Home Blog Page 53

લાડુ વિવાદ પછી 34,000 મંદિરો માટે સરકારનો નવો આદેશ

બેંગલુરુઃ તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘીમાં પ્રાણીઓની ચરબી મળવાની વાતથી દરેક જણ ચિંતિત છે. તેને હિંદુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ વિવાદ બાદ હવે કર્ણાટક સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે એક આદેશ જારી કર્યો છે, જેમાં રાજ્યના મંદિર તંત્ર એકમના અંતર્ગત આવતી તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના નવા આદેશ અનુસાર તેના અધિકાર વિસ્તારના અંતર્ગત આવતાં તમામ મંદિરોને મંદિરના અનુષ્ઠાનો, જેમ કે દીવો પ્રગટાવવો, પ્રસાદ તૈયાર કરવો અને ‘દસોહા ભવન’ (જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે)માં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવો પડશે.

સરકારે મંદિરના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તે ધ્યાન રાખે કે પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવામાં આવે. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ તમામ સૂચિત મંદિરોમાં, સેવાઓ, દીવાઓ અને તમામ પ્રકારની પ્રસાદની તૈયારી અને દસોહા ભવનમાં (ભક્તોને અપાતા ભોજનના ભવનમાં) માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ આદેશ તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીના ઉપયોગને લઈને થયેલા મોટા વિવાદ બાદ આવ્યો છે. આની વ્યવસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે.

CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા. તિરુપતિ મંદિરમાં દૈનિક ધોરણે ત્રણ લાખ લાડુ બને છે.

CM આતિશીએ મંત્રીઓના વિભાગો વહેંચ્યા

દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ બાદ કોને કયું મંત્રાલય આપવામાં આવશે તે ચિત્ર શનિવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું. સીએમ સહિત તમામ મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

સીએમ આતિશી પાસે સૌથી વધુ મંત્રાલય હશે. તેમની પાસે કુલ 13 મંત્રાલયો છે જેમાં નાણા અને મહેસૂલ જેવા મહત્વપૂર્ણ વિભાગો પણ સામેલ છે. તેમના પછી સૌરભ ભારદ્વાજ પાસે આઠ મંત્રાલય છે, ગોપાલ રાયને ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. કૈલાશ ગેહલોત પાસે પાંચ વિભાગ છે. ઈમરાન હુસૈનને બે વિભાગ અને મુકેશ અહલાવતને પાંચ વિભાગો સોંપવામાં આવ્યા છે.

ચાર મંત્રીઓના મહત્વના વિભાગોમાં કોઈ ફેરફાર નહીં

સૌરભ ભારદ્વાજને ફરી એકવાર આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગોપાલ રાય પહેલાની જેમ જ પર્યાવરણ મંત્રી રહેશે. કૈલાશ ગેહલોત પણ પહેલાની જેમ ટ્રાન્સપોર્ટ વિભાગ સંભાળશે. ઈમરાન હુસૈનને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ જ્યારે શ્રમ, રોજગાર અને એસસી/એસટી વિભાગ મુકેશ અહલાવતને સોંપવામાં આવ્યો છે.

આતિશી (CM)

1.જાહેર બાંધકામ વિભાગ
2. વીજળી
3. શિક્ષણ
4.ઉચ્ચ શિક્ષણ
5.તાલીમ અને ટેકનિકલ શિક્ષણ
6.જાહેર સંબંધો
7. આવક
8. ફાઇનાન્સ
9. આયોજન
10. સેવા
11. તકેદારી
12. પાણી
13. કાયદો, ન્યાય અને કાયદાકીય બાબતોનો વિભાગ

સૌરભ ભારદ્વાજ (મંત્રી)

1.શહેરી વિકાસ
2.સિંચાઈ અને પૂર નિયંત્રણ
3.આરોગ્ય
4.ઉદ્યોગ
5. કલા, સંસ્કૃતિ અને ભાષા
6. પ્રવાસન
7.સામાજિક કલ્યાણ
8. સહકાર

ગોપાલ રાય (મંત્રી)

1.વિકાસ
2.સામાન્ય વહીવટ વિભાગ
3.પર્યાવરણ, વન અને વન્યજીવન

કૈલાશ ગેહલોત (મંત્રી)

1.પરિવહન
2. વહીવટી સુધારા
3. માહિતી અને ટેકનોલોજી
4. ગૃહ
5. મહિલા અને બાળ વિકાસ

ઈમરાન હુસૈન (મંત્રી)

1.ખાદ્ય અને પુરવઠો
2.ચૂંટણી

મુકેશ અહલાવત (મંત્રી)

1.ગુરુદ્વારા ચૂંટણી
2.SC અને ST
3.જમીન અને મકાન
4. મજૂરી
5. રોજગાર

ભારત જીતથી છ વિકેટ દૂરઃ બંગલાદેશ 158-4

ચેન્નઈઃ ચેન્નઈમાં રમાઈ રહેલી ભારત અને બંગલાદેશ ચેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓછા પ્રકાશને કારણે મેચ 40 મિનિટ પહેલાં ખતમ થઈ હતી. બંગલાદેશની ટીમે 515 રનના લક્ષ્યનો પીછો કરતાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. કેપ્ટન નજમૂલ હુસૈન શાંટો 51 અને શાકિબ અલ હસન પાંચ રન બનાવીને ક્રીઝ પર ઊભા છે. ભારતને જીત માટે છ વિકેટની જરૂર છે.

આ પહેલાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ગુમાવીને 287 રને દાવ ડિકેલેર કરવામાં આવ્યો હતો. હજી બંગલાદેશને જીતવા માટે 357 રનોની જરૂર છે. બીજી ઇનિંગ્સમાં અશ્વિને ચારમાંથી ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહને એક વિકેટ મળી હતી.આ પહેલાં બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી.

પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.

બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંત સાથેના સંબંધો પર મૌન તોડ્યું

એક સમયે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય એ વાતની પુષ્ટિ કરી ન હતી કે બંને રિલેશનશિપમાં છે. ઉર્વશીએ ઘણી વખત આરપી નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરપી બીજું કોઈ નહીં પરંતુ ઋષભ પંત છે. હવે તેણે ફરી એકવાર આરપી વિશે વાત કરી છે.

ઉર્વશી રાઉતેલા

એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીને પૂછવામાં આવ્યું કે આ આરપી કોણ છે? આ જોઈને હસતાં હસતાં તેણે કહ્યું, તમને લાગે છે કે તે કોણ છે” તેણીએ આગળ કહ્યું, મને ખબર નથી કે આરપી કોણ છે. હાલમાં મારો સંબંધ માત્ર મારા કામ સાથે છે અને હું માત્ર કામ પર જ ધ્યાન આપી રહી છું. હું જે પણ કરી રહી છું, મારે તેમાં મારી જાતને સમર્પિત કરવી પડશે અને મારું 100 ટકા આપવું પડશે. આ સિવાય જે પણ જાહેરાત હશે તે તમને જલ્દી મળી જશે.

જ્યારે તેણીએ તેના સંબંધના સ્ટેટસ વિશે ખુલ્લેઆમ કંઈપણ જાહેર કર્યું ન હતું, ત્યારે તેણીને પૂછવામાં આવ્યું હતું કે શું સમજી લેવું જોઈએ કે ઉર્વશી સિંગલ છે. આના પર તેણીએ કહ્યું, તમે જે પણ માનો છો, તમે તેના પર વિશ્વાસ કરી શકો છો, પરંતુ અત્યારે હું મારા કામને ડેટ કરી રહી છું.

મ્યાનમારથી મણિપુરમાં 900 કુકી ઉગ્રવાદીઓ ઘૂસ્યા

નવી દિલ્હીઃ મ્યાનમારથી મણિપુરમાં જંગલયુદ્ધ અને હથિયાબંધ ડ્રોનના ઉપયોગના તાલીમાર્થી 900 કુકી ઉગ્રવાદીઓની ચેતવણી આપવામાં આવી છે, એમ મણિપુર સરકારના સુરક્ષા સલાહકારે જણાવ્યું હતું.

મણિપુર સરકારના સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં વ્યૂહાત્મક ઓપરેશન જૂથોની બેઠક યોજાઈ હતી. તેમાં આર્મી, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ વિશે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે?

કુકી ઉગ્રવાદીઓને 30-30 સભ્યોના જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને તેઓ હાલ અલગ-અલગ ભાગોમાં વહેંચાઈ ગયા છે. તેઓ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં મૈતેઇ ગામો પર હુમલા કરે એવી શક્યતા છે, એમ જાસૂસી સૂત્રોએ કહ્યું હતું.

મણિપુર પોલીસને થોડા દિવસો પહેલાં ઈન્ટેલિજન્સ તરફથી એક ઇનપુટ મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમાર (મણિપુર કુકી ઇમિગ્રન્ટ્સ મ્યાનમાર)થી મણિપુરમાં પ્રવેશ્યા છે. આ મામલાને લઈને મ્યાનમારની સરહદે આવેલા પહાડી જિલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

ઈન્ટેલિજન્સ ઈનપુટની કોપી 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પોલીસ મહાનિર્દેશક, સુરક્ષા સલાહકાર અને ગૃહ કમિશનરને મોકલવામાં આવી હતી. આ પછી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે 18 સપ્ટેમ્બરે સ્ટ્રેટેજિક ઓપરેશન ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં આર્મી, આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઈન્ટેલિજન્સ ઈનપુટ પર ચર્ચા થઈ હતી.

રાજ્યમાં પહેલી સપ્ટેમ્બરથી ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં મૈતેઈ બહુમતી વિસ્તારમાં આશરે 50,000 લોકો વિસ્તાપિત થયા છે અને અત્યાર સુધી 220થી વધુ લોકોનાં મોત થયાં છે.

 

આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ શનિવારે રાજ નિવાસ ખાતે આયોજિત એક સાદા કાર્યક્રમમાં આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા, આ સાથે આતિશી દિલ્હીની ત્રીજી અને સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી બની ગઈ છે.

અગાઉ, 17 સપ્ટેમ્બરના રોજ, અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી સંબંધિત એક કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ભારતે વિદેશી સંપત્તિમાં ઈતિહાસ રચ્યો

ભારત શેરબજારમાં સતત ઈતિહાસ રચતો જોવા મળી રહ્યો છે. ભારતના સેન્સેક્સ અને નિફ્ટીની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બજારોમાં પણ થઈ રહી છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પણ સતત ઇતિહાસ રચતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર 700 અબજ ડોલરથી માત્ર 10 અબજ ડોલર ઓછો છે. જો નિષ્ણાતોનું માનીએ તો આગામી થોડા અઠવાડિયામાં દેશનું ફોરેક્સ રિઝર્વ $700 બિલિયનના સ્તરને પાર કરી શકે છે. જોકે, ફોરેક્સ રિઝર્વમાં સતત 5માં સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં લગભગ 20 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.

માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં પણ વધારો જોવા મળ્યો છે. સતત 8મા સપ્તાહે તેમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનનું કુલ ફોરેક્સ રિઝર્વ લગભગ 15 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે, જે પડોશી દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા સમાચાર છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ભારત અને પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં કેવા પ્રકારના આંકડા જોવા મળ્યા છે.

ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ સ્તરે

13 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડારમાં $223 મિલિયન કરોડનો વધારો થયો છે અને તે $689.46 બિલિયનની નવી જીવનકાળની ટોચે પહોંચી ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $5.248 બિલિયન વધીને $689.235 બિલિયન થઈ ગયો હતો. સતત 5માં સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 19.40 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. હવે દરેકની નજર 700 અબજ ડોલરના આંકડા પર ટકેલી છે. નિષ્ણાતોના મતે, 700 અબજ ડોલરના આંકડાને સ્પર્શવા માટે, દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને 10 અબજ ડોલરની જરૂર છે, જે આગામી 4 અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલે આંબરડી સફારી પાર્કમાં કર્યા સિંહ દર્શન

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં રૂ. 272 કરોડના વિવિધ વિકાસલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહર્ત કર્યા હતા. અને ત્યારબાદ અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કની નિરીક્ષણ મુલાકાત લઈને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળવાનો રોમાંચ અનુભવ્યો હતો. ગીરના પૂર્વ વિસ્તારમાં ધારી નજીક વન વિભાગે આ આંબરડી સફારી પાર્ક 2017થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો છે. આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ, વેઈટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી પ્રવાસન વિકાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબરડી ખાતે સૌ પ્રથમ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે ગીરમાં સિંહના ઉદભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજીટલ પ્રસ્તુતિ નિહાળી હતી. એટલું જ નહિ, સાંભર બ્રિડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી. ત્યારબાદ તેમણે આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માટેના રૂટ પર પ્રાકૃતિક વૈભવ સાથે એશિયાટિક લાયનના વન વિચરણ નિહાળવાનો રોમાંચક અનુભવ પણ કર્યો હતો. આ આંબરડી સફારી પાર્ક પૂર્વીય ગીરના લાક્ષણિક ટેકરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ૩૬૫ હેક્ટરમાં નિર્માણ કરવામાં આવેલો છે. સાસણગીર વિસ્તારના દેવળીયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક સિંહદર્શન માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે.

ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો આ સફારી પાર્ક એશિયાટિક લાયન ઉપરાંત ઝરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર જેવા વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે પણ વનવિચરણનું આકર્ષણ કેન્દ્ર છે. આ ઉપરાંત આ સફારી પાર્કમાં શ્વેતનયના, રાજાલાલ, બુલબુલ, લટોરા, શક્કરખોરા અને તેતર જેવા વિવિધ પક્ષીઓ અને ગીધ, શકરો અને મધીયો બાજ જેવા શિકારી પક્ષીઓ પણ આકાશમાં મુક્તપણે ઉડતા જોવા મળે છે. સાથોસાથ ઘો, અજગર, કેમેલીયોન અને અન્ય સરિસૃપો આ વિસ્તારને ખરા અર્થમાં જૈવવૈવિધ્યપૂર્ણ બનાવે છે.

હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજયમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. અગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 25, 26 અને 27મી સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હળવા વરસાદની આગાહી છે. 23મી સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને લઈ વરસાદ પડવાની સંભાવના છે. જેના પરિણામે રાજ્યના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

સાઉથની આ જાણીતી અભિનેત્રીનું નિધન, કેન્સરે લીધો જીવ

મુંબઈ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક દિગ્ગજ અભિનેત્રીએ સિનેમા જગતને અલવિદા કહી દીધું છે. પીઢ મલયાલમ અભિનેત્રી કવિયુર પોન્નમ્માનું નિધન થયું છે. વરિષ્ઠ અભિનેત્રી લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેણીએ 79 વર્ષની વયે દેહ છોડ્યો. કવિયૂર પોન્નમ્માએ કેરળના કોચીમાં અંતિમ શ્વાસ લીધા. કેરળના સીએમ પિનરાઈ વિજયન ઉપરાંત મલયાલમ સ્ટાર અને દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને તેમના ઇન્સ્ટાગ્રામ પર સ્વર્ગસ્થ કલાકારનો ફોટો શેર કર્યો અને સિનેમામાં તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. કવિયુર પોન્નમ્માના નિધનથી મનોરંજન જગત સાથે જોડાયેલા લોકોને આઘાત લાગ્યો છે.

સીએમ પિનરાઈ વિજયને કવિયૂર પોન્નમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કવિયૂર પોન્નમ્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું, ‘માતા તરીકેની ભૂમિકાઓ દ્વારા મલયાલીઓના દિલ જીતનાર કવિયુર પોન્નમ્માના નિધન પર હું ઊંડો શોક વ્યક્ત કરું છું. તેમની લાંબી કલાત્મક કારકિર્દી માત્ર સિનેમા પુરતી જ સીમિત ન હતી પરંતુ તે થિયેટર અને ટેલિવિઝન સુધી પણ વિસ્તરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,’તેમના નિધન સાથે મલયાલમ સિનેમા અને થિયેટરના ઈતિહાસમાં એક ગૌરવશાળી અધ્યાયનો અંત આવ્યો છે. જો કે, તેણી તેના યાદગાર પાત્રો દ્વારા મલયાલીઓના હૃદયમાં રહેશે. હું આ મુશ્કેલ સમયે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું.’

કેરળના સંસ્કૃતિ મંત્રી સાજી ચેરિયનએ પણ કવિયૂર પોન્નમ્માના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણીએ તેણીને એક અભિનેત્રી તરીકે યાદ કરી જેણે તેણીની આઇકોનિક માતાની ભૂમિકાઓ દ્વારા મલયાલીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. તે જ સમયે સિનેમા અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પીઢ અભિનેત્રીની તસવીર શેર કરી અને તેના નિધન પર શોક વ્યક્ત કર્યો. કવિયુરે તેની અભિનય કારકિર્દી થિયેટરથી શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે 1000 ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણી મલયાલમ ફિલ્મોમાં મોહનલાલ, નસીર અને મામૂટી જેવા કલાકારોની માતાની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.

વર્ષો સુધી સિનેમા-ટેલિવિઝન જગત પર રાજ કર્યું
કવિયુર પોન્નમ્માએ તેમની લાંબી કારકિર્દી દરમિયાન એકવાર નહીં પરંતુ ચાર વખત કેરળ રાજ્ય પુરસ્કાર જીત્યો હતો. તે ‘થનિયાવર્તનમ’, ‘ભારતમ’ અને ‘સુકૃતમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ પટકથા લેખક મનિસ્વામી સાથે લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી બિંદુ છે. તેમની નોંધપાત્ર ફિલ્મોમાં ‘અસુરવિથુ’, ‘વેલુથા કથરિના’, ‘કરકનાકદલ’, ‘તીર્થયાત્રા’, ‘નિર્મલ્યમ’, ‘ચેંકોલ’, ‘ભારતમ’, ‘સંથાગોપાલમ’, ‘સુકૃતમ’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેણીએ આઠ ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પોતાનો અવાજ પણ આપ્યો હતો અને 25થી વધુ ટેલિવિઝન શોમાં જોવા મળી હતી.