ગુરદાસપુર લોકસભા બેઠકની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડ વિજયી

ગુરદાસપુર – પંજાબમાં પ્રતિષ્ઠિત ગણાતી ગુરદાસપુર લોકસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીના આજે જાહેર કરાયેલા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડ ૧,૯૩,૨૧૯ મતોથી વિજયી થયા છે. એમણે તેમના નિકટતમ હરીફ, ભાજપના સ્વરણ સલારીયાને પરાજય આપ્યો છે.

જાખડને ૪,૯૯,૭૫૨ મત મળ્યા છે જ્યારે સલારીયાને ૩,૦૬,૫૩૩ મત મળ્યા છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેચર જનરલ (નિવૃત્ત) સુરેશ ખજુરિયા ૨૩,૫૭૯ મતો મેળવીને ત્રીજા ક્રમે આવ્યા છે.

ભાજપના સંસદસભ્ય અને બોલીવૂડ અભિનેતા વિનોદ ખન્નાનું ગયા એપ્રિલમાં નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી.

વિનોદ ખન્નાએ ૨૦૧૪માં આ બેઠક જીતી હતી તે પૂર્વે ૨૦૦૯ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ઉમેદવાર પરતાપ સિંહ બાજવા સામે હારી ગયા હતા. જોકે એ પહેલાં ૨૦૦૪ તથા ૧૯૯૯, ૧૯૯૮ની ચૂંટણીમાં વિનોદ ખન્ના વિજયી થયા હતા.

સુનીલ જાખડે પોતાને વિજયી બનાવવા બદલ ગુરદાસપુરના મતદારોનો આભાર માન્યો છે.

ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલા ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુએ જાખડની જીતને બિરદાવતા કહ્યું છે કે કોંગ્રેસની આ જીત રાહુલ ગાંધી માટે દિવાળીની ગિફ્ટ સમાન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]