આધુનિક વિજ્ઞાન કહે છે કે રોગ બેક્ટેરિયા, વાયરસ, આનુવંશિક ખામી, પર્યાવરણ અથવા જીવનશૈલીના કારણે થાય છે. પરંતુ ભારતીય
ઋષિઓએ હજારો વર્ષ પહેલાં એક જુદી જ વાત કહી હતી.
તેમણે કહ્યું હતું:
“રોગ શરીરમાં જન્મતો નથી.
તે વિચારમાં જન્મે છે,
પછી જીવનમાં પ્રવેશે છે
અને અંતે શરીરમાં દેખાય છે.”
ભારતીય ગ્રંથોમાં રોગ માત્ર શારીરિક ઘટના નથી. રોગ એ બ્રહ્માંડના નિયમોથી વિમુખ થવાનું પરિણામ છે. જ્યારે વ્યક્તિ, સમાજ, પ્રકૃતિ અને બ્રહ્માંડ વચ્ચેનું સંતુલન તૂટે છે, ત્યારે રોગ જન્મે છે. પૃથ્વીની ઉત્પત્તિના પ્રારંભિક સમયમાં રોગને કોઈ સ્થાન નહોતું. માનવનું આયુષ્ય હજારો વર્ષનું હોવાનું વર્ણન મળે છે. શરીર તેજસ્વી હતું, મન શાંત હતું અને પ્રકૃતિ શુદ્ધ હતી. તો પછી એવું શું બદલાયું કે હજારો રોગો અને ચિકિત્સા પદ્ધતિઓનો વિકાસ થયો?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે દર્શાવેલ ઈ-મેઇલ પર જરૂરથી પૂછી શકો છો.
સવાલ: મને સતત કોઈનું કંઈક કરી નાખવાની ઈચ્છા થાય છે. પરંતુ મારા પતિ એનાથી પણ એક ડગલું આગળ છે. તેઓ સતત એ જાણવા પ્રયત્ન કરે છે કે કોણ તેમની પીઠ પાછળ શું બોલે છે. આ માટે તેઓ લોકોને એટલા પૈસા આપે છે કે ક્યારેક ઘરમાં જરૂરી ખર્ચ માટે પણ પૈસા બચતા નથી. પછી જેમની પાસેથી તેઓ માહિતી મેળવે છે, તેમને ધમકાવીને પૈસા પડાવવાનો પણ પ્રયાસ કરે છે.
આના કારણે મારો આઠ વર્ષનો દીકરો પણ મવાલી જેવી ભાષા બોલવા લાગ્યો છે. મને પણ નાની-નાની વાતમાં અકળામણ થાય છે. કોઈ વ્યક્તિ મારી સામે થોડું જુએ તો પણ એવું લાગે છે કે હવે મારા વિશે કંઈક બોલશે. ક્યારેક કોઈ કારણ વગર ગુસ્સો આવે છે અને સામેની વ્યક્તિને મારવાનું મન થાય છે.

લગ્ન પહેલાં હું આવી નહોતી. ક્યારેક તો મને ડર લાગે છે કે હું મારા પતિને જ નુકસાન ન પહોંચાડી બેસું. તેમણે ઘરમાં ચારેય બાજુ અવાજ રેકોર્ડ કરી શકે એવા કેમેરા લગાવી દીધા છે. હું કંઈ ખોટું કરીશ તો મારા પિયર પક્ષની આબરૂ જશે. મને બચાવો. અમારા ઘરના નૈરુત્ય ખૂણામાં ખાંચો હતો. કોઈની સલાહથી અમે તેને બંધ કરાવ્યો, પરંતુ ત્યારથી સમસ્યાઓ વધુ વધી છે.
જવાબ: આપના પતિના વર્તન પરથી એવું લાગે છે કે તેમને એવી માનસિક સમસ્યા હોઈ શકે છે, જેમાં વ્યક્તિને સતત એવું લાગતું રહે કે લોકો તેના વિશે ખરાબ વિચારે છે અથવા તેની વિરુદ્ધ કાવતરું કરે છે. તેમની આ નકારાત્મકતા ધીમે-ધીમે પહેલા આપમાં અને પછી આપના દીકરામાં પણ પ્રવેશી ગઈ હોય એવું લાગે છે. આજકાલ બાળકો દ્વારા માતા-પિતા સામે હિંસક વર્તનના કિસ્સા સાંભળીએ ત્યારે નવાઈ લાગે છે, પરંતુ ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ હોય તો બાળક પણ તે જ શીખે છે.
વળી, કોઈપણ વાસ્તુ ઉપાય વિચારી-વિમર્શ્યા વિના ન કરવા જોઈએ. નૈરુત્ય દિશા સ્વાભિમાન, સ્થિરતા, ઉગ્રતા અને કોર્ટ-કચેરી સંબંધિત બાબતો સાથે પણ જોડાયેલી માનવામાં આવે છે. તેથી તેમાં કોઈ ફેરફાર કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
આપના ઘરમાં અગ્નિ તત્ત્વ સંબંધિત દોષ પણ જણાય છે. ઉપરાંત ઈશાન ખૂણામાં ડક્ટ હોવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. આ કારણોસર પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસનો અભાવ ઊભો થતો હોય એવું માનવામાં આવે છે. આપના પતિના સ્વભાવને જોતા તેઓ સહેલાઈથી કોઈની વાતમાં વિશ્વાસ કરશે નહીં. તેમ છતાં, આપ ઘરના ઈશાન ખૂણામાં તુલસીનું વાવેતર કરી શકો છો.

ઘરની આસપાસ જો વાંસ, સપ્તપર્ણી અથવા કોનોકાર્પસ જેવા વૃક્ષો વાવેલા હોય તો કોઈ નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય વાસ્તુસંગત વનસ્પતિ વાવવી. કોઈનું અપમાન ન કરો. ઘરમાં મહામૃત્યુંજય જાપ કરાવો.
શક્ય હોય તો થોડા સમય માટે આપના પતિને ઘરથી દૂર કોઈ કાર્ય કે પ્રવાસ માટે મોકલવાનો વિચાર કરો. વ્યક્તિ એક મર્યાદા સુધી જ સહન કરી શકે છે. જો લાંબા સમય સુધી કોઈને ધમકી આપીને કે દબાણ કરીને પૈસા પડાવવાનો પ્રયત્ન કરવામાં આવે, તો ભવિષ્યમાં ગંભીર પરિણામો પણ આવી શકે છે.
સૂચન: વાસ્તુમાં બિનજરૂરી ફેરફારો ક્યારેક નકારાત્મક પરિણામો પણ લાવી શકે છે. દરેક ઘર માટે એકસરખા નિયમો લાગુ પડતા નથી. તેથી કોઈપણ ફેરફાર પહેલાં યોગ્ય માર્ગદર્શન લેવું જરૂરી છે.
Email: (આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)






