શંકેશ જ્વેલર્સ લિમિટેડનો IPO 18 ઓગસ્ટે ખૂલશે

મુંબઈઃ શંકેશ જ્વેલર્સ લિમિટેડનો IPO 18 ઓગસ્ટે ખૂલશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડિંગની તારીખ સોમવાર, 17 ઓગસ્ટ રહેશે, જ્યારે બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 20 ઓગસ્ટ રહેશે.  આ ઓફર માટે રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇઝ રેન્જ રૂ. 88થી રૂ. 93 નક્કી કરવામાં આવી છે. રોકાણકારો રૂ. પાંચની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 160 ઇક્વિટી શેર માટે બિડ કરી શકશે અને ત્યાર બાદ 160 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.

આ ઓફરમાં રૂ. 2742 મિલિયન સુધીની કુલ રકમના 2,94,82,000 સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ અને રૂ. 930 મિલિયન સુધીની કુલ રકમના 1,00,00,000 સુધીના ઇક્વિટીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આ OFSમાં શેર વેચનાર શેરધારકોમાં કાંતિલાલ ખીમરાજ જૈન દ્વારા 48,00,000 સુધીના ઇક્વિટી શેર અને મનોજ કાંતિલાલ જૈન  દ્વારા 52,00,000 સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

કંપનીનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ બીટુબી જ્વેલરી કંપની સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે હાથથી બનાવવામાં આવતી સોનાની જ્વેલરી અને તેમની જરૂરિયાત મુજબ જ્વેલરી તૈયાર કરવાની સેવાઓના વ્યવસાયમાં કાર્યરત છે. કંપની ડિઝાઇન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટથી લઈને તૈયાર જ્વેલરીની ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય કોન્ટ્રેક્ટર તરીકે કામગીરી કરે છે. તૈયાર જ્વેલરી સીધી ક્લાયન્ટ્સ સુધી પહોંચાડવામાં આવે છે, જેને કારણે તેમને સરળ અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા મળી રહે છે. કંપની ત્રણ દાયકાથી વધુ સમયથી હાથથી બનાવવામાં આવતી જ્વેલરીના ક્ષેત્રમાં વારસાગત અનુભવ અને નિપુણતા ધરાવે છે. કંપની દેશમાં બીટુબી ગ્રાહકો ધરાવે છે, જેમાં જ્વેલરી ક્ષેત્રે સ્થાપિત કોર્પોરેટ અને બિન-કોર્પોરેટ કંપનીઓનો સમાવેશ થાય છે. કંપનીના ગ્રાહકોમાં જોયલુક્કાસ, પી. એન. ગાડગિલ એન્ડ સન્સ, કલ્યાણ જ્વેલર્સ, પી. એન. ગાડગિલ જ્વેલર્સ, મનોજ વૈભવ જેમ્સ ‘એન’ જ્વેલર્સ, નોવેલ જ્વેલ્સ (આદિત્ય બિરલા ગ્રુપ), ભીમા જ્વેલરી મદુરાઈ, હરિ પ્રસાદ ગોપી કૃષ્ણ સરાફ પ્રા. લિ., ડી.પી. આભૂષણ, વૈશ્યરાજુ જ્વેલર્સ, ગજાનંદ જ્વેલરી માર્ટ, અરુંધતી જ્વેલર્સ, વર્મા જ્વેલર્સ અને શામ જ્વેલર્સ સહિત અન્ય ક્લાયન્ટ્સનો સમાવેશ થાય છે.

શંકેશ જ્વેલર્સે સતત કામગીરીમાંથી થતી આવકમાં વૃદ્ધિની સાથે નફાકારકતા પણ નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2026, 2025 અને 2024 દરમિયાન કંપનીએ અનુક્રમે 418, 457 અને 448 ગ્રાહકોને સેવા પૂરી પાડી હતી. આ જ સમયગાળા દરમિયાન કામગીરીમાંથી કંપનીની આવક અનુક્રમે રૂ. 16,307 મિલિયન, રૂ. 14,038 મિલિયન અને રૂ. 10,617 મિલિયન રહી હતી. આ આંકડા નાણાકીય વર્ષ 2026માં આવકમાં વાર્ષિક ધોરણે 16.17 ટકા અને નાણાકીય વર્ષ 2025માં 32.21 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.