શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 348 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો પાછળ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી, અને આજે ગુરુવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ એકતરફી વધ્યા હતા. હેવીવેઈટ શેરો જેવા કે રીલાયન્સ, ટીસીએસ, સન ફાર્મા અને એચયુએલમાં ભારે ખરીદીથી ભાવ ઉછળ્યા હતા. સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલીને કારણે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 348.23(1.09 ટકા) ઉછળી 32,182.22 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 111.60(1.12 ટકા) ઉછળી 10,096.40 બંધ થયો હતો.

ગત મોડીરાતે અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા. તેની પાછળ ભારતીય શેરોના ભાવ પણ ઊંચા જ ખુલ્યા હતા. યુએસ એફડીએ દ્વારા સન ફાર્માને દાદરા પ્લાન્ટની તપાસ પુરી કરીને ક્લીનચીટ આપી છે, જે સમાચારને પગલે સન ફાર્મામાં ભારે લેવાલીથી શેરના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા. તેમ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. એકતરફ કંપનીઓના સપ્ટેમ્બર આખરના બીજા ત્રિમાસિક પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. બીજી તરફ કંપનીઓના પરિણામો નિરુત્સાહી આવવાનો આશાવાદ છે. જેથી માર્કેટના ઓપરેટરો સાવચેતીના મૂડમાં આવી ગયા છે. પણ આજે તેજી થતાં માર્કેટનો મૂડ બદલાયેલો જોવા મળતો હતો.

BSE સેન્સેક્સમાં 348.23નો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 31,833.99ની સામે 31,887.47ના ઊંચા મથાળે ખુલીને શરૂમાં સામાન્ય ઘટી 31,813.67 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 32,209.03 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 32,182.22 બંધ થયો હતો. જે 348.23નો ઉછાળો દર્શાવે છે.

NSE નિફટીમાં 111.60નો ઉછાળો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ગઈકાલના બંધ 9984.80ની સામે આજે સવારે 10,011.20 ખુલીને શરૂમાં ઘટી 9977.10 થઈ અને ત્યાંથી ઉછળી 10,104.45 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 10,096.40 બંધ રહ્યો હતો, જે 111.60નો ઉછાળો દર્શાવે છે.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં હિન્દાલકો(5.99 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(5.24 ટકા), રીલાયન્સ(3.88 ટકા), સન ફાર્મા(2.57 ટકા) અને ઓરોબિન્દો ફાર્મા(2.04 ટકા) રહ્યા હતા.

સૌથી વધુ ગગડેલા શેર

જ્યારે આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં ભારતી એરટેલ(0.82 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(0.79 ટકા), યુપીએલ(0.49 ટકા), ઈન્ફોસીસ(0.37 ટકા) અને પાવરગ્રીડ કોર્પ(0.27 ટકા) રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]