભાટ ગામમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૫-દિવસની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ ગઈ ૧ ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. એ યાત્રામાં ગુજરાત રાજ્યમાં ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૧૪૯ મતવિસ્તારોમાં ૪,૪૭૧ કિલોમીટરના અંતરને આવરી લેવામાં આવ્યું હતું.

ગુજરાતની જનતાએ વિકાસ અને સુશાસનના રાજકારણમાં મૂકેલા વિશ્વાસને તેમજ જનશક્તિના જુસ્સાને પ્રદર્શિત કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.

વડાપ્રધાન મોદીએ ગઈ કાલે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

httpss://twitter.com/narendramodi/status/919575335712079872

તેજસ એક્સપ્રેસમાં નાસ્તો ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું

મુંબઈ – મધ્ય રેલવેના કોંકણ વિભાગ પર દોડતી અને ગોવાથી મુંબઈ આવતી તેજસ એક્સપ્રેસમાં આજે સવારે ટ્રેનની પેન્ટ્રી કારના ઓપરેટરે પીરસેલો બ્રેકફાસ્ટ ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું હતું અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમાંના ત્રણ જણને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રવાસીઓએ આ પ્રીમિયમ ટ્રેનમાં એમને પીરસવામાં આવેલો નાસ્તો ખાધા બાદ બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી.

ટ્રેનને ત્યારબાદ ચિપલુણ સ્ટેશને રોકી દેવામાં આવી હતી. એ તમામને ખોરાકી ઝેરની અસર જણાતા એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રવાસીઓની હાલત સ્થિર છે, પણ એમને હજી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ઓપરેટરે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.

આજે તેજસ એક્સપ્રેસમાં આશરે ૩૦૦ પ્રવાસીઓને પેન્ટ્રી કારના સ્ટાફ દ્વારા સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૩ પ્રવાસીએ બેચેની થતી હોવાની અને ઊલટી જેવું થતું હોવાની ફરિયાદ કરી હતી. બે કલાક બાદ વધુ પ્રવાસીઓએ એવી જ ફરિયાદો કરી હતી.

એ ૩૦૦ પ્રવાસીઓમાં, ૧૭૦ને શાકાહારી અને ૧૩૦ને માંસાહારી નાસ્તો પીરસવામાં આવ્યો હતો.

તેજસ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સીએમએસટી અને ગોવાના કરમાલી સ્ટેશન વચ્ચે દોડતી અલ્ટ્રા મોડર્ન સુવિધાઓવાળી પ્રીમિયમ ટ્રેન છે, જે કલાકના ૨૦૦ કિ.મી.ની ઝડપે દોડવા સક્ષમ છે.

એશિયા કપ હોકીઃ ભારતે પાકિસ્તાનને 3-1 ગોલથી હરાવ્યું

ઢાકા – અહીં રમાતી એશિયા કપ હોકી સ્પર્ધામાં પૂલ-Aની આજે રમાયેલી છેલ્લી મેચમાં, ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1થી પરાસ્ત કર્યું છે.

ભારતે સ્પર્ધામાં આ સતત ત્રીજો વિજય મેળવીને કુલ 9 પોઈન્ટ સાથે પૂલ-Aમાં નંબર-1 સ્થાન મેળવ્યું છે. ભારત એકેય મેચ હાર્યું નથી.

પાકિસ્તાન ટીમ ઉપર ભારતનો આ સતત પાંચમો વિજય છે.

આજે, ચિન્ગલેનસાના સિંઘે 17મી મિનિટે ભારતનો પહેલો ગોલ કર્યો હતો અને ટીમને પાકિસ્તાન ઉપર 1-0ની સરસાઈ અપાવી હતી.

પહેલા હાફના અંતે ભારત 1-0થી આગળ હતું.

બીજા હાફમાં, 44મી મિનિટે રમનદીપ સિંહે ડાઈવિંગ પરફોર્મન્સ દ્વારા ગોલ કર્યો હતો અને ભારત 2-0થી આગળ થયું હતું.

તે પછીની જ – 45મી મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારતની સરસાઈ વધારીને 3-0 કરી હતી.

પાકિસ્તાનના અલી શાને 48મી મિનિટે રીવર્સ હિટ વડે ગોલ કરી ભારતની સરસાઈ 1-3 કરી હતી, પણ પાકિસ્તાન ટીમ આ સ્કોરથી આગળ વધી શકી નહોતી.

પૂલ-Aમાં ભારત સાથે પાકિસ્તાન ટોપ-4માં રહ્યું છે. પૂલ-Bમાંથી દક્ષિણ કોરિયા અને મલેશિયા સેમી ફાઈનલમાં પહોંચી ગયા છે.

વિદ્યા લાજવાબઃ ‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર જોઈને બોલીવૂડ હસ્તીઓ થઈ રોમાંચિત

મુંબઈ – વિદ્યા બાલનને રેડિયો જોકીનાં રોલમાં ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’નાં ટ્રેલરનાં અનિલ કપૂર, શબાના આઝમી, રીતેષ દેશમુખ સહિત જાણીતી બોલીવૂડ હસ્તીઓએ વખાણ કર્યાં છે અને કહ્યું છે કે આ ફિલ્મમાં દર્શકોને વિદ્યાનો અત્યાર સુધીનો બેસ્ટ પરફોર્મન્સ જોવા મળશે.

સુરેશ ત્રિવેણી દ્વારા દિગ્દર્શિત આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં વિદ્યાએ સુલોચના (ટૂંકમાં સુલુ) નામની એક એવી ગૃહિણીનો રોલ કર્યો છે, જે એનાં પતિ અને પુત્રની સાથે રહે છે અને કૌટુંબિક જીવનને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરે છે.

એક સ્થાનિક રેડિયો સ્ટેશને યોજેલી સ્પર્ધામાં વિજેતા બન્યાં બાદ સુલુ (વિદ્યા) RJ (રેડિયો જોકી) બનવાનું સપનું જોવાનું શરૂ કરે છે.

ફિલ્મમાં માનવ કૌલે વિદ્યાનાં પતિનો રોલ કર્યો છે. નેહા ધુપીયા અને જાણીતી RJ મલિષ્કાએ પણ ભૂમિકા કરી છે. આ ફિલ્મ આવતી 17 નવેંબરે રિલીઝ થવાની છે.

‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર જોયા બાદ બોલીવૂડ હસ્તીઓએ આ રીતે ટ્વિટર પર પ્રત્યાઘાત વ્યક્ત કર્યાં છેઃ

અનિલ કપૂરઃ સિમ્પલ પાત્રમાં ઊંડાણ લાવવાની વિદ્યા બાલનમાં એક દુર્લભ આવડત છે. એ જટિલ પાત્રોને પણ ગમતીલું બનાવી દે છે.

શબાના આઝમીઃ અભિનયનાં સમ્રાજ્ઞી છે. તુમ્હારી સુલુ. વિદ્યા બાલન… ખૂબ જ લવલી ટ્રેલર છે. ફિલ્મ જોવા માટે આતુર છું. સફળતા નક્કી છે.

રીતેષ દેશમુખઃ તુમ્હારી સુલુ ટ્રેલર બહુ જ ગમ્યું.

આયુષ્માન ખુરાનાઃ વાઉ… સુપર ફન! વિદ્યા બાલન ટોપ લેજેન્ડરી… રોમાંચિત થઈ ગયો છું.

ડાયના પેન્ટીઃ સુલુ… બહુ જ સરસ અને ફન ટ્રેલર છે.

કૃતિ સેનનઃ મેડમ, તમારો જવાબ નથી. મને તો સુલુ અત્યારથી જ બહુ ગમવા માંડ્યા છે. ફિલ્મ જોવા માટે આતુર છું.

રીચા ચઢ્ઢાઃ ‘તુમ્હારી સુલુ’ ફિલ્મ જોવા માટે ખૂબ આતુર થઈ છું. વિદ્યા બાલન ઉત્કૃષ્ટ ફોર્મમાં.

સોનલ ચૌહાણઃ સુલુ ખૂબ ગમે એવું પાત્ર.

મોહિત સુરીઃ વિદ્યા બાલનનો ઉત્કૃષ્ટ અભિનય. વેલ ડન.

વિવેક ઓબેરોયઃ ‘તુમ્હારી સુલુ’ ટ્રેલર બહુ ગમ્યું. સુલુ સુપર્બ છે.

ભૂમિ પેડણેકરઃ સ્માર્ટ, સેક્સી, સુપર સુલુ. ફિલ્મ જોવા માટે આતુર છું.

(જુઓ ‘તુમ્હારી સુલુ’નું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=teo-MZ2ckbw

અમદાવાદમાં શિક્ષકોની રેલી…

અમદાવાદના આશ્રમ રોડ ખાતે ૧૫ ઓક્ટોબર, રવિવારે રાજ્યભરના શિક્ષકોની એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોનો ઉપયોગ વર્ગખંડ માટે એટલે કે શિક્ષક તરીકે જ કરાવો જોઈએ એવી મુખ્ય માગણી સહિત અન્ય વિવિધ માગણીઓ સાથે શિક્ષકો આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયાં હતાં. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

દિવાળીને દીપાવતાં ડિઝાઈનર દીવડાં…

પ્રકાશના પર્વ દિવાળી-૨૦૧૭નું આગમન થઈ ગયું છે. આ વર્ષના દીપોત્સવી પર્વની ઉજવણીમાં ઝગમગાટ માટે ચાઈનીઝ ડિઝાઇનર લાઈટ્સ ભલે આવી ગઈ છે, પરંતુ પ્રજાપતિ-કુંભાર લોકોનાં હાથની કારીગરીવાળા પરંપરાગત કોડિયાએ પણ એનું સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદના શાસ્ત્રીનગર સહિત અનેક વિસ્તારોની ફૂટપાથો પર વેચાઈ રહેલા દીવડા-કોડિયાં રસ્તે આવતા-જતાં લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. લોકો આ ખરીદે છે પણ એટલા માટે કે એની કિંમત પોષાય એવી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

૧૦ રૂપિયાના ચાર – સામાન્ય માણસને પોસાય એવા ભાવના દીવડાઓ પણ ઉપલબ્ધ છે…

…તો અમીરોનાં ઓટલે-ઉંબરે-ઝરુખે પણ મૂકાય એવા રંગબેરંગી, હસ્તકળાથી સજાવેલા હજાર રૂપિયાની કિંમતના દીવડા પણ આ બજારમાં ઉપલબ્ધ છે.

અમદાવાદ શહેરના દરેક વિસ્તારની ફૂટપાથ માટીના બનાવેલા કળાત્મક દીવડાઓથી દીપી ઊઠી છે.

કાચબા, માછલી જેવા અનેક આકારમાં દીવા તેમજ વિવિધ આકારમાં મીણબત્તીનાં સ્ટેન્ડ પણ ઉપલબ્ધ છે.

કલામને જન્મતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૫ ઓક્ટોબર, રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામને એમની ૮૬મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

મિલિટરી કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત…

પશ્ચિમ આફ્રિકાના રાષ્ટ્ર આઈવરી કોસ્ટ (કોટ ડી વોર)ના આર્થિક પાટનગર ગણાતા અબીજાન શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીકના સમુદ્રમાં એક ફ્રેન્ચ મિલિટરી કાર્ગો વિમાન તૂટી પડ્યા બાદ ફ્રેન્ચ સૈનિકો તથા બચાવ કામદારો ઘટનાસ્થળે પહોંચી જઈને બચાવ કામગીરીમાં સામેલ થયા છે. તે વિમાનમાં ૧૦ જણ પ્રવાસ કરતા હતા. એમાંના ચાર જણનાં મરણ નિપજ્યા છે અને બાકીના છ જણને બચાવી લેવામાં આવ્યા છે. વિમાન એરપોર્ટથી ઉપડ્યા બાદ તરત જ સમુદ્રમાં બીચ નજીક તૂટી પડ્યું હતું. તૂટી પડ્યા બાદ વિમાનના ટૂકડા થઈ ગયા હતા.