મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યના સાયબર વિભાગે કથિત ગેરકાયદે બાઈક ટેક્સી સેવા ચલાવવાને મામલે મોટું પગલું ભરતાં એપલ અને ગૂગલને નોટિસ ફટકારી છે. વિભાગે બંને કંપનીઓને રાઇડ-હેલિંગ એપ્સ ઉબેર- Uber, ઓલા- Ola અને રેપિડો- Rapidoને તેમના એપ સ્ટોરમાંથી દૂર કરવાની માગ કરી છે. આ પગલાથી રાજ્ય સરકાર દ્વારા એગ્રિગેટર આધારિત દ્વિચક્રી ટેક્સી સેવાઓ સામેની કાર્યવાહી વધુ તેજ બની છે. મહારાષ્ટ્ર સાયબર કચેરીના વધારાના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરાયેલી 15 મેએ નોટિસમાં માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000ની કલમ 79 (3) (b)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નોટિસમાં કંપનીઓને આ એપ્લિકેશનોને એપલ (Apple એપ) સ્ટોર અને ગૂગલ (Google) પ્લે સ્ટોર પરથી દૂર કરીને નિષ્ક્રિય કરવાની સૂચના આપવામાં આવી છે.
આ કાર્યવાહી મહારાષ્ટ્રના પરિવહનપ્રધાન પ્રતાપ સાર્નિક દ્વારા 12 મેએ સાયબર વિભાગને લખાયેલા પત્ર બાદ શરૂ કરવામાં આવી હતી. આ પત્રમાં રાજ્યમાં ચાલી રહેલા બાઈક ટેક્સી પ્લેટફોર્મ્સ સામે હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર વિભાગે એપલ અને ગૂગલને મોકલેલી નોટિસમાં જણાવ્યું હતું કે આ એપ્લિકેશનો મારફતે સંચાલિત બાઈક ટેક્સી સેવાઓ ગેરકાયદે છે અને હાલના કાનૂની તેમ જ નિયમનકારી માળખાનું ઉલ્લંઘન કરે છે. આ નોટિસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્લેટફોર્મ્સ યોગ્ય પરવાનગીઓ અને સરકારી મંજૂરીઓ વગર તેમ જ પરિવહન વિભાગ દ્વારા નક્કી કરાયેલા નિયમો અને મોટર વાહન અધિનિયમની જોગવાઈઓનું પાલન કર્યા વગર મુસાફરોને પરિવહન સેવા આપી રહ્યા છે.
આ નોટિસમાં મુસાફરોની સુરક્ષાને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે ડ્રાઇવરોની યોગ્ય ચકાસણી, વીમા સુરક્ષા, મહિલાઓની સલામતી માટેના પગલાં અને ઇમરજન્સી સહાય પ્રણાલી ખૂબ નબળી અને અપૂરતી છે. નોટિસ અનુસાર તાજેતરમાં એક ગંભીર ઘટના સામે આવી હતી જેમાં આ એપ્સમાંથી એક દ્વારા સંચાલિત બાઈક ટેક્સી સેવાને કારણે એક મહિલાનું દુઃખદ મોત થયું હોવાનો આરોપ છે. આ મામલે ફોજદારી કેસ પણ નોંધાયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રભરમાં આવા ઘણા કેસ નોંધાયેલા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નોટિસમાં એપલ અને ગૂગલને ચેતવણી આપવામાં આવી હતી કે ભારતીય કાનૂની અમલવારી એજન્સીઓના આદેશોનું પાલન ન કરવાથી માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ અને ઇન્ટરમિડિયરી લાયબિલિટી નિયમો હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.




