ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની 3 મેચ માટેની ભારતીય ટીમ: ઉમેશ, શમીનું કમબેક; જાડેજા-અશ્વિનને આરામ

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનાર આગામી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ માટે ભારતની 16-સભ્યોની ટીમની આજે જાહેરાત કરી છે. પહેલી મેચ 17 સપ્ટેંબરે ચેન્નાઈમાં રમાશે.

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ પાંચ મેચોની શ્રેણીની પહેલી ત્રણ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. એમાં તેમણે બે મધ્યમ ઝડપી બોલરો – ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને ફરી સામેલ કર્યા છે. તેમજ ડાબોડી સ્પિનર અક્ષર પટેલ અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ સામેલ કર્યા છે જે બંનેએ હાલમાં શ્રીલંકામાં રમાઈ ગયેલી વન-ડે સિરીઝમાં સારો દેખાવ કર્યો હતો.

બંગાળના ફાસ્ટ બોલર શમીને ઈજાને કારણે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો, પણ હવે એ સાજો થઈ ગયો છે અને તેને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમાડવાનું પસંદગીકારોએ નક્કી કર્યું છે. શમીએ શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝમાં 10 વિકેટ લીધી હતી.

ઉમેશ યાદવને શ્રીલંકામાં વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.

પસંદગીકારોએ પહેલી ત્રણ મેચ માટેની ટીમમાં બે ઓલરાઉન્ડરને સામેલ નથી કર્યા. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજા અને ઓફ્ફ સ્પિનર આર. અશ્વિનને આરામ આપ્યો છે.

પહેલી ત્રણ વન-ડે મેચ અનુક્રમે ચેન્નાઈ (17 સપ્ટેંબર), કોલકાતા (21 સપ્ટેંબર) અને ઈન્દોર (24 સપ્ટેંબર)માં રમાશે. ત્યારબાદની બે મેચ બેંગલુરુ (28 સપ્ટેંબર) અને નાગપુર (1 ઓક્ટોબર)માં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ પણ રમશે. એ મેચો રાંચી, ગુવાહાટી અને હૈદરાબાદમાં અનુક્રમે 7 ઓક્ટોબર, 10 ઓક્ટોબર અને 13 ઓક્ટોબરે રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરા, ભૂવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી.