ચર્ની રોડ સ્ટેશનનો સ્કાયવોક: પશ્ચિમ રેલવે કહે છે, ‘એ અમારો નથી’

મુંબઈ – એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજ પર ૨૩ જણનો ભોગ લેનાર નાસભાગની ગયા મહિનાની દુર્ઘટના બાદ ગઈ કાલે શનિવારે રાતે પશ્ચિમ રેલવેના જ ચર્ની રોડ રેલવે સ્ટેશનને લાગીને આવેલા સ્કાયવોકના ફૂટઓવર બ્રિજનો એક હિસ્સો તૂટી પડતાં એક વ્યક્તિને ઈજા થઈ છે.

આ સમાચારે મુંબઈગરાંઓમાં ફરી ગભરાટ ફેલાવી દીધો છે ત્યારે પશ્ચિમ રેલવેએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે કે આ સ્કાયવોક તેના અધિકારક્ષેત્રમાં આવતો નથી, પણ મુંબઈ મહાનગરપાલિકાની માલિકીનો છે.

આ સ્કાયવોકનો હિસ્સો તૂટી પડવાની ઘટના શનિવારે રાતે લગભગ ૮.૩૦ વાગ્યે થઈ હતી. આ સ્કાયવોક ચર્ની રોડ રેલવે સ્ટેશનને સમાંતર બાંધવામાં આવેલો છે.

આ બ્રિજ મુંબઈના સૌથી જૂના બ્રિજમાંનો એક છે. મહર્ષિ કર્વે રોડ અને બાબા સાહેબ જયકર માર્ગના જંક્શન નજીકનો આ પૂલ છેલ્લા અમુક વર્ષોથી ખરાબ હાલતમાં છે. આ પૂલ પરથી રોજ હજારો લોકો આવ-જા કરતા હોય છે. આ પૂલ પરથી મરીન ડ્રાઈવ વિસ્તારમાં જઈ શકાય છે. એ હાલ સમારકામ હેઠળ છે.

શનિવારે રાતે તેની સીડીનો એક હિસ્સો તૂટી પડતાં ૬૭ વર્ષના ડી. રાવ નામના એક પુરુષને ડાબા હાથમાં ઈજા થઈ હતી. એમને તરત જ સ્ટેશનની સામે આવેલી સૈફી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમને ત્વરિત સારવાર આપવામાં આવી હતી. એમની હાલત સ્થિર છે.

પૂલનો હિસ્સો તૂટી પડવાની જાણ થતાં મ્યુનિસિપલ સ્ટાફ તેમજ રેલવે કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા. તાબડતોબ એ ફૂટઓવર બ્રિજ પર લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

આ પૂલ બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની માલિકીનો છે અને તેનો બ્રિજ વિભાગ એને તોડીને નવેસરથી બાંધવાનું કામ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા અમુક મહિનાઓથી એનું સમારકામ-પુનઃબાંધકામ કેટલાક કારણોસર અટકી ગયું છે.

httpss://twitter.com/WesternRly/status/919247136050569216