તેજસ એક્સપ્રેસમાં નાસ્તો ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું

મુંબઈ – મધ્ય રેલવેના કોંકણ વિભાગ પર દોડતી અને ગોવાથી મુંબઈ આવતી તેજસ એક્સપ્રેસમાં આજે સવારે ટ્રેનની પેન્ટ્રી કારના ઓપરેટરે પીરસેલો બ્રેકફાસ્ટ ખાધા બાદ ૨૪ પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું હતું અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એમાંના ત્રણ જણને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રવાસીઓએ આ પ્રીમિયમ ટ્રેનમાં એમને પીરસવામાં આવેલો નાસ્તો ખાધા બાદ બેચેની થતી હોવાની ફરિયાદ કરી હતી.

ટ્રેનને ત્યારબાદ ચિપલુણ સ્ટેશને રોકી દેવામાં આવી હતી. એ તમામને ખોરાકી ઝેરની અસર જણાતા એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રવાસીઓની હાલત સ્થિર છે, પણ એમને હજી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ઓપરેટરે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.

આજે તેજસ એક્સપ્રેસમાં આશરે ૩૦૦ પ્રવાસીઓને પેન્ટ્રી કારના સ્ટાફ દ્વારા સવારનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૩ પ્રવાસીએ બેચેની થતી હોવાની અને ઊલટી જેવું થતું હોવાની ફરિયાદ કરી હતી. બે કલાક બાદ વધુ પ્રવાસીઓએ એવી જ ફરિયાદો કરી હતી.

એ ૩૦૦ પ્રવાસીઓમાં, ૧૭૦ને શાકાહારી અને ૧૩૦ને માંસાહારી નાસ્તો પીરસવામાં આવ્યો હતો.

તેજસ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ સીએમએસટી અને ગોવાના કરમાલી સ્ટેશન વચ્ચે દોડતી અલ્ટ્રા મોડર્ન સુવિધાઓવાળી પ્રીમિયમ ટ્રેન છે, જે કલાકના ૨૦૦ કિ.મી.ની ઝડપે દોડવા સક્ષમ છે.