Home Blog Page 496

સરદાર પટેલની 150મી જયંતીઃ લોહ પુરુષને PM મોદીનું નમન

વડોદરાઃ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપ વડા પ્રધાન  અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ખાસ છે, કારણ કે એ સરદાર પટેલની 150મી જયંતી છે. આ અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં હાજરી આપી હતી.

પરેડમાં 16 ટુકડીઓ સામેલ

રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં BSF, CRPF અને વિવિધ રાજ્ય પોલીસ દળોની ટુકડીઓ ભાગ લઈ રહી છે. પરેડમાં સામેલ તમામ ટુકડીઓને મહિલા અધિકારીઓ દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF અને સરહદ સુરક્ષા દળ સહિત કુલ 16 ટુકડીઓ ભાગ લઈ રહી છે.

આ કાર્યક્રમમાં CRPF અને BSFના એ જવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે જેમને શૌર્ય ચક્ર અને બહાદુરી પદક એનાયત કરવામાં આવ્યા છે. આ જવાનોએ નક્સલ અને આતંકવાદવિરોધી ઓપરેશનોમાં અસાધારણ સાહસ દેખાડ્યું હતું.

PM મોદીએ લોહ પુરુષને આપી શ્રદ્ધાંજલિ

ભારત સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જયંતી પર શ્રદ્ધાંજલી અર્પિત કરે છે. તેઓ ભારતના એકીકરણ પાછળની પ્રેરક શક્તિ હતા અને આપણા દેશનાં પ્રારંભિક વર્ષોમાં તેના ભાગ્યનું નિર્માણ કરવામાં અગ્રેસર રહ્યા હતા. રાષ્ટ્રીય અખંડિતતા, સુશાસન અને જનસેવા પ્રત્યેની તેમની અવિચળ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. આપણે એક અખંડ, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના તેમના વિઝનને જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થશે ભવ્ય કાર્યક્રમ

આ વર્ષે સરદાર પટેલની 150મી જયંતી 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગરમાં વિશેષ કાર્યક્રમો સાથે મનાવવામાં આવશે, જે રાષ્ટ્ર નિર્માણની તેમની વારસાગત કાર્ય માટે યાદગાર શ્રદ્ધાંજલી રૂપ સાબિત થશે. સાંસ્કૃતિક પરેડ, રાજ્યોની ઝાંખીઓ અને 900થી વધુ કલાકારોના પ્રદર્શન વડે તે વિચારને ઉજવવામાં આવશે કે ભારતની શક્તિ તેની વૈવિધ્યતા અને અનેક સ્વરમા એકતા છે.

સરદાર પટેલની  જયંતીના પૂર્વસંધ્યાએ PM મોદીએ ગુરુવારે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવી 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી.

સરદાર પટેલના પરિવારજનો સાથે PM મોદીની મુલાકાત

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીના મુખ્ય કાર્યક્રમ પહેલાં PM મોદીએ કેવડિયામાં તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

દિવાળીના દિવસોમાં બુઝાયા તેજસ્વી દીવડા…

પ્રકાશપર્વના દિવસોમાં મહાભારતના કર્ણ પંકજ ધીર, અસરાની, સતીશ શાહ અને એડમેન પીયૂષ પાંડે… આપણે ગુમાવ્યા. અને, વેબસિરીઝ ‘જામતારા’ની સેકન્ડ સીઝનના યુવા, આશાસ્પદ કલાકાર સચીન ચાંદવડેએ આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો. ઓહ મેન, પચીસ એ કંઈ મરી જવાની ઉંમર નથી.

20 ઓક્ટોબરે 84 વર્ષની વયે આ દુનિયામાંથી ફાઈનલ એક્ઝિટ લેનારા ગોવર્ધન કુમાર અસરાની ઉમદા અભિનેતા હતા. જેટલી સહજતાથી એ કોમેડી કરતા એટલી સહજતાથી ગંભીર ભૂમિકા પણ ભજવતા. ડિરેક્ટર તરીકે અડધો ડઝન ફિલ્મ એમના નામે બોલે છે, જેમાં ‘અમદાવાદનો રિક્ષાવાળો’ (ગુજરાતી), ‘ચલા મુરારિ હીરો બનને,’ ‘સલામ મેમસાબ,’ વગેરે પ્રમુખ છે. અદાકાર તરીકે એમની છેલ્લી બે ફિલ્મ ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ ટૂંક સમયમાં રિલીઝ થશે.

અસરાની યાદ રહેશે એમના અમર પાત્ર ‘શોલે’ના તુંડમિજાજી, પણ ડરપોક જેલરના કિરદાર માટે. ‘શોલે’ માટે સલીમ-જાવેદે એમને બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલર કેવો દેખાતો એ એમને સમજાવેલું. અનેક પુસ્તકો બતાવેલાં. તે વખતના ફિલ્મસ્ટાર્સનાં કપડાં તૈયાર કરતા મુંબઈના પ્રખ્યાત ટેલર ‘કચીન્સ’ના અખ્તરભાઈએ એમનો જેલરનો પોશાક (યુનિફોર્મ) તૈયાર કર્યો, પ્રસિદ્ધ હેરસ્ટાઈલિસ્ટ કબિરે વાળ-મૂછ તૈયાર કર્યા… આ બધું જોઈને અસરાનીને આશ્ચર્ય થતું. વર્ષો પહેલાં અંધેરીના એક સ્ટુડિયોમાં અસરાનીજી સાથે ટોક-વિધિન-ટોકમાં શોલેના જેલરના કેરેક્ટર વિશે વાત નીકળતાં એમણે મને કહેલું, “ફિલ્મમાં મારા ત્રણેક સીન હતા. એ માટે રમેશ સિપ્પી-સલીમ-જાવેદને આટલી જહેમત ઉઠાવતા જોઈને હું વિચારતો, આ લોકો બી કમાલ છે. આટલા નાના રોલ માટે આટલી માથાકૂટ?”

પછી તો અસરાનીજીને પણ તાન ચડી. પુણેની ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ’માં એ ભણતા ત્યારે એક પ્રોફેસરે હિટલરની સ્પીચ વિશે લેક્ચર આપેલું એ યાદ કર્યું. હિટલર એકદમ ઊંચા અવાજે એમની સ્પીચની શરૂઆત કરતા, ધીરે ધીરે વધારે હાઈ પીચ પર જતા. અસરાનીએ પોતાના સંવાદમાં હાઈ પીચ ઉમેરી. હોલિવૂડની ‘ધ ગ્રેટ રેસ’ ફિલ્મમાં એક્ટર જેક લેમન જે રીતે હા…હા કરીને હસતા એ હાસ્ય ઉમેર્યું. પરિણામ? આ જમાનામાં પણ યાદ રહેતા અંગ્રેજોના જમાનાના અમર જેલર.

-અને સતીશ રવિલાલ શાહ. 1980ના દાયકામાં એમનો પહેલપરથમ પરિચય થયો. દર શુક્રવારે સાંજે એ ટેલિવિઝન-સ્ક્રીન પર દેખાતા ‘યે જો હૈ જિંદગી’માં. બાવન એપિસોડ્સમાં એમણે 64 પાત્રો ભજવેલાં. ક્યારેક તો એક એપિસોડમાં એ બે-ત્રણ ભૂમિકામાં દેખાતા. આ કોમિક જિનિયસ માટે અભિનેતા નસીરુદ્દીન શાહ કહેલું કે “સીન-સંવાદમાં તત્કાળ સુધારાવધારા (ઈમ્પ્રુવાઈઝેશન) કરવામાં સતીશનો જોટો ન જડે. આવા કલાકાર બહુ ઓછા જોવા મળે.” આ એટલા માટે સાચું છે કેમ કે સિરિયલના કલાકારો (શફી ઈનામદાર-સ્વરૂપ સંપટ-રાકેશ બેદી-સતીશ શાહ), વગેરે સેટ પર પહોંચતાં તે પછી લેખક શરદ જોશીનાં સ્ક્રિપ્ટ-ડાયલોગ્સ આવતાં. સતીશભાઈને દર અઠવાડિયે બદલાતાં પાત્રો વચ્ચે ઝડપથી ઈમ્પ્રુવાઈઝ કરવું પડતું.

જો કે આ સિરિયલ પહેલાં એમની કુંદન શાહ દિગ્દર્શિત ‘જાને ભી દો યારો’ આવી ગયેલી. એમાં એ ભ્રષ્ટ મ્યુનિસિપલ કમિશનર ડિમેલો બનેલા. મૃત બનીને સતીશભાઈ ફિલ્મને જીવંત કરી દીધેલી. ડિરેક્ટર કુંદન શાહે કહેલું, “ડિમેલો લાશ હોવા છતાં પ્રેક્ષકને હસાવતા! અને, લાશ હોવા છતાં સિચ્યુએશન પ્રમાણે એ હાવભાવ ચેન્જ કરતા.” સતીશભાઈની પ્રતિભાની પિછાણ કરવાનું શ્રેય ‘યે જો હૈ…’ના સહદિગ્દર્શક સ્વ. કુંદન શાહને મળે. એ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં સતીશભાઈના સહપાઠી રહી ચૂકેલા.

મૂળ માંડવીના કચ્છી વેપારી પરિવારમાં સતીશભાઈનો જન્મ. બાળપણથી જ ગીત-નૃત્યમાં રસ અને મંચનો મોહ. સેન્ટ ઝેવિયર્સમાં શબાના આઝમી, ફારુક શેખ જેવા પ્રતિભાશાળી સાથીઓની સાથે ભણતાં રંગભૂમિનો પરિચય થયો. પછી એફટીઆઈઆઈમાં મેરિટ સ્કોલરશિપ સાથે અભિનયનો અભ્યાસ. ‘યે જો હૈ…’ બાદ 1990ના દાયકામાં સતીશભાઈની બે મસ્ત સિરિયલ આવીઃ ‘ફિલ્મી ચક્કર અને ઘર જમાઈ.

રસપ્રદ વાત એ કે  ‘યે જો હૈ…’ના મુખ્ય સ્પોન્સર બનવા માટે વિક્કો લેબોરેટરીઝ સાથે મહત્વની મિટિંગ હતી ત્યારે દિગ્દર્શક મંજુલ સિંહા એમની સાથે સતીશભાઈને લઈ ગયેલા. સતીશભાઈએ કંપનીના કર્તાહર્તા આગળ સિરિયલનાં કથા-કથાનકની એવી આબેહૂબ રજૂઆત કરી કે પ્રોજેક્ટ મંજૂર. ત્યારે જ મંજુલ સિંહાને ખ્યાલ આવી ગયો કે ‘યે જો હૈ…’નો આત્મા સતીશ શાહ છે.

1990ના દાયકા બાદ સતીશભાઈ મોટા પરદા પર ચાલ્યા ગયા ને એમાં કમાલ બતાવી. 2004માં જમનાદાસ મજીઠિયા-જેડી અને આતિશ કાપડિયા, દેવેન ભોજાણીની સિરિયલ સારાભાઈ વર્સીસ સારાભાઈ આવે છે અને ‘યે જો હૈ…’ની જેમ એમાં પણ સતીશભાઈ છવાઈ જાય છે. અલબત્ત, અપાર લોકપ્રિયતાને વરેલી આ સિરિયલમાં ઈન્દ્રવદન સારાભાઈ ઉપરાંત સાહિલ-મોનિશા-રોસેશ-મધુસૂદન ફુઆજી, બધાં જ પાત્રોએ કમાલ બતાવેલી, પણ ઈન્દ્રવદન એટલે ઈન્દ્રવદન.

હિંદી સિનેમામાં 1950નો દાયકામાં જોની વોકર, 1960ના દાયકામાં કિશોરકુમાર, મહેમૂદ, 1970ના દાયકામાં અસરાની, જગદીપ, પેન્ટલ પછી ખાલીપો સર્જાયેલો એ સતીશ શાહના આગમનથી ભરાઈ ગયેલો. એમનાથી હિન્દી ફિલ્મોમાં આવેલો હાસ્યનો નવયુગ 2014માં આથમી ગયો. સાજિદ ખાન દિગ્દર્શિત રેઢિયાળ ‘હમશકલ્સ’માં એમણે કામ કર્યું. રિલીઝ બાદ એમણે વિષાદ વ્યક્ત કર્યોઃ “આ ફિલ્મમાં જે કોમેડી રજૂ કરવામાં આવી એ જોતાં મને લાગે છે કે હવે સિનેમામાં મારે કામ ન કરવું જોઈએ… કરીશ તો મારી શરતે.” તે પછી એ 2017માં ‘સારાભાઈ વર્સીસ સારાભાઈની બીજી સીઝનમાં આવ્યા.

સંયોગથી 1972માં અસરાનીએ ‘બાવર્ચી’માં જે સ્ટ્રગલર સંગીતકાર બબ્બુનું પાત્ર ભજવેલું એ જ પાત્ર સતીશભાઈએ ‘બાવર્ચીથી પ્રેરિત ‘હીરો નંબર વન’માં ભજવેલું. બન્ને ઉમદા કલાકારે પાંચ જ દિવસના ગાળામાં એક્ઝિટ લીધી. પચીસ ઓક્ટોબરે 74 વર્ષી સતીશભાઈ ઘરમાં જ કાર્ડિયાક અરેસ્ટથી ફસડાઈ પડ્યા. તત્કાળ એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ ત્યાં એમનું અવસાન થયું.

-અને છેલ્લે ઍડમૅન પીયૂષ પાંડે. જે જમાનામાં જાહેરખબરો લખનારા બહુધા ફોરેનથી ભણીને આવેલા હતા ને અંગ્રેજીમાં ગોટપીટ કરતા એ જમાનામાં પીયૂષ ભરાવદાર રાજસ્થાની મૂછોને તાવ દઈને માટીની મહેંક જેવી હિંદીમાં જાહેરખબર લખતા. આ પરંપરા એમણે છેક સુધી જાળવી રાખી. યાદ કરો, ‘ખુશ્બૂ ગુજરાત કી…’ (ગુજરાત ટૂરીઝમ) ‘દો બૂંદ જિંદગી કે…’ (પોલિયો)… ‘દિલ કા જોડ હૈ… તૂટેગા નહીં’ (ફેવિકોલ)… ‘કુછ મીઠા હો જાયે’ (કેડબરી), વગેરે. વિશ્વવિખ્યાત વિજ્ઞાપન કંપની ‘ઓગિલ્વી ઈન્ડિયા’ના ચીફ ક્રિયેટિવ ઓફિસર અને ચેરમેન પીયૂષજીએ દેશબાંધવોને એકતાંતણે જોડતું શૌર્યગાન ‘મિલે સૂર મેરા તુમ્હારા’ પણ રચેલું.

અલવિદા, યારો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૩૧ ઑક્ટોબર ૨૦૨૫

Chitralekha Gujarati – 10 November, 2025

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

સકારાત્મક ઉર્જા માટે વાસ્તુના સાચા નિયમોનું પાલન જરૂરી…

દિવાળીમાં દીવાતો પ્રગટ્યા પણ ઠેર ઠેર આગ પણ લાગી. શું કુદરત કોઈ સંદેશ તો નથી આપી રહી ને? વૃક્ષોમાં જીવ છે એ વાત સર્વ પ્રથમ વેદોમાં લખાઈ. વળી એ વાતને શોધવાનો દાવો પણ એક ભારતીયના જ નામે છે. વૃક્ષો કાપવાથી જાણે સંતોષ ન થયો હોય એમ માણસ એના પર જાત જાતની લાઈટો લગાવીને ભવ્યતા અનુભવે છે. વૃક્ષોમાં જીવ છે તો એને ગરમી લાગવાની જ છે. શું કોઈ માણસની આસપાસ આવી લાઈટો લગાવીએ તો સહન કરી શકશે? સંવેદના વિહીન માણસ અને પશુમાં ખાસ અંતર નથી હોતું. જાહેરમાં કોઈની હત્યા થાય અને હજારો લોકો માત્ર તમાસો જોયા કરે ત્યારે આ વાતની પુષ્ટી થાય છે. માણસના બદલાતા સ્વભાવનું કારણ એની નકારાત્મક ઉર્જા છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડ છુ. અત્યંત સારી રીતે ઉછેર થયો. અચાનક એક સંજોગોના કારણે પરિવારને નિભાવવાની જવાબદારી મારા ઉપર આવી ગઈ. માત્ર સત્તર વરસની ઉમરે મારે ગુજરાત આવી અને કામ શોધવું પડ્યું. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. મારી ટ્રાન્સફર થઇ. અત્યારે જે જગ્યાએ છુ ત્યાં બધા જ ખોટા કામ ચાલે છે. કમિટી વાળા જ ગાર્ડની મદદથી આ બધું કરે છે. આ પહેલા ક્રિકેટના સટ્ટા માટે, ડ્રગ્સ માટે, દેહ વ્યાપાર માટે અહી રેડ પડી જ હતી. નાના બાળકોનું શારીરિક શોષણ કરતા પણ લોકો પકડાયા હતા. પણ બધું ઠેરનું ઠેર છે.

મારા બિલ્ડીંગમાં છઠા માળ પર છ છોકરીઓ રાત્રે જાત જાતના લોકોને બોલાવે છે. એમને રોકવા એ મારી ફરજ છે. આ પહેલા પણ એક ભૂરા રંગની ગાડીમાં એક યુગલને મેં નિવસ્ત્ર હાલતમાં પકડ્યા હતા. રાત્રે બાર વાગ્યા પછી બેઝમેન્ટમાં દારૂની ફેરી પણ થાય જ છે. આ બધું ન થાય એ જોવાની મારી ફરજ છે. એક રાત્રે બે માણસો હથિયાર લઈને છઠા માળે જતા હતા. મેં એમને રોક્યા તો અમારા સુપરવાઈઝરે મને નોકરી છોડી દેવા કહીને પેલા લોકોને જવા દીધા. પછી એમણે જતી વખતે મને સમજાવ્યું કે આ બધું ચેરમેનના તાબામાં જ છે. અને સુપરવાઈઝર એમનો એજન્ટ છે. મેનેજર ને ફરિયાદ કરી પછી તો મારો પગાર પણ ન આપવા સુધી વાત જતી રહી. સામી દિવાળીએ ઘરે જવાબ શું આપું? અમારી સોસાયટીના એક કામવાળા બહેનને પણ તમે સુચન આપ્યું હતું. નાનો માણસ છુ. શું કરું?

જવાબ: ખુમારીથી જીવવું એ જ જીવન છે. તમારી પેઢીમાં તમારા જેવી વ્યક્તિ છે એ સાચેજ ગર્વનો વિષય છે. તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યા તમારે લાયક નથી. વળી આવા માફિયા જ્યાં કમિટીમાં હોય અને લોકો એમને સહન કર્યા કરતા હોય એ જગ્યાએ કામ ન જ કરાય. તમારી બધી જ વાતો અહી લઇ નથી શકાઈ પણ આ સોસાયટી એ ગુન્હાખોરીનું કેન્દ્ર છે. જ્યાં વાડ જ ચીભડા ગળે ત્યાં બીજી શું અપેક્ષા હોય? તમારે ત્યાં અમુક મેમ્બર્સ પોતેજ દેહવ્યાપારમાં સંડોવાયેલા છે તેથી એમને તમે નડશો જ. એમને તો સોસાયટીમાં જ બધી સગવડ મળે છે. વળી એનાથી સોસાયટીનું વાતાવરણ બગડે છે એ પણ કોઈને સમજાતું નથી. સમાજની અવદશાનું કારણ સમાજ પોતે જ છે.

તમે તમારા પગારની માંગણી માટે અડગ રહો. એજેન્સીને કહોકે તમને કોઈ અન્ય જગ્યાએ મૂકી દે. અથવાતો બીજી નોકરી શોધી લો. તમે તમારા પરિવારનો આધાર છો એ વાત પણ યાદ રાખવી જરૂરી છે. પણ હા એના માટે ખોટા કામમાં ભાગીદાર ન જ થવાય. માણસ જે કરે છે એના કર્મની જવાબદારી એની પોતાની જ છે. એ વાત વાલ્મીકી ઋષિ જયારે વાલિયા હતા ત્યારની વાતમાં સ્પષ્ટ સમજાવી છે. કોઈના પાપમાં ભાગીદાર ન થવાય. શિવ પૂજાથી આપનું મનોબળ મજબુત થશે. ઈશ્વરના દરબારમાં બધા સમાન જ છે. તમારી ઉમર નાની છે પણ વૈચારિક રીતે તમે મોટા માણસ છો.

સુચન: જે સોસાયટીમાં ડ્યુટી પરના ગાર્ડ તમાકુ ખાતા હોય કે પગ ટેબલ ઉપર ચડાવીને બેઠા હોય એ સોસાયટી નકારાત્મક ગણી શકાય. જ્યાં અનુશાશન ન હોય એવી જગ્યા ભલે સુંદર હોય પણ ત્યાં ન જ રહેવાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ભારત 8 વર્ષ પછી મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક એવો ચમત્કાર કર્યો છે જેની બહુ ઓછા લોકોએ અપેક્ષા રાખી હશે. ભારતે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરની 89 રનની ઇનિંગ અને જેમીમા રોડ્રિગ્સની સદીને કારણે ભારતે 339 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ભારતે 9 બોલ બાકી રહેતા 5 વિકેટે મેચ જીતી લીધી. ભારત માટે આ જીત ચમત્કારથી ઓછી નથી, કારણ કે ઓસ્ટ્રેલિયા 8 વર્ષ પછી વર્લ્ડ કપ મેચ હારી ગયું છે અને પહેલી વાર કોઈ ટીમે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આટલો મોટો રન ચેઝ કર્યો છે.

જેમીમા રોડ્રિગ્સ વિજયની સુપરસ્ટાર બની

ભારતની જીતની સૌથી મોટી સ્ટાર જેમીમા રોડ્રિગ્સ હતી, જેમણે સેમિફાઇનલમાં 127 રનની અણનમ ઇનિંગ રમી હતી. જમણા હાથની આ બેટ્સમેન ૧૩૪ બોલનો સામનો કરી અને ૧૪ ચોગ્ગા ફટકાર્યા, જેનો સ્ટ્રાઇક રેટ ૯૪.૭૮ હતો. જેમીમા બીજી ઓવરમાં ક્રીઝ પર આવી કારણ કે ભારતે શેફાલી વર્માને વહેલા ગુમાવી દીધી. ત્યારબાદ જેમીમાએ આવીને બોલિંગ શરૂ કરી. પહોંચ્યા પછી તરત જ, તેણે સિંગલ્સ અને ડબલ્સ ફટકાર્યા, સાથે કેટલીક શાનદાર બાઉન્ડ્રી પણ ફટકારી. તેણે ૫૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, ૧૧૫ બોલમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું. આ ખેલાડીએ આ વર્ષે ત્રણ ODI સદી ફટકારી છે, જે ત્રણેય છે. તેણે હરમનપ્રીત કૌર સાથે સદીની ભાગીદારી કરી, જેણે ભારતને ફાઇનલમાં પ્રવેશ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. જેમીમાને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.

હરમનપ્રીત કૌરે પણ પોતાની તાકાત બતાવી

કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. હરમનપ્રીતે ૬૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછી ૧૦૦ થી વધુના સ્ટ્રાઇક રેટથી ૮૯ રન બનાવી, શોટ્સનો મારો ચલાવ્યો. આ નોકઆઉટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે સતત ત્રીજી અડધી સદી હતી.

ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલિયાને હરાવીને, ભારતે એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. ભારત મહિલા વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ લક્ષ્યનો પીછો કરનારી ટીમ બની. ઓસ્ટ્રેલિયાએ અગાઉ આ જ વર્લ્ડ કપમાં ભારત સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. આ વિજય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઓસ્ટ્રેલિયા આઠ વર્ષમાં પહેલીવાર વર્લ્ડ કપ મેચ હારી ગયું. ઓસ્ટ્રેલિયાએ સતત 15 મેચ જીતી હતી, અને ભારતે આ જીતનો સિલસિલો રોકી દીધો.

CBSE બોર્ડની 10મી અને 12મી પરીક્ષાનું ફાઈનલ તારીખપત્રક જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2026ની ધોરણ 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓની અંતિમ તારીખપત્રક જાહેર કરી છે. પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે. બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલ પરીક્ષાના સમયપત્રક અનુસાર, બંને વર્ગોની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.

CBSE બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને તારીખપત્રક ચકાસી શકે છે. CBSE ની 10મી અને 12મી પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે. ધોરણ 10મી પરીક્ષાઓ 10 માર્ચ, 2026 થી શરૂ થશે અને ધોરણ 12મી પરીક્ષાઓ 9 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થશે. ધોરણ 10મી અને 12મી પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે સમાપ્ત થશે.

ધોરણ 10મી તારીખમાં ફેરફાર

CBSE એ ધોરણ 10મી પરીક્ષાની તારીખોમાં સુધારો કર્યો છે. ઘણા વિષયોની પરીક્ષાની તારીખો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. ગૃહ વિજ્ઞાનનું પેપર 26 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ખસેડવામાં આવ્યું છે. ભાષાની પરીક્ષાઓ હવે 23 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. ફ્રેન્ચ ભાષાની પરીક્ષા 10 માર્ચે લેવામાં આવશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેરફારો

CBSE 2026 થી બોર્ડ પરીક્ષાઓમાં એક મોટો ફેરફાર લાગુ કરી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની ભલામણોના આધારે, 2026 માં ધોરણ 10 માટે બે બોર્ડ પરીક્ષાઓ યોજાશે. આનાથી વિદ્યાર્થીઓને તેમના પ્રદર્શનમાં સુધારો કરવાની અને પરીક્ષાનો તણાવ ઓછો કરવાની બીજી તક મળશે.

 

જસ્ટિસ સૂર્યકાંત આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત

જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર, 2025 થી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેશે. તેઓ દેશના 53મા CJI હશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કેન્દ્ર સરકારને તેમની નિમણૂકની ભલામણ કરી હતી. ત્યારબાદ, રાષ્ટ્રપતિએ તેમના નામાંકનને મંજૂરી આપી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે આ અંગે એક સંદેશ પોસ્ટ કર્યો.

પોતાની પોસ્ટમાં, અર્જુન રામ મેઘવાલે લખ્યું, “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતને 24 નવેમ્બર, 2025 થી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. હું તેમને મારા હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.”

વર્તમાન સુપ્રીમ કોર્ટના CJI બીઆર ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ગવઈએ આગામી CJI તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતની ભલામણ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે, અને હવે તેઓ 24 નવેમ્બરના રોજ ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. તેઓ 9 ફેબ્રુઆરી, 2027 સુધી આ પદ સંભાળી શકશે.
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો હતો. તેમણે હિસારની સરકારી અનુસ્નાતક કોલેજમાંથી સ્નાતક થયા હતા અને 1984માં રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. એક તેજસ્વી શિક્ષણવિદ, ન્યાયાધીશ સૂર્યકાંત કાયદામાં કારકિર્દી બનાવવામાં રસ ધરાવતા હતા.

ટ્રમ્પના નવા નિયમથી હજારો ભારતીયોની નોકરીઓ પર અસર પડશે

ફરી એકવાર, અમેરિકામાં રહેતા અને કામ કરતા ભારતીય વ્યાવસાયિકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. H-1B વિઝા કટોકટી બાદ, અમેરિકામાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે હજારો ભારતીયોની નોકરીઓ જોખમમાં મૂકી શકે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જારી કરાયેલ આ નિયમ આજથી, 30 ઓક્ટોબર, 2025 ના રોજ અમલમાં આવશે.

આ નવો નિયમ શું છે?

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, EAD (રોજગાર અધિકૃતતા દસ્તાવેજ) નું સ્વચાલિત વિસ્તરણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે જો કોઈ વિદેશી નાગરિકનું EAD સમયસર રિન્યુ કરવામાં નહીં આવે, તો તેઓ હવે યુએસમાં કામ કરવાનું ચાલુ રાખી શકશે નહીં. અત્યાર સુધી, વિદેશી કામદારો 540 દિવસ સુધી કામ કરી શકતા હતા જ્યારે તેમની EAD રિન્યુઅલ અરજી પેન્ડિંગ હતી, પરંતુ હવે આ વિશેષાધિકાર દૂર કરવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિની નવીકરણ અરજી સમયસર મંજૂર ન થાય, તો તેમણે તાત્કાલિક કામ બંધ કરવું પડશે. આ નવા નિયમ હેઠળ, વિદેશીઓએ હવે વારંવાર ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પહેલાં, એક જ અરજી દ્વારા લાંબા ગાળાની પરમિટ આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમણે દરેક વખતે નવીકરણ પ્રક્રિયા અગાઉથી પૂર્ણ કરવી પડશે.

DHS એ જણાવ્યું હતું કે વિદેશી નાગરિકોએ તેમના EAD સમાપ્ત થાય તે પહેલાં ઓછામાં ઓછા 180 દિવસ પહેલાં અરજી કરવી જોઈએ, જેથી વિલંબથી તેમના રોજગાર પર અસર ન પડે.