ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલમાંથી અમેરિકાએ હાથ અદ્ધર કર્યાં

વોશિંગ્ટન- અમેરિકાએ ઈરાન સાથે કરેલા પરમાણુ કરારમાંથી હાથ પાછા ખેંચી લીધા છે. જેને લઈને વૈશ્વિક સમુદાયમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાને અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ટ્રમ્પ પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે, જો અમેરિકન કોંગ્રેસ ઈરાન પર લાવવામાં આવેલા નવા પ્રતિબંધોનો અમલ નહીં કરે તો અમેરિકા ઈરાન સાથેના પરમાણુ કરારનો પૂર્ણરુપે અંત લાવશે.

ઈરાન વિરુદ્ધ નવી રણનીતિ તૈયાર કરી અને તેના ભાગ્યનો નિર્ણય અમેરિકન કોંગ્રેસ પર છોડાયા બાદ બન્ને દેશ ફરી એકવાર આમનેસામને આવી ગયા છે. આ ઘટનાને લઈને ઈરાને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કડક શબ્દોમાં નિંદા કરી છે. ઈરાનના પ્રેસિડેન્ટ હસન રુહાનીએ કહ્યું કે, ઈરાન સામેની ટ્રમ્પની વધુ પડતી આક્રમક નીતિ એ દર્શાવે છે કે, અમેરિકા પોતાના નિર્ણય બાદ વૈશ્વિક સમુદાયમાં એકલું પડી ગયું છે.

મહત્વની વાત તો એ છે કે, પરમાણુ કરાર રદ્દ કરવાની વાતને લઈને અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાને પણ ટ્રમ્પના નિર્ણય સાથે પોતે અસહેમત હોવાનું જણાવ્યું છે. જોન કેરીએ કહ્યું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા વર્ષ 2015માં ઈરાન સાથે કરવામાં આવેલા પરમાણુ કરારને રદ્દ કરવાથી આંતરરાષ્ટ્રીય સંકટ ઉદભવી શકે છે.

વધુમાં કેરીએ જણાવ્યું કે, આ નિર્ણય અમેરિકાના રાષ્ટ્રીય હિત અને તેના નજીકના સહયોગીઓ ઉપર પણ વિપરીત અસર ઉભી કરશે. આપને જણાવી દઈએ કે, જોન કેરીના કાર્યકાળ દરમિયાન જ આ કરાર અંગે ઈરાન સાથે ચર્ચા કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]