પુત્રી આરુષિની હત્યાના કેસમાં માતા-પિતા નિર્દોષ જાહેર

લખનઉ – દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા સગીર વયની આરુષિ તલવાર અને તેના ઘરનોકર હેમરાજની હત્યાના કેસમાં આજે અલાહાબાદ હાઈકોર્ટે આરુષિનાં પિતા રાજેશ તલવાર અને માતા નુપૂર તલવારને નિર્દોષ જાહેર કર્યાં છે.

૧૪ વર્ષની આરુષિ ૨૦૦૮ની ૧૬મી મેએ ઉત્તર પ્રદેશના નોઈડા નગરમાં એમનાં બંગલા ‘જલવાયુ વિહાર’માં એનાં બેડરૂમમાં ગળું ચીરેલી હાલતમાં મળી આવી હતી.

શરૂઆતમાં આરુષિની હત્યા માટે ઘરનોકર હેમરાજ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે હેમરાજ લાપતા જણાયો હતો, પણ બાદમાં બીજા દિવસે હેમરાજનો મૃતદેહ મકાનની અગાસી પરથી મળી આવતાં કેસે નાટ્યાત્મક વળાંક લીધો હતો.

પૂછપરછ દરમિયાન, અનેક નામ ચર્ચાયા હતા. જેમ કે, ડેન્ટિસ્ટ દંપતી રાજેશ અને નુપૂર તલવારનાં ઘરના ભૂતપૂર્વ નોકર વિષ્ણુ, રાજેશના ભૂતપૂર્વ કમ્પાઉન્ડર ક્રિષ્ના અને પડોશીઓ-પરિવારના મિત્રોના ઘરનોકરો – રાજકુમાર અને શંભુ.

પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે દીકરી આરુષિ અને ઘરનોકર હેમરાજને વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ રાજેશ તલવારે જ એ બંનેની હત્યા કરી હતી.

ત્યારબાદ રાજેશની ધરપકડ કરવામાં આવી હતી.

રાજેશને હત્યામાં એમના પત્ની નુપૂરે પણ સાથ આપ્યો હતો એવો આરોપ મૂકી બંનેને આરોપી ગણવામાં આવ્યા હતા અને નુપૂરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૧૩માં સીબીઆઈ વિશેષ અદાલતે દંપતીને બેવડી હત્યા કથિતપણે કરવા બદલ આજીવન કેદની સજા સંભળાવી હતી.

તલવાર દંપતીએ એમની સજાના ચુકાદાને અલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આજે હાઈકોર્ટે દંપતીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યા છે કે દંપતીએ એમની દીકરી આરુષિ અને નોકર હેમરાજની હત્યા કરી નહોતી.

કોર્ટે આજે પોતાનો નિર્ણય જાહેર કરીને તલવારને અપરાધી જાહેર કરનાર સીબીઆઈ કોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે. ગાઝિયાબાદ સ્થિત વિશેષ સીબીઆઈ અદાલતે રાજેશ અને નુપુરને આજીવન કેદની સજા સંભળાવી હતી.

તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરાતાં આ કેસનું રહસ્ય હવે વધારે ઘૂંટાયું છે કે આરુષિ અને ઘરનોકર હેમરાજની હત્યા કોણે કરી હતી?

હાઈકોર્ટે આજે જણાવ્યું છે કે માત્ર શંકાના આધારે કોઈને અપરાધી જાહેર કરી શકાય નહીં. અપરાધ સિદ્ધ કરવા માટે મજબૂત પુરાવાની જરૂર હોય છે. કોર્ટે ઠેરવ્યું છે કે સંજોગો તથા રેકોર્ડ પર મૂકવામાં આવેલા પુરાવાના આધારે દંપતીને હત્યા માટે અપરાધી ગણી શકાય નહીં.

9 વર્ષ પહેલા નોઈડાના સેક્ટર-25માં આવેલા ‘જલવાયુ વિહાર’ સ્થિત તલવાર દંપતીના મકાનમાં બેવડી હત્યા થયા બાદ પોલીસે અને ત્યારબાદ સીબીઆઈની બે ટીમે પોતપોતાની રીતે તપાસ કરી હતી.

વિશેષ કોર્ટની સજા વિરૂદ્ધ તલવાર દંપતીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી વખતે જસ્ટિસ બી.કે. નારાયણ અને જસ્ટિસ એ.કે. મિશ્રાની ખંડપીઠે તલવાર દંપતીની અપીલ પર સાત સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણય સંભળાવવા માટે 12 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી.