Home Blog Page 54

હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજયમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. અગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25, 26 અને 27મી સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે. 23મી સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ પડવાની સંભાવના છે. જેના પરિણામે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

સાઉથની આ જાણીતી અભિનેત્રીનું નિધન, કેન્સરે લીધો જીવ

મુંબઈ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક દિગ્ગજ અભિનેત્રીએ સિનેમા જગતને અલવિદા કહી દીધું છે. પીઢ મલયાલમ અભિનેત્રી કવિયુર પોન્નમ્માનું નિધન થયું છે. વરિષ્ઠ અભિનેત્રી લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેણીએ 79 વર્ષની વયે દેહ છોડ્યો. કવિયૂર પોન્નમ્માએ કેરળના કોચીમાં અંતિમ શ્વાસ લીધા. કેરળના સીએમ પિનરાઈ વિજયન ઉપરાંત મલયાલમ સ્ટાર અને દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને તેમના ઇન્સ્ટાગ્રામ પર સ્વર્ગસ્થ કલાકારનો ફોટો શેર કર્યો અને સિનેમામાં તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. કવિયુર પોન્નમ્માના નિધનથી મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને આઘાત લાગ્યો છે.

સીએમ પિનરાઈ વિજયને કવિયૂર પોન્નમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કવિયૂર પોન્નમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘માતા તરીકેની ભૂમિકાઓ દ્વારા મલયાલીઓના દિલ જીતનાર કવિયુર પોન્નમ્માના નિધન પર હું ઊંડો શોક વ્યક્ત કરું છું. તેમની લાંબી કલાત્મક કારકિર્દી માત્ર સિનેમા પુરતી જ સીમિત ન હતી પરંતુ તે થિયેટર અને ટેલિવિઝન સુધી પણ વિસ્તરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,’તેમના નિધન સાથે મલયાલમ સિનેમા અને થિયેટરના ઈતિહાસમાં એક ગૌરવશાળી અધ્યાયનો અંત આવ્યો છે. જો કે, તેણી તેના યાદગાર પાત્રો દ્વારા મલયાલીઓના હૃદયમાં રહેશે. હું આ મુશ્કેલ સમયે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું.’

કેરળના સંસ્કૃતિ મંત્રી સાજી ચેરિયનએ પણ કવિયૂર પોન્નમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણીએ તેણીને એક અભિનેત્રી તરીકે યાદ કરી જેણે તેણીની આઇકોનિક માતાની ભૂમિકાઓ દ્વારા મલયાલીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. તે જ સમયે સિનેમા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પીઢ અભિનેત્રીની તસવીર શેર કરી અને તેના નિધન પર શોક વ્યક્ત કર્યો. કવિયુરે તેની અભિનય કારકિર્દી થિયેટરથી શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે 1000 ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણી મલયાલમ ફિલ્મોમાં મોહનલાલ, નસીર અને મામૂટી જેવા કલાકારોની માતાની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.

વર્ષો સુધી સિનેમા-ટેલિવિઝન જગત પર રાજ કર્યું
કવિયુર પોન્નમ્માએ તેમની લાંબી કારકિર્દી દરમિયાન એકવાર નહીં પરંતુ ચાર વખત કેરળ રાજ્ય પુરસ્કાર જીત્યો હતો. તે ‘થનિયાવર્તનમ’, ‘ભારતમ’ અને ‘સુકૃતમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ પટકથા લેખક મનિસ્વામી સાથે લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી બિંદુ છે. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘અસુરવિથુ’, ‘વેલુથા કથરિના’, ‘કરકનાકદલ’, ‘તીર્થયાત્રા’, ‘નિર્મલ્યમ’, ‘ચેંકોલ’, ‘ભારતમ’, ‘સંથાગોપાલમ’, ‘સુકૃતમ’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેણીએ આઠ ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પોતાનો અવાજ પણ આપ્યો હતો અને 25થી વધુ ટેલિવિઝન શોમાં જોવા મળી હતી.

વકફ બોર્ડે દિલ્હીનાં છ મંદિરો પર કર્યો દાવો

નવી દિલ્હીઃ વકફ બોર્ડની જમીનોને લઈને દિલ્હીમાં નવું ઘમસાણ થવા લાગ્યું છે. બોર્ડે છ મંદિરો પર દાવો કર્યો છે, જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હી અલ્પસંખ્યક પંચના એક ફેક્ટ ફાઇડિંગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અહીં છ મંદિર વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવ્યાં છે. જોકે મંદિર વહીવટી તંત્ર આ દાવોએ ફગાવતાં કહ્યું હતું કે આ મંદિર વકફ બોર્ડ બનવા પહેલાંથી મોજૂદ છે.

દિલ્હી માઇનોરિટી કમિશને એક સત્ય શોધક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં વકફ બોર્ડે પાટનગરમાં છ મંદિરો પર પોતાનો દાવો કર્યો છે. વાસ્તવમાં વકફ બોર્ડની રચના નથી થઈ એ પૂર્વે આ મંદિરો હતાં અને વકફ બોર્ડ હવે તેના પર દાવો કરી રહ્યું છે.

આ મંદિરના ટ્રસ્ટી મદન ભૂટાનીએ જણાવ્યું હતું કે આ મંદિર વર્ષ 1958માં કેન્દ્ર સરકારથી ખરીદવામાં આવી હતી. 1961માં એનો શિલાન્યાસ થયો હતો. જે તત્કાલીન મંત્રીના હસ્તે થયો હતો. તેમણે કહ્યું હતું કે વકફની આ જમીનથી કોઈ લેવાદેવા નથી. તેમની પાસે તમામ પેપર છે અને જ્યાં જરૂર પડશે, ત્યાં તેઓ પેપર રજૂ કરશે.

તો બીજી તરફ બિહાર અને તામિલનાડુમાં અનેક સરકારી અને જાહેર હેતુની જમીનો પર પણ વકફ બોર્ડે દાવો કર્યો છે. બિહારના ગોવિંદપુર ગામ કે જે પટનાથી 30 કિમી દૂર આવેલું છે તેના પૂરા ગામની જમીન પર વકફ બોર્ડે દાવો કર્યો છે. આ ગામમાં 95 ટકા હિન્દુઓ રહે છે, પણ બોર્ડે તેમને તાત્કાલીક ગામ ખાલી કરવા જણાવ્યું છે. બિહાર સ્ટેટ સુની વકફ બોર્ડ તરફથી તેમને નોટિસ મોકલવામાં આવી છે.

યુપીના 21 જિલ્લામાં પૂર, રાજસ્થાન-એમપીમાં પણ એલર્ટ

હવે વિદાય લઈ રહેલા ચોમાસાને કારણે દિલ્હી-NCR સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ગંગા, યમુના, સરયુ જેવી નદીઓ પણ આ સમયે સપાટી વટાવી રહી છે. યુપીના 21 જિલ્લાના 500થી વધુ ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ છે. તે ધીમે ધીમે ઉત્તરાખંડ તરફ પણ આગળ વધી રહ્યું છે.

બિહાર અને રાજસ્થાનમાં કેવી છે સ્થિતિ?

પહાડોમાં ભારે વરસાદને કારણે બિહારના બેગુસરાય, ભાગલપુર, મુંગેરમાં ગંગાના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. મુંગેરના ચંડિકા સ્થાનના ગર્ભગૃહમાં 5-6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. પટનામાં NH-31 પર ગંગાના પાણીના આગમનને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. તેમજ રાજસ્થાનના પૂર્વ ભાગમાં આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે, 32 થી વધુ રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ છે અને 26 વીજ પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે. હવામાન વિભાગે હિમાચલમાં 25 સપ્ટેમ્બર સુધી વાદળો અને વાવાઝોડાના ગડગડાટને લઈને ‘યલો એલર્ટ’ પણ જાહેર કર્યું છે.

મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 22 સપ્ટેમ્બરે ઓડિશા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. અરુણાચલ, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભેજવાળી સ્થિતિ યથાવત રહેશે. મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા ચોમાસું ફરી એકવાર સક્રિય થશે, રાજ્યમાં 24 સપ્ટેમ્બરથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે

ભારતની અર્થવ્યવસ્થા સતત વિકાસ સાક્ષી રહી છે. અર્થતંત્રમાં ચાલી રહેલી તેજીની અસર નિકાસ પર પણ પડી રહી છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી “મેક ઇન ઇન્ડિયા” અને પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમથી આર્થિક પરિવર્તનની ગતિ વધી છે. સરકારની આ નીતિઓને કારણે ઔદ્યોગિક ઉત્પાદન વધી રહ્યું છે અને વિદેશી રોકાણ પણ આકર્ષી રહ્યું છે. તે ભારતને વૈશ્વિક સ્તરે એક આગવી ઓળખ બનાવવામાં મદદ કરી રહ્યું છે. આનાથી ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે.

મૂડીઝે જીડીપી દર અંદાજમાં વધારો કર્યો

રેટિંગ એજન્સી મૂડીઝે 2024 માટે ભારતની જીડીપી વૃદ્ધિ 7.2 ટકા અને 2025 માટે 6.6 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ખાનગી વપરાશમાં વધારો અને UPI જેવા ડિજિટલ પ્લેટફોર્મના વિસ્તરણ જેવા મોટા પાયે પરિબળોને કારણે GDP વૃદ્ધિને વેગ મળી શકે છે.

નિકાસમાં તેજી

ભારતના અર્થતંત્રમાં તેજીની અસર નિકાસ પર પડી છે. એવી ધારણા છે કે FY24માં નિકાસ $800 બિલિયનને વટાવી શકે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ $200 બિલિયનને વટાવી ગઈ છે. સરકાર નિકાસ ઉત્પાદનોમાં વિવિધતા લાવવા અને વૈશ્વિક વેપાર નેટવર્કને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે. વધુમાં, રાજકોષીય ખાધ અને મજબૂત આવક સંગ્રહ સહિત વિવેકપૂર્ણ રાજકોષીય સંચાલને રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે.

ભારતે 2030 સુધીમાં $1 ટ્રિલિયન નિકાસના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વધુ સંકલિત થવાની જરૂર છે. ભારતનો ડેટ-ટુ-જીડીપી રેશિયો ધીમે ધીમે ઘટ્યો છે. FY27 સુધીમાં તે ઘટીને 82% થવાની ધારણા છે.

રાજકોટ: દેવામાં ડૂબેલા પરિવારના 9 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

રાજકોટ: બેંક લોન સહિતના અન્ય દેવામાં ડૂબી ગયેલા એક પરિવારના 9 સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં શહેરમાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર આ એક સોની પરિવાર હતો અને બધાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના અહેવાલ છે. હાલમાં તમામ લોકોની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. પરિવારના લોકોને પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પોઈઝન દૂર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે. પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.અને વિગતવાર માહિતી મેળવી રહ્યાં છે.સોની પરિવારને વેપારમાં ફ્રોડ થયું હતું. સોની પરિવારને લગભગ પોણા ત્રણ કરોડના દાગીના મુંબઈના વેપારીને બનાવીને આપ્યા હતા. મુંબઈની પેઢીઓ તેમનાથી સોના-ચાંદીના દાગીના લઈ ગઈ પરંતુ તેનું પેમેન્ટ ન કરતાં આ સોની પરિવાર દેવામાં ગરકાવ થયો હતો. પરંતુ છેલ્લાં લગભગ 11 મહિનાથી આ વેપારીઓ પૈસા આપી રહ્યા ન હતા. સાથે જ પરિવારને ધમકી પણ આપી રહ્યા હોવાથી દેવામાં સપડાયેલા પરિવારે છેલ્લા પગલાં તરીકે ઉધઈ મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. બેન્કમાંથી લોન લીધી હોવાને કારણે પરિવાર હપ્તા ભરવા પણ સક્ષમ રહ્યા નહોતો. જેના પગલે દિવસે ને દિવસે વ્યાજ વધતાં દેવું આકાશ આંબી રહ્યું હતું. આ કારણે આખા પરિવારે સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર કુલ 9 લોકોએ આ ઝેરી દવા ગટગટાવી હતી.

એર માર્શલ અમર પ્રીત સિંહ બનશે વાયુસેનાના આગામી વડા

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના આગામી વડાના નામને મંજૂરી આપવામાં આવી છે. એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપે છે. તેઓ 30 સપ્ટેમ્બર 2024ની બપોરથી એર ચીફ માર્શલ તરીકે આગામી વાયુસેનાના વડા તરીકે સેવા આપશે.

વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી 30 સપ્ટેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે, ત્યારબાદ એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાની કમાન સંભાળશે. નોંધનીય છે કે એર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી 2023ના રોજ ભારતીય વાયુસેનાના 47મા વાઇસ ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેઓ પ્રયાગરાજમાં સેન્ટ્રલ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. ભારતીય વાયુસેનામાં તેમની સફર 1984માં શરૂ થઈ હતી.

તેમની કારકિર્દી દરમિયાન એર માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશનલ ફાઇટર સ્ક્વોડ્રન અને ફ્રન્ટલાઈન એર બેઝની કમાન્ડ કરી છે. ટેસ્ટ પાઇલટ તરીકે, તેમણે મોસ્કોમાં મિગ-29 ફાઇટર અપગ્રેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું અને સ્વદેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) પણ હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ તખતાપલટ પછી શ્રીલંકામાં પહેલી ચૂંટણી

કોલંબોઃ પડોશી દેશ શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થયું છે. 2022ના આર્થિક સંકટ પછી શ્રીલંકામાં આ પહેલી સામાન્ય ચૂંટણી છે. ત્રિકોણીય ચૂંટણી જંગમાં હાલના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને નેશનલ પીપલ્સ પાવર (NPP)ના અનુરા કુમારા દિસાનાયકે અને સમાગી જન બાલાવેગયા (SJB)ના સાજિથ પ્રેમદાસાથી કડક ટક્કર મળશે.

આ ચૂંટણીમાં આશરે 1.7 કરોડ મતદાતાઓ મતદાન કરશે.ચૂંટણી કરવા માટે બે લાખથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. મતદાતાઓ 38 રાષ્ટ્રપતિપદના ઉમેદવારોમાંથી કોઈ એકની પસંદગી કરશે. હાલના સર્વે અનુસાર નેશનલ પીપલ્સ પાવરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અનુરા કુમારા દિસાનાયકે રેસમાં આગળ છે. તેમને ચીનતરફી માનવામાં આવે છે. અનુરાએ વચન આપ્યું છે કે જીત્યા બાદ તે અદાણીનો પ્રોજેક્ટ રદ કરશે.

અહેવાલ અનુસાર શ્રીલંકામાં બે વર્ષ પહેલાં આવેલા આર્થિક સંકટ હજુ પણ લોકોના મનમાં છે. આ જ કારણ છે કે દેશનો સૌથી મોટો પરિવાર ‘રાજપક્ષે’ છેલ્લા બે દાયકાથી આ રેસમાંથી બહાર થતો જોવા મળી રહ્યો છે.

અહીંની JVP પાર્ટી ભારતના વિરોધ માટે જાણીતી છે. 1980 ના દાયકામાં, ભારતે શ્રીલંકામાં LTTE સાથે વ્યવહાર કરવા માટે શાંતિ જાળવણી દળો મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યારે JVPએ તેનો વિરોધ કર્યો હતો. જોકે JVPએ તેનું ભારતવિરોધી વલણ બદલ્યું છે. અનુરાએ ચૂંટણી પહેલાં ભારતીય કંપની અદાણી વિરુદ્ધ નિવેદન આપીને નવો વિવાદ શરૂ કર્યો છે

છેલ્લાં ચાર વર્ષમાં અનુરા દિસાનાયકે અને NPPની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે. શ્રીલંકાના લોકોને આર્થિક સુધારણા અને સામાજિક સમાનતા માટે NPP પાસેથી ઘણી અપેક્ષાઓ છે, કારણ કે તે પહેલાં ક્યારેય સત્તામાં નથી આવી, તેથી લોકોને તેમના પર વધુ વિશ્વાસ છે.

Birthday Special: કરીના કપૂરની એ 5 ફિલ્મો જે ગેમ ચેન્જર બની

મુંબઈ: કરિના કપૂરે સતત 24 વર્ષ સુધી બોલિવૂડ ફિલ્મોમાં પ્રભુત્વ જમાવ્યું છે. કરીના કપૂર આજે તેનો 44મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના કપૂરે તેના 44માં જન્મદિવસે લાલ ડ્રેસમાં પોતાની સુંદર તસવીર શેર કરી છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરી છે. બોલીવુડની બેબો તરીકે જાણીતી કરીના કપૂરે માત્ર 20 વર્ષની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં તેણે પડદા પર તેના ગ્લેમરથી દર્શકોના દિલ જીતી લીધા અને તેના અભિનયને નિખારતાં તે ફિલ્મોની સુપરહિટ હિરોઈન બની ગઈ. પોતાની 24 વર્ષની કરિયરમાં કરીના હવે એટલી મોટી સ્ટાર બની ગઈ છે કે તે હીરો વગર પણ ફિલ્મને હિટ બનાવવાની તાકાત ધરાવે છે.

કરીના કપૂરે બોલીવુડની હિરોઈનોમાં થોડી જ ફિલ્મો કરીને પોતાનું સ્થાન બનાવ્યું હતું. કરીના કપૂરે પણ પોતાના અભિનય કૌશલ્યને વધુ પ્રભાવશાળી બનાવી અને 2004માં આવેલી ફિલ્મ ‘ચમેલી’માં પોતાના રોલથી લોકોના દિલ જીતી લીધા. આ પછી, કરીના કપૂર ધીમે ધીમે બોલિવૂડની રાણી બની ગઈ અને તેણે તેની સ્ટાર મોટી બહેન કરિશ્મા કપૂરના સ્ટારડમને પાછળ છોડી દીધી. કરીના કપૂરે તેની 24 વર્ષની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 74 થી વધુ ફિલ્મો અને વેબ સીરિઝમાં કામ કર્યું છે. કરીના કપૂરની ગણતરી આજે બોલિવૂડની ટોચની હિરોઈનોમાં થાય છે. કરિના કપૂરના 44માં જન્મદિવસ પર અમે તેમની 5 એવી ફિલ્મો જોઈ રહ્યા છીએ જે તેમને ખ્યાતિના વિશેષ સ્થાન પર લઈ ગઈ.

1-‘ચમેલી’: દિગ્દર્શક સુધીર મિશ્રાની ફિલ્મ ચમેલી કરીનાની શરૂઆતની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં કરીના કપૂરે સ્ટ્રીટ સ્માર્ટ સેક્સ વર્કરની ભૂમિકા ભજવી હતી. આ લેયર્ડ કેરેક્ટરમાં પણ કરીના કપૂરે લોકોના દિલ જીતી લીધા હતા. અહીંથી જ કરીનાને એક મહાન હિરોઈનની સાથે સારી અભિનેત્રીનો ટેગ પણ મળ્યો હતો. આ પછી કરીના કપૂરે ક્યારેય પાછું વળીને જોયું નથી અને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.

2-‘જબ વી મેટ’: ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘જબ વી મેટ’ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મની સાથે કરીના ફિલ્મ ‘ટશન’ પણ કરી રહી હતી, જેના પર તેનું સંપૂર્ણ ધ્યાન હતું. પરંતુ કરીનાને ક્યાં ખબર હતી કે જે ફિલ્મ પર તેણે ઓછામાં ઓછું ધ્યાન આપ્યું તે ફિલ્મ તેને આટલી પ્રસિદ્ધિ બનાવશે. જબ વી મેટ રિલીઝ થતાની સાથે જ સ્ક્રીન પર હિટ રહી હતી. આ ફિલ્મે ટશનને પાછળ છોડીને ઘણી કમાણી કરી અને કરીના કપૂરના પાત્રને કલ્ટ બનાવી દીધું. હવે આ પાત્રની ચર્ચા આજ સુધી થાય છે.

3-‘હીરોઈન’: ડિરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ હીરોઈન વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં કરીના કપૂરે આ સ્ટોરીમાં ગ્લેમરની દુનિયા પાછળનું સત્ય બતાવ્યું હતું. આ ફિલ્મમાં કરીના પણ હિરોઈનનો રોલ કરી રહી હતી. આ ફિલ્મમાં પણ કરીનાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

4-‘ઓમકારા’: દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઓમકારાની વાર્તા આજે પણ ભૂલાઈ નથી. 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ પણ કરીનાના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અજય દેવગન સાથે કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં કરીનાના ખૂબ વખાણ થયા હતા અને તેના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

5-‘ઉડતા પંજાબ’: નિર્દેશક અભિષેક ચૌબેની ફિલ્મ ‘ઉડતા પંજાબ’ લોકોને ઘણી પસંદ આવી હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી પણ કરી હતી. આ ફિલ્મમાં કરીના કપૂરે પણ પોતાની એક્ટિંગની કૌશલ્ય દેખાડી હતી. કરીના કપૂરની આ ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે.

Video: સુરતમાં કીમ નજીક મોટી રેલવે દુર્ઘટના ટળી

સુરત: છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. વધુ એક પ્રયાસ સુરતના કીમ નજીક કરવામાં આવ્યો છે. અહીં ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લી મળી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.કીમ નજીક ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું હતું. જો કે રેલવે વિભાગની સતર્કતાના લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી.

હવે અહીં સવાલ એ છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જો રેલવે વિભાગે સતર્કતા ન દાખવી હોત તો ભીષણ દુર્ઘટના બની હોત અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.