રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો Q2માં નફો 11 ટકા ઘટ્યો

મુંબઈ– રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સપ્ટેમ્બર આખરના બીજા કવાર્ટરના પરિણામ જાહેર થયા છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો 11 ટકા ઘટી રૂપિયા 8097 કરોડ આવ્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિકગાળામાં નફો રૂ.9108 કરોડ આવ્યો હતો.

નાણાકીય વર્ષ 2018ના બીજા ત્રિમાસિકગાળામાં રીલાયન્સની આવક 5 ટકા વધી રૂ.95,085 કરોડ નોંધાઈ છે. પ્રથમ ત્રિમાસિકગાળામાં કુલ આવક રૂ. 90,537 કરોડ રહી હતી. ત્રિમાસિક આધાર પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા રૂ.12,554 કરોડથી વધીને રૂ.15,565 કરોડ થયો છે. તેમજ એબિટડા માર્જિન 13.9 ટકાથી વધી 16.4 ટકા રહ્યું છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બીજા કવાર્ટરમાં ગ્રોસ રિફાઈનીંગ માર્જિન 12 ડૉલર પ્રતિ બેરલ રહ્યું હતું. તેમજ રિફાઈનીંગ સેલ્સ 4.2 ટકા વધી રૂ.69,766 કરોડ રહ્યું હતું, આગલા પ્રથમ ત્રિમાસિકગાળામાં રિફાઈનીંગ સેલ્સ રૂ.66,945 કરોડ રહ્યું હતું.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામની હાઈલાઈટ્સ

 • ટર્ન ઓવર ગત વર્ષની સરખામણીએ 23.9 ટકા વધીને રૂ. 1,01,169 કરોડ (15.5 અબજ અમેરિકી ડોલર) થયું.
 • ઘસારા અને કરવેરા પહેલાંનો નફો 32.2 ટકા વધીને રૂ. 17,896 કરોડ (2.7 અબજ અમેરિકી ડોલર) નોંધાયો.
 • કરવેરા પહેલાનો નફો 14.7 ટકા વધીને રૂ. 11,337 કરોડ (1.7 અબજ અમેરિકી ડોલર) થયો.
 • રોકડ નફો 27.8 ટકા વધીને રૂ. 17,171 કરોડ (2 અબજ અમેરિકી ડોલર) થયો.
 • ચોખ્ખો નફો 12.5 ટકા વધીને રૂ. 8,109 કરોડ (1.2 અબજ અમેરિકી ડોલર) થયો.

આર.આઇ.એલ. ની બીજા ત્રિમાસિક ગાળાની સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો આ પ્રમાણે છેઃ

 • ટર્ન ઓવર 16.8 ટકા વધીને રૂ. 75,165 કરોડ (11.5 અબજ અમેરિકી ડોલર) થયું.
 • નિકાસ 10.2 ટકા વધીને રૂ. 41,560 કરોડ (6.4 અબજ અમેરિકી ડોલર) થઈ.
 • ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંનો નફો 17.2 ટકા વધીને રૂ. 15,040 કરોડ (2.3 અબજ અમેરિકી ડોલર) થયો.
 • કરવેરા પહેલાનો નફો 12.6 ટકા વધીને 11,458 કરોડ (1.8 અબજ અમેરિકી ડોલર) થયો.
 • રોડક નફો 14.5 ટકા વધીને રૂ. 11,432 કરોડ (1.8 અબજ અમેરિકી ડોલર) થયો.
 • ચોખ્ખો નફો 7.3 ટકા વધીને રૂ. 8,265 કરોડ (1.3 અબજ અમેરિકી ડોલર) થયો.
 • ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રોસ રિફાઇનિંગ માર્જીન (જી.એમ.આર.) 12 અમેરિકી ડોલર પ્રતિ બેરલ રહ્યું.

જિઓની બીજા ત્રિમાસિક ગાળાની કામગીરીના મહત્વના અંશોઃ

 • સેવાઓનું સંકલિત મૂલ્ય રૂ. 7,213 કરોડ અને સંકલિત કરવેરા પહેલાંની આવક રૂ. 261 કરોડ
 • સ્વતંત્ર ધોરણે કામગીરીની આવક રૂ.6,147 કરોડ
 • સ્વતંત્ર ધોરણે કરવેરા, ઘસારા, વ્યાજ અને ઋણમુક્તિ પહેલાંની આવક રૂ. 1,443 કરોડ, માર્જિન 23.5 ટકા
 • સ્વતંત્ર ધોરણે કરવેરા પહેલાંની આવક રૂ. 260 કરોડ અને માર્જિન 4.2 ટકા
 • સપ્ટેમ્બર 30, 2017ની સ્થિતિએ ગ્રાહકો 13.86 કરોડ
 • ત્રિમાસિક ગાળામાં નવા ગ્રાહકોમાં ઉમેરો 1.53 કરોડ
 • ત્રિમાસિક ગાળામાં ગ્રાહક દીઠ સરેરાશ આવક માસિક ગ્રાહક દીઠ રૂ. 156.4
 • ત્રિમાસિક ગાળામાં વાયરલેસ ડેટા ટ્રાફિક 378 કરોડ જી.બી.
 • ત્રિમાસિક ગાળામાં સરેરાશ વોઇસ ટ્રાફિક દૈનિક 267 કરોડ મિનિટ

કંપનીની બીજા ત્રિમાસિક ગાળાની મુખ્ય વિગતો

 • રિલાયન્સે જામનગરમાં આર.ઓ.જી.સી. ક્રેકર, એમ.ઇ.જી અને એલ.એલ.ડી.પી.ઇનું પરિચાલન શરૂ કર્યું છે અને હાલમાં આ એકમો સ્થિર પરિચાલન કરી રહ્યાં છે.
 • રિલાયન્સ રિટેલે જેનેસીસ લક્ઝરી ફેશન પ્રા.લિ.માં 40 ટકા હિસ્સો ખરીદ્યો છે, જે અરમાની, બર્બેરી, કોચ, માઇકલ કોર્સ અને અન્ય ઘણી બ્રાન્ડનો સમૃધ્ધ પોર્ટફોલિયો ધરાવે છે.
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ કંપની બાલાજી ટેલિફિલ્મ્સમાં ઇક્વિટી હિસ્સો ખરીદ્યો છે. વિષયવસ્તુના સર્જન ક્ષેત્રનું આ રોકાણ રિલાયન્સની ડિજીટલ અને મિડિયા વ્યવસાયોમાં રોકાણ અને વિકાસ માટેના રોકાણની પ્રતિબધ્ધતા અનુસાર છે.
 • અલ્લાહાબાદ બેન્ક (બેન્કોના સમૂહના આગેવાન) દ્વારા વડોદરમાં આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિમિટેડની માલિકીના અસ્કયામતોના વેચાણ માટે યોજવામાં આવેલી ઓન-લાઇન ઇ-હરાજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભાગ લીધો હતો અને તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ અસ્કયામતો રિલાયન્સને નવા મટિરીયલ વ્યવસાય (કોમ્પોઝીટ્સ એન્ડ કાર્બન ફાઇબર)માં પ્રવેશ કરવાનો માર્ગ પ્રશસ્ત કરશે અને પેટ્રોરસાયણ વ્યવસાયના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે.
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ધ ડ્યુપોન્ટ ઓપરેશનલ એક્સેલન્સ એવોર્ડ – 2017 માટે વૈશ્વિક સ્તરે વિજેતા જાહેર કરવામાં આવી.
 • કંપનીએ 13 સપ્ટેમ્બર 2017ના રોજ રીઝર્વનો ઉપયોગ કરીને કંપનીના યોગ્યતાપ્રાપ્ત શેરહોલ્ડર્સને 3,08,03,238 ઇક્વિટી શેર બોનસ તરીકે આપ્યા હતા, જે માટેની બૂક ક્લોઝર તારીખ સપ્ટેમ્બર 9, 2017 હતી. 
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કેઃ “અમારી કંપનીએ વધુ એક ત્રિમાસિક ગાળામાં જોરદાર કામગીરીનું પ્રદર્શન કર્યું હતું. મને એ જણાવતાં આનંદ થાય છે કે તેમાં કામગીરી શરૂ કર્યાના પ્રથમ જ ત્રિમાસિક ગાળામાં જિઓના કરવેરા પહેલાંના સકારાત્મક પ્રદાનનો સમાવેશ થાય છે. પરિણામો અમારાં રિફાઇનિંગ અને પેટ્રોરસાયણ વ્યવસાયોના મજબૂત ફંડામેન્ટલ્સને પણ પ્રતિબિંબિત કરે છે. વૈશ્વિક સ્તરે માગમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિની સાથે-સાથે પૂરવઠો ત્રુટક-ત્રુટક થવાથી આ ત્રિમાસિકગાળામાં માગ-પૂરવઠાનું સમતોલન બગડ્યું હતું. નવા પ્રોજેક્ટના માધ્યમથી અમારા વ્યવસાયોના ઇષ્ટતમ ઉપયોગના લાભો દેખાવા લાગ્યા. ઊર્જા અને મટીરીયલ વ્યવસાયોમાં માળખાકીય તાકાતથી ચાલુ વર્ષમાં પ્રારંભ થનારી અમારી નવી ક્ષમતાને લાભ મળ્યો.

  અમારા રિટેલ વ્યવસાયે સુધારાત્મક કામગીરીની શ્રેષ્ઠતાના માધ્યમથી વિસ્તૃત આધાર, સાતત્ય અને નફાકારક વૃધ્ધિ પૂરી પાડી છે. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે, ડિજીટલ બની રહ્યું છે અને ભારત પણ પાછળ નથી. ભારત ડિજીટલ બનવા, વોઇસથી ડેટા તરફ ગતિ કરવા સજ્જ છે અને જિઓ નવી પેઢીના વ્યવસાયો માટે ડેટાનો પાયો તૈયાર કરી રહ્યું છે. જિઓ સેવાઓમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તે સમાજની પ્રતિભાની જરૂરીયાતને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે જિઓ ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય ગ્રાહકોને માટે મહત્વપૂર્ણ લાભો લાવશે અને ભારતને ઘણાં જ ઊંચા મંચ પર પહોંચાડશે. અમે અમારા વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓના ઇષ્ટતમ ઉપયોગથી પાયાની કનેક્ટિવિટીથી આગળ વધીને બહુ-સ્તરીય ડિજીટલ સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]