Home Blog Page 5662

ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની 3 મેચ માટેની ભારતીય ટીમ: ઉમેશ, શમીનું કમબેક; જાડેજા-અશ્વિનને આરામ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનાર આગામી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે ભારતની 16-સભ્યોની ટીમની આજે જાહેરાત કરી છે. પહેલી મેચ 17 સપ્ટેંબરે ચેન્નાઈમાં રમાશે.

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ પાંચ મેચોની શ્રેણીની પહેલી ત્રણ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. એમાં તેમણે બે મધ્યમ ઝડપી બોલરો – ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને ફરી સામેલ કર્યા છે. તેમજ ડાબોડી સ્પિનર અક્ષર પટેલ અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ સામેલ કર્યા છે જે બંનેએ હાલમાં શ્રીલંકામાં રમાઈ ગયેલી વન-ડે સિરીઝમાં સારો દેખાવ કર્યો હતો.

બંગાળના ફાસ્ટ બોલર શમીને ઈજાને કારણે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો, પણ હવે એ સાજો થઈ ગયો છે અને તેને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમાડવાનું પસંદગીકારોએ નક્કી કર્યું છે. શમીએ શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝમાં 10 વિકેટ લીધી હતી.

ઉમેશ યાદવને શ્રીલંકામાં વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

પસંદગીકારોએ પહેલી ત્રણ મેચ માટેની ટીમમાં બે ઓલરાઉન્ડરને સામેલ નથી કર્યા. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ઓફ્ફ સ્પિનર આર. અશ્વિનને આરામ આપ્યો છે.

પહેલી ત્રણ વન-ડે મેચ અનુક્રમે ચેન્નાઈ (17 સપ્ટેંબર), કોલકાતા (21 સપ્ટેંબર) અને ઈન્દોર (24 સપ્ટેંબર)માં રમાશે. ત્યારબાદની બે મેચ બેંગલુરુ (28 સપ્ટેંબર) અને નાગપુર (1 ઓક્ટોબર)માં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ પણ રમશે. એ મેચો રાંચી, ગુવાહાટી અને હૈદરાબાદમાં અનુક્રમે 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર અને 13 ઓક્ટોબરે રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરા, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.

પીઢ ફિલ્મ, ટેલિવિઝન, રંગભૂમિ અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર છે; મુંબઈની સૈફી હોસ્પિટલમાં દાખલ

મુંબઈ – હિન્દી ફિલ્મો તેમજ ટીવી સિરિયલો અને રંગભૂમિના જાણીતા અભિનેતા ટોમ ઓલ્ટરને કેન્સર થયું છે. આ ‘પદ્મશ્રી’ સમ્માનિત અભિનેતાને દક્ષિણ મુંબઈના ચર્નીરોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં એક અઠવાડિયાથી દાખલ કરવામાં આવ્યા છે. એમના પરિવારે આ દુખદ સમાચાર આજે શેર કર્યા છે.

67 વર્ષીય ટોમ ઓલ્ટર સૈફી હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરના સુપરવિઝન અને સારવાર હેઠળ છે.

ઓલ્ટર પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગમાં ગોલ્ડ મેડલ સાથે ડિપ્લોમા ગ્રેજ્યુએટ થયા હતા. એમણે 300થી વધુ ફિલ્મો ઉપરાંત અનેક ટીવી શોમાં એક્ટિંગ કરી છે.

સચિન તેંડુલકરે જ્યારે ભારત વતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું ત્યારે એમનો ઈન્ટરવ્યૂ લેનાર ટોમ ઓલ્ટર પહેલા વ્યક્તિ હતા.

ઓલ્ટર લેખક પણ છે, એમણે ત્રણ પુસ્તક પણ લખ્યા છે.

કળા તથા ફિલ્મના ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ 2008માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’ ઈલકાબ આપીને એમનું સમ્માન કર્યું હતું.

શેરબજારમાં તેજીની આગેકૂચઃ ભારે લેવાલીથી સેન્સેક્સમાં 276 પોઈન્ટનો ઉછાળો, 32,100ની સપાટી કૂદાવી

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. આથી ભારતીય શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું, અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી ચાલુ રાખી હતી. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 32,000ની સપાટી કૂદાવી દીધી હતી. ગઈકાલે સોમવારે નિફટીએ 10,000ની અતિમહત્વની સપાટી વટાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ વધુ 276.50(0.87 ટકા) ઉછળી 32,158.66 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 87(0.87 ટકા) ઉછળી 10,093.05 બંધ થયો હતો.

અમેરિકામાં આવેલ ઈરમા વાવાઝોડું નબળુ પડી ગયું છે, જે સમાચારને પગલે અમેરિકી સ્ટોક માર્કેટમાં તેજીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 260 પોઈન્ટ ઉછળીને 22,057 બંધ રહ્યો હતો. નેસ્ડેક 72 પોઈન્ટ ઉછળી 6,432 બંધ થયો હતો. તેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ સવારે પોઝિટિન નોટમાં ખુલ્યા હતા. તેમજ ઉત્તર કોરિયા પર પ્રતિબંધને લઈને અમેરિકાએ કુણું વલણ રાખ્યું છે, જેથી રોકાણકારોમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. પરિણામે વિશ્વના સ્ટોક માર્કેટમાં ન્યૂ બાઈંગ આવ્યું હતું. જુલાઈ મહિનાનો આઈઆઈપી ડેટા પ્રોત્સાહક આવવાનો આશાવાદ હતો. તેમજ ઓગસ્ટનો રીટેઈલ મોંઘવારી દર વધવાની ધારણા રજૂ કરાઈ છે.

  • આજે તમામ સેકટરના શેરોમાં ભારે લેવાલી રહી હતી.
  • તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં પણ લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 171.21 વધી 16,037.09 બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 166.14 ઉછળી 16,617.84 બંધ થયો હતો.

ડોકલામ વિવાદ બાદ હવે નાથૂ લા અંગે ચર્ચા કરવા ચીન તૈયાર

બિજીંગ- ડોકલામ વિવાદ શરુ થાયાના થોડા દિવસોમાં જ ચીને ભારતીયો માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા પાસ બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભારત પર રાજકીય રીતે દબાણ લાવવાનું હતું. જેથી ભારત ડોકલામમાંથી સેના પરત બોલવવા મજબૂર થાય.

જોકે ડોકલામ મુદ્દે ભારત સામે કૂટનીતિક પરાજય અને ભારતને મળેલા વૈશ્વિક સમર્થનને કારણે ચીનને પોતાનું વલણ બદલવાની ફરજ પડી છે. ચીને હવે કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂ લા માર્ગ ફરી ખોલવા ભારત સાથે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે.

આપને જણાવી દઈએ કે, સિક્કીમ થઈને પસાર થતો કૈલાશ માનસરોવર યાત્રાનો રસ્તો ચીને ડોકલામ વિવાદને કારણે બંધ કર્યો હતો. આ માર્ગ ઉત્તરાખંડના લિપુલેખ થઈને પસાર થતાં રસ્તાની સરખામણીમાં ઘણો સુવિધાજનક અને સરળ માનવામાં આવે છે. જોકે ડોકલામ વિવાદને કારણે લિપુલેખના રસ્તા ઉપર કોઈ જ અસર પડી નથી. અને કૈલાશ માનસરોવર યાત્રા પહેલાંની જેમ જ યથાવત રહી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગના જણાવ્યા મુજબ ચીને ભારતીય પ્રવાસીઓને દરેક પ્રકારની સગવડ પહોંચાડવા પુરતા પ્રયાસો કર્યા છે. જોકે તેણે આરોપ લગાવ્યો છે કે, ડોકલામમાં ભારતની ઘૂસણખોરી બાદ ચીને આ રસ્તો બંધ કર્યો હતો. જોકે હવે ચીન આ રસ્તો પ્રવાસીઓ માટે ફરીવાર ખોલવા અને ભારત  સાથે ચર્ચા કરવા તૈયાર થયું છે.

ફોકટમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી મધ્ય રેલવેએ દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી

મુંબઈ – ભારતીય રેલવેના મધ્ય રેલવે વિભાગે મુંબઈમાં તેના લોકલ નેટવર્કમાં ટ્રેનોમાં ફોકટમાં ટ્રેન પ્રવાસ કરવા બદલ ખુદાબક્ષ મુસાફરો પાસેથી ગયા ઓગસ્ટ મહિનામાં દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી હતી.

લોકલ ટ્રેનોમાં મફતમાં પ્રવાસ કરનાર અને ગેરકાયદેસર રીતે સામાન લઈ જતા લોકો વિરુદ્ધ મધ્ય રેલવેએ ગયા મહિને જોરદાર ઝુંબેશ આદરી હતી.

મધ્ય રેલવેના ટિકિટ ચેકરોએ ગયા મહિને ઉપનગરીય સ્ટેશનો પરથી બે લાખ આઠ હજાર કેસમાં ખુદાબક્ષ મુસાફરોને પકડ્યા હતા અને એમની પાસેથી દંડ રૂપે આઠ કરોડ 99 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા.

ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં સાત કરોડ, 12 લાખ રૂપિયા દંડ રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા.

2016ના જૂન મહિનામાં એક લાખ, 78 હજાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે એ રકમમાં 17 ટકાનો વધારો થયો છે.

હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે તો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે: SC

નવી દિલ્હી- રદ કરાયેલી રુપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ બદલવા ફરી એક તક મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો છે.

અરજી પર સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો હવે લોકોને જૂની નોટ બદલવાની તક આપવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની વિપરીત અસર પડશે.

નહીં બદલવામાં આવે જૂની નોટ

ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધારક મહિલાની અરજીને રદ્ કરતા કોર્ટે જણાવ્યું કે, બેન્કોને હવે નોટ બદલવા માટે કાઉન્ટર ખોલવા કહી શકાય નહીં.

નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવાની હતી નોટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નિયમ અને કાયદા મુજબ લોકોને જૂની નોટ બદલવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ સમય મર્યાદામાં લોકોએ તેની જૂની નોટ બદલાવવાની હતી. જેણે નથી બદલાવી અથવા નથી બદલાવી શક્યા તેની માટે હવે કંઈજ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધીના નોટિફીકેશનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. જેથી સંવૈધાનિક પીઠનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી યોગ્ય ગણાશે. ત્યાદબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય. એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું  છે.

આપને જણાવી દઈએ કે, મહિલાએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, NRI માટે નોટ બદલવાની સુવિધા માર્ચ-2017માં બંધ કરવામાં આવી હતી. જોકે પહેલા સરકારે જણાવ્યું હતું કે, કેટલીક શરતોને આધીન આ યોજનાને જૂન-2017 સુધી લંબાવવામાં આવશે. પણ તેમ કરવામાં આવ્યું ન હતું.

અમદાવાદમાં ચારેકોર તંત્રનું ઉત્સાહજનક ચિત્ર, બે દિવસ જાપાની વડાપ્રધાનની સરભરા થશે

  • ઐતિહાસિક સીદી સૈયદની જાળી તેમ જ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે
  • એરપોર્ટથી સાબરમતી આશ્રમ માર્ગ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય સ્વાગત કરાશે
  • ૧૪ સપ્ટેમ્બરે મહાત્મા મંદિરમાં દાંડીકુટિરની મુલાકાત અને બિઝનેસ સમિટ સહિતના કાર્યક્રમો યોજાશે

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ ભૂમિપૂજન માટે કાલે ૧૩મી સપ્ટેમ્બરે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. તેઓના સ્વાગતમાં અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.મહાનુભાવોના આગમનને લઇને શહેરની શોભા વધારવા તંત્ર કેટલાક દિવસથી દિનરાત મહેનત કરી રહ્યું હતું.

બંને વડાપ્રધાન માણશે આ કાર્યક્રમ

કાલે બપોરે ત્રણ કલાકે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા સાબરમતી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. બંને મહાનુભાવો આશ્રમમાં થોડો સમય રોકાઇને, તેમના જીવન દર્શનને નિકટતાથી નીહાળશે. આ પહેલાં એરપોર્ટથી સાબરમતી આશ્રમના માર્ગ પર ઠેરઠેર વિવિધ જગ્યાએ વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ધરોહર સમાન કલાવારસાના દર્શન કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે. ત્યાર બાદ સાંજે હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક નજરાણાં સમાન સીદી સૈયદની જાળીની પણ મુલાકાત લેનાર છે.

14મી રાત્રે સીધા જ રવાના થશે એબે

૧૪ સપ્ટેમ્બરે દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટનું એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, સાબરમતી રેલવે સ્ટેડિયમ ખાતે ખાતમુહૂર્ત કરશે. ત્યાંથી મહાત્મા મંદિરમાં દાંડી કુટિરની મુલાકાત લેશે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ચારિત્ર્યને લગતી આોડિયો વિઝ્યુઅલ ઝાંખીનું ભવ્ય પ્રદશર્ન છે તે નિહાળશે. દિવસ દરમિયાન જાપાનના ડેલીગેશન સાથે ‘ડેલીગેશન લેવલ ટોક’, બિઝનેસ ઇવેન્ટ સહિતના વિવિધ બિઝનેસને લગતાં કાર્યક્રમો યોજાશે, તેમાં પણ બંને વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. સાંજે સાયન્સ સિટીની મુલાકાત લઇને  14મીએ રાત્રે જ બંને વડાપ્રધાન પોતાના ગંતવ્ય સ્થાને ટોકિયો અને દિલ્હી જવા રવાના થશે.