આજે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ સમાપન મહાસંમેલનમાં મોદીનું સંબોધન

અમદાવાદ – વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એમના વતન રાજ્ય ગુજરાતમાં આવી રહ્યા છે.

અમદાવાદની હદમાં આવેલા ભાટ ગામ ખાતે આજે તેઓ ગુજરાત ગૌરવ યાત્રા સમાપન મહાસંમેલનમાં હાજરી આપશે, જેમાં ભાજપના ગુજરાતભરના આશરે ૭ લાખ જેટલા કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત ભાજપના પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું કે, પક્ષના રાજ્ય એકમે શરૂ કરેલી ગુજરાત ગૌરવ યાત્રાની રવિવારે પૂર્ણાહુતિ થઈ છે એ પ્રસંગની ઉજવણી કરવા માટે આજે પાટનગર ગાંધીનગર નજીકના ભાટ ગામમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૫-દિવસની ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ ગઈ ૧ ઓક્ટોબરે કરવામાં આવ્યો હતો. એ યાત્રામાં ગુજરાત રાજ્યમાં ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંથી ૧૪૯ મતવિસ્તારોમાં ૪,૪૭૧ કિલોમીટરના અંતરને આવરી લેવામાં આવ્યું હતું.

ગુજરાતની જનતાએ વિકાસ અને સુશાસનના રાજકારણમાં મૂકેલા વિશ્વાસને તેમજ જનશક્તિના જુસ્સાને પ્રદર્શિત કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.

વડાપ્રધાન મોદીએ ગઈ કાલે ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.

httpss://twitter.com/narendramodi/status/919575335712079872