તાજમહલ ભારતીય સંસ્કૃતિ પર કલંક: BJP નેતા સંગીત સોમનું નિવેદન

લખનઉ- ઉત્તરપ્રદેશના સરધના વિસ્તારથી ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહલ અંગે નિવેદન કર્યા બાદ વિવાદ સર્જાયો છે. વિશ્વની સાત અજાયબીઓ પૈકી તાજમહલને સંગીત સોમે ભારતીય સંસ્કૃતિ પર કલંક ગણાવ્યો છે. સંગીત સોમે કહ્યું કે, તાજમહલ બનાવનારાઓએ ઉત્તરપ્રદેશ અને હિન્દુસ્તાનમાં હિન્દુઓનો વિનાશ કરવાનું કામ કર્યું છે. આવા લોકોના નામ ઈતિહાસમાંથી બદલી નાખવા જોઈએ.

આપને જણાવી દઈએ કે, ઉત્તરપ્રદેશ પર્યટન વિભાગે રાજ્યના ઐતિહાસિક સ્મારકોની યાદી જાહેર કરી હતી જેમાં તાજમહલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે બાદમાં રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ભૂલથી તાજમહેલનું નામ ઐતિહાસિક સ્મારકોની યાદીમાં ઉમેરવાનું રહી ગયું હતું.

ભાજપના ધારાસભ્ય સંગીત સોમે મેરઠમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, તાજમહલનો ઐતિહાસિક ધરોહરમાં સમાવેશ નહીં કરવાને કારણે અનેક લોકોને તકલીફ થઈ હતી. વધુમાં સંગીત સોમે કહ્યું કે, આ તે કેવો ઈતિહાસ કે તાજમહલ બનાવનારાએ પોતાના પિતાને જ કેદી બનાવ્યા હતા. તાજમહલ બનાવનારાએ ઉત્તરપ્રદેશ અને હિન્દુસ્તાનમાંથી હિન્દુઓનો સર્વનાશ કરવાનું કામ કર્યું છે. આવા લોકોનું નામ જો ઈતિહાસમાં હોય તો એ દુર્ભાગ્યની વાત છે. અને આવા દુર્ભાગ્યપૂર્ણ ઈતિહાસને બદલવો જોઈએ.

ગત મહિને ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું હતું કે, તાજમહલ આપણા માટે એક સુંદર ધરોહર છે. વધુમાં અખિલેશે કહ્યું કે, ‘મને લાગે છે કે, વિશ્વમાં એવો કોઈ દેશ નહીં હોય જ્યાં પોતાના પ્રિય વ્યક્તિની યાદમાં આ પ્રકારની ઈમારત બનાવવામાં આવી હોય જેનો વિશ્વની સાત અજાયબીઓમાં સમાંવેશ કરવામાં આવ્યો છે.