ફોકટમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ પાસેથી મધ્ય રેલવેએ દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી

મુંબઈ – ભારતીય રેલવેના મધ્ય રેલવે વિભાગે મુંબઈમાં તેના લોકલ નેટવર્કમાં ટ્રેનોમાં ફોકટમાં ટ્રેન પ્રવાસ કરવા બદલ ખુદાબક્ષ મુસાફરો પાસેથી ગયા ઓગસ્ટ મહિનામાં દંડ રૂપે 9 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરી હતી.

લોકલ ટ્રેનોમાં મફતમાં પ્રવાસ કરનાર અને ગેરકાયદેસર રીતે સામાન લઈ જતા લોકો વિરુદ્ધ મધ્ય રેલવેએ ગયા મહિને જોરદાર ઝુંબેશ આદરી હતી.

મધ્ય રેલવેના ટિકિટ ચેકરોએ ગયા મહિને ઉપનગરીય સ્ટેશનો પરથી બે લાખ આઠ હજાર કેસમાં ખુદાબક્ષ મુસાફરોને પકડ્યા હતા અને એમની પાસેથી દંડ રૂપે આઠ કરોડ 99 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા.

ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં સાત કરોડ, 12 લાખ રૂપિયા દંડ રૂપે વસૂલ કરવામાં આવ્યા હતા.

2016ના જૂન મહિનામાં એક લાખ, 78 હજાર લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ વર્ષે એ રકમમાં 17 ટકાનો વધારો થયો છે.