પ્લાસ્ટિક સર્જરી કરાવી તો પાસપોર્ટ ના ચાલ્યો

પ્લાસ્ટિક સર્જરી કરાવીને રૂપાળા થવાનો ટ્રેન્ડ નવો નથી, પણ આવી બ્યૂટી ટ્રીટમેન્ટ બેડ જાય ત્યારે બડી બદસૂરત હાલત થાય છે તે આપણે જાણીએ છીએ. હિરોઈનો પોતાનું નાક સીધું કરાવે છે, જેથી વધુ મારકણી લાગે. પણ શરીર સાથે આવી છેડછાડ ક્યારેક શરીર રિજેક્ટ કરે છે અને ઉલટાની વિકૃત્તિ આવી જાય છે.

શરીર રૂપાળું બનવાને બદલે બેડોળ બને ત્યારે ઘણી સમસ્યા સર્જાતી હોય છે, પણ ચીનની ત્રણ યુવતીઓ માટે એક એવી સમસ્યા ઊભી થઈ કે પહેલાં તો સમાચાર માન્યામાં ના આવે. શું થયું તે સીલસીલાબંધ જોઈએ એટલે આખી વાત સમજાઈ જશે.

દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર ત્રણ યુવતીઓ આવી. તેમની હાલત કંઈ બહુ સારી નહોતી. ચહેરા પર અને માથે બેન્ડેજ બાંધેલા હતા. કોઈ એક્સિડેન્ટમાં ઘાયલ થઈ હોય તેવી લાગતી હતી. વાત એમ હતી કે આ યુવતીઓ પ્લાસ્ટિક સર્જરી કરાવવા આવી હતી, પણ તેમાં ગરબડ થઈ અને ત્રણેયના ચહેરા વિકૃત્ત ગયા હતા. એકનું નાક સૂઝી ગયું હતું, એકના હોઠ મોટા થઈ ગયા હતા. હાલત બૂરી હતી, પણ મામલો એરપોર્ટ ચેકિંગનો હતો એટલે દયા ખાઇ શકાય તેમ નહોતી. અધિકારીઓએ પાસપોર્ટ જોયા, પાસપોર્ટમાં તેમની તસવીરો જોઈ અને તે પછી ત્રણેય યુવતીઓના ચહેરા જોયા અને પોતાનું માથું ઘૂણાવ્યું. ના, આ તમારા પાસપોર્ટ નથી.

આ ઘટના દક્ષિણ કોરિયાના એક એરપોર્ટ પર બની હતી. દેશમાં સાત એરપોર્ટ છે તેમાંથી ક્યાં ઘટના બની તે સ્પષ્ટ નથી, પણ મોટા ભાગે સોલમાં બની હશે એમ મનાય છે. બીજી વિગતો પણ બહાર આવી નથી, પણ આ વાત ચગી એટલા માટે છે કે ત્રણેય યુવતીઓની કફોડી હાલતની તસવીર સોશ્યલ મીડિયામાં ફરતી થઈ છે.આ તસવીરને 55000 કરતાંય વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. 25,000થી વધુ લોકોએ તેને શેર પણ કરી છે. તેના કારણે સૌનું ધ્યાન ખેંચાયું છે. આ યુવતીઓનું પછી શું થયું અને આખરે તેઓ પોતાના વતન ચીન પહોંચી ગઈ કે કેમ તે માહિતી પણ નથી. કદાચ ચીનમાં પહોંચી ગઈ હશે, કેમ કે વધુ કોઈ વિગતો બહાર આવી રહી નથી. ચીનમાં હજીય લોખંડી પરદો છે અને ત્યાંથી સોશ્યલ મીડિયામાં પણ માહિતી લીક કરવી અઘરી છે.

બીજી બાજુ દક્ષિણ કોરિયા પ્રમાણમાં મુક્ત દેશ છે. ઉત્તર કોરિયામાં તાનાશાહી છે, તેની સામે દક્ષિણ કોરિયા મુક્ત છે, પણ ત્યાંથી માહિતી બહાર નથી આવી. તેનું કારણ એ હોય શકે કે કોરિયામાં બ્યૂટી ટ્રીટમેન્ટનો ઉદ્યોગ બહુ જ ખીલ્યો છે. તેની સામે ચીનની નારાજી છે, કેમ કે ચીની યુવતીઓ સસ્તામાં નાક અને હોઠ સરખા કરાવવા દક્ષિણ કોરિયા પહોંચી જાય છે.

દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરીનો ઉદ્યોગ મોટા પાયે ખીલ્યો છે. મેડિકલ ટુરિઝમનો સૌથી મોટો ફાયદો દક્ષિણ કોરિયા ઉઠાવી રહ્યું છે. ચીનમાં નવી નવી સમૃદ્ધિ આવી છે એટલે વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ પ્રમાણે ત્યાંની યુવતીઓ રૂપાળી બનવા માગે છે. તેમને વ્હાઇટ હિરોઈન જેવું બનવું છે અને તે માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવા તૈયાર થઈ જાય છે. ચીનમાં તે માટે એટલી સગવડ નથી. સરકાર આવી બાબતને બહુ પ્રોત્સાહન આપવા માગતી નથી. તેથી ચીની યુવતીઓ ફરવાના બહાને દક્ષિણ કોરિયા પહોંચી જાય છે. દક્ષિણ કોરિયા નજીક હોવાથી ઓછા ખર્ચે પ્રવાસ થાય છે. અને ઓછા ખર્ચે પ્લાસ્ટિક સર્જરી પણ થઈ જાય છે.

ચીની યુવતીઓનો આ ક્રેઝ જોઈને આખો ઉદ્યોગ દક્ષિણ કોરિયામાં ખીલ્યો છે. સારી આવક થતી હોવાથી સરકાર પણ આંખ આડા કાન કરે છે. આવી ક્લિનિકો સામે કોઈ કાર્યવાહી ત્યાંની સરકારે કરી નથી. આવી ક્લિનિકોએ જાતજાતની સ્કીમ પણ બહાર પાડી છે. કેટલાક અહેવાલો અનુસાર દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવો તો કોરિયાથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પેકેજમાં મળે છે. તેનો ફાયદો એ કે દક્ષિણ કોરિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા પછી તરત ચીન પાછા ફરવાના બદલે દક્ષિણ આફ્રિકા જવાનું. ત્યાં આરામ કરવાનો અને થોડું ફરવાનું. તે પછી વતન પાછા ફરવાનું નવા નક્કોર રૂપ સાથે.

પરંતુ આ ત્રણ ચીની યુવતીઓની હાલત ખરાબ થઈ ગઈ. તેઓ દક્ષિણ આફ્રિકા પણ ફરવા જઈ શકે તેવી હાલતમાં નહોતી. તેમના ચહેરાની કફોડી હાલત થયા પછી તે ઝડપથી વતન ચીન પાછા ફરવા માગતી હતી. તેથી એરપોર્ટ પર પહોંચી પણ અધિકારીઓએ તેમને અટકાવી. પાસપોર્ટની તસવીરો સાથે તેમના નવા બદલી ગયેલા અથવા તો કહો કે બદસૂરત થઈ ગયેલા ચહેરા મેળ ખાતા નહોતા. પછી શું થયું? ખબર પડી નથી કેમ કે આજકાલ આવા સમાચાર માત્ર સોશ્યલ મીડિયામાં જ નહિ, પણ ઘણી વેબસાઇટ્સમાં પણ અધુરી માહિતી સાથે ચાલતા હોય છે. આ ખબરનો આધાર અત્યારે એટલો કે પ્લાસ્ટિક સર્જરી સંભાળપૂર્વક અને જોઈ વિચારીને જ કરવી જોઈએ. કુદરતે આપેલું રૂપ એ જ સાચું રૂપ છે. વધારે મહત્ત્વનું છે કે ગુણ કેવા છે. રૂપ આપણે કેળવી શકતા નથી, પણ ગુણો કેળવી શકીએ છીએ. આ યુવતીઓ જેવા હાલ ના થાય તે માટે પ્લાસ્ટિક સર્જરી નહિ, પણ મનની માનસિક સર્જરી આપણે કરતાં રહેવું જોઈએ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]