ગિફ્ટ  સિટીમાં 50,000થી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓની સંભાવના

અમદાવાદઃ  બહુરાષ્ટ્રીય કંપનીઓ પરંપરાગત મેટ્રો શહેરોની બહાર પણ પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી રહી છે ત્યારે અમદાવાદ અને  ગિફ્ટ (GIFT) સિટી દેશના આગામી તબક્કાના એન્ટરપ્રાઇઝ વિસ્તરણ માટે સૌથી આશાસ્પદ સ્થળોમાંથી એક તરીકે ઊભરી રહ્યું છે.  દેવ એક્સલરેટર લિ. (Dev Accelerator Limited -DevX) અને રિયલ એસ્ટેટ સર્વિસિસ કંપની એનારોક દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા અમદાવાદ ન્યુ ફેઝ ઓફ અર્બન એન્ડ GCC ગ્રોથ નામના અહેવાલ અનુસાર આગામી વર્ષોમાં અમદાવાદ-ગિફ્ટ સિટી કોરિડોરમાં 40-50 નવાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) આવી શકે છે. તેનાથી 40-60 લાખ ચોરસ ફૂટ ગ્રેડ A ઓફિસ સ્પેસની માગ ઊભી થવાની અને 50,000થી વધુ હાઈ-સ્કિલ્ડ નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે. આ વિકાસ અમદાવાદ-ગિફ્ટ સિટીને દેશના સૌથી ઝડપથી વિકસતા કોમર્શિયલ અને ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાંના એક તરીકે વધુ મજબૂત બનાવશે.

અહેવાલમાં એન્ટરપ્રાઇઝ કંપનીઓની ઓફિસ અને બિઝનેસ લોકેશન પસંદ કરવાની વ્યૂહરચનામાં મોટા માળખાકીય પરિવર્તન તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. બેંગલુરુ, હૈદરાબાદ અને NCR દેશના સૌથી મોટા GCC હબ તરીકે હજુ પણ અગ્રેસર છે, પરંતુ વધતી જતી ભીડ અને ઊંચા ખર્ચને કારણે કંપનીઓ હવે આ પરંપરાગત ટિયર-1 શહેરોની બહાર હબ-એન્ડ-સ્પોક મોડલ અપનાવી રહી છે. હાલમાં દેશમાં 1700થી વધુ GCCs કાર્યરત છે, જેમાં લગભગ 19 લાખ પ્રોફેશનલ્સ કામ કરે છે. વર્ષ 2030 સુધીમાં GCCsની સંખ્યા 2400થી વધુ થવાની ધારણા છે. આ સ્થિતિ અમદાવાદ જેવા ઉભરતા બિઝનેસ ડેસ્ટિનેશન્સ માટે વિકાસની મોટી તક ઊભી કરે છે. દેશના પ્રથમ ઓપરેશનલ International Financial Services Centre (IFSC) તરીકે GIFT સિટીના ઉદયને કારણે અમદાવાદ આ વૃદ્ધિના આગામી તબક્કામાં નોંધપાત્ર હિસ્સો મેળવવા માટે મજબૂત સ્થિતિમાં છે.

હાલમાં અમદાવાદમાં લગભગ 2.6 કરોડ ચોરસ ફૂટ ગ્રેડ A ઓફિસ સ્પેસ ઉપલબ્ધ છે, જ્યારે ગિફ્ટ સિટીમાં વધુ 41 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ છે. આ વિસ્તારને વૈશ્વિક સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુકૂળ નિયમનકારી નીતિઓ અને બહુરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ, ટેક્નોલોજી કંપનીઓ તથા કન્સલ્ટિંગ ફર્મ્સ તરફથી વધતી માગનો લાભ મળી રહ્યો છે. DevXના મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ ઉત્તમચંદાનીએ અહેવાલ અંગે જણાવ્યું હતું કે ભારતની GCC ઇકોસિસ્ટમ હવે પરંપરાગત મેટ્રો શહેરોની બહાર વિસ્તરી રહ્યું છે. આજે વૈશ્વિક કંપનીઓ લોકેશનની પસંદગી માત્ર ખર્ચને આધારે નહીં, પરંતુ કુશળ ટેલેન્ટ સુધી પહોંચ, ઓપરેશનલ સ્થિરતા અને લાંબા ગાળે વિસ્તરણ કરવાની ક્ષમતાના આધારે કરી રહી છે. આ માળખાકીય પરિવર્તન એવાં શહેરો માટે નવી તકો ઊભી કરી રહ્યું છે, જે માત્ર ઓછા ઓપરેટિંગ ખર્ચને બદલે સંતુલિત ઇકોસિસ્ટમ પૂરી પાડી શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ અને ગિફ્ટ સિટી દેશના સૌથી મજબૂત ઉભરતા એન્ટરપ્રાઇઝ કોરિડોરમાં સ્થાન ધરાવે છે. અમદાવાદમાં આશરે 90,000થી 95,000 ટેક્નોલોજી પ્રોફેશનલ્સનો ટેલેન્ટ પૂલ છે. ઉપરાંત, IIM અમદાવાદ, IIT ગાંધીનગર સહિતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય એન્જિનિયરિંગ તથા મેનેજમેન્ટ કોલેજોમાંથી દર વર્ષે લગભગ 55,000થી 60,000 ગ્રેજ્યુએટ્સ બહાર આવે છે.